વિધાનસભાની પ્લૅટિનમ જ્યુબિલીના સેલિબ્રેશનમાં વડા પ્રધાન હાજર રહેશે

Published: 19th October, 2012 04:57 IST

મહારાષ્ટ્ર વિધાનસભાની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણીમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મનમોહન સિંહ જાન્યુઆરી મહિનામાં મુંબઈ પધારશે એવી જાહેરાત ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરી હતી.

ગઈ કાલે વિધાનભવનમાં એક મીટિંગ ચાલી રહી હતી એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે રાજ્યની વિધાનસભા ૭૫ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી. જોકે હવે તો રાજ્ય ભૌગોલિક રીતે ઘણું બદલાઈ ગયું છે છતાં રાજ્યે પ્લૅટિનમ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ૧૯૩૦ સુધી મહારાષ્ટ્ર બૉમ્બે રાજ્યનો એક નાનકડો ભાગ હતો જેમાં આજના ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ ૧૯૩૫માં અમલમાં આવ્યા બાદ ૧૯૩૭માં ચૂંટણી થઈ હતી ત્યારે બૉમ્બે વિધાનસભા હતી જેના ૧૭૫ જેટલા સભ્યો હતા. એનું પહેલું અધિવેશન ૧૯૩૭ની ૧૯ જુલાઈએ પુણેના કાઉન્સિલ હૉલમાં યોજાયું હતું. હાલનું મહારાષ્ટ્ર ૧૯૬૦ની ૧ મેએ અસ્તિત્વમાં આવ્યું હતું. રાજ્યની રાજધાની મુંબઈ અને બીજી રાજધાની નાગપુરને બનાવવામાં આવી ત્યારે મુંબઈમાં બજેટ અને ચોમાસુ અધિવેશન જ્યારે નાગપુરમાં શિયાળુ અધિવેશન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે પરંપરા આજ સુધી કાયમ રાખવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK