પ્રકાશ જાવડેકરને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો આશ્ચર્ય નહીં પામતા

Published: 20th October, 2014 05:59 IST

BJPને ઝળહળતી સફળતા મળ્યા પછી શિવસેના હવે મુખ્ય પ્રધાનપદ માટે આગ્રહ રાખવાની સ્થિતિમાં નથી. આમ છતાં એ દેવેન્દ્ર ફડણવીસ કે પંકજા મુંડે જેવા સાવ જુનિયર નેતાને નહીં સ્વીકારે. આ સ્થિતિમાં જાવડેકરને કેન્દ્રમાંથી મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન તરીકે મોકલવામાં આવે એવી શક્યતા છે
કારણ-તારણ - રમેશ ઓઝા


હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ધારણા મુજબનાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ધારણા કરતાં થોડાંક જ ખોટાં પણ વધારે રાજકીય પેચ પેદા કરનારાં આવ્યાં છે.

મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસને અને NCPને માર પડવાનો છે અને BJP મોટા પ્રમાણમાં કાઠું કાઢશે એ નક્કી જ હતું. અનિશ્ચિતતા માત્ર એ વાતની હતી કે BJP એકલા હાથે સાદી બહુમતી કે બહુમતીની નજીક પહોંચી શકશે કે કેમ? જો BJPએ એકલા હાથે બહુમતી સુધી પહોંચવું હોય તો કૉન્ગ્રેસને અને NCPને કમરતોડ માર પડવો જોઈએ અને શિવસેના ૩૫થી ૪૦ બેઠકોની આસપાસ સંકેલાઈ જવી જોઈએ. આ બન્ને સંભાવના નજરે પડતી હતી એટલી આસાન નહોતી. એક તો મહારાષ્ટ્ર અત્યાર સુધી કૉન્ગ્રેસનો ગઢ રહ્યું છે અને બીજું BJPએ હવે ગરજ પૂરી થતાં શિવસેનાને લાત મારી છે એવી કેટલાક મરાઠીઓમાં તીવ્ર ભાવના જોવા મળતી હતી. મુંબઈ શહેરમાં મરાઠી અને ગુજરાતી મતદાતાઓ વચ્ચે ધ્રુવીકરણ થયું હતું જેની પરિણામો પર અસર જોઈ શકાય છે. પરિણામો બતાવે છે કે કૉન્ગ્રેસ અને NCPનું એટલું ધોવાણ નથી થયું જેટલું માનવામાં આવતું હતું. બન્ને પક્ષોને અનુક્રમે ૪૨ અને ૪૧ બેઠકો મળી છે. શિવસેનાને મરાઠી મતોના ધ્રુવીકરણનો લાભ મળ્યોછે અને એને ૬૩ બેઠકો મળી છે. BJPને ૧૨૨ બેઠકો મળી છે અને જરૂરી બહુમતી કરતાં ૨૨ બેઠકો ઓછી પડે છે. આમ જુઓ તો અંતર થોડુંક જ છે પણ નિર્ણાયક છે.

BJP શિવસેના કે NCPના ટેકા વિના સરકાર રચી શકે એમ નથી. જો લઘુમતી સરકાર રચે તો પણ NCPનો ગેરહાજર રહેવાનો આડકતરો ટેકો જરૂરી છે. અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે NCPએ સરકારમાં જોડાયા વિના બહારથી ટેકો આપવાની ઑફર કરી છે. આ ઑફર આશ્ચર્યજનક નથી. ચૂંટણી પહેલાં શરદ પવારે કહ્યું હતું કે NCP કોઈ પણ સંજોગોમાં કોમવાદી BJPને ટેકો નહીં આપે. ચૂંટણીપ્રચારમાં નરેન્દ્ર મોદીએ NCPને દેખીતી રીતે ભ્રષ્ટ પાર્ટી તરીકે ઓળખાવી હતી. આ બધી ચૂંટણી પહેલાંની વાતો છે. રાજકારણમાં ચૂંટણી પછી તર્કશાસ્ત્ર બદલાઈ જાય છે. BJPને ટેકો આપવામાં NCPને લાભ છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર, પ્રફુલ પટેલ અને NCPના બીજા નેતાઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. જો BJPને ટેકો આપે તો NCPના ભ્રષ્ટ નેતાઓ કાનૂની ખટલાઓથી બચી શકે. ટેકા સામે NCP એમના વળના ગણાતા નીતિન ગડકરીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવો આગ્રહ રાખશે. NCPની બીજી પસંદગી ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે હશે.

બીજી અને સ્વાભાવિક શક્યતા BJP અને શિવસેના ફરી પાછા યુતિ કરે એવી છે. નરેન્દ્ર મોદીએ તેમના પ્રચાર દરમ્યાન એક પણ વાર શિવસેનાની ટીકા કરી નહોતી. ઊલટું તેમણે બાળ ઠાકરેની પ્રશંસા કરી હતી. ઉદ્ધવ ઠાકરે BJP અને મોદી પર પ્રહારો કરતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી એ તરફ આંખ આડા કાન કરતા હતા. નરેન્દ્ર મોદી જાણતા હતા કે જ્યાં પાંચ પક્ષો એકબીજાની સામે ચૂંટણી લડતા હોય અને જે રાજ્યમાં BJPએ ક્યારેય ૬૫થી વધુ બેઠકો ન મેળવી હોય ત્યાં ૧૪૫ બેઠક મેળવવી એ કપરું કામ છે. BJPના નેતાઓએ પરિણામો આવવાનાં શરૂ થયાં અને જ્યારે એમ લાગવા માંડ્યું કે પક્ષ એકલા હાથે મંઝિલ સુધી પહોંચી શકે એમ નથી ત્યારથી શિવસેનાને બાથમાં લેવાના સંકેત આપવા માંડ્યા હતા. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે BJPને શિવસેનાનો ટેકો જોઈતો હોય તો પ્રસ્તાવ લઈને આવે, અમે વિચારવા તૈયાર છીએ. તેમણે કહ્યું છે કે  BJP જો NCP સાથે સરકાર રચવા માગતી હોય તો શિવસેના વિરોધ પક્ષમાં બેસવા રાજી છે. શિવસેના હવે મુખ્ય પ્રધાનપદ માટે આગ્રહ રાખવાની સ્થિતિમાં નથી. આમ છતાં શિવસેના દેવેન્દ્ર ફડણવીસ કે પંકજા મુંડે જેવા સાવ જુનિયર નેતાને નહીં સ્વીકારે. આ સ્થિતિમાં પ્રકાશ જાવડેકરને કેન્દ્રમાંથી મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન તરીકે મોકલવામાં આવે એવી શક્યતા છે.

શિવસેનાને BJPની જરૂર પણ છે. મહારાષ્ટ્રમાં ટેકો નહીં આપવાનો અર્થ થાય છે NDAમાંથી નીકળી જવું. જો શિવસેના NDAમાંથી નીકળી જાય તો કેન્દ્રમાંથી શિવસેનાના પ્રધાને રાજીનામું આપવું પડે અને એનાથી પણ વધુ મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેના લઘુમતીમાં મુકાઈ જાય. દેશની સૌથી શ્રીમંત અને સૌથી ભ્રષ્ટ મુંબઈ મહાનગરપાલિકા ગુમાવવી શિવસેનાને પોસાય એમ નથી. મુંબઈ મહાનગરપાલિકા શિવસેના માટે સોનાનાં ઈંડાં આપનારી મરઘી છે. આમ મોટા ભાગે શિવસેના BJPને ટેકો આપશે.

ત્રીજી શક્યતા શક્યતા તરીકે સામે છે, પણ એની સંભાવના નહીંવત્ છે. એ શક્યતા છે કૉન્ગ્રેસ અને NCP શિવસેનાને બહારથી ટેકો આપે અને રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે સરકાર રચે. બિનસત્તાવાર રીતે આવી ઑફર વહેતી પણ થઈ છે. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદની લાલચમાં આવીને આ વિકલ્પ સ્વીકારશે તો એ તેમની મોટી ભૂલ હશે. આવી સરકાર મુદત પૂરી નહીં કરે અને ઉપરથી સેના આબરૂ ગુમાવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ બે પિતરાઈ ભાઈઓની ક્ષમતા નક્કી કરી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતા બાળ ઠાકરેની નકલ કરવાની જગ્યાએ પોતીકી રાજકીય શૈલી વિકસાવી છે અને તેઓ પક્ષને મજબૂત બનાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે. આટલી મહેનત તેમના પિતાજીએ ક્યારેય નહોતી કરી. નરેન્દ્ર મોદીના વાવાઝોડા સામે ટકી રહેવું અને એકલા હાથે ૨૦૦૯ની તુલનામાં ૧૯ બેઠકોનો વધારો કરવો એ નાનીસૂની વાત નથી. રાજ ઠાકરે તેમના કાકાની ભદ્દી નકલ કરવામાં પાછળ રહી ગયા છે. તેઓ તેમના કાકાની જેમ જ મહેનત કરતા નથી કે પ્રવાસ કરતા નથી. ૨૦૦૯માં પ્ફ્લ્ને ૧૩ બેઠકો મળી હતી, જ્યારે આ વખતે ત્રણ બેઠક માંડ મળી છે.

BJPને હરિયાણામાં સાદી બહુમતી, પણ ભવ્ય વિજય

BJPએ હરિયાણામાં ૯૦માંથી ૪૭ બેઠકો મેળવી છે જેને ભવ્ય વિજય કહેવો પડે. સાદી બહુમતીને ભવ્ય વિજય એટલા માટે કહેવો જોઈએ કે હરિયાણામાં BJPનો ખાસ પ્રભાવ નહોતો. ૨૦૦૯ની ચૂંટણીમાં BJPને ૯.૦૪ ટકા મત સાથે માત્ર ચાર બેઠક મળી હતી. હરિયાણામાં BJP ઓમ પ્રકાશ ચૌટલા કે કુલદીપ બિશ્નોઈના જુનિયર પાર્ટનર તરીકે ચૂંટણી લડતી હતી અને સિંગલ ડિજિટમાં બેઠકો મેળવતી હતી. એક બાજુ લાલ (દેવી લાલ, ભજન લાલ, બંસી લાલ) અને બીજી બાજુ કૉન્ગ્રેસની આ ભૂમિમાં BJPની કોઈ ગણના નહોતી. આ વખતે BJPએ લાલના લાલાઓને અને કૉન્ગ્રેસને એકસાથે ફગાવીને સ્પક્ટ બહુમતી મેળવી લીધી છે. પ્રાથમિક અંદાજ મુજબ BJPને હરિયાણામાં ૩૩.૨ ટકા મત મળ્યા છે. માત્ર પાંચ વર્ષમાં પૉપ્યુલર વોટમાં ૨૪ ટકાનો વધારો થયો હોય એવું આ પહેલાં જોવા મળ્યું નથી.

હરિયાણામાં કૉન્ગ્રેસ ૧૦ વર્ષથી શાસન કરતી હતી જેમાં હરિયાણાનો વિકાસ તો સારોએવો થયો હતો, પરંતુ એના કરતાં ભ્રષ્ટાચારમાં ઘણો વધારો થયો હતો. હરિયાણામાં કૉન્ગ્રેસનો પરાજય થયો છે એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર છે. ખાસ કરીને સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાનું જમીન-પ્રકરણ બહાર આવ્યું એ પછી કૉન્ગ્રેસનું નામું નખાઈ ગયું હતું અને એને ઘરે બેસાડવા ચૂંટણીની રાહ જોવામાં આવતી હતી. ૨૦૦૯ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૩૫.૦૮ ટકા મત સાથે ૪૦ બેઠક મળી હતી. આ વખતે કૉન્ગ્રેસ સીધી ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે. એને અંદાજે ૨૦.૬ ટકા મત સાથે કેવળ ૧૫ બેઠક મળી છે. દેવી લાલના જેલવાસી પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટી ઇન્ડિયન નૅશનલ લોક દલ (INLD)ને કૉન્ગ્રેસ કરતાં વધુ પણ ૨૦૦૯માં મળેલી ૩૧ બેઠકો કરતાં ઘણી ઓછી ૧૯ બેઠક મળી છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે INLDના મતોની સંખ્યામાં ખાસ ઘટાડો થયો નથી. ૨૦૦૯માં INLDને ૨૫.૭૯ ટકા મત મળ્યા હતા, જ્યારે આ વખતે ૨૪.૧ ટકા મત મળ્યા છે.

કૉન્ગ્રેસનો ભ્રષ્ટાચાર BJPના વિજયનું મહત્વનું કારણ છે. ઓમ પ્રકાશ ચૌટાલાનો જેલવાસ BJPના વિજયનું બીજું કારણ છે. ત્રીજું કારણ નરેન્દ્ર મોદીની અપીલ છે. હરિયાણામાં BJP પાસે એવો કોઈ નેતા નથી જેમને BJPનો ફેસ કહી શકાય. આમ છતાં નરેન્દ્ર મોદીની અપીલ કામ કરી ગઈ છે. આનું મુખ્ય કારણ એ છે કે હરિયાણા દિલ્હીના પાડોશમાં દિલ્હીના ઉપગ્રહ તરીકે વિકસવાનો લાભ લેવા માગે છે. હરિયાણા પંજાબ અને દિલ્હીની વચ્ચે છે. હરિયાણા પર પંજાબનું, ખાસ કરીને સિખોના ખાલસા પંથનું અને જાટોનું સાંસ્કૃતિક આક્રમણ થઈ રહ્યું છે એ હરિયાણાને પસંદ નથી. આને કારણે હરિયાણાની પ્રજા ઉપર જોવાની જગ્યાએ નીચે દિલ્હી સાથે દોસ્તી રાખે છે. જે હરિયાણા પંજાબનો હિસ્સો હતું એ આજે દિલ્હીનો હિસ્સો વધુ ભાસે છે. BJPએ ડેરા સચ્ચા સૌદાના ગાદીપતિ સાથે સમજૂતી કરીને જાટવિરોધી મતદાતાઓના મત અંકે કરી લીધા હતા. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીની જેમ જ મીડિયાની કૃપા ખરીદી લીધી હતી.

કૉન્ગ્રેસ અસ્તિત્વનું સંકટ અનુભવી રહી છે અને બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ એ સંકટમાં વધારો કર્યો છે. આવતા વર્ષે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે એ રાજ્યોમાં પણ કૉન્ગ્રેસની સ્થિતિ નબળી છે. કૉન્ગ્રેસ જો ઊભી નહીં થઈ શકે તો એ ભારતીય લોકતંત્રની શોકાંતિકા હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK