ધર્માંતરણની વાતો નહીં કરો, પણ એ પ્રશ્ન ક્યાંથી જન્મે છે એના વિશે વિચારો

Published: 25th December, 2014 05:35 IST

ક્યારેય વિચાર્યું છે ખરું કે ધર્માંતરણની વાત કેવા સંજોગોમાં અને કેવા સમયમાં શક્ય હોઈ શકે? ક્યારે એ બાબતે ધ્યાન આપ્યું છે ખરું કે ક્રિશ્ચિયન મિશનરીની જે વાતો હંમેશાં થતી રહી છે એ વાતોમાં તથ્ય કેટલું અને કેટલા અંશે એ તથ્ય સાચું?


સ્પેશ્યલ કમેન્ટ - પ્રકાશ ઝા, ફિલ્મ-ડિરેક્ટર અને પ્રોડ્યુસર

ક્યારેય કોઈએ એ વાતને પણ સમજવાની કોશિશ કરી છે ખરી કે કોમવાદની વાત પણ કેવા સમયે અને કઈ પરિસ્થિતિમાં સર્જાતી હોય છે? સામાન્ય રીતે આ પ્રકારની વાતો બે જ તબક્કામાં થઈ શકે. એક, જ્યારે આર્થિક સંકડામણ અત્યંત ખરાબ રીતે અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે આવીને ઊભી હોય અને બીજો, જ્યારે કોઈ જ પ્રકારની આર્થિક ચિંતાઓ રહી ન હોય અને એ ચિંતા વિનાના સમયમાં ધર્મ અને મઝહબની વાતો કરવાની હોય.

મારું અંગત રીતે માનવું છે કે ધર્મ એવા સમયે ગૌણ બની જતો હોય છે જે સમયે અસ્તિત્વ સામે એક જબરદસ્ત મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ જતો હોય. ધર્માંતરણના મોટા ભાગના કિસ્સાઓ એવા જ સમયે જોવા મળ્યા છે જ્યારે કોઈ જગ્યાએથી મુશ્કેલીઓ હલ ન થઈ રહી હોય અને એવા સંજોગો વચ્ચે કોઈ ધર્મસંસ્થા મદદ માટે તૈયાર થઈ હોય અને એ મદદ લેવામાં આવતી હોય. બહુ દૂર જવાની જરૂર નથી. પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણા પણ એ જ પૈકી ધર્માંતરણ કરેલા કિસ્સાઓ છે. બન્ને વ્યક્તિઓનો જન્મ હિન્દુ ધર્મ વચ્ચે થયો હતો, પણ સમય ચાલતાં કેટલાક પ્રસંગો એવા બન્યા જેને કારણે તેમણે ધર્મ બદલ્યો. આજે પણ આપણે ત્યાં બૉલીવુડના એક કોરિયોગ્રાફર અને એક બહુ મોટું નામ ધરાવતા એક મ્યુઝિક-ડિરેક્ટરે આ જ પ્રકારનાં ધર્માંતરણ કર્યા છે. આવું જ ધર્માંતરણ આજે પણ અન્ય રાજ્યોમાં થઈ રહ્યું છે પણ મારું કહેવું છે કે એ પ્રક્રિયા પર શંકા ઉઠાવવાને બદલે કે એના વિશે ચર્ચા કરવાને બદલે એ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લઈ આવવું અને એ પ્રશ્ન જન્મે છે ક્યાંથી એ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ.

ધર્માંતરણ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી કે પંજાબ જેવાં આર્થિક સમૃદ્ધ રાજ્યોમાં કઈ રીતે શક્ય નથી બનતું એ પણ બહુ મહત્વનું છે. જે રાજ્યમાં પૈસાની તંગદિલી એ સ્તર પર પહોંચી ગઈ હોય કે સગો બાપ દીકરીના શરીરના સોદા કરતો હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમને એ કમનસીબીના સમયે ધર્મ ક્યારેય યાદ ન રહ્યો હોય. કાશ્મીર, આસામ, બિહાર જેવા સ્ટેટમાં ધર્માંતરણના જેકોઈ કેસ જોવા મળ્યા છે એમાંથી મોટા ભાગના કેસમાં પારાવાર ગરીબીએ મહત્વનું કામ કર્યું છે. બહુ જૂજ કેસમાં ગુંડાગર્દી જેવા મામલાઓ સામે આવ્યા છે. અંગત રીતે માનવું છે કે જો આવક અને આજીવિકાનો પ્રશ્ન ઊભો ન થવાનો હોય કે એ બાબતમાં માણસ નિષ્ફિકર થઈને રહી શકતો હોય તો ધર્મ જેવા મુદ્દે એની સેન્સિટિવિટી વધે પણ જો પેટમાં આગ હોય તો એવા સમયે ધર્મનો કોઈ સિદ્ધાંત વ્યક્તિને ધર્મ બદલવાની દિશામાંથી અટકાવી ન શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK