Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રવીણ જોષીની ચાલ માશાલ્લાહ,જેશ્ચર સુભાનઅલ્લાહ,ડાયલૉગની અદા ઇન્શાલ્લાહ

પ્રવીણ જોષીની ચાલ માશાલ્લાહ,જેશ્ચર સુભાનઅલ્લાહ,ડાયલૉગની અદા ઇન્શાલ્લાહ

11 February, 2021 01:37 PM IST | Mumbai
Latesh Shah

પ્રવીણ જોષીની ચાલ માશાલ્લાહ,જેશ્ચર સુભાનઅલ્લાહ,ડાયલૉગની અદા ઇન્શાલ્લાહ

WHDC પૉકેટ થિયેટરમાં પ્રવીણ જોષીની ગુણાનુવાદ સભામાં શર્મન જોષી, અરવિંદ જોષી, સરિતા જોષી, પરેશ રાવલ અને હું.

WHDC પૉકેટ થિયેટરમાં પ્રવીણ જોષીની ગુણાનુવાદ સભામાં શર્મન જોષી, અરવિંદ જોષી, સરિતા જોષી, પરેશ રાવલ અને હું.


ગયા ગુરુવારનું રીકેપ -
સ્વર્ગસ્થ અરવિંદ જોષીની સ્મરણાંજલિ
અરવિંદ જોષી મારા પૉકેટ થિયેટર પાર્લામાં ‘સુજાતા રંગ રંગીલી’ જોવા માટે ઉષાબહેન સાથે તેમની બોલવા, ઊભવાની અશક્તિ આવ્યા બાદ પણ જોવા આવ્યા હતા. મારી સાથે અરવિંદભાઈનો ઘરોબો હતો. મારા સેમિનારમાં પણ તેઓ આવતા. કેવો અદ્ભુત વિદ્યાર્થી અને કેવો જ્વાળામુખી જેવો, લાવાની જેમ ધગધગતો અને ધસમસતો સર્જનશીલ કલાકાર. જીવનની પળેપળને ઝિંદાદિલીથી જીવ્યો. કવિ રમેશ પારેખનો ચાહક અને ગુજરાતી ભાષાનો ભાનુ અસ્ત થયો છે, પણ અદૃશ્ય નથી થયો. આવનારી કલાકારોની પેઢીને પ્રકાશ, પ્રેરણા, પ્રોત્સાહન, દંતકથા બની ગયેલા અરવિંદ જોષીની લોકવાર્તા અને લોકવાયકાઓમાંથી પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના.
આ ગુરુવારે ફરીથી ૧૯૭૩માં આવી જઈએ...
અરવિંદ જોષીના મોટા ભાઈ પ્રવીણ જોષી. બ્લૅક ઍન્ડ યલો રંગની નવીનક્કોર ફીઆટ ટૅક્સી આવી અને બહાર જયહિન્દના ગેટ પાસે ઊભી રહી. એમાંથી એક હૅન્ડસમ માણસ ફુલ સ્લીવનું ચેક્સવાળું શર્ટ અને ગ્રે પૅન્ટ તથા કોલ્હાપુરી ચંપલ સાથે ઊતર્યો અને પૈસા ચૂકવીને ગેટમાં એન્ટ્રી મારી અને સ્ટેપ્સ પર બેઠેલી ત્રણ વિદ્યાર્થિનીઓમાંથી એક બોલી, ‘હી ઇઝ પ્રવીણ જોષી. ગુજ્જુ ઍક્ટર-ડિરેક્ટર.’ બીજી બોલી, ‘હી ઇઝ હૅન્ડસમ.’ હું પ્રવીણ જોષી નામ સાંભળીને ચોંક્યો, ચમક્યો અને તેમને જોતાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. ઇનશર્ટ, એક હાથમાં 555 સિગારેટનું યલો ગોલ્ડન પાકીટ હતું. તેમના આગળ કપાળ પર આવતા વાળ અને પાતળી તલવારકટ મૂછમાં તેઓ ખરેખર પર્સનાલિટી લાગતા હતા.
હું તેમને સ્માઇલ આપું કે હેલો કહું કે શું કરુંના ડિલિમામાં હતો. વિચારીને ઍક્શન લઉં એટલી વારમાં તો તેઓ જતા રહ્યા. આ સ્ટાર પ્રવીણ જોષીને મારે મળવાનું છે. ઓહ માય ગૉડ!
પ્રવીણ જોષીને પર્સનલી મળવાનું છે એ વિચારથી જ આખા શરીરમાં ધ્રુજારી ફરી વળી. વિચારથી જ ચહેરા પર પહેલી વાર પ્રસ્વેદ બિંદુ પ્રસરી ગયાં. હું મૂંઝવણમાં મુકાઈ ગયો. જાની સર આવ્યા નહોતા. તેમના વગર પ્રવીણ જોષી, ધ સ્ટેજ સુપરસ્ટારને મળવાની મારી હિંમત જ નહોતી થતી. ત્યાં જ જાની સર સાથે એક ગોરાં-ગોરાં બટુકગોરી લૉન્ગ શૉટમાં આવતાં દેખાયાં. મારો શ્વાસ હેઠો પડ્યો. ક્લોઝઅપમાં જાનીની બે બટન ખૂલેલી છપ્પનની છતી દેખાઈ. મેં ગરદન ઊંચી ટિલ્ટ-અપ કરી અને જાની સરનો સ્માઇલિંગ ફેસ દેખાયો. જાની સરે ઓળખાણ કરાવી. આ રીટા દેસાઈ. મેં ગળું નીચે ટિલ્ટ-ડાઉન કરીને જોયું બટુક ગોરી તરફ. રીટા ઇઝ ચીફ અસિસ્ટન્ટ ટુ પ્રવીણ જોષી. જાની ઉવાચ ઃ મારી ઓળખાણ કરાવી, આ લતેશ શાહ. કેસી કૉલેજનાં નાટકોનો હીરો.’ મારા ચહેરાનો રંગ રતુમડો થઈ ગયો. મેં અને રીટાબહેને એકમેકને હૂંફાળું સ્મિત આપીને હાથ મિલાવ્યા. રીટાબહેન બોલ્યાં, ‘તારા હાથમાં પસીનો થયો છે કે તેં હાથ ધોયા છે.’ મેં કહ્યું, મેં ‘પ્રવીણભાઈને જોયા.’ જાની સર અને રીટાબહેન બન્ને હસી પડ્યાં એકસાથે.
પ્રવીણ જોષીના સહાયક તરીકે જોડાવું અને તેમના સહાયક દિગ્દર્શક બનવું એટલે એ જમાનામાં કઠણ અને અઘરું કામ ગણાતું. નાટકની દુનિયાના લોકો પ્રવીણ જોષીના અસિસ્ટન્ટને કૉમ્પ્લેક્સથી જોતા અને તેમના સહાયક, નાટ્યજગતના બીજા બધા નિર્માણનાં નાટકોને અને એના દિગ્દર્શકોને હીણી નજરથી જોતા. પ્રવીણ જોષીનાં નાટકો એટલે વન પ્લસ નાટકો ગણાતાં. જાણે તેમનાં નાટકો એટલે આધુનિક રંગભૂમિનાં બેસ્ટ અને સટલ નાટકો અને બીજાં બધાં નાટકો એટલે આધુનિક રંગભૂમિનાં લાઉડ નાટકો. પ્રવીણ જોષીનાં નાટકોમાં કામ મળે એટલે કલાકારના કૉલર ઊંચા થઈ જાય. પ્રવીણ જોષીને લીધે આઇએનટીનું સ્તર ઊંચું ગણાતું. એમાં આઇએનટી પારસી નાટકો ભજવે, મરાઠી નાટકો ભજવે. મનસુખ જોષી લોકકથા પરનાં નાટકો પર રિસર્ચ કરી નાટકો કરે. એમાં લબ્ધપ્રતિષ્ઠ કવિઓના મુશાયરા થાય. આઇએનટી એક જ સંસ્થા એવી હતી જેને ગવર્નમેન્ટની ગ્રાન્ટ મળતી હતી. દામુ ઝવેરી આ સંસ્થાના સંસ્થાપક હતા. દામુ ઝવેરીનો સિક્કો પડતો. આઇએનટીના દોમદોમ સાહ્યબીના શહેનશાહ પ્રવીણ જોષી ગણાતા.
મારું સપનું સાકાર થવાના મને ભણકારા વાગવા લાગ્યા. જોકે એ દિવસે પ્રવીણભાઈ રિહર્સલમાં બિઝી હતા અને નાટકના ડાયલૉગ્સ ઇમ્પ્રોવાઇઝ કરવામાં તથા સીન કોરિયોગ્રાફ કરવામાં પડ્યા હતા. તેમના રોલની પ્રૉક્સી રીટાબહેન કરતાં હતાં એટલે જાની સરે અમને એમ સમજાવ્યા કે પ્રવીણભાઈ વ્યસ્ત છે એટલે તેમને અમારી સાથે પછી ક્યારેક મેળવશે. અમે હલકાફૂલકા નિરાશ અને ખુશ થતા રિહર્સલ જોતા રહ્યા. પ્રવીણ જોષી ડાયરેક્ટ કરે અને અમને જોવાનો સુવર્ણ અવસર મળ્યો.
રિહર્સલ પૂરું થવા આવ્યું ત્યારે શફી ઈનામદાર આવ્યો. શફીભાઈએ પ્રવીણભાઈને સલામ-દુઆ કરી અને પ્રવીણભાઈએ શફીને કહ્યું, ‘કૈસે હો મિયાં.’ શફી ખુશખુશાલ થઈ ગયો. એ સમયે શફી કોઈ નાટક, સિરિયલ કે ફિલ્મોમાં રોલ નહોતો ભજવતો. એ એકાંકીઓમાં રોલ કરતો અને ડાયરેક્ટ કરતો હતો. શફી ઈનામદાર દિલીપકુમારની કૉપી કરતો અને કાદર ખાનની સ્ટાઇલથી ઍક્ટિંગ કરતો અને હળવે-હળવે પ્રવીણ જોષીની કૉપી કરતો મેં જોયો છે. તે હંમેશાં કહેતો કે પ્રવીણ જોષી કી ચાલ એટલે માશાલ્લાહ, તેમના જેશ્ચર એટલે સુભાનઅલ્લાહ, તેમની ડાયલૉગ બોલવાની અદા એટલે ઇન્શાલ્લાહ. સમય જતાં શફી પ્રવીણ જોષીની કાર્બન કૉપી બની ગયો હતો. તે તેમના પર ફિદા હતો. પ્રવીણ જોષી અને સરિતા જોષી રિહર્સલ પૂરાં થાય એટલે પૅક-અપ કરી, સ્માઇલ આપી એક્ઝિટ મારે.
અમે બધા નવોડિયાઓ શફી અને જાની સાથે તેમના રેગ્યુલર અડ્ડામાં તેમણે આમંત્ર્યા નહોતા તો પણ તેમની પાછળ ઘસડાઈને ગયા. અમારે માટે એ પણ બહુ મોટી ઘટના હતી. શફી બોલે, જાની દલીલ કરે, કર્પે મરાઠી-ગુજરાતી નાટકોનો ઇતિહાસ ખોલે અને અમે અડ્ડામાં બેઠા જાણે જ્ઞાનનો દલ્લો લૂંટતા હોઈએ એ રીતે ધુમાડાથી બળતી આંખો ચોળતા હોઈએ.
શફી ઈનામદાર પ્રવીણ જોષી વિશેના સવાલ કરે અને જાની જવાબ આપે અને અમે બેચાર જણ હુંકારો ભણતાં પ્રવીણ જોષી અને એ સમયના સમકાલીનોના રંગભૂમિમાં કરેલાં સર્જનશીલ સાહસોની વાતોના છતાકા લઈએ.
પ્રવીણ જોષીએ કરેલાં નાટકોની વાતો સાંભળીએ અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ.
પ્રવીણ જોષી જેવા રાજવી વિશે જેટલું લખાય એટલું ઓછું પડે. તેમના ભૂતકાળ અને વર્તમાનમાં ચાલતાં નાટકો તેમના સામ્રાજ્યનો પરિચય આપતાં. ભવિષ્યકાળમાં તો તેમનો ગુજરાતી રંગભૂમિ પરના સામ્રાજ્યનો વિસ્તાર અસીમ વિસ્તર્યો હતો.
અમદાવાદમાં તેમનાં નાટકો જોવા લોકો પડાપડી કરતા અને લાંબીલચક લાઇનો લગાવતા.
પ્રવીણ જોષીનાં નાટકો જોવા માટે માસ અને ક્લાસ પ્રેક્ષકોનાં ધાડાંનાં ધાડાં આવતાં. બન્ને ઢગલાબંધ આવે. પ્રવીણ જોષીની લેખન પર આંખ અને દિગ્દર્શનની પાંખ પ્રેક્ષકોને વાર્તાના વનમાંથી લઈને સ્વચ્છ, ખુલ્લા આકાશનાં વાદળો પર થઈને વિસ્મયના વિસ્તારમાં લઈ ઊડતી. પ્રવીણ જોષી કરીઅરની શરૂઆતમાં પોતાનું મૅગેઝિન ચલાવતા. ગુજરાતી ભાષાનો જાણકાર, દિગ્દર્શનનો મહારથી, વશીકરણવાળો વૉઇસ અને દરેક પાસાની ચૉઇસ વિષય, લેખક, ટાઇટલ, સન્નીવેશ, પ્રકાશ-આયોજન, સંગીત, જાહેરાત, કૅપ્શન, વાતને વળાંક આપવાની રીત, પ્રિય પ્રેક્ષક પ્રત્યેની પ્રીત અદ્ભુત હતી.
તેમનાં નાટકો કુમાર અસંભવમ, મંજુ મંજુ, મીન પ્યાસી, કુમારની અગાશી, પ્રેમશાસ્ત્ર, ચોરબજાર, સંતુ રંગીલી, મોસમ છલકે, થૅન્ક યુ મિસ્ટર ગ્લાડ, વૈશાખી કોયલ, વિષયોનું વૈવિધ્ય એટલે પ્રવીણ જોષી. આ જ રંગભૂમિનો બેતાજ બાદશાહ અચાનક રાતે બીજે માળેથી ઢળી પડ્યો અને ગુજરાતી રંગભૂમિનું સિંદૂર ભૂંસાયું હોય એમ લાગ્યું. આ કયો અને કેવો નશો હતો તખતાના આ માણસને કે શ્વાસેશ્વાસમાં નાટકનો પ્રાણવાયુ ફેફસામાં ભરનાર અચાનક નશાના નશામાં ઢળી પડ્યો. અમે કૉલેજમાં નાટકનાં રિહર્સલ કરતા હતા અને ભાગ્યા હતા તેમનાં છેલ્લાં દર્શન કરવા. મન માનવા તૈયાર નહોતું. ગુજરાતી રંગભૂમિનો રંગકર્મી ઉપરવાળાએ આપણી પાસેથી ઝૂંટવી લીધો. આપણે હેલ્પલેસ થઈને જોયા કરવાનું. પ્રવીણભાઈ, જ્યાં હો ત્યાં સરસ તમારી સ્ટાઇલનાં નાટકો કરતા રહેજો. પ્રવીણભાઈ, મારી ભૂલચૂક બદલ માફી માગું છું. શું ભૂલચૂક થઈ? જાણીએ આવતા અઠવાડિયે.

માણો અને મોજ કરો, જાણો અને જલસા કરો
આકાશમાં ઊડતાં પંખીઓને માણસો કેવા જીવજંતુ જેવા લાગે. કામ, ક્રોધ, મદ, લોભ, મતસરથી ઘેરાયલા મનુષ્યને લાગે કે એનાથી વિરાટ કોઈ છે જ નહીં. માણસને મગજ મળ્યું છે બ્રહ્મ સાથે જોડાવા અને માણસ ભ્રમ સાથે જોડાઈને અહંકાર, અહમ્, ઘમંડમાં જ રચ્યા કરે છે અને ‘હું જ હું જ હું જ’ની કિકિયારીઓ પાડ્યા કરે છે. અરે મૂરખ, તું જ તું જ કર અને સ્ટ્રેસમાંથી બહાર નીકળ, હું જ નહીં, મારા જીવનની દરેક ઘટનાનું શ્રેય તારું. પ્લસ તારું અને માઇનસ તારું. આટલું જ માનવાથી તરી જઈશ આ ભવસાગર. મારું મારું મારે અને તારું તારું તારે. સમજાયું તો મોજ કર અને બ્રહ્માંડ સાથે ભળીને જલસા કર.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 01:37 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK