વડાપ્રધાનની સંપત્તિ 5 મહિનામાં ૪૦ લાખ રૂપિયા ઘટી

Published: 8th October, 2014 02:58 IST

અરુણ જેટલી ૭૨.૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અત્યારે કેન્દ્રના સૌથી વધુ પૈસાદાર પ્રધાન, જ્યારે વેન્કૈયા નાયડુ ૨૦.૪૫ લાખ રૂપિયાની સૌથી ઓછી સંપત્તિ ધરાવતા પ્રધાન



વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિમાં છેલ્લા પાંચ મહિનામાં ૪૦ લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. અત્યારે તેમની પાસે કુલ ૧.૨૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે. મે મહિનામાં કન્યા કલ્યાણ માટે કરેલા દાનને લીધે મોદીની સંપત્તિમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.

વડા પ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય પ્રધાનમંડળના તમામ ૪૪ સભ્યોએ તેમની સંપત્તિ જાહેર કરી છે. આ યાદી અનુસાર કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી ૭૨.૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અત્યારે કેન્દ્રના સૌથી વધુ પૈસાદાર પ્રધાન છે, જ્યારે શહેરી વિકાસ ખાતાના પ્રધાન વેન્કૈયા નાયડુ ૨૦.૪૫ લાખ રૂપિયાની સૌથી ઓછી સંપત્તિ ધરાવતા પ્રધાન છે.

વડા પ્રધાનના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી કેન્દ્રીય પ્રધાનોની સંપત્તિની વિગત અનુસાર કેન્દ્રના કરોડપતિ પ્રધાનોમાં જેટલી પછીના ક્રમે મહિલા તથા બાળ વિકાસપ્રધાન મેનકા ગાંધી છે જેમની પાસે ૩૭.૬૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે. કોલસા અને વીજળીપ્રધાન પીયૂષ ગોયલ ૩૧.૬૭ કરોડની સંપત્તિ સાથે તેમના પછીના ક્રમે છે. લઘુમતી બાબતોનાં પ્રધાન નજમા હેપતુલ્લા પાસે ૨૯.૭૦ કરોડ રૂપિયાની અને કાયદા તથા દૂરસંચારપ્રધાન રવિશંકર પ્રસાદ પાસે ૧૪.૯૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

કેન્દ્રનાં માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની ૪.૧૫ કરોડ રૂપિયાની સંપત્તિનાં માલિક છે, જ્યારે પરિવહનપ્રધાન નીતિન ગડકરી પાસે ૩.૩૪ કરોડ રૂપિયાની સંપત્તિ છે. વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પાસે ૨.૭૩ કરોડ રૂપિયાની, વડા પ્રધાનના કાર્યાલયમાંના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહ પાસે ૨.૬૭ કરોડ રૂપિયાની, ગૃહપ્રધાન રાજનાથ સિંહ પાસે ૨.૫૬ કરોડ રૂપિયાની, કૃષિપ્રધાન રાધામોહન સિંહ પાસે ૨.૪૭ કરોડ રૂપિયાની, આદિવાસી બાબતોના પ્રધાન જુએલ ઉરાંવ પાસે ૧.૭૭ કરોડ રૂપિયાની, જળ સંસાધનપ્રધાન ઉમા ભારતી પાસે ૧.૬૨ કરોડ રૂપિયાની અને વાણિજ્યપ્રધાન નર્મિલા સીતારામન પાસે ૧.૦૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

મોદી સરકારના લાખોપતિ સભ્યોમાં લઘુઉદ્યોગ પ્રધાન કલરાજ મિશ્રા (૭૨.૧૧ લાખ રૂપિયા), ઈશાન ભારતીય બાબતોના પ્રધાન જનરલ વી. કે. સિંહ (૬૮.૭૬ લાખ રૂપિયા), રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરેન રિજિજુ (૬૬.૬૫ લાખ રૂપિયા), કેમિકલ્સ તથા ફર્ટિલાઇઝર પ્રધાન અનંત કુમાર (૬૦.૬૨ લાખ રૂપિયા), આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધન (૪૮.૫૪ લાખ રૂપિયા), શ્રમ અને રોજગાર પ્રધાન નરેન્દ્રસિંહ તોમર (૪૪.૯૦ લાખ રૂપિયા) અને ખાદ્યપ્રધાન રામવિલાસ પાસવાન (૩૯.૮૮ લાખ રૂપિયા)નો સમાવેશ છે.

વડા પ્રધાનના કાર્યાલયે એમ પણ જણાવ્યું હતું કે ૬૪ સરકારી અધિકારીઓ વડા પ્રધાનના પર્સનલ સ્ટાફ તરીકે કામ કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK