દિલ્હી પૉલ્યુશન પુરાણઃ ઇંગ્લૅન્ડમાં ચાલવું એ શોખ છે અને આપણાં માટે ચાલવું એ મજબૂરી છે

Published: Nov 05, 2019, 16:57 IST | Manoj Joshi | Mumbai

આ પ્રશ્ન ખરેખર પુછાવો જોઈએ એવું મને લાગતું હતું અને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો પણ ખરો, જે પ્રશ્નો માત્ર સરકારની જ નહીં આપણાં સૌની આંખો ખોલવા માટે પણ અનિવાર્ય હતા.

પ્રદૂષણ
પ્રદૂષણ

આ પ્રશ્ન ખરેખર પુછાવો જોઈએ એવું મને લાગતું હતું અને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો પણ ખરો, જે પ્રશ્નો માત્ર સરકારની જ નહીં આપણાં સૌની આંખો ખોલવા માટે પણ અનિવાર્ય હતા. પહેલાં વાત કરીએ દિલ્હી સરકારની સામે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની. દિલ્હી સરકારને પૂછવામાં આવ્યું કે સરકારે શહેરમાં લગાડેલી ઓડ-ઇવનની નીતિનું શું પરિણામ આવ્યું છે? તમને યાદ હશે કે દિલ્હીમાં એક દિવસ એકી તારીખનાં વાહન ચલાવવાનાં છે તો બીજા દિવસે બેકી સંખ્યાનાં વાહનો ચલાવવાની પરમિશન છે. સરળ દૃષ્ટિએ કહેવાનું હોય તો એનું પરિણામ એ જ આવ્યું હોવું જોઈએ કે શહેરમાં ફરતાં વાહનોની સંખ્યા અડધી થઈ ગઈ હોવી જોઈએ અને જો એવું બને તો પૉલ્યુશન પણ અડધું થવું જોઈએ, પણ એ થયું નથી. ક્યાંક કંઈક ખૂટે છે. કાં તો કાયદો કાયદાની દૃષ્ટિએ કામ નથી કરતો અને કાં તો ક્રૂડમાં કોઈ ગરબડ લાગે છે અને કાં, ગઈ કાલે કહ્યું હતું એમ, આપણે ઉદ્યોગવાદી બની ગયા છીએ એટલે આપણને સૌને એ ધુમાડો દેખાતો નથી.

આ પ્રશ્નોના જવાબ ભલે દિલ્હી સરકારે આપવાના હોય, પણ આપણી માટે પણ આ પ્રશ્નો જાગૃતિ લાવનારા તો બનવા જ જોઈએ. જો તમે ફોરેનના કોઈ પણ દેશમાં ગયા હો તો તમને દેખાશે કે આજે પણ સાઇકલ ત્યાં ફૅશનમાં છે. વ્યક્તિ અબજોપતિ હોય, ઘરે મોંઘીદાટ કાર લંગારાયેલી હોય તો પણ તે ઑફિસે જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે અને ચોક્કસ ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી પણ ટૅક્સી કરવાને બદલે ચાલવાનું પસંદ કરશે. આ જે નીતિ છે એ નીતિ અપનાવવામાં ક્યાંક અને ક્યાંક આપણને આપણો હૂંકાર નડી રહ્યો છે. વાહન હોવું જોઈએ એ આપણી માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ચાલવું હવે ગમતું નથી અને ભાગતાં રહેવાની આદત લોહીમાં ભળી ગઈ છે. હરીફાઈના યુગમાં ભાગવું પડશે એ હકીકત છે, પણ આ હકીકત વચ્ચે એ ભૂલવું ન જોઈએ કે ભાગતાં-ભાગતાં પણ જીવતાં રહેવાનું છે. ફેફસાંને તાજી હવા મળતી હશે તો જ જીવી શકીશું, નિરોગી રહી શકીશું.

ઇંગ્લૅન્ડ મેં જોયું છે એટલે કહું છું કે ત્યાં વાહન વાપરવું એ શરમની વાત કહેવાય છે. તમે બીમાર હો તો જ તમે વાહન વાપરવાનું પસંદ કરો એવી માન્યતા ત્યાંના એકેક માણસના મનમાં ઘર કરી ગઈ છે. ચાલવું એ ત્યાં શોખ છે અને પેટ બહાર નીકળતું હોય એવું ટમી લઈને ફરવું એ ગાળ છે. મહિલાનું પેટ બહાર હોય તો એને સરળતા સાથે પ્રેગ્નન્ટ માની લેવામાં આવે છે. મેટ્રોમાં મેં મારી સગી આંખે જોયું છે કે એક ગુજરાતી મહિલાનું મોટું પેટ હતું અને એક અંગ્રેજે પ્રેગ્નન્ટ સમજીને એને જગ્યા ખાલી કરી આપી હતી. ચાલવું એ લક્ઝરી છે ત્યાં અને આપણે ત્યાં ચાલવું એ શરમ છે. ચાલવું એ શોખ છે ત્યાં અને આપણે ત્યાં ચાલવું એ મજબૂરી ગણવામાં આવે છે. આ બન્ને વિચારધારાનું પરિણામ બન્ને દેશો સહજ રીતે જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : બચ્ચનસાહેબની દિવાળી પાર્ટીમાં એક લટાર

ઇંગ્લૅન્ડમાં આજે પણ કુદરતનું સૌંદર્ય અકબંધ છે અને આપણે કુદરતના પ્રકોપને જોઈ રહ્યા છીએ. વાહનનો વપરાશ ઘટાડવો અતિશય આવશ્યક બની ગયો છે. વાહન શોખ નહીં જરૂરિયાત છે પણ ચાલવું ફરજિયાત છે. આ સહજ અને સરળ વાતને જીવનમાં અપનાવી લેનારો ક્યારેય દુખી નહીં થાય અને પૉલ્યુશનના નામે કોઈને દુખી કરશે પણ નહીં એ નક્કી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK