Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નોખા-અનોખા પ્રણવદા: ઇન્ડિયન પૉલિટિક્સના શશી કપૂર

નોખા-અનોખા પ્રણવદા: ઇન્ડિયન પૉલિટિક્સના શશી કપૂર

06 September, 2020 07:26 PM IST | Mumbai
Raj Goswami

નોખા-અનોખા પ્રણવદા: ઇન્ડિયન પૉલિટિક્સના શશી કપૂર

પ્રણવ મુખરજી

પ્રણવ મુખરજી


કૉન્ગ્રેસના સાથીઓ ખાનગીમાં પ્રણવ મુખરજીને રાજકારણના શશી કપૂર કહેતા હતા, કૉન્ગ્રેસના મોટા-મોટા સુપરસ્ટારના પડછાયામાં તેઓ ઢંકાયેલા રહી ગયા. આ વિધાનને બે રીતે લઈ શકાય; કૉન્ગ્રેસમાં તેમની જોઈએ એટલી (વડા પ્રધાન બનાવવા જેટલી, એમ વાંચો) કદર ન થઈ. એનો બીજો અર્થ એવો પણ થાય કે મહારથીઓ વચ્ચે રહીને પણ તેમણે પોતાનું એવું નોખું વ્યક્તિત્વ (અને સ્થાન) બનાવ્યું કે મોડે-મોડે પણ ૨૦૧૨માં તેઓ રાષ્ટ્રપતિપદ માટેના સ્વાભાવિક વિકલ્પ સાબિત થયા. ‘મોડે-મોડે’ એટલા માટે કે ૨૦૦૭માં રાષ્ટ્રપતિપદ માટે (શિવરાજ પાટીલ અને સુશીલકુમાર શિંદે સહિત) પ્રણવ મુખરજીનું નામ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના સાથીપક્ષો સમક્ષ પેશ કરવામાં આવ્યું હતું, પણ સરકારના શરૂઆતના એ દિવસોમાં કૉન્ગ્રેસ તેમના જેવા અનુભવી નેતાને વહીવટમાંથી ગુમાવવા માગતી નહોતી એટલે તેમના નામ પર ચોકડી લાગી ગઈ.

પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિપદે બિરાજ્યા અને પછી તરત જ ‘નવોદિત’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘લાડકા’ બની ગયા હતા. કહેવાય છે કે વિદેશનીતિ અને અન્ય મુદ્દાઓ પર મુખરજી મોદીને માર્ગદર્શન આપતા હતા. મોદીએ સાર્વજનિક રીતે મુખરજીનો આભાર માનતાં કહ્યું હતું કે ‘દિલ્હીમાં મારા શરૂઆતના દિવસોમાં તેમણે મારો હાથ ઝાલ્યો હતો.’ જેટલી સફળતાથી યુપીએના સમયમાં મુખરજી પદ પર પહોંચ્યા હતા એટલી જ સફળતાથી તેઓ રાષ્ટ્રપતિપદ પરથી નિવૃત્તિને પણ જીવી ગયા. એ દિવસોમાં પણ તેમનું ઘર બીજેપીના ‘મહેમાનો’થી ભરેલું રહેતું હતું.



મોદી સરકાર સાથેના તેમના એ સુમેળ સંબંધોનું જ એ પરિણામ હતું કે જૂન ૨૦૧૮માં બીજેપીના ‘વૈચારિક ગુરુ’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં સંબોધન આપવા માટે નાગપુર જઈ ચડીને મુખરજીએ કૉન્ગ્રેસ અને સાથીપક્ષોને ચોંકાવી દીધા હતા અને તેમની વર્ષોની કૉન્ગ્રેસ-વફાદારી પર શંકાઓ થવા લાગી હતી. તેમની પુત્રી શર્મિષ્ઠા મુખરજી ત્યારે દિલ્હી કૉન્ગ્રેસની મહિલા પાંખની નેતા હતી અને તે કૉન્ગ્રેસ છોડીને હવે બીજેપીમાં જોડાઈ રહી છે એવી અફવા જોરશોરથી શરૂ થઈ, તો તેણે સ્પષ્ટતા કરવી પડી હતી કે ‘કૉન્ગ્રેસ છોડવાને બદલે રાજકારણ છોડી દઈશ.’


દીકરીએ તો નહીં, પણ પિતાએ કૉન્ગ્રેસ જરૂર છોડી હતી. ઘણા લોકોને યાદ પણ નહીં હોય કે ૧૯૮૪થી ૧૯૮૯ વચ્ચે પ્રણવ મુખરજી કૉન્ગ્રેસમાં ‘નિષ્ક્રિય’ થઈ ગયા હતા (રાજીવ ગાંધીએ હાંસિયામાં ધકેલી દીધા હતા, એવું વાંચો) અને ૧૯૮૬માં તેમણે ખુદની રાષ્ટ્રવાદી સમાજવાદી કૉન્ગ્રેસ પાર્ટી બનાવી હતી. ૧૯૮૯માં રાજીવ સાથે ‘બુચ્ચા’ થઈ ગયા એટલે તેમણે પાર્ટીને કૉન્ગ્રેસમાં ભેળવી દીધી.

એનું કારણ શું? રાજીવ ગાંધીને એવી ‘પાક્કી’ શંકા હતી કે ઇન્દિરા ગાંધીની હત્યા પછી વડા પ્રધાનની ખુરસી પર પ્રાણવદાની નજર હતી. ‘પાક્કી’ એટલા માટે કે કૉન્ગ્રેસમાં શિરસ્તો એવો હતો કે ૧૯૬૪માં નેહરુ અને ૧૯૬૬માં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ સંસદમાં પક્ષના સૌથી વરિષ્ઠ સભ્યને રાષ્ટ્રપતિએ વડા પ્રધાનપદ માટે આમંત્રણ આપ્યું હતું. મુખરજી એ વખતે નાણાપ્રધાન હતા અને રાષ્ટ્રપતિ ઝૈલ સિંહ વચગાળાના વડા પ્રધાન તરીકે મુખરજીને બોલાવશે.


એવું ન થયું. મુખરજી ત્યારે પશ્ચિમ બંગાળમાં હતા અને તેઓ દિલ્હી પહોંચે એ પહેલાં ફર્ટિલાઇઝર પ્રધાન વસંત સાઠેએ ઇન્દિરાના પુત્ર રાજીવનું નામ સૂચવીને ‘પાણી પહેલાં પાળ’ બાંધી દીધી હતી. ડિસેમ્બર ૧૯૮૪માં રાજીવના નેતૃત્વ હેઠળ અને ઇન્દિરાની સહાનુભૂતિના વાવાઝોડામાં કૉન્ગ્રેસ ૪૧૪ બેઠકોના પ્રચંડ બહુમતથી શાસનમાં આવી. રાજીવ ગાંધી સરકારના પ્રધાનમંડળના શપથ લેવાયા ત્યારે એ વિધિમાં પ્રણવ મુખરજીની ગેરહાજરી ઊડીને આંખે વળગે એવી નહીં, પણ વાગે એવી હતી. 

તેમના પુસ્તક ‘ધ ડ્રામૅટિક ડિકેડ; ધ ઇન્દિરા ગાંધી યર્સ’માં મુખરજી લખે છે કે ‘મને જ્યારે પ્રધાનમંડળમાંથી બાદબાકીની ખબર પડી ત્યારે હું દિગ્મૂઢ થઈ ગયો હતો. મને વિશ્વાસ આવતો નહોતો, પણ મેં સ્વસ્થતા જાળવી રાખીને મેં અને મારી પત્નીએ ટેલિવિઝન પર શપથવિધિ નિહાળી હતી.’

આ પહેલી વાર અને છેલ્લી વાર નહોતું થયું. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે ફરી એક વાર મુખરજી ખુરસીની નજીક હતા. એ વખતે સોનિયા ગાંધી પર વડા પ્રધાનપદ સ્વીકારવાનું દબાણ હતું. તેમણે ઇનકાર કર્યો. સોનિયા તો રાજીવ રાજકારણમાં ન આવે એની તરફેણમાં હતાં, પણ ઇન્દિરાના અકાળ અવસાન પછી ‘નાછૂટકે’ રાજીવે સત્તા સંભાળવી પડી. સોનિયા છેક ૧૯૯૮માં પક્ષનાં અધ્યક્ષ બન્યાં અને એની પાછળ પ્રણવ મુખરજીનો મુખ્ય હાથ હતો. એ પછી મુખરજી નિયમિતપણે, નરેન્દ્ર મોદીના શબ્દોને યાદ કરીએ તો, પક્ષના સંચાલનમાં સોનિયાનો હાથ ઝાલતા રહ્યા હતા.

૨૦૦૪ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને જીત મળી ત્યારે નક્કી જ હતું કે સોનિયા વડાં પ્રધાન બનશે, પણ એ વખતે સોનિયાને ‘ઇટલીની વહુ’ કહીને બીજેપીએ બહુ માછલાં ધોયેલાં અને સોનિયાએ એ ટીકામાંથી હવા કાઢી નાખવા માટે ખુરસી પર બેસવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે એવું ધારી લેવામાં આવ્યું હતું કે સૌથી વરિષ્ઠ પ્રણવ મુખરજીને પદ માટે પસંદ કરવામાં આવશે. મુખરજીને પણ એનો અંદેશો હતો. એક પુસ્તકમાં તેઓ લખે છે, ‘સોનિયા ગાંધીએ ઇનકાર કર્યો ત્યારે સર્વસાધારણ અપેક્ષા એવી હતી કે વડા પ્રધાનપદ માટે મારી પસંદગી કરવામાં આવશે. એની પાછળનો તર્ક એવો હતો કે સરકારમાં મારો સૌથી વધુ અનુભવ હતો, જ્યારે ડૉ. સિંહનો સિવિલ સેવામાં બહોળો અનુભવ હતો તથા તેઓ પાંચ વર્ષ નાણાપ્રધાન રહ્યા હતા.’

મુખરજીના પુસ્તકના વિમોચન વખતે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું પણ હતું કે મારે બદલે મુખરજી બહુ ઉત્તમ વડા પ્રધાન બની શક્યા હોત, પરંતુ એમાં તેમનું કશું ચાલે એવું નહોતું. એક ઇન્ટરવ્યુમાં મુખરજીને આ સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ‘ડૉ. સિંહની પસંદગી બરાબર હતી. મારો સંબંધ છે ત્યાં સુધી મેં જે આપ્યું છે એના કરતાં આ દેશે મને ઘણું આપ્યું છે. જે મળ્યું છે એનાથી મને સંતોષ છે. મેં આ દેશની કેન્દ્રીય પ્રધાન તરીકે ૨૨ વર્ષ સેવા કરી છે. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી રાજ્યસભા અને ૨૦૦૪થી ૨૦૧૨ સુધી લોકસભા મળી દુર્લભ કહી શકાય એમ બન્ને ગૃહના નેતા બનવાનો મોકો મળ્યો છે. મેં કૉન્ગ્રેસની સૌથી ઊંચી કારોબારી સમિતિમાં ૧૯૭૮થી કામ કર્યું છે. બીજું શું જોઈએ.’

એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે વડા પ્રધાનની ખુરસીથી વંચિત રહી જવાના વળતરરૂપે જ કૉન્ગ્રેસે મુખરજીને દેશના પ્રથમ નાગરિકના પદ પર બેસાડ્યા હતા. એ હકીકત એ વાતની સાબિતી છે કે મુખરજી કૉન્ગ્રેસમૅનના લેબલથી ઉપર અને નોખા થઈ ગયા હતા. મુખરજી માટે કહેવાય છે કે દેશના તમામ રાજકારણીઓ માટે તેમના દરવાજા ખુલ્લા રહેતા હતા. ચમચાગીરી અને જીહજૂરી માટે નામચીન કૉન્ગ્રેસમાં એક વ્યક્તિ વ્યાવહારિક અને સૈદ્ધાંતિક રીતે વિરોધી નેતા સાથે એટલો જ પ્રેમાળ સંબંધ રાખે એની કલ્પના કરવી અઘરી છે, પણ મુખરજી એટલા ‘મોટા’ થઈ ગયા હતા કે તેમને વફાદારીનાં આવાં બંધન નડતાં નહોતાં.

નાગપુરમાં સંઘના વડામથકે તેમણે સ્થાપક કે. એસ. હેડગેવારને ‘ભારતમાતાના સપુત’ તરીકે યાદ કરીને નેહરુને પણ ટાંક્યા હતા ત્યારે સંઘ એ હકીકતથી ખુશ હતો કે એક કૉન્ગ્રેસી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ તેમના દરવાજે દસ્તક આપી છે, જ્યારે કૉન્ગ્રેસની છાવણી એ વાતથી મૂછો પર તાવ દેતી હતી કે દેશની સૌથી જૂની કૉન્ગ્રેસ પાર્ટીએ સંઘને આયનો બતાવ્યો છે. રાજીવ (જેને બીજેપીએ બોફોર્સ કાંડમાં નિશાન બનાવ્યા હતા) સાથેના તેમના તંગ સંબંધોને કારણે જ મુખરજી બીજેપીને ગમતા હતા.

સંસદમાં બીજેપીએ મનમોહન સિંહને બહુ લબડધક્કે લીધા હતા. એમાં સંસદ ચલાવવાના ભાગરૂપે બીજેપી સાથે વાટાઘાટોની જવાબદારી મુખરજીની રહેતી, જેઓ ત્યારે આયોજન પંચના ચૅરમૅન હતા. સંસદમાં મુખરજી અડવાણીથી એક વર્ષ સિનિયર હતા અને અડવાણી તેમને ઘણું માન આપતા હતા. અડવાણીએ એક વાર સંસદમાં કહ્યું પણ હતું કે ‘પ્રણવદા ન હોત તો યુપીએની શું હાલત થઈ હોત.’

૩૧ ઑગસ્ટે પ્રણવ મુખરજીનું અવસાન થયું ત્યારે લાલ કૃષ્ણ અડવાણીએ તેમને અંજલિ આપતાં કહ્યું હતું કે ‘મારા માટે તેઓ એક સાથી કરતાં પણ વધુ હતા અને અમારા સાર્વજનિક જીવનમાં અને બહાર અમે મૂલ્યવાન ક્ષણો સાથે પસાર કરી હતી. અમારો સંબંધ પારિવારિક પણ હતો. તેમની સાથે જમવા પર પસાર કરેલા અનેક સમય મારા દિલમાં કાયમ અંકિત રહેશે.’

અડવાણીના દિલની વાતો તો ખબર નહીં ક્યારે બહાર આવશે, પણ મુખરજી એક ડાયરી જરૂર લખતા હતા, જે તેમના અંતિમ દિવસો સુધી લખાતી હતી. દિલની ઘણી વાતો એ ડાયરીમાં હશે, અને ટૂંકમાં જ કોઈ પુસ્તકસ્વરૂપે એ જાહેર થાય એવી આશા રાખીએ.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2020 07:26 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK