વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોને કહ્યું, આખો દેશ ખભેખભા મિલાવીને તમારી સાથે

Published: 24th October, 2014 03:53 IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિવાળીને દિવસે થોડો સમય સિયાચીન ગ્લૅસિયરમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો સાથે ગાળ્યો હતો. વડા પ્રધાને તેમને સંદેશો આપ્યો હતો કે આખો દેશ આ સૈનિકો સાથે ખભેખભા મિલાવીને ઊભો છે.મોદીએ એવી ટ્વીટ કરી હતી કે ‘દિવાળીના શુભ દિવસે દેશના સૈનિકો સાથે સમય ગાળવાની તક કોઈ વડા પ્રધાનને મળી હોય એવો આ કદાચ સૌપ્રથમ પ્રસંગ છે. સિયાચીનની બર્ફીલી ઊંચાઈ પરથી અને સશસ્ત્ર દળોના બહાદુર જવાનો તથા ઑફિસર્સની સાથે હું તમને બધાને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.’

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ દિવાળીની શુભેચ્છા અહીંથી જ પાઠવતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે પ્રણવદાને મળેલી દિવાળીની આ વિશિષ્ટ શુભેચ્છાઓ પૈકીની આ શુભેચ્છા હશે એની મને ખાતરી છે.

દિલ્હીથી રવાના થતાં પહેલાં મોદીએ જણાવ્યું હતું કે ‘ઊંચાઈ હોય કે કાતિલ ઠંડી, આપણા સૈનિકોને કોઈ ડરાવી નથી શકતું. સિયાચીનની વિષમ પરિસ્થિતિથી બધા વાકેફ છે. બધા પડકારોનો સામનો કરીને આપણા સૈનિકો માતૃભૂમિની અવિરત સેવા કરતા રહે છે. તેમના પર આપણને ગર્વ છે.’

વડા પ્રધાનની મન કી બાતનો બીજો મણકો બીજી નવેમ્બરે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો બીજો મણકો બીજી નવેમ્બરે પ્રસારિત કરવામાં આવશે. વડા પ્રધાને આ માહિતી એક ટ્વીટ દ્વારા આપી હતી. સારા વહીવટ વિશેના વિચારો, ટિપ્પણીઓ અને નમૂનેદાર ઉદાહરણોનો વિનિમય કરવા મોદીએ દેશવાસીઓને આમંત્રણ આપ્યું છે એના અનુસંધાનમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દેશના મહત્તમ નાગરિકો સુધી પહોંચી શકાય એ માટે વડા પ્રધાને રેડિયોના માધ્યમનો સૌપ્રથમ વાર ઉપયોગ ત્રીજી ઑક્ટોબરે આ કાર્યક્રમ મારફતે કર્યો હતો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK