ઉદ્ધવ ઠાકરે વિશે ઘસાતું લખનારા સામે પોલીસ ફરિયાદ

Published: May 22, 2020, 12:54 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

દરમ્યાન મુખ્ય પ્રધાને રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે અસભ્ય શબ્દો વાપરનાર વેબ બેઝ અકાઉન્ટહોલ્ડર સામે પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. શિવસેનાની યુવા પાંખ યુવા સેનાના કોર કમિટી મેમ્બર રાહુલ કનાલે આ બાબતે બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી એના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.

બાંદરા પોલીસ સ્ટેશનના ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે અર્બન ડિક્શનરીના અકાઉન્ટહોલ્ડર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૪ (જાહેરમાં અસભ્ય શબ્દોનો ઉપયોગ કરવો અથવા અસભ્ય વર્તન કરવું) હેઠળ ગુનો નોંધ્યા છે. જોકે આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.’

અર્બન ડિક્શનરી એ ઑનલાઇન ડિક્શનરી છે જે બોલચાલની ભાષાના શબ્દો અને લોકક્તિઓનો સમાવેશ કરે છે. રાહુલ કનાલે આ બાબતે કહ્યું હતું કે ‘હું મારું ટ્વિટર હેન્ડલ સર્ચ કરી રહ્યો હતો જેમાં મને એક ટ્વીટ દેખાયું હતું જેમાં આપણા નેતા અને મુખ્ય પ્રધાન વિશે હલકા અને અભદ્ર શબ્દો વપરાયા હતા એથી મેં આ બાબતે ફરિયાદ કરી હતી. અર્બન ડિક્શનરીના અકાઉન્ટહોલ્ડરે એ ટ્વીટ ૪ મેના કર્યું હતું, મેં એ પછીથી જોયું હતું.’

ટેલિકૉમ, આઇટી ક્ષેત્રે રાજીવ ગાંધીનું યોગદાન અવિસ્મરણીય: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે તેમણે દેશમાં ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી)નો પાયો નાખ્યો હતો. ઠાકરેએ જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં રાજીવ ગાંધીના યોગદાનને કદી અવગણી શકાય નહીં.

ભૂતપૂર્વ વડા પ્રધાનની ૨૯મી પુણ્યતિથિ પર ઠાકરેએ જણાવ્યું હતું કે ‘રાજીવ ગાંધીએ દેશમાં ટેલિકમ્યુનિકેશન અને આઇટી ક્રાન્તિનો પાયો નાખ્યો હતો અને હવે આપણે એ સમયે ભરવામાં આવેલાં પગલાંના લાભના સાક્ષી બન્યા છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK