સ્વબચાવ માટે તૈયાર થઈ જાઓ

Published: 21st December, 2011 09:59 IST

મુંબઈ જેવાં શહેરોમાં સ્ત્રીઓ સલામત નથી અને તેમના પર હુમલો થાય ત્યારે કોઈ મદદે આવે તો નસીબ. મોટે ભાગે લોકો મદદે આવતા નથી. આવા સમયે તેમણે પોતે પોતાનું રક્ષણ કરવું જોઈએ(બુધવારની બલિહારી-  નીલા સંઘવીં)

તાજેતરમાં જ અંધેરીના અંબોલીમાં બનેલો યુવતીઓની છેડતીનો બનાવ અને પછી બે યુવકોએ ગુમાવેલી જિંદગીની ઘટના કાળજુ કંપાવનારી છે. આ પહેલાં પણ આવા કેટલાય બનાવો બન્યા છે. યાદ કરો જયબાલા આશરની ઘટના. ટ્રેનમાં એકલી મુસાફરી કરતી જયબાળાને લૂંટને ઇરાદે ટ્રેનમાંથી ફેંકી દીધી અને તેને પગ ગુમાવવાનો વારો આવ્યો. આવી ઘટનાઓ તો અવારનવાર બનતી જ રહે છે. બળાત્કાર, છેડતી, લૂંટ, ખૂન જેવા બનાવો મહિલાઓ સાથે બનતા જ રહે છે એટલે જ તેમણે પોતાની મદદે કોઈ આવશે એ વિચારને દૂર હડસેલીને પોતે જ પોતાનું રક્ષણ કરવા માટે સજ્જ થવાની જરૂર છે.

સ્ત્રીઓ વધુ ટાર્ગેટ બને છે

આમ તો લૂંટફાટ, ખૂનખરાબા જેવા બનાવો પુરુષો સાથે પણ બનતા હોય છે, પરંતુ વધારે ટાર્ગેટ મહિલાઓ જ બને છે. ઘરમાં સ્ત્રી એકલી હોય એવા જ સમયે લૂંટારાઓ ઘરમાં ઘૂસે છે. તેમને ખબર હોય છે કે આ સમયે ઘરમાં પુરુષની હાજરી નથી હોતી. ચોર, લૂંટારું, રેપિસ્ટને ડર હોય છે કે પુરુષ કદાચ સામનો કરી શકશે, જ્યારે સ્ત્રીઓ શારીરિક રીતે નર્બિળ અને પોચટ મનની હોવાને કારણે તેના પર હુમલો કરવો વધુ સરળ બને છે. સ્ત્રી ડરની મારી મદદ માટે બૂમ પણ મારી શકતી નથી. પુરુષો પણ ડરતા હોય છે, પણ સ્ત્રી જેટલું નહીં.

ખોટી માનસિકતા

સ્ત્રી અબળા છે એ ખોટી માનસિકતા આપણે ત્યાં વર્ષોથી ઘર કરી ગઈ છે. નાનપણથી જ માતા-પિતાનું વર્તન છોકરીઓ સાથે એવું હોય છે કે છોકરીઓ પણ પોતાને અબળા ગણવા માંડે છે. ક્યાંક જવાનું હોય તો મા કહેશે, ‘ભાઈને સાથે લઈને જજે, એકલી નહીં જતી.’ જોકે આજના જમાનામાં શહેરમાં રહેતી શિક્ષિત સ્ત્રીઓને એકલા ઘર બહાર નીકળ્યા વગર છૂટકો જ નથી. આજના જમાનામાં તો તેમને મોડી રાત્રે પણ મુસાફરી કરવી પડે છે. કેટલાયે વ્યવસાય જ એવા છે જેમાં સ્ત્રીઓ રાત્રે મોડેથી કામ પરથી પાછી ફરે છે. નર્સ, પત્રકાર, કૉલ-સેન્ટર જેવા અનેક વ્યવસાય છે જ્યાં તેમને ઑફિસથી નીકળતાં મોડું થઈ જ જાય છે. આ મહિલાઓ સાથે રોજ કોણ હોય? નાનપણમાં ઘર કરી ગયેલી માન્યતાને કારણે તેઓ ડરતી રહે છે અને આ જ ડરનો ગેરલાભ પેલા ચોર-લૂંટારાઓ લે છે. તેમને અબળા કહેનારા જરાક ઇતિહાસ તપાસો તો ખબર પડશે કે સ્ત્રી અબળા નથી, તે તો સબળા છે. સ્ત્રી તો શક્તિ છે. મહિષાસુર જેવા દાનવને મારનાર મા જગદંબા પણ સ્ત્રી જ છેને? મા જગદંબાને શક્તિસ્વરૂપે પૂજનાર લોકો સ્ત્રીને અબળા શા માટે કહે છે એ જ સમજાતું નથી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચાંદબીબી જેવાં નામો પણ ગણાવી શકાય. ઇન શૉર્ટ, માતા-પિતાએ કે સ્ત્રીઓએ પોતે પોતાને અબળા કે બિચારી ગણાવવાનું છોડી દેવું જોઈએ. પોતે જ પોતાના બૉડીગાર્ડ બનવાનું આ પ્રથમ સોપાન છે.

થોડી સાવચેતી જરૂરી

આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો નથી એટલે થોડી સાવચેતી દાખવવી જરૂરી છે. રેપથી બચવા બહુ જ ટૂંકાં કે અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરવાં કે નહીં એ વિશે ઘણી ચર્ચાઓ થઈ છે. ઘણી મહિલાઓનું માનવું છે કે અમારે કેવાં વસ્ત્રો પહેરવાં એ અમારી મરજી છે. વળી એવાં વસ્ત્રો પહેરનાર પર જ હુમલો થાય છે એવું થોડું છે? હુમલો તો બુરખામાં પગથી માથા સુધી ઢંકાયેલી સ્ત્રી પર પણ થાય છે. વાત સાચી છે કે બળાત્કાર કે છેડતી તો કોઈની પણ થઈ શકે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે બહુ જ ટૂંકા કે અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેર્યાં હશે તો રસ્તે ચાલતા કે સાથે પ્રવાસ કરતા દરેકનું ધ્યાન તમારા પર પડશે, એમાં કોઈ અસમાજિક તત્વો પણ હોઈ શકે અને અઘટિત ઘટના પણ બની શકે. એક વાત તો ચોક્કસ છે કે સાદાંસીધાં કપડાં પહેરેલી છોકરી કરતાં અંગપ્રદર્શન થાય એવાં કપડાં પહેરેલી છોકરી પર વધારે લોકોનું ધ્યાન આકર્ષિત થવાનું છે. કદાચ કોઈને અમે જુનવાણી લાગીએ, પણ હકીકત એ છે કે સભ્ય અને યોગ્ય વસ્ત્ર પહેરવાથી કદાચ થોડો ફરક જરૂર પડી શકે. એ ઉપરાંત બની શકે તો કારણ વગર એકલા મોડી રાતે ઘરની બહાર જવાનું ટાળો. સાર્વજનિક વિસ્તારમાં પણ એકલા જવાનું ટાળી શકાય તો સારું. હંમેશાં મોબાઇલ ફોન હાથવગો રાખો જેથી મુશ્કેલીમાં મુકાયા જેવી પરિસ્થિતિમાં કોઈનો કૉન્ટૅક્ટ કરી શકાય. તમે ઘરની બહાર જાઓ ત્યારે ક્યારે ક્યાં જવાના છો અને તમારો આખા દિવસનો કાર્યક્રમ શો છે એ વિશે પરિવારજનોને જાણ કરીને ઘરની બહાર નીકળો અને બની શકે તો દિવસમાં બે-ત્રણ વાર પરિવારજનો સાથે ફોન પર વાત કરી લો. પરિવારજનો પણ ફોન કરીને ઘરની બહાર ગયેલી મહિલા સાથે ફોનથી ટચમાં રહી શકે છે. જો મહિલા ઘરમાં એકલી હોય તો ઘરનો મુખ્ય દરવાજો ખોલી શકાય, પણ સેફ્ટી ડોર તો અજાણ્યાને જોઈને ક્યારેય ખોલાય નહીં

(દરેક ઘરમાં સેફ્ટી ડોર ઇઝ મસ્ટ). કુરિયર વગેરે લેવા માટે પણ સેફ્ટી ડોર ખોલવો નહીં, એને જાળીમાંથી લઈ લેવું.

કઈ રીતે બનશો પોતાના બૉડીગાર્ડ?

પોતે જ પોતાના બૉડીગાર્ડ બનવા માટે નાનપણથી જ એ દિશામાં કાર્ય શરૂ કરી દેવું જોઈએ. એ માટે માતા-પિતાએ નાનપણથી જ પોતાની દીકરીઓને કરાટે, કુંગ ફુ જેવી કળાઓ શીખવવી જોઈએ જેથી કોઈ પણ હુમલો થાય તો તે પોતાનો બચાવ કરી શકે. આ રીતે તે સ્વરક્ષણ માટે તૈયાર થશે. સ્ત્રી અબળા નથી, પણ સબળા છે એ તેને સમજાવી દો. જ્યારે અણધાર્યો હુમલો થાય ત્યારે એનાથી બચવા તમારા પર્સમાં હેરપિન, બીજી કોઈ અણીદાર વસ્તુ, છત્રી હોય તો એનો ઉપયોગ કરો. હુમલાખોરને તમારા સુંદર રીતે વધારેલા નખથી નખોડિયા ભરી શકાય કે બચકું પણ ભરી શકાય. આમ કરવાને કારણે તેને કળ વળી જશે અને તમને ભાગવાનો સમય મળી જશે. હેરપિનથી તેના મોઢા પર કે આંખમાં હુમલો કરવાથી હુમલાખોર તકલીફમાં મુકાશે. છત્રીથી તેના માથા પર મારવાથી કે પાછળનો પૉઇન્ટેડ ભાગ મારવાથી પણ તે પોતાનો બચાવ કરવા રોકાશે અને તમને તમારો બચાવ કરવાનો મોકો મળી જશે. મરચાનું સ્પ્રે હંમેશાં પર્સમાં રાખો. મરચાનું સ્પ્રે હુમલાખોરની આંખમાં છાંટવાથી તે ભારે મુશ્કેલીમાં મુકાઈ જશે. હુમલાખોર જો જાતીય હુમલો કરી રહ્યો હોય તો તમારા પગથી જોરદાર લાત તેના બે પગની વચ્ચે મારો. પેલો બેવડ વળી જશે અને તમને છટકવાનો મોકો મળી જશે. કોઈ તમને મદદ કરશે એવી આશા રાખવાને બદલે પોતે જ પોતાના બૉડીગાર્ડ બનો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK