Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંડવ કોણ, કૌરવ કોણ?

પાંડવ કોણ, કૌરવ કોણ?

05 October, 2019 04:13 PM IST | મુંબઈ

પાંડવ કોણ, કૌરવ કોણ?

પ્રકાશ મહેતા

પ્રકાશ મહેતા


બીજેપીએ પોતાની ચોથી અને આખરી યાદીમાં ૬ ટર્મના વિજેતા અને ઘાટકોપરના સ્ટ્રૉન્ગ દાવેદાર મનાતા પ્રકાશ મહેતાને બેઠક ન ફાળવતાં ઘાટકોપરભરમાં પ્રકાશ મહેતાના સમર્થકોમાં જોશ ઓસરી ગયો હતો. પ્રકાશ મહેતાના સ્થાને પહેલી વાર પાલિકાની ચૂંટણીમાં બીજેપીની સીટ પરથી ચૂંટણી જીતનાર મુંબઈના સૌથી ધનવાન નગરસેવક પરાગ શાહને ટિકિટ ફાળવાતાં પ્રકાશ મહેતાના સમર્થકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. સમર્થકોએ નવા ઉમેદવાર પરાગ શાહની કારની તોડફોડ કરી હતી અને બાઉન્સરને ધક્કે ચડાવ્યા હતા. આને પગલે ઘાટકોપર બીજેપીમાં ગુજરાતી વિરુદ્ધ ગુજરાતી જેવો સિનારિયો સર્જાયો હતો. હવે ઘાટકોપર બન્યું છે ચૂંટણીનું કુરુક્ષેત્ર, પણ પ્રશ્ન એટલો કે પાંડવ કોણ ને કૌરવ કોણ?

સૂત્રોએ જણાવ્યા અનુસાર પક્ષે ટિકિટ ફાળવ્યા બાદ પરાગ શાહ ગઈ કાલે બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા સાથે પ્રકાશ મહેતાના ઘરે આશીર્વાદ લેવા ગયા હતા. પરાગ શાહથી નાખુશ હોવાનું પ્રકાશ મહેતાના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ આવતું હતું અને તેઓ તેમના રોષનો ભોગ બન્યા હતા.



દરમ્યાન પ્રકાશ મહેતાને ટિકિટ મળી ન હોવાને કારણે નારાજ થયેલા સમર્થકોમાં રોષ ભભૂક્યો હતો અને જમા થયેલા ટોળાએ એક પરાગ શાહના બૉડીગાર્ડને ધક્કે ચડાવ્યો હતો અને પરાગ તેમની કારની તોડફોડ કરી હતી. જોકે પ્રકાશ મહેતાએ દરમ્યાનગીરી કરીને સમર્થકોને શાંત પાડ્યા હતા. ભેગું થયેલું ટોળું ભારે ઉગ્ર બની ગયું હતું અને પ્રકાશ મહેતાના સમર્થનમાં સતત સૂત્રોચ્ચાર કરતું હતું. ‘પ્રકાશ મહેતા તમે અપક્ષ ચૂંટણી લડો, અમે તમારી સાથે છીએ’ એવા સૂત્રોચ્ચાર પણ સમર્થકોએ કર્યા હતા.


છ ટર્મ જીતનારા પ્રકાશ મહેતાએ શાંતિ જાળવવાની જરૂર હતી. તેમણે ગઈ કાલે જે નાટક કર્યું એ બિનજરૂરી હતું એવું પક્ષના સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું.

પાર્ટીએ ટિકિટ ન આપતાં અપક્ષ ચૂંટણી લડવાના મૂડમાં છે એવી વાતને પ્રકાશ મહેતાએ રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે હું પક્ષ સાથે જોડાયેલો રહીશ. પ્રકાશ મહેતાએ આ બનાવ વિશે વધુમાં જણાવ્યું હતું કે ‘મારા ઘરની નજીક જ્યારે હુમલો થયો અને કારની તોડફોડ થઈ ત્યારે હું હાજર નહોતો. મેં સાંભળ્યું હતું કે શાહના બૉડીગાર્ડને ધક્કે ચડાવવામાં આવ્યો ત્યાર બાદ મામલો બીચક્યો હતો. માત્ર પરાગ શાહની કાર જ નહીં, મારી અમુક વસ્તુને પણ નુકસાન પહોંચ્યું છે.’


શુક્રવારે સવારે પ્રકાશ મહેતાના સમર્થકો દ્વારા થયેલી ધમાચકડી અને કારની તોડફોડના બનાવ વિશે જ્યારે પરાગ શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

parag-shah

રાજકારણ બાબતે લોકોની માનસિકતા બદલાવીશ : પરાગ શાહ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ પ્રકાશ મહેતાનું પત્તું કાપીને બે વર્ષથી નગરસેવક બનેલા પરાગ શાહ પર પોતાનો કળશ ઢોળ્યો હતો. પક્ષે આપેલી જવાબદારી કેવી રીતે નિભાવશો એના જવાબમાં પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્ટી એક સંગઠન છે. સંગઠનમાં દરેક કાર્યકર ભેગા છે. સૌ સાથે મળીને કામ કરવું અને રાજકારણની વ્યાખ્યા બદલવી એ મારો પ્રથમ ઉદ્દેશ છે. ખરેખર તો રાજકારણ બાબતે લોકોની માનસિકતા બદલવાની ખૂબ જરૂર છે. એમાં કેન્દ્ર કે રાજ્ય સરકારના એક પણ પૈસા નથી લાગતા. માનસિકતા બદલવી જોઈએ, રાજકારણ બાબતે, રેગ્યુલર લાઇફસ્ટાઇલ બાબતે. અમે ગાંધીજી અને નરેન્દ્ર મોદીના આદર્શ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર કરીશું. તમે કચરો નાખતા હો તો કચરો ઉપાડવાની જવાબદારી તમારી છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતી જાય છે એટલે ટ્રાફિકની સિસ્ટમ સેટ કરાવવાની કોશિશ કરીશું. આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે લોકોની માનસિકતા બદલાશે. આજે રાજકારણ ઘૂસેલું છે ડગલે ને પગલે, એને બદલાવીશું. પહેલાં લોકોનાં કામ અને પછી રાજકારણ કરીશું. ૮૦ ટકા જનસેવા, ૨૦ ટકા રાજકારણ એ મારો મંત્ર રહેશે.’

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2019 04:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK