શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉત ગઈ કાલે અચાનક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ઑફિસમાં પહોંચતાં આશ્ચર્ય સર્જાયું હતું. ઈડીએ તેમને ત્રણ વખસ સમન્સ મોકલ્યા બાદ પાંચમી જાન્યુઆરીએ હાજર થવાનું કહ્યું હતું, પરંતુ તેઓ અચાનક ગઈ કાલે જ પહોંચી ગયાં હતાં. ચારેક કલાક તેઓ ઈડીની ઑફિસમાં રહ્યાં હતાં. શિવસૈનિકો ઈડીની ઑફિસની બહાર એકત્રિત ન થાય એ માટે પરિસરમાં ૧૪૯ની કલમની નોટિસ શિવસૈનિકોને અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ઈડીએ વર્ષા રાઉતને પાંચમી જાન્યુઆરીએ ઑફિસમાં હાજર થવાના સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ ૨૪ કલાક પહેલાં જ ઈડીના કાર્યાલયમાં પહોંચી ગયાં હતાં. વર્ષા રાઉત સામે ચાલીને પહોંચ્યાં હોવાથી ઈડીના અધિકારીઓેએ સમય બગાડ્યા વિના તેમની ચારેક કલાક પૂછપરછ કરી હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે પીએમસી બૅન્કના કથિત કૌભાંડની તપાસમાં વર્ષા રાઉતને ઈડીએ ૨૯ ડિસેમ્બરે હાજર થવાના સમન્સ મોકલ્યા હતા. પાંચમી જાન્યુઆરી સુધીનો સમય તેમણે માગ્યો હતો. પીએમસી બૅન્ક અકાઉન્ટ સંબંધિત સંજય રાઉતના નજીકના પ્રવીણ રાઉતનાં પત્ની માધવી રાઉત અને વર્ષા રાઉતનાં ટ્રાન્ઝૅક્શન થયાં હોવાનું જણાયા બાદ ઈડીએ વર્ષા રાઉતને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું હતું. આ મામલામાં પ્રવીણ રાઉતની ઈડીએ ધરપકડ કરી હતી, પણ બાદમાં તેઓ જામીન પર છૂટી ગયા હતા.