પ્રણવ મુખરજીએ નોટથી છેટા થઈને ચિદમ્બરમને પોતાની નિકટ આણ્યા

Published: 30th September, 2011 20:49 IST

નવી દિલ્હી: નાણામંત્રાલયની 2જી સ્પેક્ટ્રમ વિવાદની નોટને લીધે કેન્દ્રના નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ વચ્ચેનો જાહેરમાં દેખાયેલો અંટશ ગઈ કાલે દૂર થઈને તેમની વચ્ચે સુલેહ થઈ હતી. નોટ આવ્યા પછી સાત દિવસથી થયેલી અનેક મીટિંગો અને કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ગઈ કાલે જ વિવાદનો નિવેડો આણવાના આપેલા આદેશ પછી સુલેહની ફૉમ્યુર્લા નક્કી થઈ હતી.

 

 

2જી સ્પેક્ટ્રમ લેટરબૉમ્બને લીધે એક અઠવાડિયાથી યુપીએ સરકારમાં ઊભી થયેલી રાજકીય કટોકટી તાત્પૂરતી દૂર થઈ

નાણામંત્રાલયની ઑફિસ નૉર્થ બ્લૉકમાં ચિદમ્બરમ, ટેલિકૉમ મિનિસ્ટર કપિલ સિબલ અને કાયદાપ્રધાન સલમાન ખુરશીદ પહોંચી ગયા હતા. આ બધાની હાજરીમાં પ્રણવ મુખરજીએ નિવેદન બહાર પાડ્યું હતું કે આ નોટ હકીકતોના બૅકગ્રાઉન્ડ સહિત અનેક તારતમ્યો અને અર્થઘટન ધરાવે છે જે મારાં મંતવ્યોનું પ્રતિબિંબ નથી પાડતી. આ સુલેહના શો પહેલાં પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખરજી ભૂકંપગ્રસ્ત સિક્કિમની મુલાકાત લઈને આવેલા વડા પ્રધાન મનમોહન સિંહને મળ્યા હતા. એક સમયે રાજીનામું આપવા તૈયાર થઈ ગયેલા પી. ચિદમ્બરમે પ્રણવ મુખરજીના નિવેદન બદલ સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું આ સ્ટેટમેન્ટને સ્વીકારું છું અને સરકારને લાગેવળગે છે ત્યાં સુધી આ પ્રકરણ પૂરું થઈ ગયું છે. આ નિવેદનો બાદ સોનિયા ગાંધી વડા પ્રધાનને તેમના નિવાસસ્થાને અડધો કલાક મળ્યા હતા.

નાણામંત્રાલયની ૨૫ માર્ચ ૨૦૧૧ની નોટ પ્રકાશમાં આવી ત્યારથી ચિદમ્બરમ નારાજ હતા. આ નોટમાં લખવામાં આવ્યું છે કે ચિદમ્બરમ ધારત તો કરોડો રૂપિયાના ટેલિકૉમ કૌભાંડને ટાળી શક્યા હોત.

મુખરજીએ કહ્યું હતું કે ‘આ નોટ વિવિધ મંત્રાલયોના અધિકારીઓએ કૌભાંડના બૅકગ્રાઉન્ડ તરીકે તૈયાર કરી હતી. આ નોટ વિશે મિડિયામાં અનેક પ્રકારની સ્ટોરી આવી છે. ૨૦૦૭-’૦૮ની યુપીએની નીતિ એ ઑક્ટોબર ૨૦૦૩માં અપનાવેલી નીતિ જ હતી.’

અહંનો ટકરાવ વકરી રહ્યો છે એ જોતાં સોનિયાએ સિનિયર નેતાઓ એ. કે. ઍન્ટની અને અહમદ પટેલ સાથે મસલતો કરી હતી. ચિદમ્બરમ અને પ્રણવ વડા પ્રધાનને મળ્યા એ પહેલાં સલમાન ખુરશીદ અને પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)ના રાજ્યકક્ષાના પ્રધાન નારાયણસામી ચિદમ્બરમને મળ્યા હતા.

બીજેપીની એક જ રટ : ચિદમ્બરમ રાજીનામું આપે

નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ સુલેહ કરતાં નિવેદન કર્યું ત્યાર બાદ બીજેપીએ કહ્યું હતું કે ‘તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેઓ ધારત તો દેશને થતા નુકસાનને અટકાવી શક્યા હોત. પ્રણવ મુખરજી કહે છે કે આ નોટમાં મારાં મંતવ્યો નથી. આની અમને ખબર છે. આ નોટ તો કાયદાપ્રધાન અને વડા પ્રધાનની કચેરીના સેક્રેટરી સાથે નાણામંત્રાલયે શરૂ કરી હતી. અમારી માગણી છે કે ચિદમ્બરમ રાજીનામું આપે અને સીબીઆઇ તેમની ભૂમિકા તપાસે. પ્રણવનું સ્ટેટમેન્ટ અહંટકરાવ માટે છે, જવાબદારી નક્કી કરવા માટે નથી.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK