રાજકારણને જોવાના બે દૃષ્ટિકોણ

Published: 12th August, 2012 09:59 IST

એક, એ ગંભીર ઍક્ટિવિટી છે પણ પૉલિટિશ્યનો એટલા ગંભીર નથી અને બે, એ ગંદી પ્રવૃત્તિ છે એટલે એમાં સારા માણસનું કામ નથી : આવી કશમકશમાં દેશદાઝ ધરાવતા લોકોએ શું કરવું એના પર એક નજર

 

 

 

રાજકારણ ગંભીર પ્રવૃત્તિ છે પણ રાજકારણીઓ જોઈએ એટલા ગંભીર નથી એ રાજકારણને જોવાનો એક દૃષ્ટિકોણ છે. રાજકારણ એક ગંદી પ્રવૃત્તિ છે અને સારા માણસનું એમાં કામ નથી એ રાજકારણને જોવાનો બીજો દૃષ્ટિકોણ છે. જગતઆખામાં રાજકારણને આ બે દૃષ્ટિકોણથી જોવામાં આવે છે અને એને કારણે અતિ તેજસ્વી અને મૌલિક માણસો સત્તાના રાજકારણમાં જતા નથી. આ માત્ર ભારતની સમસ્યા નથી એ યાદ રાખવું રહ્યું. રાજકારણની બાબતમાં જે લોકો બીજો દૃષ્ટિકોણ ધરાવે છે તેઓ રાજકારણથી છેટા રહે છે અને રાજકારણી સાથે ખપ પૂરતો જ સંબંધ રાખે છે. રાજકારણની બાબતમાં જે લોકો પહેલા પ્રકારનો દૃષ્ટિકોણ ધરાવે છે તેઓ રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરતા રહે છે.

 

રાજકારણમાં હસ્તક્ષેપ કરવામાં માનનારાઓને બે વર્ગમાં વહેંચી શકાય. એક વર્ગ એવો છે જે રાજકારણમાં સક્રિય રસ તો ધરાવે છે પરંતુ ચૂંટણીના રાજકારણમાં સીધા ઝંપલાવતા નથી. તેમનો મત એવો છે કે સત્તાના રાજકારણમાં ઝંપલાવ્યા વિના રાજકારણીઓ પર દબાવ વધારીને તેમને પોતાને અનુકૂળ કરી શકાય છે. તેઓ જે-તે પ્રશ્ને લોકોને સંગઠિત કરીને દબાવનું રાજકારણ કરે છે. ભારતમાં આવાં સેંકડો સંગઠનો કાર્યરત છે અને એમાં એમણે નેત્રદીપક સફળતા મેળવી છે. કેટલાક લોકો સામાજિક સમાનતા માટે કામ કરે છે. કેટલાક લોકો લૈંગિક સમાનતા માટે સક્રિય છે. કેટલાક લોકો સેક્યુલર સમાજવ્યવસ્થા માટે કામ કરે છે. કેટલાક લોકો કોઈને અન્યાય ન થાય એવા ન્યાયી અને ચિરંતન વિકાસ માટે કામ કરે છે. કેટલાક લોકો પર્યાવરણ માટે કામ કરે છે. કેટલાક લોકો આદિવાસીઓની સંસ્કૃતિ જળવાઈ રહે અને તેમનાં જંગલ અને જંગલમાંનાં સંસાધનો ઝૂંટવાઈ ન જાય એના માટે કામ કરે છે. કેટલાક લોકો વિકાસના નામે અંધાધૂંધ લાગુ કરવામાં આવતી યોજનાઓનો વિરોધ કરે છે તો કેટલાક લોકો એને કારણે વિસ્થાપિત થનારા લોકોના પુનર્વસનનું કામ કરે છે. કેટલાક લોકો નાગરિક અધિકારો માટે કામ કરે છે. આવાં દબાવજૂથોની નિસ્બત સભ્ય સમાજની રચના માટેની હોય છે. તેમની પ્રવૃત્તિના કેન્દ્રમાં છેવાડાનો માણસ હોય છે.

 

આ પ્રકારના કામમાં ખંતની જરૂર પડે છે. આજે ભેગા થયા અને કાલે પરિણામ આવે એવું એમાં બનતું નથી. આમાં લાંબા સમય સુધી ધીરજપૂર્વક સંઘર્ષ કરવો પડતો હોય છે. અત્યાર સુધીનો અનુભવ એમ કહે છે કે ખંતપૂર્વક મહેનત કરનારાં સંગઠનોની મહેનત એળે ગઈ નથી. ભારતમાં અનેક શકવર્તી પરિવર્તનો દબાવજૂથોના કારણે થયાં છે. દાખલા તરીકે વિકાસયોજનાઓને કારણે વિસ્થાપિત થનારાઓને જમીન સાટે જમીન આપીને પુનર્વસિત કરવાનું સરકારે સ્વીકાર્યું છે એનું શ્રેય મેધા પાટકર અને ગુજરાતના આર્ચ વાહિની નામની બિનસરકારી સંસ્થાને જાય છે. સ્ત્રીઓને લગતા ૧૯મી સદીના જુનવાણી કાયદાઓમાં સુધારાઓ મહિલા સંગઠનોએ આપેલી લડતને કારણે થયા છે. જેલ-મૅન્યુઅલમાં સુધારાઓ માનવઅધિકાર માટે લડતાં સંગઠનોને આભારી છે. સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોનના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાની કેટલાંક ઉદ્યોગગૃહોની રમત આવાં સંગઠનોની લડતને કારણે ઊથલી પડી છે. વિકાસ માટે કૃષિજમીન હસ્તગત કરવા વિશેની જે નવી નીતિ સરકારે બનાવી છે એ આવાં સંગઠનોને આભારી છે. મુદ્દો સમજવા માટે આટલા દાખલા પર્યાપ્ત છે. બાકી આઝાદી પછી આવા સેંકડો સુધારાઓ દબાવજૂથની અવિરત લડતને કારણે થયા છે.

 

આવાં જૂથોની વિશેષતા કે મર્યાદા જે કહો એ છે કે એ મોટા ભાગે એક જ પ્રશ્ને કામ કરતાં હોય છે. જો એકસાથે અનેક પ્રશ્નોમાં દરમ્યાનગીરી કરવામાં આવે તો શક્તિ વહેંચાઈ જાય અને પરિણામ ન આવે.

 

રાજકારણમાં હસ્તક્ષેપ કરવો જોઈએ એવું માનનારો બીજો વર્ગ રાજકારણીઓને સુધારીને રાજકારણ સુધારવાનો આગ્રહ રાખે છે. અણ્ણા હઝારેનું આંદોલન આવો એક પ્રયાસ છે અને જગતઆખામાં આવા નાના-મોટા સેંકડો પ્રયાસ આ પહેલાં થઈ ચૂક્યા છે. પરિવર્તન વિશેના રોમૅન્ટિક ખ્યાલ ધરાવનારાઓ આવા પ્રયાસમાં જોડાય છે. ઇતિહાસ એમ કહે છે કે આવાં આંદોલન બે પગે ઊભાં રહી શકતાં નથી અને જો ઊભાં થાય છે તો બહુ જલદી ફસડાઈ પડે છે.

 

આનાં મુખ્ય ત્રણ કારણો છે : પહેલું કારણ એ છે કે તેઓ સત્તાના રાજકારણનો સ્વભાવ અને સ્વરૂપ સમજતા નથી. બીજું કારણ એ છે કે તેઓ પોતાને સર્વગુણસંપન્ન અને રાજકારણીને અધમ તરીકે જુએ છે એટલે સંવાદની કોઈ ભૂમિકા બચતી નથી. આગલા વર્ગથી ઊલટું તેમની નજર શાસકના ચારિત્ર્ય પર વધુ હોય છે અને શાસનની પ્રાથમિકતા પર ઓછી હોય છે. ત્રીજું કારણ એ છે કે એને ટેકો આપનાર શહેરી નાગરિક એકસાથે એક કરતાં વધુ ઓળખ ધરાવતો હોય છે.

 

આઝાદ મેદાનમાં ‘મૈં હૂં અણ્ણા’ની ટોપી પહેરીને ઝંડો ફરકાવતો નાગરિક મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મરાઠી, ગુજરાતી, ઉત્તર ભારતીય, હિન્દુ, મુસલમાન કે દલિત તરીકે મત આપતો હોય છે. આ વાત હજી વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ બસ થશે. અણ્ણાના સમર્થનમાં આઝાદ મેદાન આવવાનું આમંત્રણ આપનારા એક મિત્રનો એક દિવસ ચોંકાવનારો લ્પ્લ્ આવ્યો. ‘આઉટલુક’ મૅગેઝિન અને સીએનએન-આઇબીએને મળીને ગ્રેટેસ્ટ ઇન્ડિયન આફ્ટર ગાંધી એવો એક સર્વે હાથ ધર્યો છે. એમાં લોકોને લ્પ્લ્ કરીને પોતાનો મત આપવાનું કહેવામાં આવ્યું છે. રાજકારણીઓને સુધારીને રાજકારણ સુધારવાનો આગ્રહ રાખનારા તે મિત્રે મને સલાહ આપી હતી કે મારે એક ગુજરાતી તરીકે તરત જ સરદાર પટેલને મારો મત આપવો જોઈએ અને બીજા ગુજરાતી મિત્રોને સરદારને મત આપવા કહેવું જોઈએ. તે મિત્ર આટલી સલાહ આપીને અટક્યા નહોતા. તેમણે ભય બતાવ્યો હતો કે તમે જો સરદાર પટેલને મત નહીં આપો તો ગ્રેટેસ્ટ ઇન્ડિયન આફ્ટર ગાંધીનું બિરુદ ડૉ. આંબેડકર જીતી જશે. આપણે કેટલા ભારતીય છીએ એનું આ ઉદાહરણ છે. આવા નાગરિકો જ્યારે દેશ વિશેનો રોમૅન્ટિક અવતાર ધારણ કરે છે ત્યારે અણ્ણા આંદોલનો આંધીનું સ્વરૂપ પકડે છે અને પછી તેઓ જ્યારે તેમની મૂળ અવસ્થામાં પાછા ફરે છે ત્યારે અણ્ણા આંદોલનો ફસડાઈ પડે છે.

 

રાજકારણીને સુધારીને રાજકારણ સુધારવા નીકળેલા લોકોનું આંદોલન જ્યારે ફસડાઈ પડે છે ત્યારે તેમની સમક્ષ સીધા ચૂંટણીના રાજકારણમાં પડ્યા વિના કોઈ વિકલ્પ રહેતો નથી. ટીમ અણ્ણાને પણ આ વિકલ્પ અપનાવવો પડ્યો છે. જોકે આ વિકલ્પ આસાન નથી અને માટે જ ટીમ અણ્ણામાં મતભેદ પેદા થયા છે અને કેટલાક લોકો અણ્ણાને ચેતવી રહ્યા છે. સત્તાના રાજકારણનો સ્વભાવ અને સ્વરૂપ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રાજકારણમાં સફળતા મળતી નથી અને એમાં વળી ભારતમાં સત્તાના રાજકારણનું સ્વરૂપ અત્યંત જટિલ છે.

 

ભારતમાં પક્ષીય રાજકારણમાં આ ચાર લક્ષણો જોવા મળે છે : પહેલું લક્ષણ એ કે તમારો પક્ષ બધાના એકસરખા કલ્યાણમાં અને બધાને સાથે લઈને ચાલવામાં માને છે એવી નીતિ અપનાવવી જરૂરી છે. અંગ્રેજોમાં આને ઇન્ક્લુઝિવ અપ્રોચ કહી શકાય. બીજું લક્ષણ એ કે પ્રત્યક્ષ ચૂંટણીના મેદાનમાં મતદાતાઓ વચ્ચે વિભાજન પેદા કરવું જરૂરી છે. ઇન્ક્લુઝિવ અપ્રોચ બટ ડિવીઝીવ પૉલિટિક્સ. ત્રીજું લક્ષણ છે પક્ષીય શિસ્તના નામે દમનનીતિ. પક્ષના સત્તાના હિત સામે વ્યક્તિનું વિચારસ્વાતંત્ર્ય ગૌણ છે. અને ચોથું લક્ષણ છે હાઈ કમાન્ડ. મોવડીમંડળ બિગ બૉસનું બનેલું હોય છે જે પોતાના હિતમાં પક્ષનો ઉપયોગ કરે છે અને કાર્યકરો પર નજર રાખે છે.

 

આ ચાર લક્ષણોના સંદર્ભમાં ભારતના મુખ્ય પક્ષોની વાત કરીએ. કૉન્ગ્રેસ આ ચારેય લક્ષણો ધરાવે છે માટે સત્તાના રાજકારણમાં એ સૌથી સફળ છે. બીજેપીમાં પહેલા લક્ષણનો અભાવ છે, પણ બાકીનાં ત્રણ લક્ષણો ધરાવે છે માટે એ લડખડાય છે. સામ્યવાદી પક્ષોમાં પ્રથમ બે લક્ષણોનો અભાવ છે, પણ પાછળનાં બે લક્ષણો મોટા પ્રમાણમાં છે માટે એ ક્રમશ: સંકેલાઈ રહ્યા છે. સમાજવાદીઓ આદર્શવાદી હતા. તેમણે માત્ર પહેલું લક્ષણ અપનાવ્યું હતું જેને પરિણામે એ ભારતીય રાજકારણમાંથી ફેંકાઈ ગયા હતા. જયપ્રકાશ નારાયણ, ડૉ. લોહિયા અને ડૉ અશોક મહેતા અત્યંત તેજસ્વી અને ચારિત્ર્યવાન નેતા હતા; પરંતુ તેઓ સત્તાકાંક્ષી નહોતા અને માટે તેઓ અભિવ્યક્તિનાં પક્ષીય નિયંત્રણોમાં માનતા નહોતા. ફ્રી ફૉર ઑલ જેવી પક્ષમાં સ્થિતિ થઈ ગઈ અને પક્ષના અમીબાની જેમ ટુકડા થતા ગયા.

 

જે લોકો આદર્શવાદથી પ્રેરાઈને પક્ષની રચના કરે છે અને સંસદીય રાજકારણમાં પ્રવેશે છે તેમની હાલત આપણા મહાન સમાજવાદી નેતાઓ જેવી થાય છે. આદર્શવાદીઓને પહેલું લક્ષણ વહાલું છે, જ્યારે સત્તાકાંક્ષીઓને બાકીનાં ત્રણ લક્ષણો વિના ચાલવાનું નથી. સંકુલ સમાજમાં મતભેદ તો હોવાના જ અને એમાં નિ:સ્વાર્થ માણસની વિચારમમત વળી વધારે તીવ્ર છે. સત્તાની મમત ધરાવનારાઓ અવસર આવ્યે સંપી જતા હોય છે, પરંતુ વિચારની મમત ધરાવનારાઓ ક્યારેય સાથે ચાલતા નથી.

 

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK