શિયાળાની લાંબી રાતો, દર્દને મ્હાણવાની રાતો!

Published: 1st December, 2012 08:19 IST

કવિ સુરેશ દલાલે ભારતભરની કવિયત્રીઓને ન્યાય આપ્યો છે. એમાં યાદ કરેલાં કવિયત્રી અમૃતા પ્રીતમ; તે તો જાણે પીડા, વિરહ, પ્રેમમાં પછડાટ, એકલતા એવી બધી જ વાતો કવિતામાં કહે છે.(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

રાત મેરી

મેરી રાત જાગ રહી હૈ તેરા ખ્યાલ સો ગયા

સૂરજ કા પેડ ખડા થા કિસીને કિરણેં તોડલી

ઔર કિસીને ચાંદ કા ગોટા આસમાન સે ઉથેડી દિયા

કિસી કી નીંદ કો સપનોં મેં ક્યા બુલાવા દિયા

સિતારે ખડે રહ ગયે આસમાનને દરવાજા બંદ કર દિયા

મેરે ઇશ્ક કે જખ્મ તેરી યાદને સિયે થે

આજ મૈંને ટાંકે ખોલકર વહ ધાગા તુઝે લૌટા દિયા

તેરે ઇશ્ક કી પાક કિતાબ કિતની દર્દનાક હૈ

આજ મૈંને ઇન્તજાર કા સફા ઇસમેં સે ફાડ દિયા

- અમૃતા પ્રીતમ

વાચક કહેશે કે આજકાલ જિંદગીમાં દુ:ખ-દર્દ ઓછાં છે કે તમે પ્રેરણાની કટારમાં દર્દની વાત કરો છો? અરે મારા વહાલા વાચક, આપણે ભારતના અને ખાસ કરીને ગુજરાતના લોકો દર્દમાંથી પણ આનંદ લઈએ છીએ. દર્દ વગર જિંદગીની મજા નથી. પ્રેમ સફળ જાય એના કરતાં નિષ્ફળ જાય એમાં જિંદગીની લિજ્જત ઓર વધે છે. ગાલિબે લખેલી ગઝલ પ્રમાણે જ આપણા સૌનો મિજાજ ઘડાયો છે.

રંજ સે ખુગર (ટેવ પડવી) હુઆ ઇન્સાન તો

મીટ જાતે હૈં ગમ

મુશ્કિલેં મુઝ પર ઇતની પડી કિ

આસાં હો ગઈ

આપણને તો પીડા સહન કરવાના જાણે હેવા (આદત) પડી ગયા છે. આર્થર શોપનહાયરે ‘ઑન ધ સફરિંગ ઑફ ધ વલ્ર્ડ’ નામનું નાનકડું પુસ્તક લખેલું. એમાં લખ્યું છે કે તમે ‘પ્રેમ’ શબ્દ બોલો એટલે એની લગોલગ ‘પેઇન’ શબ્દ વળગેલો છે. જરૂર તમે સુખમાં તરતા રહો, પણ જો માત્ર સ્વાર્થી બની રહો તો જ એ સુખ બને છે. પણ શોપનહાયર કહે છે કે પીડા વગરના સુખને શું ધોઈ પીવું છે? સફરિંગ વગરનું જીવન રસપ્રદ ન હોય. પીડા વગરનું સુખ તો ખૂબ ડલ હોય.

ડૉ. ઍન્થની મેગ્ના લખે છે કે ‘પેઇન ઇઝ ઇનએવિટેબલ કૉમ્પોનન્ટ ઑફ લાઇફ.’ અર્થાત્ દર્દ એ જીવનનો અનિવાર્ય હિસ્સો છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે તે આરામથી ૯ મહિના સ્વર્ગીય સુખ માણતું હોય છે. જન્મ લઈને તે પ્રથમ રિહર્સલ રડવાનું કરે છે. ડૉ. ઍન્થની કહે છે કે બાળક જન્મીને તરત રડે છે એથી અનુમાન કરી શકાય કે માનવજાત જ્યારે પણ પેદા થઈ હશે ત્યારે તેનો પ્રથમ અનુભવ સફરિંગનો હશે. તમને જાણીને નવાઈ લાગશે કે ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ અમૃતા પ્રીતમનાં ગમશુદા ગીતોના શોખીન હતા.

૧૫-૯-૨૦૧૨ના મેં એક નિબંધ વાંચ્યો - ધ લવ શોવ : પેઇન ઇઝ ઇનએવિટેબલ, સફરિંગ ઇઝ ઑપ્શનલ. લેખિકા ડૉ. જે. યુરોપિયનો અને અમેરિકનોને ઠમઠોરે છે કે તમે લોકો પ્રેમની નિરાશા કે નાની અમસ્તી શારીરિક પીડાને દાબવા માટે પેઇનકિલરો વાપરો છો. પ્રેમની નિરાશા ભૂલવા શરાબ પીઓ છો. ત્યારે હિન્દુસ્તાની પુરુષો કે સ્ત્રીઓ તેમની પીડાને ગીત, સંગીત, ભજનોથી ભૂલે છે. ધ લવ શોવ - એટલે પ્રેમનો ધક્કો. પ્રેમ કરો એટલે પીડા આવી જ પડવાની, પણ એ પીડામાં પીડાવું કે નહીં એ તમારો વિકલ્પ છે. એ પીડાને કેમ ભુલાય? અમૃતા પ્રીતમ જ નહીં, પણ તમામ જૂની ફિલ્મોનાં ગીતો જોશો તો એમાં હિરોઇનો ગમશુદા ગીતો ગાઈને આંસુને સૂકવતી હોય છે. આજે કોણ જાણે આપણને ‘દેવદાસ’ અને બીજી જૂની ફિલ્મોનાં ગમશુદા ગીતો સાંભળીને વધુ આનંદ આવે છે. ટૂંકમાં કહીએ તો ર્દદને દિલમાં પનાહ દઈને એને આનંદમાં પલટાવી દે એ જ સાચો માનવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK