Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પરિવર્તનનો સકારાત્મક સ્વીકાર શીખવા જેવો છે આ પરિવાર પાસેથી

પરિવર્તનનો સકારાત્મક સ્વીકાર શીખવા જેવો છે આ પરિવાર પાસેથી

13 November, 2019 03:22 PM IST | Mumbai
Bhakti D Desai

પરિવર્તનનો સકારાત્મક સ્વીકાર શીખવા જેવો છે આ પરિવાર પાસેથી

ભાસ્કર પરિવાર

ભાસ્કર પરિવાર


સાત દાયકા પહેલાંના અને આજના જમાના સુધીમાં ઘણાંબધાં પરિવર્તનો આવ્યાં. એમાં સૌથી મોટો બદલાવ આવ્યો ટેક્નૉલૉજીમાં. આ બધાં પરિવર્તનનું બારીકાઈથી નિરીક્ષણ કરનાર અને એ બદલાવને પોતાના જીવનમાં સકારાત્મક રીતે અપનાવનાર ૭૧ વર્ષના ભાસ્કર ચંપકલાલ પારેખે આજનો અને ટ્યુબલાઇટની શોધ પહેલાંનો સમય જોયો હોવાથી તેમની પેઢીને ખૂબ નસીબદાર ગણાવે છે.

ભાવનગરનાં સિહોર ગામમાં જન્મેલા ભાસ્કર પારેખ એક વર્ષના થયા ત્યારે તેમનો આખો પરિવાર મુંબઈમાં રહેવા આવી ગયો. તેમને બોરીવલીની કપોળ ચાલમાં એક રૂમ મળી હતી. ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં ગોકુળધામ સોસાયટીની એકતા અને માહોલને જોઈને ઘણાને એમ થાય કે કાશ આપણને પણ આમ રહેવા મળે, પણ ભાસ્કરભાઈની કપોળ ચાલના રહેવાસીઓમાં આટલી જ આત્મીયતા હતી જે તેમણે નાનપણમાં અનુભવી છે.



ભાસ્કરભાઈના પરિવારમાં તેમનાં પત્ની નીલાબહેન, તેમની પુત્રી સોનાલી જયેશ દોશી, પન્ના કૌશિક ગોસલિયા, અમી કરણ મહેતા, પુત્ર પુનિત, પુત્રવધૂ સપના અને બે પૌત્ર જશ અને કિયાન છે. ભાસ્કરભાઈનો તેમના પુત્ર સાથે સંયુક્ત પરિવાર છે.


સંઘર્ષ કરી વેપાર જમાવ્યો

ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાં ભાસ્કરભાઈની સ્થિતિ યુદ્ધમાં લડનાર રાજા જેવી રહી. તેમના પરિવારમાં તેમને એકલાને જ ભણવાનો મોકો મળ્યો અને ત્રણે ભાઈઓમાં સંસારમાં પણ ફક્ત ભાસ્કરભાઈએ એકલાએ જ પ્રવેશ લીધો. આથી આખા પરિવારની અને બહેનોની જવાબદારી પાર પાડવા તેમણે ઘણો સંઘર્ષ કર્યો. ૧૯૭૪થી ૧૯૭૮ સુધી હિન્દુસ્તાન પેન્સિલ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરી, પછી ૧૯૭૮ અને ૧૯૮૨ દરમ્યાન દલાલી કરી અને પછી લોખંડનો વ્યવસાય શરૂ કર્યો જે હાલમાં પણ તેમના પરિવારનો મુખ્ય વ્યવસાય છે. તેઓ પોતાના બાળપણ વિશે કહે છે, ‘અમારા સમયમાં માતા-પિતાને બાળકો વધારે રહેતાં એથી આજની જેમ છોકરાઓની અતિશય કાળજી લેવી અને તે ઘરે પાછું ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની આદત માતા-પિતાને નહોતી. મને યાદ છે કે ગોપાલજી હેમરાજ શાળામાં હું ભણવા જતો ત્યાં કાચી કેડી હતી. હું દસ-બાર વર્ષની ઉંમરનો હતો ત્યારે રેલવેના પાટા પણ ઓળંગીને જતો અને એ સમયે આટલીબધી સુવિધા ન હોવાથી કેટલાયે લોકોએ એમ કરવું પડતું. આજે બાર વર્ષના બાળકને પણ સ્કૂલમાં લેવા-મૂકવા વાલીઓ જતા હોય છે.’


બીજી પેઢી ઃ અહીં પુત્રવધૂ સપનાબહેન આજના જમાનામાં આવેલા આ બદલાવનું કારણ સમજાવતાં કહે છે, ‘આજે આપણે ટીવીમાં, પેપરમાં અનેક ઘટનાઓ વાંચતાં અને જોતાં હોઈએ છીએ. દીકરી હોય કે દીકરો, હવે માતા-પિતાએ બાળકોને એકલાં મોકલવાનો જમાનો રહ્યો નથી. સ્કૂલ બસમાં જનાર બાળકી પર પણ જો બળાત્કાર થતા હોય તો સમાજમાં કોના પર ભરોસો રાખવો અને પોતાના બાળકોને કઈ રીતે આ બધા બનાવોથી બચાવવા એ ચિંતાથી માતા-પિતા સતત પીડાતાં હોય છે અને એથી જ હવે પહેલાંની જેમ બાળકોને છુટ્ટાં મૂકી દેવાં શક્ય નથી.’

સાદાઈને કારણે ગુના નહીંવત હતા

એ જમાનામાં સાદાઈ હતી, આટલોબધો દેખાડો નહોતો. એથી લૂંટફાટ અને અન્ય ગુનાઓનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એમ જણાવી ભાસ્કરભાઈ આગળ કહે છે, ‘મને ટેક્નૉલૉજીમાં ખૂબ રસ છે. સાદાઈની વાતથી અમુક વાત યાદ આવે છે કે લોકોએ મજબૂરીને કારણે પંખા નહીં લીધા હોય એ તો સાંભળ્યું હશે, પણ એ જમાનામાં એક ખાસ વાત એ હતી કે મારા જન્મથી ૧૯૬૨ સુધી અમે ટ્યુબલાઇટ ભાળી નહોતી. સૌથી પહેલાં અમારી ચાલમાં એક જણને ઘરે ટ્યુબલાઇટ આવી એવી ખબર પડતાં જ અમે કેટલાય જણ આશ્ચર્યથી તેમને ત્યાં ટ્યુબલાઇટ જોવા ભાગ્યા. હવે બીજી નવાઈની વાત અમારે માટે એ હતી કે અમે નાનપણથી પીળા બલ્બના પ્રકાશમાં મોટા થયા, એ પણ એકદમ ઝીણા પ્રકાશવાળા બલ્બમાં. મોટો બલ્બ તો માત્ર એકાદ રૂમમાં રાખીએ. એ સમયે બલ્બમાં પણ સફેદ લાઈટ જોઈ નહોતી. એથી પહેલી વાર ટ્યુબલાઇટની સફેદ લાઇટ જોઈને તો અમને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. મગજમાં એક જ પ્રશ્ન આવે કે આટલી સફેદ લાઇટ આવતી કઈ રીતે હશે?’

કબાટ કેમ નાનાં પડવા લાગ્યાં?

ભાસ્કરભાઈનાં પત્ની નીલાબહેન કહે છે, ‘જમાના સાથે માણસોની અપેક્ષાઓ અને જરૂરિયાતો વધ્યા જ કરે છે એ વાત અમને હવે સમજાય છે જ્યારે વગર લાઇટ અને પંખાના સમયમાંથી અમે પસાર થયાં હોવા છતાં આજે એસી વગર રાત્રે સૂવાનું ભારી પડે છે. આજની ગરમીના પ્રમાણને જોતાં આ વસ્તુએ જરૂરિયાતનું સ્વરૂપ લઈ લીધું છે. મારાં લગ્ન પછી મારી પાસે એટલાં ઓછાં કપડાં હતાં કે અમારા પરિવારના બધા સભ્યોનાં કપડાં એક જ કબાટમાં રહેતાં અને આજે એક જણને એક કબાટ પણ નાનો પડે છે એટલાં દરેકનાં કપડાં હોય છે. એ સમયે કપડાંને ઇસ્ત્રી પણ મારતાં નહોતાં, ગડી નીચે મૂકીને સૂઈ જતાં

એટલે સવારે એના પરથી સળ નીકળી જાય.’

ટેપ-રેકૉર્ડરમાં અવાજ આવે છે ક્યાંથી?

આમ જ આગળ નવા આવેલા ટેપ-રેકૉર્ડરમાટે ભાસ્કરભાઈ એક બાળક જેવી નાદાનિયત સાથે કહે છે, ‘જ્યારે અમે પહેલુંવહેલું ટેપ-રેકૉર્ડર જોયુંને ત્યારે પણ અમારી પ્રતિક્રિયા એવી જ હતી. અમે એમાંથી આવતા સંગીતને કે અવાજને માણવા કરતાં પણ વધારે આ અવાજ કઈ રીતે અને ક્યાંથી આવે છે એના સંશોધનમાં લાગી જતા. મૂળમાં મને આ બધાં પરિવર્તન અને ટેક્નૉલૉજીમાં ખૂબ રસ હતો અને આજે પણ છે એથી જ જેમ-જેમ નવાં ઉપકરણો આવતાં ગયાં એમ હું શીખતો ગયો.’

બીજી પેઢી ઃ અહીં સપનાબહેન પોતાના ટેક્નૉસૅવી પપ્પા (સસરા)નાં વખાણ કરતાં બોલ્યાં, ‘અમારા આખા ઘરમાં વૉટ્સઍપ પર ફોટો, વિડિયો કે મેસેજિસ મોકલવા જેવા કોઈ પણ ઇન્ટરનેટ કે મોબાઇલ ઍપને લગતાં કામ હોય તો એ પપ્પા વિના વિલંબ કરી લે છે. તેઓ વૉટ્સઍપનો વધુમાં વધુ ઉપયોગ કરે છે.’

ભાસ્કરભાઈના પુત્ર પુનિતભાઈ અહીં ખડખડાટ હસતાં કહે છે, ‘અમારો બિઝનેસ છે અને પપ્પા માટે જો કોઈ ફોન આવે તો હું તેમના મિત્રોને કહું કે મારા પપ્પાને વૉટ્સઍપ પર જોઈ લેવા. જો તે ઑનલાઇન ન દેખાય તો સમજવું કે તે સૂતા હશે. હા, પણ તેમનો પોતાના પર કાબૂ પણ પ્રશંસનીય છે. પપ્પા સવારે વહેલા ઊઠી પાર્કમાં યોગ માટે અને બૅડમિન્ટન રમવા જાય છે અને આવીને પછી મમ્મી સાથે રોજ મંગળાનાં દર્શને પણ જાય છે. આની વચ્ચે સમય મળે ત્યારે તેઓ વૉટ્સઍપ પર આવે. આ વાત જે સાંભળશે તેમને હસવું પણ આવશે કે તેમના ફોનમાં હું આપને દિવસનાં પાંચ-છ વિવિધ અલાર્મમાંથી એક અલાર્મ વૉટ્સઍપ બંધ કરવાનું પણ દેખાડી શકું. આપણે અલાર્મ મૂકીને પણ વધારાની ‘પાંચ મિનિટ’માંથી ઊંચા નથી આવતા, પણ પપ્પા અલાર્મ વાગતાં જ વૉટ્સઍપ પરથી ઊભા થઈ જાય છે.’

ત્રીજી પેઢી ઃ ભાસ્કરભાઈના ૧૧ વર્ષના પૌત્ર જશને ઇન્ટરનેટ વગરનો એક દિવસ કેવો હોઈ શકે એ વિશે પૂછતાં તે કહે છે, ‘મને જો ઇન્ટરનેટ કે ફોન વગર રહેવું હોય તો હું કોઈ ઘરમાં રમત રમી અને સૂઈને દિવસ પૂરો કરું અને જો વેકેશનમાં કોઈના પણ ફોન વગર રહેવું પડે તો હું સૂઈ જાઉં.’

અહીં સપનાબહેને કહ્યું કે હવે તો ભણતર અને પ્રોજેક્ટ્સ પણ કમ્પ્યુટર પર કરવામાં આવે છે એથી એ સિવાયનો વિચાર પણ આ લોકો ન કરી શકે.

ટેક્નૉલૉજીમાં ડેવલપમેન્ટ

અહીં ભાસ્કરભાઈ ગર્વ અનુભવતાં કહે છે, ‘હાલમાં ૭૦ અથવા એથી વધારે ઉંમર ધરાવતી પેઢી આ બાબતમાં અમારા પછીની બધી જ પેઢી કરતાં પણ વધારે નસીબદાર છે, કારણ કે અમે અમારા જીવનમાં સાદાઈથી લઈ આજ સુધીની આધુનિક દુનિયા જોઈ છે.’

આ પેઢીનું ભાગ્ય એ હતું કે સાવ સાદાઈવાળી, સુખ-સુવિધાનાં સાધન વગરની દુનિયા તેમણે જોઈ, પછી મોટી ટેક્નૉલૉજીએ જ્યારે પા પા પગલી કરી તો એને આવકારી અને હવે ટેક્નૉલૉજીની પૂરબહાર પ્રગતિ પણ તેઓ જોઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ ફોન, ઇન્ટરનેટ વગર આ પેઢી રહી શકે છે. આની મજા પણ એટલી જ માણી શકે છે અને મુખ્ય તો આ લોકો વૉટ્સઍપ અથવા ફોન વાપરીને પણ એના ગુલામ નહીં બને એ વાત ખાતરીપૂર્વક કહી શકાય.

આનું મુખ્ય કારણ એ પણ છે કે પહેલાંની પેઢીમાં બધામાં આત્મનિયંત્રણ અને સમયની પાબંદીના ગુણ સામાન્ય હતા. જીવનમાં અનેક સંઘર્ષ કકનાર અને અથાક મહેનતથી શૂન્યમાંથી સર્જન કરનાર ભાસ્કરભાઈ સમય અને પૈસાની કિંમત બખૂબી જાણે છે.

બેસ્ટ ફાધર

અહીં ભાસ્કરભાઈની દીકરી અમીબહેન પોતાના પિતા વિશે કહે છે, ‘એક સમય એવો હતો કે પપ્પાને એમ થતું કે અમે ફોનમાં કેમ આટલાંબધાં વ્યસ્ત હોઈએ છીએ, પણ ત્યાર પછી તેમણે ફોન, ઇન્ટરનેટ સુવિધા વાપરવાનું શરૂ કર્યું અને તેમને એના ફાયદા ધ્યાનમાં આવ્યા. તેમણે દરેક નવી ટેક્નૉલૉજીને સ્વીકારી અને એ શીખવાની ધગશ રાખી છે. મારા પિતા વિશે હું એમ કહી શકું કે તે મારી હિમ્મત છે. નાની ઉંમરમાં જીવનમાં આવેલા ઉતાર-ચડાવમાં મારા પપ્પાએ મને દુ:ખ સામે હિમ્મત આપી છે. મુસીબત સામે લડવાની ક્ષમતા મને તેમની પાસેથી વારસામાં મળી છે.’

સિદ્ધાંત પર અડગ રહેવું

ભાસ્કરભાઈને તેમની માતા સ્વ. ભાગીરથીબહેન પાસેથી સિદ્ધાંત પર અડગ રહેવાનો વારસો મળ્યો છે જે તેમના જીવનની એક મુખ્ય ઘટના પરથી ખ્યાલ આવે છે. એની વાત કરતાં ભાસ્કરભાઈ કહે છે, ‘સૌ જાણે છે કે એ સમયમાં સંપર્કનું સાધન ન હોવાથી વ્યક્તિ બહાર જાય ત્યારથી ઘરમાં આવે ત્યાં સુધી ઘરવાળા અને એ વ્યક્તિ એકબીજાની પરિસ્થિતિથી અજાણ જ રહેતા. ૧૯૭૨થી મારો દર મંગળવારે સિદ્ધિવિનાયક મંદિર જવાનો નિયમ છે. આમાં મેં ક્યારેય પરિસ્થિતિની અનુકૂળતા કે પ્રતિકૂળતાનો વિચાર નથી કર્યો. ૧૯૮૧માં એક મંગળવારે મારી કસોટીનો સમય હતો. પુનિતનો જન્મ થવાનો હતો. નીલાની તબિયતથી અણસાર હતો કે હવે ડિલિવરી કોઈ પણ ઘડીએ થશે, પણ છતાં હું મારા નિયમ પ્રમાણે નીકળી ગયો અને થોડા જ સમયમાં પુનિતનો જન્મ થયો. જ્યારે હું ઘરે આવ્યો તેના જન્મને ચારેક કલાક વીતી ગયા હતા. ઘરમાં બધા આતુરતાથી મારી રાહ જોઈ રહ્યા હતા. કદાચ મારા દીકરાનું મોઢું જન્મ પછી તરત જોવાનો અવસર મને ન મળ્યો અને ન તો મને એના સમાચાર મળ્યા, પણ આ વાતથી હું એમ કહી શકું કે આ અમારા સમયની અસલી મજા હતી.’

કુટુંબને જોડીને રાખનાર કડી સ્ત્રી

પહેલાંના સમયમાં કુટુંબ સંયુક્ત રહેતાં. પરિવારના સભ્યો જોડાયેલા રહેતા. પણ આ આખી પ્રક્રિયામાં એક મોતીની માળાનાં મોતી તો બધા જુએ છે પણ એને જોડીને રાખનાર દોરો એટલે કે ઘરની વહુ અથવા પત્ની જે પૂરા સમર્પણ સાથે લગ્ન પછી પતિના પરિવારને સાચવવા પોતાના અસ્તિત્વને એમાં ઓગાળી દે છે તેની ભૂમિકા નોંધપાત્ર હોય છે છતાં તે નજરઅંદાજ થતી હોય એવું લાગે છે. વાસ્તવમાં દરેક પ્રેમભર્યા સંયુક્ત કુટુંબમાં ઘરની વહુ અથવા પત્ની પાયાના પથ્થર જેવી હોય છે.

ચકાસણી મશીન સામે મગજની

વાત જો જમાનામાં કેટલો ફરક છે એની કરવી હોય તો ભાસ્કરભાઈએ કરેલી એક આપમેળે ગણતરી કરતા મશીનની વાતથી ખ્યાલ આવે છે કે જ્યારે આ મશીન નવાં આવ્યાં ત્યારે તેમને નવાઈ લાગતી કે મશીન કેવી રીતે આટલી જલદી મોટા-મોટા આંકડાની ગણતરી કરી શકે? આ મોટું મશીન નાના કૅલ્ક્યુલેટર પહેલાંની શોધ હશે. એથી તેઓ પોતાની જૂની પદ્ધતિથી પોતાની મેળે ગણતરી કરીને મશીનની ચકાસણી કરતા કે મશીને આપેલો જવાબ સાચો છે કે નહીં. પણ આજનો જમાનો એવો છે કે ભૂલમાં પણ જો માણસ મોટા આંકડાની ગણતરી કરે તો એને કૅલ્ક્યુલેટર પર તપાસીને જોવામાં આવે કે મનુષ્યએ કરેલી ગણતરીનો જવાબ ખોટો છે કે સાચો.

પહેલાંના જમાનામાં લોકો મગજ પર નિર્ભર હતા અને આજે મનુષ્યના મગજની તુલનામાં મશીન પર વિશ્વાસ વધી ગયો છે. આ માત્ર મગજ અને મશીનનો તફાવત નથી, પણ તફાવત છે જૂની પેઢી અને નવી પેઢીમાં રહેલા આત્મવિશ્વાસનો. ભણીને પણ જે ગણી નથી શકતી એ પેઢી અને ભણ્યા નહીં પણ ગણ્યા વધારે આ કહેવતને યાદ કરાવનાર વડીલોની પેઢી.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2019 03:22 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK