વડાપ્રધાને દસ રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી

Published: Aug 11, 2020, 16:45 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

નરેન્દ્ર મોદીએ રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાની અપીલ કરી અને કહ્યું, 72 કલાક વાળો ફોર્મૂલા અપનાવો

તસવીર સૌજન્ય: એએનઆઈ
તસવીર સૌજન્ય: એએનઆઈ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ (COVID-19)ની સ્થિતિ અંગે દસ રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેટક યોજીને વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કોરોના મહામારી પોતાનું રૂપ બદલી રહી છે અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પંજાબ, તામિલનાડુ અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો આજની બેઠકમાં સામેલ થયા હતાં.

વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોના સંક્રમણને ઓળખવામાં અને રોકવામાં મદદ મળી રહી છે. સક્રિય કેસની ટકાવારીમાં ઘટાડો થયો છે. રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે. આનો અર્થ એ કે આપણા પ્રયત્નો કાર્યરત છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેનાથી લોકોમાં આત્મવિશ્વાસ પણ વધ્યો છે, ભયનું વાતાવરણ પણ ઓછું થયું છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે, જો પહેલા 72 કલાકની અંદર સંક્રમણ અંગે ખબર પડી જાય, તો સંક્રમણની ગતિ ઘટી શકે છે. 72 કલાકમાં, ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસના લોકોની પણ તપાસ થવી જોઈએ. હાથ ધોવા, માસ્ક પહેરવું, ક્યાંય પણ ન થૂંકવા જેવી બાબતો વિશે એક નવો મંત્ર લોકો સમક્ષ લાવવો પડશે.

આ રીતે સતત મળતા રહેવું જરૂરી છે તેમ વડાપ્રધાને કહ્યું હતું. કારણકે મહામારીમાં સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ નવી વાતોની જાણ થઈ રહી છે. હવે હૉસ્પિટલો પર દબાણ, સ્વાસ્થ્યકર્મીઓ પર દબાણ, સામાન્ય લોકો પર દબાણ ઊભું થઈ રહ્યું છે. દરેક રાજ્ય પોતપોતાના સ્તરે મહામારીની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આજે ટીમ બનીને કામ કરી રહી છે.

આપણા દેશમાં મૃત્યુ દર એક ટકાથી પણ ઓછો થઈ જાય તેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, તેમ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે રાજ્યોમાં ટેસ્ટિંગ ઓછું અને પોઝિટિવ કેસ વધુ છે ત્યાં ટેસ્ટિંગમાં વધારો કરવાની જરૂર છે. બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણામાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. જે દસ રાજ્યોમાં 80 ટકા કેસ, 82 ટકા મૃત્યુ દર છે, તે બધા ભેગા મળીને ભારતને વિજયી બનાવી શકે છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાન ઉપરાંત કેબિનેટ સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પણ બેઠકમાં સામેલ થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના પ્રભાવિત રાજ્ય પર સતત નજર રાખી રહ્યાં છે. આ પહેલા પણ તેઓ અનેકવાર રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વાતચીત કરી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK