ગરીબી અને ગરીબો તો છે રાજકારણીઓ અને અમીરોની વાતો, વાયદા, ચર્ચા અને કથિત ચિંતા!

Published: Nov 07, 2019, 12:49 IST | Jayesh Chitaliya | Mumbai

સોશિયલ સાયન્સઃ ગરીબીની ચિંતા અને ચર્ચા બધા જ કરતા હોય છે, પરંતુ મોટા ભાગનાં‍ સ્થાપિત હિતો ગરીબી ચાલુ રહે એવું ઇચ્છતા હોય છે. જોકે તેઓ દેખાવ ખાતર યા પોતાને મહાન-દયાળુ બતાવવા માટે ગરીબી દૂર કરવાની વાતો કરે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ગરીબીની ચિંતા અને ચર્ચા બધા જ કરતા હોય છે, પરંતુ મોટા ભાગનાં‍ સ્થાપિત હિતો ગરીબી ચાલુ રહે એવું ઇચ્છતા હોય છે. જોકે તેઓ દેખાવ ખાતર યા પોતાને મહાન-દયાળુ બતાવવા માટે ગરીબી દૂર કરવાની વાતો કરે છે, પરંતુ તેમનું અસલી હિત અને ધ્યાન ગરીબોને ગરીબ રહેવા દેવામાં હોય છે. શા માટે? સમજવા–વિચારવા જેવું ખરું

ગરીબી શબ્દ સદીઓથી બહુ જ જાણીતો છે, ખાસ કરીને પૉલિટિક્સમાં. આમ તો ગરીબી શબ્દ જ નહીં, ગરીબી પોતે પણ વિશ્વવિખ્યાત છે જેની ચર્ચા બધા જ કરે છે. થોડા વખત પહેલાં જ અર્થશાસ્ત્રના વિષયમાં નોબેલ વિજેતા બનનાર ભારતીય મૂળના અને વરસોથી અમેરિકા રહેતા અભિજિત બૅનરજીએ ભારતમાં ગરીબી વિશે અને અર્થતંત્ર વિશે ટીકા-ટિપ્પણી કરી હતી. તેમને પૂઅર ઇકૉનૉમિક્સ પુસ્તક લખવા બદલ અને વિશ્વને ગરીબી ઘટાડવા માટેનાં સૂચનો કરવા બદલ સંયુક્ત સ્વરૂપે અર્થતંત્રનું નોબેલ પ્રાપ્ત થયું છે. અગાઉ અમર્ત્ય સેનને પણ અર્થતંત્ર સંબંધી નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું, જેઓ પણ રહે છે વિદેશમાં પણ મૂળ ભારતના. ભારતની ગરીબી પણ જાણે આખા વિશ્વની ચર્ચાનો વિષય હોય એમ બધા આર્થિક-સામાજિક, રાજકીય પંડિતો એના પર ચર્ચા કરતા રહેતા હોય છે. જોકે સરકાર અને રાજકીય નેતાઓ પણ ગરીબી અને ગરીબોનો ઉપયોગ કરવામાં સૌથી આગળ હોય છે.
આશ્રર્યની વાત કહો કે કરુણતા કહો, આ જે બધા લોકો ભારતની ગરીબી યા ફૉર ધૅટ મૅટર કોઈ પણ દેશની ગરીબીની વાત કરતા હોય છે તેમાં મોટા ભાગના લોકો પોતે સંપન્ન, પૈસાદાર, સુખ-સુવિધામાં રહેતા લોકો હોય છે. તેઓ ગરીબીની ચર્ચા પણ લગભગ મોટી હોટેલોમાં યોજાતા સેમિનારમાં યા ટીવી સ્ટુડિયોમાં કે પછી અખબારોની સામે બેઠાં-બેઠાં કરે છે. બાય ધ વે, ક્યાંય પણ બેસીને કરે, ગરીબોની (ખરેખર તો ગરીબીની કરે છે) ચિંતા તો કરે છે. આ લોકોને વાસ્તવમાં ગરીબી શું છે એની ખબર હોય છે કે કેમ એ મામલે સવાલ થઈ શકે. તેમને પોતાને ગરીબીનો ભાગ્યે જ કોઈ અનુભવ હોય છે. તેમણે બીજાની ગરીબી પણ દૂર-દૂરથી અથવા પુસ્તકોના કાગળ પર ગરીબીના આંકડા જોયા હોય છે, એનું ઍનૅલિસિસ કર્યું હોય છે. તેમણે ગરીબી પરની દસ્તાવેજી ફિલ્મો જોઈ હોય અથવા ક્યારેક–ક્યાંક ગરીબ વિસ્તારોની મુલાકાત લીધી હોય છે, ઇકૉનૉમિક્સના વિષય મુજબ ગરીબીની વ્યાખ્યા તેઓ કરી જાણે, પણ ખરી વ્યથા શું કહેવાય એની તેમને ખરેખર ખબર હોય છે કે કેમ એ મસમોટો સંશોધનનો વિષય છે. વાસ્તવમાં ગરીબ માનવી અને તેના પરિવારની વ્યથા આપણને ક્યારેય સમજાશે નહીં સિવાય કે આપણે એવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોઈએ.
ગરીબો માટે સાચી ચિંતા કોણે કરી?
હૉલીવુડની ફિલ્મોમાં પણ ભારતની ગરીબી, સમસ્યા, સ્લમ વિસ્તારો વગેરે વધુ દર્શાવાય છે જ્યારે કે ભારતમાં જે સારું, સમૃદ્ધ અને સંપન્ન છે એને ઓછું બતાવાય છે. આમ ભારતની ગરીબી એક રસપ્રદ વિષય છે તેમના માટે, જેની મારફત તેઓ પોતે માલદાર બને છે અને પ્રસિધ્ધિ પણ મેળવે છે. ખેર, એ તો પારકા છે અને ફિલ્મી છે, પરંતુ આપણા દેશના નેતાઓ-રાજકારણીઓ, ધર્મગુરુઓ, પંડિતો, મૌલવીઓ, અર્થશાસ્ત્રીઓ વગેરે પણ ભારતની ગરીબી પર ચર્ચા કરતા રહે છે, એને દૂર કરવાના દાવા કરવા ઉપરાંત સુઝાવો કર્યા કરે છે. વાસ્તવમાં આમાંના મોટા ભાગના લોકોએ ખરી ગરીબીને જોઈ કે સમજી હોતી નથી. ભારતની ગરીબી જોઈ હોય એવી હસ્તીઓમાં સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના નામ સહિત કેટલાંક આદરણીય નામો મોખરે આવે, જેઓ ક્યારેય રાજકીય નેતા નહોતા. અલબત્ત, આપણા દેશમાં ઘણા એવા મહામાનવ થઈ ગયા જેમણે ગરીબી જોઈ, ગરીબી-ગરીબોને સમજ્યા, તેમને રાહત આપવા ઝઝૂમ્યા, જીવન અર્પણ કરી દીધું. જેમણે ભારતભરમાં ફરી તેને પાયાના સ્તરેથી જોઈ-સમજી. મહાત્મા ગાંધીએ તો એ સમયે ભારતની ગરીબીને જોઈ પોતે માત્ર પોતડી ધારણ કરી લીધી તેમ જ આજીવન એનું પાલન પણ કર્યું. મહાત્મા ગાંધી, વિવેકાનંદ અને એવી હસ્તીઓમાંથી કોઈ અર્થશાસ્ત્રી કે આર્થિક નિષ્ણાત પણ નહોતા, પણ તેમને ગરીબીની અને ગરીબો વિશેની સાચી સમજ હતી એમ ચોક્કસ કહી શકાય.
ગરીબી અને ભીખ ધીકતો ધંધો
હવે તો ઘણા દાખલા પણ જોવા-સાંભળવા મળે છે કે ભારતમાં ખરેખર ગરીબ દેખાતા યા ભીખ માગતા લોકો વાસ્તવમાં ગરીબ છે? સાચા ભિક્ષુક (ભિખારી) છે? એ પણ સમજવું પડે. ગરીબીના નામે અને ભીખ માગવાને નામે કેટલો મોટો ધંધો-બિઝનેસ ચાલે છે એ હવે લોકોને સમજાવવાની જરૂર રહી નથી. કેટલાય કિસ્સામાં આ વિષયના લેભાગુઓ-લુચ્ચાઓ ખુલ્લા પડી ગયા છે. ઘણાય ગરીબો તો પોતાને ગરીબ દર્શાવવામાં સ્થાપિત હિત ધરાવતા હોય છે. તેમ છતાં લોકો દયાને નામે કે પછી પુણ્ય કમાવાને નામે છેતરાતા જાય છે. ગરીબો માટે સરકાર પણ સતત યોજના ચલાવતી રહે છે, ગરીબોને ભીખ મંગાવવા માટે કેટલીય ગૅન્ગ‍ પણ કામ કરી રહી હોવાનું જાહેર છે, જેમાં પણ લેભાગુઓ-વચેટિયાઓ મલાઈ લેતા રહ્યા છે. બાય ધ વે, અનેક લોકો માટે ગરીબી ધીકતો ધંધો છે અને તેમને ગરીબ રહેવા દેવામાં રાજકીય સ્થાપિત હિતોનો એનાથી પણ મોટો બિઝનેસ છે. જ્યારે કે ખરેખર તો કેટલાય કથિત ગરીબ યા ભિખારી કરતાં વધુ કરુણ સ્થિતિ નીચલા મધ્યમ વર્ગની હોય છે જેઓ સતત એક સાંધે ને તેર તૂટેની અવસ્થામાં જીવતા હોય છે. તેઓ તો ભીખ પણ માગી શકતા નથી, સહી શકતા નથી અને કોઈને કહી પણ શકતા નથી. તેઓ સતત પિસાયા અને સંઘર્ષ કર્યા કરે છે.
ગરીબો તો વોટબૅન્ક
આપણા દેશના નેતાઓ વરસોથી ગરીબી દૂર કરવાનાં વચનો આપી આંકડાની રમત રમી જનતાનાં નાણાં લુંટાવી વોટ લઈ જાય છે, પણ ગરીબોની દશા ક્યાં–કેટલી અને કેવી સુધરે છે એ હજી પણ સંશોધનનો વિષય છે. કેટલાય રાજકીય પક્ષો અને નેતાઓ તો ગરીબોને પોતાની વોટબૅન્ક બનાવે છે, તેમના વોટ મેળવવા સમયાંતરે તેમને થોડી મદદ કરે અને વધુ વચનો આપ્યા કરે છે.
ગરીબોને પંપાળો નહીં, પગભર કરો
કરુણતા અને કમનસીબી એ છે કે આપણા દેશમાં ગરીબીને પોષવામાં આવતી રહે છે. તેમની પાસે પોતાનાં કામ કરાવી શકાય છે, તેમને નોકર યા ગુલામ બનાવી શકાય છે. ગરીબીને ધર્મગુરુઓ-પંડિતો પણ પોષતા રહ્યા છે. તેઓ ગરીબોને કહે છે, તમે તમારા આગલા જન્મનાં પાપોને કારણે ગરીબ છો, તમારાં નસીબ ખોટાં છે, તમે પરમાત્મા તરફથી સજા પામી રહ્યા છો. આમ ગરીબો ચારે બાજુથી પોતાના ગરીબ હોવાના જસ્ટિફિકેશન સ્વીકારતા જાય છે. જ્યારે કે મહેનત, ધગશ અને પરિશ્રમથી ગરીબો પોતાની ગરીબી દૂર કરી શકે છે અને આવા દાખલા અનેક છે, પરંતુ ગરીબીને પંપાળવામાં બહુ મોટું રાજકીય, સામાજિક અને ધાર્મિક હિત સમાયેલું મનાય છે. જો કોઈ પણ ધર્મના ગુરુઓ, પંડિતો, વડાઓને ગરીબોની ગંભીર અને સાચી ચિંતા છે તો તેઓ ભગવાનને ચડાવાતાં દૂધ, પ્રસાદ અને છપ્પન ભોગ, સોના-ચાંદી, રૂપિયા, વગેરેને બદલે ગરીબોને સહાય કરવાની, તેમને શિક્ષિત કરવાની, સ્વસ્થ બનાવવાની, પગભર કરવાની ઝુંબેશ કેમ ચલાવતા નથી? આ બાબત લગભગ દરેક ધર્મને લાગુ પડે છે. અલબત્ત, અમુક ધાર્મિક સંસ્થાઓ ગરીબોની સહાય માટે સારાં કામ કરે છે.
આપણે શું કરી શકીએ?
જોકે અહીં એ યાદ રાખવું પણ જરૂરી છે કે માત્ર સરકાર આ કાર્ય એકલા કરી શકે નહીં, સમાજના સંપન્ન વર્ગે પણ આ દિશામાં નક્કર કાર્ય કરવાં જોઈએ. ગરીબોને વધુપડતાં પંપાળીને સ્થાપિત હિતો તો તેમને અન્યાય કરે જ છે બલકે સમાજ પણ એ ગરીબો સાથે કંઈક આવો જ વ્યવહાર દયા–કરુણાના નામે કર્યા કરે છે. ખરેખર તો ગરીબોને સતત અને નિયમિત રીતે પગભર કરવાની જરૂર છે. ગરીબોને ગરીબીથી બહાર કાઢવાની જરૂર છે. તેમને પોષતા કે પંપાળતા રહેવાને બદલે તેમને કામધંધા મારફત સ્વનિર્ભર-મજબૂત બનાવવાની આવશ્યકતા છે. એક સામાન્ય માનવી તરીકે આપણે શું કરીએ છીએ એ આપણે દરેકે વિચારવાની અને એક-બે કે ચાર જણને શિક્ષિત, સ્વસ્થ અને પગભર બનાવવાની દિશામાં અમલ કરવાની જરૂર છે. જસ્ટ થિન્ક, યુ કૅન! વી કૅન!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK