Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં અડવાણીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ

ઘાટકોપરમાં અડવાણીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ

02 November, 2011 09:05 PM IST |

ઘાટકોપરમાં અડવાણીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ

ઘાટકોપરમાં અડવાણીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ




(રોહિત પરીખ)

બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સુશાસન અને સ્વચ્છ રાજનીતિ માટે ચાલી રહેલી જનચેતના યાત્રા શુક્રવારે ચોથી ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યે ઘાટકોપરમાં પ્રવેશશે. ઘાટકોપરના બીજેપીના કાર્યકરો લાલકૃષ્ણ અડવાણીની ૬ઠ્ઠી રથયાત્રાનું સ્વાગત કરવા માટે સજ્જ થઈ ગયા છે. આમ છતાં સિક્યૉરિટીનાં કારણોસર આ રથયાત્રામાંથી લાલકૃષ્ણ અડવાણી એક પણ સ્થળે રથમાંથી નીચે ઊતરવાના નથી કે ન તો તેમને કોઈ હારતોરા કરી શકશે. અનેક સ્થળોએ મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થશે, પણ આ કાર્યકરો અને તેમના શુભેચ્છકોએ તેમના પર પુષ્પવર્ષા કરીને જ સંતોષ માનવો પડશે.

ઘાટકોપરના અને વિક્રોલીના કાર્યકરો લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રાનું સ્વાગત કરવા વિક્રોલી સ્ટેશનથી લઈને ઘાટકોપર-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા રમાબાઈનગર સુધીના આઠ કિલોમીટરના અંતર સુધીના માગોર્ પર અને સંપૂર્ણ ઘાટકોપરમાં ઠેર-ઠેર બીજેપીના ચિહ્ન કમળ સાથેની પતાકા, ૧૦ કમાન, ૩૦૦૦ ઝંડા, ૧૦૦ કટ-આઉટ્સ અને હોર્ડિંગ્સથી સુશોભીકરણ કરવામાં આવશે. જ્યાં-જ્યાં તેમનું પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવાનું છે એે છ જગ્યાઓ પર સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાંથી દેશભક્તિનાં ગીતો અને તેમની જનચેતના યાત્રાની જાહેરાત કરવામાં આવશે. તેમના સ્વાગત માટે નાશિક ઢોલ અને બૅન્ડવાજાંની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ લાલકૃષ્ણ અડવાણીના સ્વાગતની તૈયારી અને એ માટે વિક્રોલીથી લઈને ઘાટકોપરના રાજમાગોર્ની સજાવટની માહિતી આપતાં મિડ-ડે Localને કહ્યું હતું કે ‘સંપૂર્ણ સજાવટની જવાબદારી નગરસેવક ભાલચન્દ્ર શિરસાટ, યુવા નેતા સચિન પવાર અને યુવા મોરચાની ટીમ વતી હર્ષ મહેતાને સોંપવામાં આવી છે. આ સજાવટમાં એવા રંગ પૂરવામાં આવશે કે દેશભરમાં ફરનારી જનચેતના યાત્રાના ઘાટકોપરમાં થનારા ભવ્યાતિભવ્ય સ્વાગતની ઇતિહાસમાં નોંધ લેવાશે. જનચેતના યાત્રા દ્વારા ૮૪ વર્ષના અમારા નેતા ૭૬,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ દેશમાં અને દેશના લોકોમાં જાગૃતિ લાવવા માટે ખેડી રહ્યા છે. આવા નેતા ઘાટકોપરમાં આવે ત્યારે તેમની યાત્રાની સાથોસાથ ઘાટકોપરના સ્વાગતની પણ ઇતિહાસમાં નોંધ લેવાવી જોઈએ એવી મહેનત અમે કરી રહ્યા છીએ. ઘાટકોપર-વેસ્ટના આગ્રા રોડ પર આવેલા આરસિટી મૉલની સામેના પ્રેસિડેન્શિયલ ટાવર્સ પાસે સૌથી પહેલાં વિક્રોલી સ્ટેશનના વેપારીઓ, કાર્યકરો અને વૉર્ડ નંબર ૧૧૭ અને ૧૧૮ના રહેવાસીઓ વાજતેગાજતે પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કરશે. ત્યાંથી આગ્રા રોડના રાજમાર્ગ પર લોકોનું અભિવાદન ઝીલતાં-ઝીલતાં તેઓ સર્વોદય હૉસ્પિટલના સર્કલ પર પહોંચશે, જ્યાં અમારા સિનિયર કાર્યકરો રવિ પૂજ, સંજય સિંહ, ભાવેશ ભાનુશાલી, વિજય શેટ્ટી, વિનોદ રાય અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો સહિત ૧૦૦૦થી વધુ લોકો તેમ જ  આદિજિન જૈન મહિલામંડળની બહેનો અડવાણીજીનું પુષ્પવર્ષા કરીને સ્વાગત કરશે. અહીં રથમાં ઊભા રહીને જ અડવાણીજી બે મિનિટનું ભાષણ કરશે.’

ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન ઝીલતાં-ઝીલતાં અડવાણીજી ઘાટકોપર-વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર પ્રવેશ કરશે એમ જણાવતાં અતિઉત્સાહ સાથે આગળના કાર્યક્રમની વિગતો આપતાં પ્રકાશ મહેતાએ કહ્યું હતું કે ‘અહીં કામા લેન કૉર્નર પર કામા લેનમાં આવેલી બારોટવાડી, ગીગાવાડી, કિરોલ રોડ, ખલઈ વિલેજ અને નવરોજી લેનના રહેવાસીઓ તથા સ્થાનિક કાર્યકરો મંગલ ભાનુશાલી, પીયૂષ દાસ, નીલેશ દોશી, સંજય પારેખ સહિત ૮૦૦થી વધુ લોકો અડવાણીજી પર પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરશે. એ સ્વાગત પછી અડવાણીજી બીજેપીના ઓઘડભાઈ લેનના કાર્યાલય નજીક પહોંચશે. અહીં ઘાટકોપરના બીજેપીના ઈશાન મુંબઈના અનેક પદાધિકારીઓ; જેમ કે રાધેશ્યામ રાઠી, વિકાસ કામત અને તેમના કાર્યકરો, મહાત્મા ગાંધી રોડનાં વેપારીમંડળો, પંતનગર વૉર્ડ નંબર ૧૨૫ના કાર્યકરો, સ્થાનિક નગરસેવકો, ઘાટકોપરની અનેક સંસ્થાઓના પદાધિકારીઓ અને ઘાટકોપરના આગેવાનો તેમ જ પ્રતિષ્ઠિત નાગરિકો સહિત ૩૦૦૦થી વધુ લોકો તેમના પર પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરશે. ત્યાંથી રાજાવાડી પાસે આવેલી સિંધુવાડીમાં તેઓ જશે. ત્યાં તેમનો સિંધી સમાજ તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરશે. અહીંની સંપૂર્ણ વ્યવસ્થા નગરસેવક ભાલચન્દ્ર શિરસાટ સહિત સિંધી સમાજના અગ્રણીઓ અને બીજેપીના સિંધી સેલના આગેવાનો ગોપાલ સજનાની, મનુ પરિયાની અને વિશ્વામિત્ર ભેરવાની કરશે. અહીં ૧૦૦૦થી વધુ સિંધીઓ સ્વાગત-કાર્યક્રમમાં જોડાશે.’

સિંધુવાડીમાં ઘાટકોપરનો છેલ્લો કાર્યક્રમ યોજાયા પછી લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા હોટેલ મેઘરાજની સામેના રોડ પરથી, પુણે વિદ્યાભવન માર્ગ પરથી પસાર થઈ રમાબાઈનગર પહોંચશે, જ્યાં વૉર્ડ નંબર ૧૨૬, ૧૨૮, કામરાજનગર, નેતાજીનગર અને શિવાજીનગરના કાર્યકરો રત્નમ દેવેન્દ્રમના નેતૃત્વ હેઠળ પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરશે. ત્યાંથી લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વિક્રોલી પાસેના ગાંધીનગર થઈને પવઈ આઇઆઇટીના લોકોનું અભિવાદન ચાલતાં-ચાલતાં જ ઝીલી તેમની યાત્રા જોગેશ્વરી લિન્ક રોડ પરથી વેસ્ટર્ન સબર્બમાં જશે.’

બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રાના આયોજનની માહિતી આપવા બીજેપી ઘાટકોપર મંડળે રવિવારે બીજેપીના દિવંગત નેતા પ્રમોદ મહાજનની ૬૨મી જન્મજયંતીના દિને ર્કાયકરોનું સંમેલન ઘાટકોપર-ઈસ્ટની ભાનુશાલીવાડીના પટાંગણમાં યોજાયું હતું, જેમાં પ્રકાશ મહેતાએ પ્રમોદ મહાજનની આગવી સૂઝ, તેમની કાર્ય કરવાની રીતભાત, તેમનું પાર્ટીમાં યોગદાન, તેમના કાર્યકરો પ્રત્યેના સ્નેહ જેવી અનેક વાતોના માધ્યમથી જનચેતના યાત્રાના સ્વાગત માટે ઘાટકોપરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનમાં ૫૦૦થી વધુ કાર્યકરોએ હાજરી આપી હતી.

બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણી પ્રથમ વાર ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી રાજાવાડી પાસેની સિંધુવાડીમાં તેમની જનચેતના યાત્રાને લઈને આવવાના હોવાથી ત્યાંના સિંધી સમાજમાં અત્યંત ઉમંગ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભારતીય સિંધી સમાજના ફાઉન્ડર અને મુંબઈ બીજેપી સિંધી સેલના અધ્યક્ષ ગોપાલ સજનાનીએ જનચેતના યાત્રા તેમના આંગણે આવી રહી છે એની ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમારે તો તેમના હસ્તે પ્રકાશ મહેતાના ફન્ડમાંથી બનેલા સિંધી કૉમ્યુનિટી હૉલનું ઉદ્દ્ઘાટન કરાવવું હતું, પરંતુ એ તો સિક્યૉરિટીનાં કારણોસર શક્ય ન હોવાથી અમે તેમનું સ્વાગત સિંધી પરંપરાથી કરવાનું નક્કી કર્યું છે. શુક્રવારે સવારથી જ અમે અમારા સિંધુવાડીના પ્રવેશદ્વારની સામે જ અધિષ્ઠાતા દેવ ઝૂલેલાલ (જળદેવતા)ની બપોરે ત્રણ વાગ્યે સ્થાપના કરી, એની પૂજા કરીશું. સાંજે અડવાણીજીનું અમે પુષ્પવર્ષા કરીને સ્વાગત કરીશું. આખા કાર્યક્રમમાં અમારા સમાજના ૧૦૦૦થી વધુ લોકો પારંપરિક ભગવા રંગનાં વસ્ત્રો પરિધાન કરશે. માથે ભગવા રંગની ટોપી, ખભે ભગવા રંગનો ખેસ ધારણ કરીશું. મહિલાઓ પણ અમારી જેમ જ તૈયાર થશે. તેમની રથયાત્રાના સમયે તેમની સાથે આવેલા મહેમાનોની અમે સાયનના એ-વનનાં સમોસાં અને ગુલાબના મિલ્ક કોલ્ડ ડ્રિન્કથી આગતાસ્વાગતા કરીશું. આ બધું નિહાળી તેઓ ફક્ત ઝૂલેલાલના દર્શનાર્થે પણ રથમાંથી ઊતરશે તો અમે તેમને અમારા અહોભાગ્ય સમજીશું. તેમની વિદાય પછી પણ તેમના આગમનની ખુશીમાં અમે રાત્રે ૧૦ વાગ્યા સુધી માતાજીની ચોકીનો કાર્યક્રમ રાખ્યો છે. અમારી સાથે મુલુંડ, ચેમ્બુર અને મુંબઈભરના અમારા સમાજના લોકો જોડાશે.

 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2011 09:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK