૮૭ કંપની આઇપીઓ દ્વારા ફન્ડ મેળવ્યા બાદ છૂમંતર થઈ ગઈ

Published: 27th November, 2012 05:49 IST

છેલ્લા નાણાકીય વર્ષના અંત સુધીમાં ૮૭ કંપની આઇપીઓ દ્વારા જંગી ભંડોળ મેળવ્યા બાદ અદૃશ્ય થઈ ગઈ છે. સરકારના જણાવ્યા પ્રમાણે અત્યારે આ કંપનીઓના અસ્તિત્વના કોઈ પુરાવા નથી. કૉર્પોરેટ બાબતોના પ્રધાન સચિન પાઇલટે ગઈ કાલે રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે ૮૭ કંપનીઓની રજિસ્ટર્ડ ઑફિસ કે તેના ડિરેક્ટરોનો કોઈ પત્તો નથી.પાઇલટે એમ પણ કહ્યું હતું કે લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા બાદ ગાયબ થઈ ગયેલી કંપનીના ડિરેક્ટરો સામે સરકાર પગલાં ભરશે. માર્કેટનું નિયમન કરતી સંસ્થા સેબી અને કૉર્પોરેટ બાબતોના મંત્રાલયના અધિકારીઓની એક સેન્ટ્રલ કો-ઑર્ડિનેશન કમિટી બનાવવામાં આવી છે, જે આ પ્રકારની કંપનીઓના ડિરેક્ટરને શોધી કાઢવાના પ્રયાસો કરી રહી છે. આ માટે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.

માત્ર ૪૮ કલાકમાં જ કરી શકાશે કંપનીનું રજિસ્ટ્રેશન : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે ગઈ કાલે સંસદમાં કહ્યું હતું કે ભારતમાં માત્ર ૪૮ કલાકમાં જ કંપનીનું રજિસ્ટ્રેશન કરીને બિઝનેસ ચાલુ કરી શકાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. કૉર્પોરેટ બાબતોના પ્રધાન સચિન પાઇલટે રાજ્યસભામાં આ વિશે કહ્યું હતું કે ડિરેક્ટરનો આઇડેન્ટિફિકેશન નંબર અને કંપનીનું નામ માત્ર ૨૪ કલાકમાં ઑનલાઇન નોંધાવી શકશે. પાઇલટે એમ પણ કહ્યું હતું કે નવી કંપનીના રજિસ્ટ્રેશનમાં જે પણ વિલંબ થયો હોય છે તેનું કારણ રાજ્ય સરકારોની ઢીલાશ છે. તેમણે કહ્યું હતું કે જમીન સંપાદન, સેલ્સ ટૅક્સ જેવી બાબતો રાજ્ય સરકારના સત્તાક્ષેત્રમાં આવતી હોય છે અને તેમાં થતા વિલંબને કારણે કંપનીના રજિસ્ટ્રેશનમાં ટાઇમ લાગતો હોય છે. 

આઇપીઓ = ઇનિશ્યલ પબ્લિક ઑફર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK