જીવનભરની કીર્તિ એક જ ભૂલ ધોઈ નાખે છે

Published: 27th October, 2012 06:54 IST

મારી પાસેની જબ્બર લાઇબ્રેરીનાં પચીસ રૂપિયાથી ૩૦ લાખનાં પુસ્તકોમાં છ એન્સાઇક્લોપીડિયા પણ રાખવા પડ્યા છે.(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

The reputation of a thousand years may depend upon the conduct through a single moment
- Ernest Bramah

એનું એક કારણ ‘મિડ-ડે’ના તંત્રી રાજેશ થાવાણીની સૂચનાથી જોડાયેલું છે. દાખલા તરીકે મેં ઉપરના અંગ્રેજી સૂત્રમાં અર્નેસ્ટ બ્રામાહનું નામ લખ્યું છે તો એ નામ ઘણા એન્સાઇક્લોપીડિયામાં નથી. હું આવાં સૂત્ર લખું ત્યારે રાજેશ થાવાણી મને સૂચવતા કે આ અર્નેસ્ટ બ્રામાહ કોણ છે એ પણ સંક્ષેપમાં જણાવો. ત્યારથી હું સૂત્ર લખનારને પૂરો ન જાણું તો સૂત્ર લખતો નથી. પ્રથમ ઉપરના સૂત્રનો ભાવાર્થ લખી પછી ડૉ. અર્નેસ્ટ બ્રામાહ વિશે જણાવું; કારણ કે તે જાણવા, માણવા અને અનુસરવા જેવો માણસ છે એવું ઇન્ટરનેટને ફંફોળતાં જાણવા મળ્યું. અર્નેસ્ટ બ્રામાહે ઉપર લખ્યું છે એ આજના સંદર્ભમાં અરવિંદ કેજરીવાલથી માંડીને શરદ પવાર અને સ્વ. પ્રમોદ મહાજનને પણ લાગુ પડે છે. તેમની એક ભૂલ થકી તે વગોવાઈ ગયા છે, પણ આપણે તેને પડતા મૂકીએ. તમે જિંદગીભર પ્રામાણિક રહી એક ભૂલ કરશો નહીં. ડૉ. અર્નેસ્ટ બ્રામાહે ઉપર કહ્યું છે કે આખી જિંદગી તમે સંયમ નિયમ સાથે રહો અને પ્રતિષ્ઠા મેળવો ત્યારે લોકોને તમારા પ્રત્યે માન વધે છે. દા.ત. તમે પત્રકાર હો તો તમારી ક્રેડિબિલિટી-વિશ્વસનીયતા વધે છે, પણ એક વખત કોઈની શેહમાં તણાઈને સત્તાધારીને ખુશ કરવા કંઈ ખોટાં વખાણ છાપી નાખો તો તમારી વરસોની કીર્તિ પર કે ક્રેડિબિલિટી પર પાણી ફરી જાય છે. માટે સાવધાન! જગતના લોકો તમારી એક પણ ભૂલ માફ કરવા તૈયાર નથી.

હવે આ અર્નેસ્ટ બ્રામાહ કોણ છે એ જાણીએ. ૨૦ માર્ચ ૧૮૬૮માં જન્મેલા તે અંગ્રેજ લેખક છે જેની ૨૧ બુકો પ્રગટ થઈ છે. તે માણસ વિચિત્ર સ્વભાવનો હતો. એકલો રહેતો. તેની માન્યતા હતી કે દુનિયા સાથેના લોકો સાથે વધુપડતી મેલજોલ તમને ખાડામાં નાખે છે. તેણે તેની એકલતામાં ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો. આજે અમુક કૉમ્યુનિટીના લોકો દોસ્તોના ટોળામાં, કૉકટેલ પાર્ટી કે બીજાં જમણો કે અવસરો અને ઉજવણીઓ, બર્થ-ડે પાર્ટી કે લગ્નદિવસની પાર્ટી વગેરેમાં ખોવાઈ જાય છે; પણ અર્નેસ્ટ બ્રામાહ તો એકાંતમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, કાનૂન, ફિલસૂફી, તંત્રવિદ્યા અને ખાસ તો જ્યોતિષનું અંકશાસ્ત્ર વગેરેનો ખૂબ અભ્યાસ કરી એમાં પારંગત બન્યા. ૨૧મી સદીમાં તમારે જીવવા માટે ઘણા વિષયો જાણવા પડશે.

બચપણમાં તે મૅન્ચેસ્ટરના ગામડામાં ખેતી કરતાં શીખ્યા. દરમ્યાન તે ‘બર્મિંગહામ ન્યુઝ’ને ગામડાના સમાચાર મોકલતા. (હું ઝાંઝમેરની પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે ‘ભાવનગર સમાચાર’ નામના અઠવાડિકને પોસ્ટકાર્ડમાં ૭ વર્ષની ઉંમરે ગામડાના સમાચારો મફતમાં મોકલતો!) જ્યારે બ્રામાહે ખેતીવાડીમાં પૈસા ગુમાવ્યા ત્યારે તેના પિતાએ કહ્યું કે હવે તું ફુલટાઇમ પત્રકાર બની જા અને લેખક બનીને કુટુંબનું પોષણ કર. આમ જ્યારે સંયોગો પાછળ પડે છે ત્યારે એક સાદા રર્પિોટરમાંથી માણસ ફિલસૂફીનો લેખક બને છે અને જો તમે જ્યૉર્જ ઑર્વેલનું ભાવિ ભાખતું પુસ્તક ‘નાઇન્ટીન એઇટી ફોર’ વાંચ્યું હોય તો બ્રામાહના જ્યોતિષકથન પરથી એ લખ્યું હતું. બ્રામાહે એક સરસ ચેતવણી આપેલી. કોઈ દુષ્ટ માણસ તમારાં વખાણ કરે કે તમારા પર કૃપા કરે તો એ વખાણ કે દાન સ્વીકારશો નહીં. આવી વાતને આપણા સંસ્કૃત કવિવૃંદે સરળ ભાષામાં કહી છે.

દુર્જન કી કરુણા બુરી

ભલો સજ્જન કો ત્રાસ

સૂરજ જબ ગરમી કરે

તબ બરસન કી આસ.

આ દુહો જો અરવિંદ કેજરીવાલે સાંભળ્યો હોત તો ૧૦૦-૧૦૦ ટીવી કૅમેરાવાળાથી ભરમાઈ ગયા ન હોત. ટીવીવાળા ચડાવે છે એટલા જ જલદીથી પાડે છે. સાવધાન!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK