કાકા અને ભત્રીજી વચ્ચે કાંટે કી ટક્કર

Published: 12th December, 2012 06:14 IST

પૂનમ માડમે બીજેપી જૉઇન કર્યાના એક જ કલાકમાં જામનગર જિલ્લાની ખંભાળિયા સીટની ટિકિટ મેળવી : આ બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવારને જિતાડવા પૂનમના કાકા અને સંસદસભ્ય વિક્રમ માડમ આકાશપાતાળ એક કરી રહ્યા છેબીજેપીએ ટિકિટની ફાળવણી શરૂ કરી ત્યારે એ યાદીમાં જામનગર જિલ્લાના ખંભાળિયા બેઠકના ભૂતપૂર્વ વિધાનસભ્ય હેમંત માડમનાં દીકરી પૂનમ માડમનું નામ સાંભળીને અનેક લોકો હેબતાઈ ગયા હતા, કારણ કે રાત્રે આઠ વાગ્યે કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં જૉઇન થનારાં પૂનમ માડમને એક જ કલાકમાં પાર્ટીએ ટિકિટ આપી દીધી હતી. આટલી ઓછી સમયમર્યાદામાં ટિકિટ કોઈને આપવામાં આવી હોય એ કદાચ દેશભરમાં પહેલી વાર બન્યું હશે. હકીકત એ હતી કે પૂનમ માડમને કૉન્ગ્રેસ ટિકિટ ન આપે એ માટે ખુદ તેના જ સગા કાકા અને જામનગરના સાંસદ વિક્રમ માડમ મહેનત કરતા હતા.

પૂનમ માટે ઘર જેવી બેઠક

કાકા-ભત્રીજીની આ લડાઈનો લાભ લેવા માટે ગુજરાત બીજેપીએ પૂનમ માડમ પાસે પક્ષપલટો કરાવીને તેને ટિકિટ આપી છે. પૂનમ માડમ પહેલી વાર ઇલેક્શન લડશે. ખંભાળિયામાંથી લડી રહેલા કૉન્ગ્રેસના ઉમેદવાર એભાભાઈ કરમુર પણ પહેલું ઇલેક્શન લડી રહ્યા છે તો જીપીપીના લાલજીભાઈ નકુમ પણ પહેલી જ વાર ચૂંટણીજંગમાં ઝંપલાવી રહ્યા છે. ત્રણેત્રણ નવા ઉમેદવાર ધરાવતી આ બેઠક પૂનમ માડમ માટે આમ તો ઘર જેવી છે. આ બેઠક પરથી તેના પપ્પા હેમંત માડમ અગાઉ ચાર વખત અપક્ષ વિધાનસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે ૨૦૦૨ અને ૨૦૦૭માં આ બેઠક બીજેપીને મળી હતી.

આહિર મતો નિર્ણાયક

નવા સીમાંકનને કારણે આહિર જ્ઞાતિનું વર્ચસ્વ વધી જતાં ખંભાળિયા બેઠક માટે બીજેપીએ પોતાના ધારાસભ્ય મેઘજી કણઝરિયાને કાપીને આહિર જ્ઞાતિના પૂનમ માડમને ટિકિટ આપી છે. કુલ ૨,૩૦,૭૧૬ મતદારો ધરાવતા ખંભાળિયામાં ૫૩,૭૯૦ આહિર મત છે તો લગભગ એટલા જ મત સવર્ણના છે. છેલ્લી છ વિધાનસભા દરમ્યાન ખંભાળિયામાં આહિર જ્ઞાતિએ ૧૦૦ ટકા મતદાન કર્યું હોવાથી સ્વાભાવિકપણે પૂનમ માડમને એનો ફાયદો થવાનો છે. પૂનમ માડમ કહે છે, ‘મારા પપ્પાએ ચાર ટર્મમાં જે કામો આ વિસ્તારનાં કર્યા છે એનો બેનિફિટ પણ મને મળશે.’

વિક્રમ માડમની કસોટી

પૂનમ માડમ સામે ઉમેદવારી નોંધાવનારા એભાભાઈ કરમૂરને જિતાડવા માટે પૂનમ માડમના સગા કાકા અને કૉન્ગ્રેસના જામનગરના સાંસદ વિક્રમ માડમ બધાં કામો છોડીને ખંભાળિયામાં પ્રચાર કરી રહ્યા છે. વિક્રમ માડમ પણ જામનગરમાં મોટું નામ ધરાવે છે અને જિલ્લાના આહિર અગ્રણી છે. વિક્રમ માડમ કહે છે, ‘પક્ષે જે ઉમેદવાર આપ્યો છે એ જિતાડવાની મારી જવાબદારી છે. પક્ષનું કામ કરતી વખતે સંબંધો ન જોવાના હોય, પણ પાર્ટીલાઇનને ચુસ્તપણે વળગી રહેવાનું હોય.’

પૂનમ માડમ જો આ બેઠક પરથી જીતશે તો એ હાર એભાભાઈની નહીં હોય પણ વિક્રમ માડમની ગણાશે અને ધારો કે પૂનમ માડમ હાર્યા તો તેમણે સંભવિતપણે કાયમ માટે રાજકીય સંન્યાસ લેવો પડે એવો ઘાટ સર્જાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK