ઘાટકોપરમાં કૂતરાનું બચ્ચું અને પોપટ બતાવવાના બહાને સાત વર્ષના ગુજરાતી બાળક સાથે દુષ્કર્મ

Published: 3rd January, 2021 09:44 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ બાબતે બાળકનાં માતા-પિતાએ સાકીનાકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-વેસ્ટમાં રહેતા સાત વર્ષના ગુજરાતી બાળકને કૂતરાનું બચ્ચું અને પોપટ બતાવવાના બહાને નાના છોકરાની જાતીય સતામણી તેમની બાજુમાં રહેતા પાડોશી રાજેશ કુવસકરે કરી હતી. નાના બાળકે જ્યારે પોતાની સાથે થયેલા ગેરવર્તન બાબતે વિગતવાર તેની ફઈને કહ્યું અને ફઈએ બાળકની માતાને સંપૂર્ણ ઘટના કહી ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબતે બાળકનાં માતા-પિતાએ સાકીનાકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.

મારા નાનકડા બાળક કે જેને હજી તો પૂરતી સમજણ પણ નથી એની સાથે થયેલાં ગેરવર્તનને કારણે અમે મનથી ભાંગી પડયા છીએ કેમ કે અમારી જ પાડોશમાં રહેનારા જેને મારો બાળક મામા કહેતો એમણે મારા બાળકની જાતીય સતામણી કરી એ અમારા માટે આઘાતજનક છે એમ કહેતાં બાળકની માતાએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  મારી નણંદ સાથે મારા બાળકે વિડિયો અને ફોટો જોતાં ડરતા-ડરતા તેની સાથે થયેલા ગેરવર્તન બાબતે કહ્યું કે હું મેદાનમાં રમતો હતો ત્યારે આપણી બાજુમાં રહેતા મામાએ મને કહ્યું કે ચાલ બેટા તને મારા એક મિત્રના ઘરે કૂતરાનું પિલ્લુ અને પોપટ છે એ બતાવવા લઈ જાઉં, એમ કહીને મને પીલ્લુ અને પોપટ બતાવ્યું, એ કહેતા જ મારો દીકરો અટકી ગયો અને ડરવા લાગ્યો હતો ત્યારે મારી નણંદે એને કહ્યું કે બેટા ડર નહીં શું થયું બોલ, ત્યારે ધ્રૂજતા સ્વરે તે બોલ્યો હતો કે મને ઘરની અંદર લઈ ગયા, ત્યાં મારા અને મામા સિવાય કોઈ નહોતું.

મામા મારા કપડા કાઢીને મને ચુંબન આપવા લાગ્યા અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હું બહુ ડરી ગયો હતો. મેં મામાને કહ્યું કે મને ઘરે જવા દો, પરંતુ મામા મને છોડવા તૈયાર નહોતા. થોડીવાર પછી મામાએ મને કપડાં પહેરાવીને છોડી દીધો હતો. આ આખી ઘટના મારી નણંદે અમને કહી ત્યારે બહુ આઘાત લાગ્યો હતો અને મારા દીકરા સાથે કે બીજા કોઈ સાથે ફરી વખત કોઈ ગેરવર્તન ન થાય એ માટે અમે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. પોલીસે આરોપી રાજેશ કુવસકરને કોર્ટમાં હાજર કરતાં છ તારીખ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK