Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસરના ટોલનાકા પર ટ્રાફિકની સમસ્યા, એક જ વાર ટોલ લેવા CMને અપીલ

દહિસરના ટોલનાકા પર ટ્રાફિકની સમસ્યા, એક જ વાર ટોલ લેવા CMને અપીલ

07 July, 2019 09:52 AM IST | મુંબઈ
પ્રકાશ બાંભરોલિયા

દહિસરના ટોલનાકા પર ટ્રાફિકની સમસ્યા, એક જ વાર ટોલ લેવા CMને અપીલ

દહિસરના ટોલનાકા પર ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન

દહિસરના ટોલનાકા પર ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન


છેલ્લાં કેટલાંક વર્ષથી સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રી મોટા પાયે મુંબઈની બહાર વસઈ, પાલઘરથી લઈને ભિવંડી શિફ્ટ થઈ હોવાથી મુંબઈમાં રહેતા બિઝનેસમેનોએ તેમનાં કામકાજ આ વિસ્તારમાં શરૂ કરવાથી તેઓ દરરોજ મુંબઈથી વસઈ, પાલઘર કે ભિવંડી અપ-ડાઉન કરે છે. એ માટે તેમણે દહિસર ટોલનાકા પર દરરોજ બેથી ત્રણ કલાક ટ્રાફિકનો ત્રાસ સહન કરવો પડે છે. વડા પ્રધાન ઈઝ ઑફ લાઇફની વાત કરે છે, પણ ટોલનાકા પરન‌ી અત્યારન‌ી સિસ્ટમથી ધસારાના સમયે બન્ને સાઇડ પર દરરોજ લાખો રૂપિયાનું ઈંધણ અને લાખો માનવકલાક વેડફાય છે. આ કાયમી ત્રાસથી કંટાળેલા બિઝનેસમેનોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટોલનાકાની સમસ્યાના કેટલાક ઉકેલ ઈ-મેઇલના માધ્યમથી સૂચવ્યા છે.

મુંબઈમાં ઑક્ટ્રૉય સહિતના ટૅક્સના વધારાથી એકાદ દાયકાથી સ્મૉલ સ્કેલથી લઈને મધ્યમ કદની ઇન્ડસ્ટ્રી મુંબઈની બહાર શિફ્ટ થઈ ગઈ છે. મુંબઈના બિઝનેસમેન લાંબા સમયથી શહેરમાં જ રહેતા હોવાથી તેમણે કામકાજ ભલે મુંબઈની બહાર શિફ્ટ કર્યાં હોય, પણ તેઓ શહેરમાં જ રહે છે. તેઓ કારમાં દરરોજ વસઈ, પાલઘર કે છેક ‌ભિવંડી સુધી પ્રવાસ કરે છે. મુખ્યત્વે સાંજના સમયે તેઓ દહિસર ટોલનાકા પર ભારે ટ્રાફિકને લીધે અટવાઈ જાય છે.



ગોરેગામમાં રહેતા અને વસઈના કામણમાં ફૅક્ટરી ધરાવતા તરુણ ગાલાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટોલનાકા પર ટ્રાફિકના ત્રાસથી હજારો વાહનચાલકો પરેશાન છે. સવારે અડધો કલાક લાગે, પણ સાંજે તો એક કલાક દહિસર ટોલનાકું પસાર કરવામાં લાગે છે. મારા જેવા હજારો લોકોનું લાખો રૂપિયાનું ઈંધણ અને માનવકલાક ટોલનાકું ખાઈ જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝ ઑફ લીવિંગની વાત કરે છે, પણ સરકારની ટોલનાકાની અણઘડ નીતિથી દરરોજ લાખો લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી અમે ઇઝ ઑફ લીવિંગ નહીં, લાઇફમાં ત્રાસનો અનુભવ કરી રહ્યા છીએ.’


બોરીવલીમાં રહેતા મનોજ મહેતા વસઈમાં મોલ્ડની ફૅક્ટરી ધરાવે છે. તેઓ દરરોજ સવારે ૭ વાગ્યે ઘરેથી નીકળે છે અને સાંજે ૭ વાગ્યે ઘરે આવે છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દહિસર ટોલનાકાની લાંબા સમયની સમસ્યાનો સરકારે ઉકેલ લાવવો જોઈએ. સવાર-સાંજના ટ્રાફિકથી લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. લોકો દ્વારા કરાતાં સૂચનોને ધ્યાનમાં લઈને ટ્રાફિકનો ત્રાસ ઓછો થાય એવાં પગલાં લેવાં જોઈએ.’

શું છે સૂચન?
ટોલનાકા પર સવાર-સાંજની ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઈ-મેઇલ મોકલીને સૂચન કર્યું છે કે ‘ટોલનાકા પર રિટર્ન ચાર્જ લેવાવો જોઈએ. જે વાહન મુંબઈ શહેરમાં આવે કે બહાર જાય એણે એક જ વખત આવવા-જવાનો ચાર્જ આપવા માટે ટોલનાકા પર ઊભા રહેવું પડશે એટલે સમય બચશે. ટોલ ભરીને બહાર ગયેલું કે શહેરમાં આવેલું વાહન ક્યારેક તો રિટર્ન થશે એટલે વાહનધારક કે ટોલના સંચાલકને કોઈ નુકસાન નહીં થાય. વાહન ટોલ માટે એક જ વખત ઊભું રહેશે તો ટ્રાફિક પણ જૅમ નહીં થાય.’


આ પણ વાંચોઃનિતેશ રાણેની નફટાઈ: હાઈવેના એન્જિનિયરને કાદવથી નવડાવ્યો

ટોલનાકું બંધ કરવાનાં આંદોલન
દરેક રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓએ દહિસર ટોલનાકું બંધ કરવા કે અન્યત્ર ખસેડવા માટે આંદોલન કર્યાં છે, પરંતુ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી ન લેવાતાં ટોલનાકું કાયમ છે અને લોકોને ત્રાસ આપી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 09:52 AM IST | મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK