પાલિતાણાના દરેક જિનાલયમાં આજથી પ્રભુપૂજા શરૂ થશે

Published: 12th February, 2021 10:07 IST | Alpa Nirmal | Mumbai

આગામી મહિને આવનારા ઢેબરાતેરસના પર્વે પાલિતાણામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઊમટે છે. એ ઉજવણી સંદર્ભે પેઢી દ્વારા કોઈ સૂચના અપાઈ નથી, પરંતુ પેઢીએ પૂર્વતૈયારીરૂપે રસ્તા પર સફાઈ વગેરે કાર્યો શરૂ કરી દીધાં છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

જૈનોના શ્રદ્ધેય તીર્થ શત્રુંજયના ગિરિરાજ પર કોરોના-પ્રકોપને કારણે ગયા વર્ષના માર્ચ મહિનાથી જિનભક્તો માટે ભગવાનની પૂજા-સ્પર્શના પ્રતિબંધિત હતી એ આજથી ફરી શરૂ થઈ રહી છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ પ્રભુપૂજા શરૂ થવાનું નિવેદન બહાર પાડતાં પાલિતાણા પર્વત પર આવેલાં ૯૦૦થી વધુ જિનાલયોની ૩૫૦૦ જિન પ્રતિમાજીઓની સેવા-પૂજા-સ્પર્શનાનો આરંભ થયો છે. અલબત્ત, મુખ્ય જિનાલયના આદેશ્વર ભગવાનને ફક્ત જમણા અંગૂઠે જ કેસરપૂજા કરી શકાશે. પેઢી દ્વારા પર્વત પરનાં સ્નાનાગાર પણ શરૂ થઈ ચૂક્યાં છે. પૂજા માટે સ્નાન કરનાર ભક્તોનો ધસારો એક જ સ્થળે વધી ન જાય એ માટે પેઢીએ પાસની વ્યવસ્થા કરી છે. ડુંગર પર હનુમાનધારા પાસે દરેક પૂજા કરનાર ભાવિકને પાસ અપાશે, જેમાં તેમણે કઈ જગ્યાની બાથરૂમ વાપરવાની છે એની સૂચના અપાશે. યાત્રાળુઓએ એ મુજબ જ બાથરૂમનો ઉપયોગ કરવાનો રહેશે. પેઢીએ ભીડ ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે ૯ સ્નાનાગારની વ્યવસ્થા પણ શરૂ કરી છે.

વિવિધ પૂજાની બોલીનો આદેશ લેનાર ૧૧ ભાવિકો મુખ્ય આદેશ્વર ભગવાનની નવે અંગે પૂજા કરી શકશે. ત્યાર બાદ સર્વે યાત્રિકો જમણે અંગૂઠે કેસરપૂજા કરી શકશે. પરમાત્માની પૂજા ૩ વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યાર બાદ ભગવાનને આંગી ધારણ કરાવાશે. અન્ય મુખ્ય જિનાલયો પુંડરિક સ્વામી, શાંતિનાથ દાદા, પગલાં વગેરેમાં રાબેતા મુજબ સેવાપૂજા કરી શકાશે. ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલા ગિરનાર પર્વત પરના મુખ્ય નેમિનાથ દાદાને પણ આ જ પ્રમાણે એક અંગૂઠે પૂજા થશે તો અન્ય જિનાલયોમાં પૂર્ણ પૂજા થઈ શકશે.

શેઠ શ્રી આંણદજી કલ્યાણજી પેઢી દ્વારા યાત્રાળુઓને સરકારના નિયમો પાળવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાની, શિસ્તતા જાળવવાની, પેઢી દ્વારા કરાયેલી વ્યવસ્થામાં સહયોગ આપવાની ખાસ અપીલ કરવામાં આવી છે અને પેઢીએ ઠેર-ઠેર રાખેલું નૉન-આલ્કોહૉલિક સૅનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK