વો હમ સે ખુશ તો પહલે ભી નહીં થે સુના હે અબ તો ખફા ભી હો ગયે હૈં?

Published: Oct 07, 2019, 14:14 IST | માણસ એક રંગ અનેક- પ્રવીણ સોલંકી | મુંબઈ

હરે ખ્વાબોં સે ખાલી હો ગયે હૈં કિ હમ પતઝડ સે આદી હો ગયે હૈં વો હમ સે ખુશ તો પહલે ભી નહીં થે સુના હે અબ તો ખફા ભી હો ગયે હૈં?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીનો અવસર ચાલે છે. રાબેતા મુજબ અત્યારે ઢગલાબંધ પાનાંઓ ગાંધીજી પર લખાઈ રહ્યાં છે. હોળી આવે તો હોળી, નવરાત્રિ આવે તો નવરાત્રિ અને દિવાળી આવે તો દિવાળી પર લખવાની પરંપરા આપણે ચૂકતા નથી અને એ જ રીતે કોઈ વિભૂતિના જન્મ-મરણની તિથિએ તેમને યાદ કરવાનું આપણે ભૂલતા નથી. કશું ખોટું નથી. ખોટું હોય તો એટલું જ કે એ રૂઢિગત હોય છે, હૃદયપૂર્વકનું નહીં. એક યક્ષપ્રશ્ન એ છે કે ગાંધીના હૃદયની આરપાર આજ સુધી કોણ ગયું છે? સિવાય કે ગોડસેની ત્રણ ગો‍ળી.
એક સમય એવો હતો કે ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ ‘છોટા ગાંધી’નું બિરુદ પામ્યા હતા. સમય જતાં એ વિચારોમાં પરિવર્તન આવ્યું અને તેઓ બાપુની વિરુદ્ધ થઈ ગયા. કાળક્રમે છોટા ગાંધી છકી ગયા, રાહ ચૂકી ગયા અને અંધારાની ગર્તામાં ખોવાઈ ગયા. હરિલાલ અને બાપુ વચ્ચે એવું તે શું બની ગયું? આ વિષય પર શ્રી દિનકર જોશીએ એક નવલકથા-સત્યઘટનાની આસપાસ રહીને ‘પ્રકાશનો પડછાયો’ લખી છે; જેના પરથી હિન્દી, મરાઠી, અંગ્રેજી નાટક થયાં અને ગુજરાતીમાં મેં પણ ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ નામનું નાટક કર્યું. લખ્યું. બાપુની પુણ્યતિથિએ બાપ-દીકરાના મનોભાવ વિશે વ્યક્ત કરવાનું મને ઉચિત લાગે છે. હું માત્ર બે જ દૃશ્ય રજૂ કરીશ. પહેલું દૃશ્ય કાલ્પનિક છે, પણ એના સંવાદોમાં બન્નેના મનોભાવનું તથ્ય રજૂ કરે છે.
નાટકની શરૂઆતમાં રંગમંચ પર સંપૂર્ણ અંધકાર છે, પ્રતીક રૂપે અંધકાર. પાર્શ્વભૂમિમાંથી ત્રણ ગોળીઓનો અવાજ અને ‘હે રામ’નો ઉદ્ગાર. પ્રવક્તાનું ગંભીર સ્વરોમાં નિવેદન ઃ એ ગોઝારો દિવસ હતો ૩૦ જાન્યુઆરી ૧૯૪૮નો. જે દિવસે મહાત્મા મોહનલાલ કરમચંદ ગાંધી પરમ સત્ય સમીપ સિધાવ્યા. રાજધાની પથ પર લાખ્ખો માણસો આંખમાં ચોધાર આંસુની અંજલિભરી રાષ્ટ્રપિતાની અંતિમ યાત્રામાં જોડાયા. એ માનવમહેરામણ વચ્ચે એક કૃષકાય વ્યક્તિ ધક્કામુક્કા ખાતી બાપુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી હતી, એ બીજું કોઈ નહીં, પણ બાપુના જયેષ્ઠ પુત્ર હરિલાલ હતા. દુખી આત્મા હરિલાલ. અભાગિયા હરિલાલ. રંગમંચ પર પ્રકાશ પથરાય છે.
એક વ્યક્તિ - કેશુ દોડતો પ્રવેશ કરે છે.
કેશુ : (શ્વાસભેર) દેવદાસકાકા, મેં... મેં... હમણાં તેને જોયા.
દેવ : કોને?
કેશું : હરિલાલકાકાને.
દેવ : હેં? ક્યાં?
કેશુ : ત્યાં પેલી બાજુ... ટોળા વચ્ચે... હાથમાં ફૂલની માળા હતી. લઘર-વઘર સાવ ભિખારી અવસ્થામાં... ફાટેલાં કપડાં, તૂટેલાં ચંપલ, ચીમળાઈ ગયેલો ચહેરો. ઓળખી શકાય એવા નથી રહ્યા, પણ મારી આંખ ભૂલ ન કરે તો એ હરિકાકા જ હતા. બોલાવું?
દેવ: ના. કેશુ, આ વાત મનમાં જ રાખ. બાપુના જીવનના એ દુખદ પ્રકરણને અત્યારે સંભારીશ નહીં. મોટા ભાઈ (હરિલાલ) અત્યારે જો પીધેલી હાલતમાં હશે તો અહીં હાજર રહેલા આટલાબધા મહાનુભાવો વચ્ચે ક્યાંક અજુગતું વર્તન કરી બેસશે. તું કશું જાણતો નથી. તેં કશું જોયું નથી (રંગમંચ પર અંધારું).
ઉદ્ઘોષક : ૧૮ જૂન ૧૯૪૮નો દિવસ. બાપુના મૃત્યુ પછી ફક્ત પાંચ જ મહિને મુંબઈની સાયન હૉસ્પિટલમાં ગુપ્તરોગને કારણે હરિલાલનું અવસાન થયું. ત્યારે તેની સમીપ હાજર હતો ફક્ત ૮ નંબરનો બિલ્લો. વૉર્ડબૉયના શબ્દો સંભળાયા, ‘બિનવારીસ લાશ આહે. મૉર્ગલા પાઠવા. બિલ્લા નંબર ૮.’ આ દૃશ્ય પછી કાલ્પનિક દૃશ્ય શરૂ થાય છે. સ્વર્ગમાં ગાંધીજીને હરિલાલ મળે છે. બાપુને પ્રણામ કરી હરિલાલ તેમની બાજુમાં બેસે છે. બાપુ ગદ્ગદ થઈ પ્રેમથી તેના માથે હાથ ફેરવે છે. પછી શાંતિથી, નિર્લેપ ભાવે વાતચીત શરૂ કરે છે.
બાપુ : જિંદગીથી હારી ગયોને ભાઈ?
હરિ : ના બાપુ, થાકી ગયો.
બાપુ : દિશાવિહીન રસ્તે ચાલતાં થાક જ લાગે દીકરા. જિંદગી બોજ બની રહે તો થાક લાગે, ખોજ બની રહે તો આનંદ આવે. હવે તને સમજાય છેને કે તેં લીધેલો માર્ગ ભૂલભરેલો હતો.
હરિ : ના.
બાપુ : (આશ્ચર્યથી) ના?
હરિ : (મક્કમ) બિલકુલ નહીં.
બાપુ : આટઆટલું તારા પર વીત્યા છતાં?
હરિ : છતાં પણ નહીં. બાપુ, મને જે ખરું લાગ્યું એ મેં કર્યું. હું શું મેળવી શક્યો એ બહુ મહત્ત્વનું નથી. મેળવવા માટે શું પ્રયત્ન કર્યા એ જ મહત્ત્વનું છે. સફળતા-નિષ્ફળતા તો સાપેક્ષ છે.
બાપુ : પણ સત્ય નિરપેક્ષ છે, દીકરા.
હરિ : એ સત્યના સહારે જ હું જીવ્યો છું. મારા ફાટેલા ખિસ્સામાંથી ઘણુંબધું સરકી ગયું. પણ સત્યનો એક ધગધગતો ટુકડો સરકી જાય એ પહેલાં મેં એને મારી મુઠ્ઠીમાં જકડી લીધો. હાથ દાઝ્‍યા છતાં મેં એને છોડ્યો નહીં, કારણ કે હું જાણતો હતો કે સત્ય દઝાડે છે, પણ ડુબાડતું નથી.
બાપુ : બિલકુલ તું મારી જ બોલી બોલી રહ્યો છે.
હરિ : તમારો જ દીકરો છુંને બાપુ.
બાપુ : તો પછી મારાથી આટલો દૂર શું કામ ગયો?
હરિ : પોતાની તરસ છિપાવે એવું ઝરણું દરેક માણસે શોધવું જ પડે છે. તમે પણ શોધ્યું હતુંને?
બાપુ : હા, પણ મારી જ નહીં, આખા સંસારની તરસ છિપાવવા માટે.
હરિ : એ આખા સંસારમાં તમારા દીકરાનો સમાવેશ કેમ નહોતો, બાપુ?
બાપુ : જેની આંખો ફૂટી ગઈ છે તે આંધળો નથી, પણ જે પોતાના દોષ જોઈ શકતો નથી તે આંધળો છે.
હરિ : મારે એ જ જાણવું છે કે શું દોષ હતો મારો?
બાપુ : (હસતાં) તારી જાતને નિર્દોષ માનતો હતો એ જ તારો દોષ હતો (ક્ષણભર શાંતિ પછી), હરિ, અસંખ્ય વાર મેં તને કહ્યું હતું કે રોગ થાય એવું ખાશો નહીં, પાપ થાય એવું કમાશો નહીં, દેવું થાય એવું ખર્ચશો નહી, ચિંતા થાય એવું જીવશો નહીં, કઈ વાત માની તેં મારી?
હરિ : કઈ રીતે માનું? નાનપણથી જ તમે મને પક્ષપાતી લાગ્યા છો.
બાપુ : એમ? કઈ રીતે?
હરિ : બાળપણમાં મારે કાશી ભણવા જવું હતું અને તમે મોકલ્યો ગોકીફઈના ગોકળને અને મને મોકલ્યો ગોંડલ.
બાપુ : છોકરા, તું તો જાણે છેને કે એ નિર્ણય તો મેં સિક્કો ઉછાળીને લીધો હતો.
હરિ : મારા નસીબનો ફેંસલો એક સિક્કાના આધારે? તમારી બુદ્ધિ કરતાં એક નિર્જીવ સિક્કાનું મહત્ત્વ વધારે હતું.
બાપુ : બુદ્ધિ સાથે રાગદ્વેષ ભળેલા હોય છે એટલે ખોટો નિર્ણય લેવાવાનો વધારે સંભવ બને. સિક્કો ઉછાળીને આપણી વાતનો ફેંસલો ભગવાનને ભળાવવો મને વધારે યોગ્ય લાગ્યું. શું વિચારે છે, હરિ?
હરિ : વિધિની વક્રતા. સામાન્ય રીતે દીકરાના ભવિષ્યના કૅન્વસ પર બાપ પોતાની કલ્પનાને વિચારોના રંગ પૂરતો હોય છે, પણ મારી બાબતમાં એથી ઊલટું હતું. હું સાઉથ આફ્રિકા આવ્યો ત્યારે તમારા જેવો બનવાની આશાએ આવ્યો હતો, છોટા ગાંધી. એ વખતે મને મારા સ્વતંત્ર વ્યક્તિત્વનો ખ્યાલ જ નહોતો.
બાપુ : આપણે અટકીએ? મારી પ્રાર્થનાનો સમય થયો.
હરિ : સ્વર્ગમાં પણ પ્રાર્થના?
બાપુ: ના. જ્યાં પ્રાર્થના ત્યાં સ્વર્ગ!
અને છેલ્લે...

બીજું દૃશ્ય આવતા સપ્તાહે આ લેખના પહેલા વચ્ચેના ફકરાનો એક ખૂબ જ અગત્યનો ભાગ આલેખવાનું આવશ્યક સમજું છું, જેનાથી બીજા દૃશ્યનો મર્મ સમજાશે.
બા, બાપુ અને હરિલાલ ફિનિક્સ આશ્રમમાં બેઠાં છે. હરિલાલને કંઈક કહેવું છે પણ કહી નથી શકતો. બા જાણે છે કે હરિલાલના મનમાં શું છે. બા હરિલાલને કહેવા પ્રેરે છે.
બા : હરિ, તારે જે વાત કરવાની છે એ કરને.
બાપુ: શું? કોઈ અગત્યની વાત છે?
બા: હરિ પ્રાણજીવન મહેતાના પ્રસ્તાવ બાબતે તમને પૂછવા માગે છે.
બાપુ : મહેતાને ખૂબ માયા છે મારા પર, આપણા આ આશ્રમ પર. મને કહે કે તમારા કોઈ એક દીકરાને વિલાયત ભણવા મોકલો, બધો જ ખર્ચ હું ઉપાડવા તૈયાર છું. મેં કહ્યું કે આવું હું કરું એ યોગ્ય નથી. મારી સેવાનો આવો બદલો હું ન લઈ શકું. તમારે મને રાજી જ રાખવો હોય તો આશ્રમના કોઈ પણ એક વિદ્યાર્થીનો ભાર તમે ઉપાડો અને તેઓ માની ગયા.
હરિ : (ઉત્સાહથી) તમે કોને મોકલવાનું વિચાર્યું છે બાપુ.
બાપુ : વિચાર્યું નથી. સૂચવી દીધું છે.
હરિ : કોનું નામ?
બાપુ : છગનલાલનું.
બા : છગનલાલનું શું કામ? હરિલાલ કે મણિલાલનું કેમ નંઈ?
બાપુ : કારણ કે એ મારા દીકરા છે.
બા : એની સજા તેમણે ભોગવવાની?
બાપુ : આ સજા નથી, ત્યાગ છે.
બા : એ ત્યાગ તમે જ કરો, છોકરાંવને માથે શું કામ લાદો છો? આ રીતની જબરદસ્તી તમને શોભા આપે છે?
બાપુ : વાણીમાં સંયમ રાખો. ભાવે એટલું ખાવું ન જોઈએ ને આવડે એટલું બોલવું ન જોઈએ.
બા : અરે પણ આપણે કંઈ પ્રાણજીવનભાઈ પાસે માગવા થોડા ગયા હતા?
બાપુ : તેમણે આપવાની ઉદારતા બતાવી અને મેં લેવાનો મોહ ન કર્યો એમાં ખોટું શું કર્યું?
બા : ખોટું મારા છોકરાંવના હિતનું કર્યું છે? જીવનભર એ લોકોએ આ આશ્રમમાં રહેવાનું, ઢસરડા કરવાના, જમીન પર સૂવાનું, ગધ્ધાવૈતરું કરવાનું અને બાપડાઓને કંઈક પામવાનું આવે ત્યારે તમે એ બીજાને દાન કરી દો છો.
બાપુ : કસ્તુરબાઈ, જેની આપણને ખૂબ જરૂર હોય એને ત્યાગીએ એ જ દાનનો મહિમા છે. શીખંડી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે એનો શું મહિમા હોય?
બા : તમને તમારા મહિમાની પડી છે, અમારી કંઈ પડી નથી?
બસ આ જ વાત હરિલાલના હૃદય પર ઘા કરી ગઈ, બાપુ વિરુદ્ધ જવાનું કારણ બની ગઈ. તેઓ આશ્રમ છોડીને ભાગી ગયા. વધુ આવતા સપ્તાહે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK