Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કિતના ખૂબસૂરત હૈ આપકા ઔર મેરા રિશ્તા,ના આપને કભી બાંધા,ના હમને કભી છોડા

કિતના ખૂબસૂરત હૈ આપકા ઔર મેરા રિશ્તા,ના આપને કભી બાંધા,ના હમને કભી છોડા

16 March, 2020 01:27 PM IST | Mumbai Desk
Pravin Solanki | pravin.solanki@mid-day.com

કિતના ખૂબસૂરત હૈ આપકા ઔર મેરા રિશ્તા,ના આપને કભી બાંધા,ના હમને કભી છોડા

કિતના ખૂબસૂરત હૈ આપકા ઔર મેરા રિશ્તા,ના આપને કભી બાંધા,ના હમને કભી છોડા


આ પંક્તિ વ્યંગ્યાત્મક છે. એકતરફી-એકપક્ષી પ્રેમનું બયાન છે. અખબારી કૉલમ લેખક માટે આ શેર ખૂબ અગત્યનો છે. જ્યારે લેખક અને વાચક વચ્ચે આવી પરિસ્થિતિ નિર્માણ થતી લાગે કે લેખકે સાવધાન થઈ જવું પડે, જોઈએ. વાચક માટે લેખક છે કે લેખક માટે વાચક એ પ્રશ્ન જ અસ્થાને છે. અખબાર અને લેખક માટે વાચક જ કેન્દ્રમાં હોવો જોઈએ, હોય છે. નાટક જેમ પ્રેક્ષકો માટે એમ અખબાર વાચકો માટે, પણ એનો અર્થ એવો નથી જ નથી કે પ્રેક્ષક-વાચકની અણછાજતી માગણી પૂરી કરવી.
૨૦૨૦ના માર્ચના અંતમાં મિડ-ડેની કૉલમ ‘માણસ એક, રંગ અનેક’ ચાર વર્ષ પૂરાં કરશે. મારે માટે આનંદની વાત છે, પણ લોકોને મેં એમાં કોઈ મોટી ધાડ મારી છે એવું નહીં લાગે. અને લોકો-લેખકોએ વર્ષોનાં વર્ષો સુધી કૉલમ લખી છે. અઠવાડિક તો ઠીક, દૈનિક પણ. એટલે મેં કોઈ પરાક્રમ નથી કર્યું. મને આનંદ બે વાતનો થાય છે, એક એ કે હું નિયમિત લખી શક્યો. ‘સમય’ની પાબંદી જાળવી શક્યો. બીજો આનંદ વાચકોના પ્રતિસાદનો. જો એ સાચો હોય તો.
વાચક સાથેના સંવાદને સંપર્કના આધારે જે પ્રતિસાદ સાંભળવા મળ્યા એ અહીં લખતાં ક્ષોભ થાય એવા છે (મારે માટે). કેટલાકે કહ્યું, ‘સાહેબ, અમે સોમવારની રાહ જોઈએ છીએ. ક્યારે ‘મિડ-ડે’ આવે ને તમારો લેખ વાંચીએ.’ તો કેટલાકે કહ્યું કે પ્રવીણભાઈ, સોમવારે ‘મિડ-ડે’ આવે ને પહેલું કામ તમારો લેખ વાંચવાનું કરીએ. એવો પણ પ્રતિસાદ મળ્યો કે તમારી કૉલમનાં તમામ કટિંગ અમે કાપીને જાળવી રાખ્યાં છે. તો કેટલાકે કહ્યું કે કૉલમમાં આવતી દરેક શાયરી અમે ડાયરીમાં ટપકાવી લઈએ છીએ. કથાવાર્તા બીજાઓને સંભળાવીએ પણ છીએ. વળી કેટલાક જાણીતા કાર્યક્રમના સંચાલકોએ કબૂલ કર્યું કે અમે અમારા સંચાલનમાં તમારી ‘મિડ-ડે’ની કૉલમનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ.
આવું બધું મોઢામોઢ સાંભળું છું ત્યારે અવઢવમાં મુકાઈ જાઉં છું. હું નક્કી નથી કરી શકતો કે આ સત્ય છે કે માત્ર વિવેક? પ્રશંસા છે કે ખુશામત? નાટકને કારણે મારો અનુભવ છે કે નાટક પૂરું થયા બાદ મળવા આવતા ઓળખીતા પ્રેક્ષકો નાટક ન ગમ્યું હોય તો પણ ભરપૂર રીતે હાથ મિલાવી કહેતા હોય છે, ‘બૉસ! મજા આવી ગઈ. ખૂબ સરસ!’ સાચો અભિપ્રાય મોઢામોઢ ન આપવાની આપણી સામાજિક રસમ છે જે આદત બની ગઈ છે. વળી આવી રસમને સાચી માની લેનારા કેટલાક ફૂલણસિંહ પણ હોય છે.
‘માણસ એક, રંગ અનેક’ શરૂ કરતી વખતે કેટલીક વાતો મનમાં નિર્ધારિત કરી લીધી હતી ઃ
૧. પોતાનાં બણગાં, પોતાનાં ઇતિહાસ-ભૂગોળ, પોતાની આપવડાઈ શક્ય હોય ત્યાં સુધી ટાળવી. ૨. સરસ લખવું. ૩. સુરુચિપૂર્ણ લખવું. ૪. વાચકોને સીધો ઉપદેશ ન આપવો. ૫. યુવાથી માંડીને વૃદ્ધ વાચકોને રસ પડે એવું લખવું. ૬. વાચકોને કંઈ નવું-નોખું જાણવા-માણવા મળે એવી કથા, વાર્તા, વાત, શાયરી, કવિતાઓનો આસ્વાદ કરાવવો.
લાયન્સ ક્લબની એક મીટિંગમાં મને પૂછવામાં આવ્યું કે કૉલમ લખવી ને નાટક લખવું એ બન્નેમાં અઘરું શું? ફરક શું? પહેલાં તો મેં કહ્યું કે કંઈ પણ લખવું એ અઘરું કામ છે. લોકો એક સાદો પત્ર પણ સરળતા કે સહજતાથી લખી નથી શકતા, સિવાય કે રામનામના જાપ! લખવા માટે જાત અને જગત સાથે સમન્વય કેળવવો પડે છે અને જાતનું વિસર્જન કર્યા વગર સર્જન થઈ શકતું નથી. નાટક લખવા કરતાં કૉલમ લખવી અઘરી છે. રોજ-રોજ, દર વખતે નવા-નવા વિચારો શોધવા એ ભગીરથ કાર્ય છે. નાટક એક ચોક્કસ વિષય પર અવલંબે છે. ૬૦-૭૦ પાનાંમાં સમાઈ જાય. નાટકમાં લોકેશન-સ્થળ ઃ પાત્રોમાં બંધન હોય, કૉલમમાં નહીં. નાટકની સફળતા ટીમવર્કને આભારી હોય છે. માત્ર લેખક નહીં; કલાકાર, દિગ્દર્શક, બૅકસ્ટેજ, અન્ય કસબીઓ, બીજાં ઘણાં બધાં ફૅક્ટર્સ. કૉલમની સફળતા કે નિષ્ફળતા માટે માત્ર લેખક જ જવાબદાર હોય છે. જવાબદાર ગણવો જોઈએ. નાટક એક સમયે અસંખ્ય પ્રેક્ષકો જોતા હોય છે. કૉલમ એક સમયે એક જ વાચક વાંચતો હોય છે. નાટક જોવા માટે પ્રેક્ષકોએ પૈસા ખરચવા પડે છે (પાસવાળાઓ બાદ છે), જ્યારે કૉલમ બીજાના અખબારમાં પણ વાંચી શકાય છે (બાજુવાળાનાં મૅગેઝિનો–છાપાંઓ માગીને વાચતા મેં ઘણા જોયા છે). નાટકનો સીન લખ્યા પછી, ભજવ્યા પછી પણ બદલી શકાય છે. કૉલમમાં આ શક્યતાને સ્થાન જ ન હોય.
બચપણથી જ વાંચવાનો અતિશય શોખ. નાનપણથી જ ગુજરાતના તમામ જાણીતા લેખકોની જાણીતી નવલકથા-કૃતિઓ વાંચી. કવિતાઓ વાંચી, નિબંધો, આખ્યાનો વાંચ્યાં રામાયણ, મહાભારત, પુરાણકથાઓ વાંચી. માત્ર ગુજરાતી ભાષા જ નહીં, અન્ય ભાષાઓની વિખ્યાત કૃતિઓ પણ વાંચી. પછી તો એવી આદત પડી ગઈ કે જે હાથમાં આવે એ વાંચ્યું. ટીવી જોતાં-જોતાં કે સૂતાં-સૂતાં પણ હાથમાં પુસ્તક હોય જ. સારું-નરસુ, બધું જ વાચું. નરસું વાંચવામાં વધારે રસ પડે. ટૂંકમાં વાંચવું એ મારે માટે શ્વાસ લેવા જેવી આદત છે. એનો લાભ પણ મને થયો છે. પહેલી વાત તો એ સમજાઈ છે કે વાંચવું કદી એળે જતું નથી. વધુ ખાવાથી શરીર નાદુરસ્ત બની શકે, પણ વધુ વાંચવાથી મન પુષ્ટ બને.
વાંચન એક કળા છે. આ કળા બહુ ઓછાને સાધ્ય હોય છે. શું વાંચવું અને કઈ રીતે, કેટલું વાંચવું એ શીખવાડવાના વર્ગ લઈ શકાય. પુસ્તકની મહત્તા એક ગુરુ જેટલી-જેવી છે. પુસ્તક સાથી બની શકે, માર્ગદર્શક બની શકે, જીવનભાથું બની શકે, પણ સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ખરાબ પુસ્તકો જેવો કોઈ લૂંટારો નથી. એટલે જ વાંચનકળા શીખવી જરૂરી છે. અને છેલ્લે ઃ આજે ખૂબ જ ઓછી જાણીતી રાભા નામની એક લોકકથા ‘સૂર્ય ચંદ્ર’ માણીએ.
સૂર્ય અને ચંદ્ર પતિ-પત્ની હતાં. બન્નેને અસંખ્ય બાળકો થયાં. બાળકો ખૂબ તોફાની હતાં અને બાળકોને કારણે જ રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા. એક દિવસે ત્રાસી જઈને પત્ની ચંદ્ર બોલી, ‘હું આ બાળકોનાં તોફાનથી ત્રાસી ગઈ છું. બાળકોને સાંભળવાની બધી જવાબદારી હું શું કામ ઉપાડું? તમારી પણ કોઈ જવાબદારી ખરી કે નહીં? સૂર્યે પણ ઉશ્કેરાઈ જઈને જવાબ આપ્યો, ‘હું મારી જવાબદારી બરાબર સમજું છું. બાળકોને સંભાળવાની ખરી જવાબદારી માની જ હોય છે.’ ચંદ્ર પણ ગાંજી જાય એમ નહોતી. વળનો પ્રહાર કરતાં બોલી, ‘આટલાંબધાં બાળકો મેં કાંઈ એકલીએ નથી જણ્યાં. તમે પણ એમાં ભાગીદાર હતા.’ સૂર્ય આ સાંભળીને ઘડીભર હેબતાઈ ગયા. ગલ્લાંતલ્લાં કરતાં બોલ્યા, ‘જે જન્મ આપે તેની જવાબદારી વધારે. માનું મહત્ત્વ એટલે જ વધારે છે. મારી જવાબદારી પછીથી આવે.’ ચંદ્ર બોલી, ‘આવી વાહિયાત દલીલો ન કરો.’ સૂર્યે કહ્યું, ‘હું વાહિયાત દલીલો નથી કરતો. યાદ કરો, આપણને જ્યારે બાળકો નહોતાં ત્યારે તમે જ કહેલું કે આપણે બ્રહ્માજીને પ્રાર્થના કરીએ. બ્રહ્માએ આપણી પ્રાર્થના સ્વીકારી પણ ખરી. હવે બોલો, કોણ વધારે જવાબદાર?’
ચંદ્ર ઘડીભર મૂંઝાઈ પણ માત ન થઈ. તરત જ પરખાવ્યું, ‘આપણે પ્રાર્થના કરી એ સાચું, પણ બ્રહ્માજીએ પૂછ્યું કે તમારે કેટલાં બાળકો જોઈએ છે ત્યારે તમે નો’તું કહ્યું કે જેટલાં અપાય એટલાં બાળક આપો? બોલો, મારો શું વાંક? એટલાં બધાં બાળકો થયાં કે આપણે બધાનાં નામ સુધ્ધાં જાણતા નથી. અરે નામ તો જવા દો, કેટલા ને કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા એનીય ખબર નથી.’
સૂર્ય હવે થોડો શાંત પડ્યો. ચંદ્રને સાંત્વન આપતાં બોલ્યો, ‘ચંદ્ર, કોઈ મૃત્યુ પામ્યું નથી. આજ સુધી બધાં જ હયાત છે. જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે જ તેઓ મૃત્યુ પામશે. બ્રહ્માજીની દેન છે, આપણને છોડીને તેઓ ક્યાંય નહીં જાય. દરેકને પોતાના પ્રદક્ષિણા પથ છે. પોતાના વર્તુળમાં આંટા માર્યા કરશે. તું નિશ્ચિત થઈ જા. સાંભળ, મારે ખૂબ કામો છે. હું જાઉં છું, તારાથી દૂર, પણ એક વાત ધ્યાનમાં રાખજે કે હું મારી જવાબદારી સમજું છું. હું દૂર રહીને પણ તારી અને બાળકોની પ્રવૃત્તિઓની દેખરેખ અવશ્ય રાખીશ.’
સૂર્ય દૂર ગયો. ચંદ્ર બાળકો સાથે જ રહી. આ બાળકો એટલે તારા!!

સમાપન
ફુટબૉલના મેદાનમાં ખેલાડી અને રેફરી (ક્રિકેટની ભાષામાં અમ્પાયર) બન્ને સરખું જ દોડતા હોય છે, પણ ઇનામ ફક્ત ખેલાડીઓને જ મળે છે, કારણ કે તેઓ ગોલ કરવા દોડતા હોય છે. જ્યારે રેફરી ભૂલો શોધવા માટે.
અંતમાં ચતુર્થ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા એ બદલ ‘મિડ-ડે’ના તંત્રી અને સમસ્ત સ્ટાફનો અંત:કરણપૂર્વક, પરંપરા નિભાવવા નહીં પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને એ સ્ટાફનો જેણે મારા અક્ષર ઉકેલવા માટે આંખો અને અને મગજ બગાડ્યાં છે. અસ્તુ.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 01:27 PM IST | Mumbai Desk | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK