પ્રકાશ જાવડેકરને રાજભવનમાં જોઈને મીડિયા ચોંકી ગયુ

Published: 23rd October, 2014 05:59 IST

જોકે કોઈ પૉલિટિકલ ચર્ચાનો મોદીના મિનિસ્ટરનો ઇનકાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ સરકાર રચવા માટે BJPની  મુંબઈથી લઈને દિલ્હી સુધી વિવિધ સ્તરે વાટાઘાટોના સમાચારો વચ્ચે ગઈ કાલે સવારે કેન્દ્રના બે મિનિસ્ટરો મુંબઈમાં રાજ્યપાલ વિદ્યાસાગર રાવને મળવા આવતાં અટકળોનું બજાર ગરમ થયું હતું. જોકે રાજભવનની બહાર આવેલા કેન્દ્રના મિનિસ્ટરો પ્રકાશ જાવડેકર અને પીયૂષ ગોયલે એકઠા થયેલા પત્રકારોને કહ્યું હતું કે આ કોઈ પૉલિટિકલ મીટિંગ નહોતી. ૩૧ ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે દેશભરમાં યોજાનારી રન ફૉર યુનિટીના મુંબઈના આયોજનની ચર્ચા રાજ્યપાલ સાથે કરી હતી.

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર તરીકે BJP તરફથી જે અડધો ડઝન નામ બોલાઈ રહ્યાં છે એમાં પ્રકાશ જાવડેકરનું પણ નામ છે અને સોમવારે BJPના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે પાર્ટી પાસે સરકાર રચવાનું સંખ્યાબળ છે અને હવે રાજ્યપાલના નિમંત્રણની રાહ જોવાઈ રહી છે. આવી ચર્ચાઓ વચ્ચે ગઈ કાલે સવારે પ્રકાશ જાવડેકર રાજ્યપાલને મળવા આવતાં અટકળોને બળ મળ્યું હતું અને પત્રકારો રાજભવન તરફ દોડી ગયા હતા.

બન્ને મિનિસ્ટરો બહાર આવ્યા કે પત્રકારો તેમને ઘેરી વળ્યા હતા. જાવડેકરે ટકોર પણ કરી હતી કે ‘રાજ્યપાલ સાથે મહારાષ્ટ્રના પૉલિટિક્સ વિશે કોઈ જ વાતચીત થઈ નથી. અમે તો ૩૧ ઑક્ટોબરના કાર્યક્રમ માટે પ્રાઇમ મિનિસ્ટરનો સંદેશો રાજ્યપાલને પહોંચાડવા આવ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK