માનવોના જીવનનું અંતિમ ધ્યેય

Published: 6th October, 2012 06:53 IST

નવરાત્રિ આવી રહી છે એ નિમિત્તે મારે ફરી-ફરી યાદ કરાવવું છે.(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

ૐ ઐં આત્મતત્વં શોધયામિ નમ: સ્વાહા

ૐ હ્રીં વિદ્યાતત્વં શોધયામિ નમ: સ્વાહા |

ૐ ક્લીં શિવતત્વં શોધયામિ નમ: સ્વાહા

ૐ ઐં હ્રીં ક્લીં સર્વતત્વ શોધયામિ

નમ: સ્વાહા ||


તમે મંદિર, મસ્જિદ, ચર્ચ કે નવરાત્રિમાં દુર્ગાદેવીની પૂજા કરો ત્યારે કંઈ ન માગો; પણ જીવનમાં આવનારા પડકારોને પહોંચી વળવાની માત્ર પૂરક એનર્જી માગો - ઊર્જા માગો, શક્તિ માગો અને કૌવત માગો. આપણે જોકે ઈશ્વર અગર દેવીના અંશ જ છીએ. આપણને માગ્યા વગર જન્મતાંવેંત જ શક્તિના ભંડાર આપ્યા છે. એને વધુ કેળવવાના છે, ઈષ્ર્યા કરવામાં કે વેર વાળવામાં વેડફવાના નથી.

એકવીસમી સદીમાં ઇન્ફોટેક, સાઇબર જ્ઞાન, રોબોટ યંત્રો વગેરે મગજશક્તિમાંથી પેદા થયું છે; પણ એ મગજને પણ ઘણી શક્તિની જરૂર છે. એ મગજને સ્વસ્થ કે તેજસ્વી રાખવા શરીરને પણ સ્વસ્થ રાખવું પડશે. કૂવામાં હશે તો જ અવાડામાં આવશે. શરીર, પેટ કે આંતરડાંમાં કચરો હશે તો મગજમાં આવશે. માટે નવરાત્રિમાં તો જન્ક ફૂડ અને રેંકડીના સ્વાદિષ્ટ અને હાનિકારક નાસ્તાથી દૂર રહો એવું હું વારંવાર કહીશ. શ્રદ્ધાળુઓ શ્રાવણમાં જ નહીં, નવરાત્રિમાં દેવીને ભજીને ઉપવાસ કરે છે. એ સાથે નવરાત્રિમાં ગરબા-રાસ રમીને ભક્તિરસ સાથે રોમૅન્સ રસ ભેળવીને આનંદ કરે છે. બહુ યોગ્ય છે.

માનવીના વિચારો સદીઓથી કેવા એકબીજા સાથે જોડાયેલા છે એનો દાખલો ચંડીપાઠના શ્લોકો ગાતાં પહેલાં જે શ્લોક બોલાય છે એમાં આપ્યો છે. તમે ઉપરના શ્લોકમાં ઓમ આત્મતત્વ શોધયામિ... એ શબ્દો વાંચ્યા. એટલે દેવીની પ્રાર્થના વખતે માનવી અબળખા રાખે કે અમારું અંતિમ ધ્યેય આત્મતત્વ શોધવાનું રહે. જીવનમાં આપણે વિદ્યાતત્વ શોધીએ, શિવતત્વ શોધીએ - કલ્યાણકારી તત્વ શોધીએ અને સર્વતત્વ પછી આખરે આત્મતત્વ શોધવાનો જિંદગીનો આખરી મકસદ હોય છે.

ટેલિફોનની શોધ કરનારો ઍલેકઝાન્ડર ગ્રેહામ બેલ ૩૦ની વયે તો સફળતાની ટોેચે હતો. તેણે પોતાની તમામ શોધ અને ઉપલબ્ધિનો યશ તેની પત્નીને આપેલો. ઍલેકઝાન્ડર ગ્રેહામ બેલે કહેલું કે મારી પ્રેરણાદાતા મારી પત્ની છે. એ રીતે આપણે સમગ્ર નારી જગતનો આ તબક્કે આભાર માનવો જોઈએ. તમારી પત્નીને તમારે શક્તિરૂપે જોઈને તેને માન આપવાનું છે અને નારીએ પણ આજે યાદ રાખવું જોઈએ કે તેના પર જબ્બર જવાબદારી છે. તેણે દેવી તત્વ વિકસાવીને પરમશક્તિ બનવાનું છે. નવરાત્રિ દરમ્યાન શક્તિની ઉપાસનાને આપણે ચારિત્ર્યની ઉપાસનામાં ફેરવી નાખીએ. નવરાત્રિને માત્ર નર્યા રોમૅન્સનો મોકો નહીં, પણ આપણી શક્તિને કોન્સોલિડેટ કરવાનો એટલે કે તમામ શક્તિને એકત્ર કરીને નવપલ્લવિત કરવાનો મોકો ગણજો. તેથી વહેલાસર યાદ આપું છું. રિહર્સલનાં ઢોલનગારાં તો આનંદ કરાવે છે જ. હું આ નવરાત્રિ કે ગણેશપૂજાને ‘ઘોંઘાટ’  ગણતો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK