Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સત્તા ક્યારેય શાણપણ ન આપે, પણ ગુણો થકી ગુણવત્તા ચોક્કસ પ્રાપ્ત થાય

સત્તા ક્યારેય શાણપણ ન આપે, પણ ગુણો થકી ગુણવત્તા ચોક્કસ પ્રાપ્ત થાય

09 February, 2021 01:58 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સત્તા ક્યારેય શાણપણ ન આપે, પણ ગુણો થકી ગુણવત્તા ચોક્કસ પ્રાપ્ત થાય

સત્તા ક્યારેય શાણપણ ન આપે, પણ ગુણો થકી ગુણવત્તા ચોક્કસ પ્રાપ્ત થાય

સત્તા ક્યારેય શાણપણ ન આપે, પણ ગુણો થકી ગુણવત્તા ચોક્કસ પ્રાપ્ત થાય


સત્તા મળવાથી માણસ ક્યારેય બુદ્ધિશાળી નથી થતો, સત્તા ક્યારેય બુદ્ધિ આપે જ નહીં, સત્તાથી શાણપણ ક્યારેય આવે જ નહીં. માણસ એના ગુણોથી ઓળખાતો અને બધા વચ્ચે પુછાતો હોય છે. અત્યારે દેશનાં ઘણાં રાજ્યોમાં આ જ માહોલ છે. ત્રણ સ્ટેટમાં વિધાનસભા ઇલેક્શન આવવાનું છે તો ગુજરાતમાં કૉર્પોરેશનનું ઇલેક્શન આવશે અને આવતા વર્ષે મુંબઈ મહાનગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે. ઇલેક્શનનો સમય નજીક આવે ત્યારે સૌકોઈ પોતાની જાતને ગુણવાન માનવા માંડે છે, પણ એવું ક્યારેય નથી હોતું. દરેકને પોતપોતાના ક્ષેત્રમાં ઉપર જવા અને આગળ વધવા માટે ગુણવત્તા દર્શાવવાની હોય છે. જો એ દર્શાવી શકે તો અને તો જ તે પોતાની સત્તા માટેની પસંદગીને પુરવાર થતો હોય છે.
ઇલેક્શનમાં દરેક પોતપોતાની રીતે જોર અજમાવશે અને દરેક પોતપોતાની રીતે દાવ રમીને પોતાના પ્રતિસ્પર્ધીને ધોબીપછાડ આપવાનું કામ કરશે. આ કામ કર્યા પછી ધાર્યું પરિણામ લાવવા માટે વલખાં પણ મારશે, પરંતુ કહેવું પડશે, સ્પષ્ટતા સાથે કહેવાનું આવે કે રાજનીતિનું આ સૂત્ર નથી. હાર્યા પછી પણ જેની રાજનીતિ ચાલુ રહે અને સમાજ માટે જરૂરી કામ કરતા રહે એ રાજનીતિ છે. રાજનીતિ ક્યાંય સત્તા માટેનો જંગ છે જ નહીં અને એટલે જ એ વાત સૌકોઈએ સમજવાની જરૂરી છે કે વ્યક્તિનો ચહેરો કે પછી પક્ષનું નિશાન જોઈને જરાય આગળ નહીં વધતા. આવતા વર્ષે આવનારા કૉર્પોરેશનના ઇલેક્શનમાં પણ એવી ભૂલ નહીં કરતા અને વિધાનસભા સમયે પણ એવી ભૂલ નહીં કરતા. ધારો કે એવી ભૂલ કરી ગયા તો પસ્તાવાનો વારો તમારો આવશે. વ્યક્તિનો ભૂતકાળ પણ જોવો જોઈએ અને ભૂતકાળમાં તે વ્યક્તિએ શું કામ કર્યું, સમાજ માટે અને પોતાના મતવિસ્તારના લોકો માટે કેવાં-કેવાં પગલાં ભર્યાં એના પર પણ નજર રાખવી પડે. આ કરવું બહુ જરૂરી છે. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને, બની શકે અને ઍક્ટરનો દીકરો ઍક્ટર બને એ પણ સમજી શકાય, પણ ઘરનું ક્ષેત્ર હોવાનો અર્થ એવો નથી કે તે ડૉક્ટર બની જાય એટલે શ્રેષ્ઠ ડૉક્ટરનો ખિતાબ પણ મેળવી લે.
શ્રેષ્ઠતા સમયની સાથે આવતી હોય છે અને શ્રેષ્ઠતા અનુભવ સાથે આવતી હોય છે. અનેક ડૉક્ટરના ક્લિનિકની બહાર તેની ડિગ્રી સાથે કૌંસમાં ‘ગોલ્ડ મેડલિસ્ટ’ લખ્યું હોય છે, પણ એ ગોલ્ડ મેડલ મેળવનારાને ત્યાં પેશન્ટ્સના નામે કાગડા અને કૂતરા ઊડતા હોય છે, શું કામ? રાજકારણીઓમાં પણ આ જ વાત લાગુ પડે છે. પહેલી જનરેશને ઉમદા કામ કર્યું હોય, પણ એના પછીની જનરેશનનાં કોઈ ઠેકાણાં ન હોય એવું શું કામ બને? આ પ્રશ્નનો જવાબ તમે જો તમારી જાતે મેળવી શકતા હો તો એટલું તો પુરવાર થશે કે તમે રાજનીતિમાં કિંગમેકરની ભૂમિકા ભજવવાને લાયક થઈ ગયા છો. લાયકાત ત્યારે પુરવાર થશે જ્યારે તમે તમારામાં રહેલા ડહાપણનો ઉપયોગ આજથી આંખો ખોલીને કરવા માંડો. ગયા કૉર્પોરેશન ઇલેક્શનમાં હારી ગયેલા ઉમેદવારોમાંથી આજે કેટલા તમારા મતવિસ્તારમાં સક્ર‌િય છે એ જુઓ અને જીતીને ઘરે પહોંચી ગયેલા ઉમેદવારોમાંથી પણ કેટલા સક્રિય રહ્યા છે એ પણ જોઈ લો. એ જોવામાં થાપ નહીં ખાતા, નહીં તો એક આખી ટર્મ સુધી પસ્તાવાનો અને રડવાનો વારો આવશે. આવતી કાલે રડવું ન હોય તો આજે જાગી જાઓ એ જ તમારા હિતમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2021 01:58 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK