Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નીરવ મોદી પ્લાસ્ટિક સર્જરી કરવાની ફિરાકમાં હતો

નીરવ મોદી પ્લાસ્ટિક સર્જરી કરવાની ફિરાકમાં હતો

22 March, 2019 07:23 AM IST |

નીરવ મોદી પ્લાસ્ટિક સર્જરી કરવાની ફિરાકમાં હતો

નીરવ મોદી

નીરવ મોદી


છેલ્લા ૧૫ મહિનાથી પોતાની અટકાયતને ટાળી રહેલા નીરવ મોદીને ભારત દ્વારા તેના પ્રત્યાર્પણ માટે કરવામાં આવેલી અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી યુનાઇટેડ કિંગડમ પૂરતું જ મર્યાદિત રહેવું પડશે એ નક્કી થઈ ગયું છે, પરંતુ તેણે પોતે પોતાની અટકાયત ટાળવા વિચારેલી યોજનાઓ અંગે રસપ્રદ માહિતી બહાર આવી રહી છે. તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવવા અને વનાઆતુ નામના પૅસિફિક ટાપુના નાગરિકત્વ માટે અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. દરમ્યાનમાં ઇડીએ યુનાઇટેડ કિંગડમ દ્વારા વિજય માલ્યા પહેલાં જ નીરવ મોદીની ભારતને સોંપણી કરાય એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

જાન્યુઆરી ૨૦૧૮માં પંજાબ નૅશનલ બૅન્ક સાથે ૧૩,૫૭૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ભારતમાંથી રફુચક્કર થઈ ગયેલા નીરવ મોદીના ગળા ફરતે હવે ગાળિયો નક્કર બન્યો છે. છેલ્લા ૧૫ મહિનાથી તેણે સામ-દામ-દંડ અને ભેદની તમામ નીતિઓ અપનાવીને પોતાની અટકાયત ટાળવામાં સફળતા મેળવી હતી એટલું જ નહીં, ભારતીય સત્તાના હાથમાંથી સંપૂર્ણપણે છટકી જવા માટે તેણે અનેક યોજનાઓ બનાવી હતી.



બહાર આવેલી વિગતો અનુસાર નીરવ મોદીએ પોતાના પરનાં કાયદાકીય પગલાં ટાળવા માટે ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં ૧૭૫૦ કિલોમીટર દૂર આવેલા વનાઆતુ નામના એક નાનકડા પૅસિફિક ટાપુના નાગરિકત્વ માટે અરજી પણ કરી હતી. આ માટે તેણે યુ.કે.ની મોટી એજન્સીઓનો સંપર્ક પણ કર્યો હતો. એટલું જ નહીં, પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાનો દેખાવ બદલવા માટે પણ તેણે યોજના બનાવી હતી.


દરમ્યાનમાં ઈડીનાં સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે કે નીરવ માોદી પાસે સમર્પણ સિવાય અન્ય કોઈ માર્ગ બચ્યો નથી.

બીજી બાજુ સીબીઆઇ એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટનાં આધિકારિક સૂત્રોએ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા વિજય માલ્યા કરતાં પણ વહેલી થાય એવી શક્યતા છે. તેમણે ઉમેર્યું હતું કે નીરવ મોદીને ભારત લાવવામાં છ મહિના કરતાં વધુ સમય નહીં લાગે, કારણ કે આ કેસમાં છેતરપિંડી અને મની લૉન્ડરિંગ બન્નેના સજ્જડ પુરાવા છે. આમ બેવડી ગુનેગારીમાં તેની સંડોવણી છે. પરિણામે તેના પ્રત્યાર્પણની કામગીરી ઝડપી થવાની પૂરી શક્યતા છે.


નીરવ મોદીને ન મળ્યા જામીન

પંજાબ નૅશનલ બૅન્ક સાથે ૧૪ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીની બુધવારે લંડનના હોલર્બોન મેટ્રો સ્ટેશન પરથી ધરપકડ કરાયા બાદ તેને બપોરે વેસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. વેસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટે આરોપી નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે.

૪૮ વર્ષના નીરવ મોદીની સ્કૉટલૅન્ડ યાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન ન મળતાં જેલ હવાલે કરાયો છે. ભારતે ઑગસ્ટ ૨૦૧૮માં નીરવ મોદીના પ્રત્યાર્પણની માગણી કરી હતી. નીરવ મોદીએ કોર્ટમાં પ્રત્યાર્પણનો સામનો કરવા જણાવ્યું તેમ જ ૫,૦૦,૦૦૦ પાઉન્ડ સિક્યૉરિટી ડિંપોઝિટ આપવાની ઑફર પણ કરી. જોકે નીરવ મોદી પર મોટા કૌભાંડનો આક્ષેપ હોવાથી જજે આ માગણી ફગાવી દીધી હતી અને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. નીરવ મોદી ત્રણ દેશનો પાસપોર્ટ ધરાવે છે જે તેના જામીન રદ થવાનું સૌથી મોટું કારણ બન્યું હતું. આ કેસની આગામી સુનાવણી ૨૯ માર્ચે થશે.

સૌથી વધુ કેદીવાળી જેલમાં રખાયો

નીરવ મોદીને જેલના સ્પેશ્યલ સેલમાં રખાશે. આ પશ્ચિમ યુરોપની સૌથી મોટી જેલમાંથી એક મેજેસ્ટીની વેન્ડ્સવર્થ જેલમાં આગળની સુનાવણી સુધી તેને રખાશે. બ્રિટનમાં સૌથી વધુ કેદી આ જેલમાં છે. દાઉદ ઇબ્રાહિમનો સાગરીત અને પાકિસ્તાની જબીર મોતી પણ આ જ જેલમાં છે.

વેન્ડ્સવર્થ બી કૅટેગરીની જેલ છે. અહીં એ કેદીઓને રાખવામાં આવે છે જેમની સુરક્ષાનું જોખમ ઓછું હોય છે. ૧૮૫૧માં બનાવવામાં આવેલી આ જેલમાં હજી ૧૬૨૮ કેદી છે. નીરવ મોદીને માર્ચ ૨૯ સુધી થનારી આગળની સુનાવણી સુધી અલગ સેલમાં રખાશે.

આ પણ વાંચો : ભાગેડુ નિરવ મોદીની લંડનમાં થઈ ધરપકડ

કોર્ટમાં બે જ વખત ખોલ્યું મોઢું

નીરવ મોદી કોર્ટમાં સફેદ શર્ટ અને પૅન્ટ પહેરીને આવ્યો હતો. તે મુરઝાયેલો હતો અને તેણે માત્ર બે વખત જ મોં ખોલ્યું હતું. એક વખત પોતાના નામની પુષ્ટિ કરવા તથા બીજી વખત ભારતને સોંપવાના વિરોધ વખતે ઔપચારિકતા માટે જ મોં ખોલ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2019 07:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK