અબ ખુશી દેકે આજમા લે ખુદા, ઇન ગમોં સે તો મૈં નહીં મરા!

Published: 23rd November, 2020 14:44 IST | Pravin Solanki | Mumbai

કોઈ પણ વસ્તુને અપનાવી લીધા પછી એ આપણા જીવનનો એક ભાગ બની જાય છે

માણસ જેનાથી ટેવાઈ જાય છે પછી એ સહજ બની જાય છે
માણસ જેનાથી ટેવાઈ જાય છે પછી એ સહજ બની જાય છે

ઈશ્વરે એટલાંબધાં દુઃખો-કષ્ટો આપ્યાં કે માણસ ટેવાઈ ગયો. માણસ ઈશ્વરને પડકાર કરે છે કે અમને તોડવા હોય, મારવા હોય તો સુખ આપીને એક છેલ્લો દાવ અજમાવી લે. કદાચ કદી ન જોયેલા સુખને અણધાર્યા, અચાનક આવેલા જોઈને અમને આંચકો લાગે અને અમે ધબકારા ચૂકી જઈએ.
આ એક વ્યંગ, ધારદાર વક્રોક્તિ છે. માણસ જેનાથી ટેવાઈ જાય છે પછી એ સહજ બની જાય છે (જેમ અત્યારે આપણે કોરોનાથી ટેવાઈ ગયા છીએ). કોઈ પણ વસ્તુને અપનાવી લીધા પછી એ આપણા જીવનનો એક ભાગ બની જાય છે. એક પ્રચલિત રમૂજ છે કે એક માણસ પોતાની કુંડળી લઈને જ્યોતિષ પાસે જઈને બોલ્યો, ‘મહારાજ, છેલ્લા બે મહિનાથી દુખી-દુખી થઈ ગયો છું. એક પછી એક મુસીબત આવ્યા જ કરે છે. કોઈ ઉપાય બતાવો.’ જ્યોતિષે કુંડળી જોવાનો ડોળ કરીને કહ્યું, ‘ગભરાવાની જરૂર નથી, આ પરિસ્થિતિ ૬ મહિના સુધી ચાલશે.’ માણસે ઉત્સુકતાથી પૂછ્યું, ‘પછી?’ જ્યોતિષે ઠંડે કલેજે કહ્યું, ‘પછી તું ટેવાઈ જઈશ. મુસીબત પછી મુસીબત નહીં લાગે!’
અનાદિકાળથી સાધુ-સંતો, ઉપદેશકો આપણને સમજાવતા આવ્યા છે કે સુખ-દુઃખ મનનાં કારણો છે. એકને જે સુખ લાગતું હોય, જેમાં સુખ દેખાતું હોય એ બીજાને માટે દુઃખ પણ હોઈ શકે. સુખ-દુઃખ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક એ આપણે ધારેલાં ને માનેલાં તત્ત્વો છે. જે વસ્તુ આપણને અનુકૂળ ન હોય એ આપણને અણગમતું લાગે છે. આપણે જો એને અનુકૂળ બની જઈએ તો ગમવા માંડે છે.
નવા વર્ષે કેટલાક લોકો જુદા-જુદા સંકલ્પ કરે છે, પોતાનામાં રહેલા કે પોતે માનેલા દુર્ગુણો દૂર કરવાના. એક માણસ ગુરુ પાસે હરખાતો-હરખાતો આવીને બોલ્યો, ગુરુજી, ગાંધીબાપુના ત્રણ વાંદરાઓમાંથી પ્રેરણા લઈને મેં આ વર્ષે એકસાથે ત્રણ સંકલ્પ લીધા છે; ખરાબ જોઈશ નહીં, ખરાબ બોલીશ નહીં અને ખરાબ સાંભળીશ નહીં. તેને એમ લાગ્યું કે ગુરુજી પ્રસન્ન થઈને આશીર્વાદ આપશે, પણ ગુરુજી મૌન રહ્યા. માણસે પૂછ્યું, બાપુ, કેમ કાંઈ બોલ્યા નહીં? મારી કાંઈ ભૂલ થઈ? ગુરુજીએ કહ્યું, મહાભૂલ થઈ છે. તારે એક જ સંકલ્પ લેવાની જરૂર હતી. ખરાબ બનીશ નહીં. આ એક જ સંકલ્પમાં ૧૦૦ સંકલ્પ છે.
જેકોઈ અંદરથી ખરાબ છે તે ખરાબ ન બોલે તો શું ફરક પડે? અંદરથી ખરાબ હોય ને ખરાબ ન સાંભળે એનો ફાયદો શું? ભીતરથી ખરાબ હોય અને બહારથી સારા હોવાનો કે સારા થવાનો ઢોંગ કરે એનો મતલબ શું?
એટલે તો હું તને એમ નથી કહેતો કે તું ‘સારા બનવાનો’ સંકલ્પ કર. સારા બનવા માટે તારે ખરાબ શું છે એ જાણવું પડશે અને એમાં જોખમ છે. ખરાબ ન બનવા માટે તારે સારું શું છે એ જાણવું પડશે.
પ્રશ્ન એ છે કે ખરાબ શું છે ને સારું શું છે એ કોણ નક્કી કરે? ધર્મગુરુઓ, ધાર્મિક ગ્રંથો, તત્ત્વચિંતકો? એ બધા તો વર્ષોથી એક જ જવાબ આપતા આવ્યા છે કે ‘અંતરાત્મા’ કહે એ કરો. આ જવાબ બહુ સહેલો અને છેતરામણો છે. અંતરાત્માને સદાકાળ બુદ્ધિ છેતરતી આવી છે. બુદ્ધિ અને મનની સાઠગાંઠ હોવાથી અંતરાત્મા પાસે હંમેશાં ધાર્યું કરાવ્યું છે.
તો ઇલાજ શું? બસ. મજા આ પ્રશ્નમાં જ છે. આપણી પાસે કોઈ ચોક્કસ ઉત્તર હોય તો સામે કોઈ પડકાર નથી રહેતો. સવાલના જવાબ માટે જે સંઘર્ષ થવો જોઈએ એ નથી થતો. સવાલના જવાબ માટે આંતરિક સૂઝને ઢંઢોળવી પડે છે. એક સંતે આવી આંતરિક સૂઝ ઢંઢોળીને જે જવાબ આપ્યો એ કથા હવે જોઈએ...
એક ગામ. ગામની ભોલારામ નામની વ્યક્તિ ‘ભોળા ભગત’ તરીકે ખૂબ જ જાણીતી છે. નખશિખ સજ્જન. સાલસ, નિખાલસ, પ્રામાણિક ને અત્યંત ભોળા. ભોળા એટલે મૂરખ નહીં. સામાન્ય રીતે આપણે એને ભોળા કહીએ છીએ જેને સહેલાઈથી છેતરી શકાય, બેવકૂફ બનાવી શકાય. ભગત એવા ભોળા નહોતા, પણ ભલા હતા અને ભલા હતા એટલે જ ભોળા કહેવાતા, ભગત કહેવાતા. હવે જુઓ, એ ભગત તો કહેવાતા, પણ તેઓ ક્યારેય ભગવાનની ભક્તિ કરતા નહીં, મંદિરમાં જતા નહીં, ઈશ્વરમાં તો તેઓ બિલકુલ માનતા નહીં.
એક દિવસ ગામમાં એક સંત આવ્યા. આખું ગામ તેમને સાંભળવા આવ્યું. સંતે કહ્યું, ‘જે ઈશ્વરમાં માને છે તે સદા સર્વદા સુખ પામે છે, તેમની સદ્ગતિ થાય છે, તેમને સ્વર્ગ મળે છે. એક માણસે તરત ઊભા થઈને કહ્યું, ‘મહાત્મા અમારા ગામમાં એક ભોળા ભગત છે, જેની ખ્યાતિ તમે સાંભળી જ હશે. તેઓ બધી રીતે શુદ્ધ અને પવિત્ર છે, પણ ઈશ્વરમાં માનતા નથી તો તેઓ ક્યાં જશે?’ સંત વિચારમાં પડી ગયા. ભગત વિશે તેમણે પણ ઘણુંબધું સાંભળ્યું હતું. ભગત નરકમાં જશે એવો જવાબ આપે તો લોકોમાં ખોટો સંદેશો જાય. કોઈ સારા થવાનું વિચારે જ નહીં. સંતે સભા સંકેલતાં કહ્યું કે આ પ્રશ્નનો જવાબ હું આવતી કાલે આપીશ.
સંતની ઊંઘ વેરણ થઈ ગઈ. પ્રશ્નનો જવાબ મેળવવા આખી રાત પડખાં ફેરવતાં-ફેરવતાં સપનામાં ગરક થઈ ગયા. સંત એક દિવ્ય રથમાં બેઠા છે. હાંકનારને પૂછ્યું, ‘ભાઈ તું મને ક્યાં લઈ જાય છે?’ હાંકનારે કહ્યું, ‘સ્વર્ગમાં.’ સંત રાજી-રાજી થઈ ગયા. મનમાં વિચાર્યું જે ભગવાનમાં ન માનતા હોય એવા અસંખ્ય ભોળા ભગત જેવા દિવ્યાત્માઓ દિવગંત થયા છે. ખબર તો પડશે તેમનું સ્થાન સ્વર્ગમાં છે કે નહીં?
રથ સ્વર્ગ પાસે આવ્યો. હાંકનારે કહ્યું, ‘લો, સ્વર્ગ આવી ગયું! ઊતરો!’ સંત અવાચક્ થઈ ગયા. આવું સ્વર્ગ? ચારે તરફ વેરાન દેખાતું હતું. ભયંકર દુર્ગંધ આવતી હતી. તળાવમાં પાણી નહોતું. વૃક્ષો પર ફૂલો નહોતાં. વાતાવરણમાં ચેતના નહોતી. ‘ભાઈ, આ ખરેખર સ્વર્ગ છે? સ્વર્ગ હોય તો પછી દિવ્યાત્માઓ ક્યાં છે?’ રથીએ કહ્યું, ‘તેઓ બધા કોણ છે એની મને ખબર નથી, પણ આ સ્વર્ગ છે એટલું હું જાણું છું.’
સંતને થયું કે આ જ જો સ્વર્ગ હોય તો મારે નરક કેવું છે એ જોવું જ જોઈએ. રથીને તેમણે નરકમાં લઈ જવા વિનંતી કરી. રથમાં બેઠાં-બેઠાં સંતે એક સાઇનબોર્ડ જોયું, ‘નરકમાં જવાનો રસ્તો.’
રથ નરક પાસે આવીને ઊભો રહ્યો. સંત નીચે ઊતર્યા. ચારે તરફ આહ્‍લાદક વાતાવરણ હતું. ગીત-સંગીતથી ગુંજતું હતું. હવામાં એક અજબ પ્રકારની મહેક હતી. લોકોના ચહેરા પર પ્રસન્નતા હતી. એક માણસને ઊભો રાખીને સંતે પૂછ્યું, ‘ખરેખર આ નરક છે?’ જવાબ મળ્યો કે પહેલાં નરક જ હતું. હજી તક્તી પણ ‘નરક’ની જ છે, પણ જ્યારથી સારા, પવિત્ર દિવ્યાત્માઓ અહીં આવ્યા છે ત્યારથી અહીં ‘સ્વર્ગ’ બની ગયું છે.
છેલ્લે... સંતને જે સાર સપનામાં સમજાયો એ બીજા દિવસે સવારે લોકોને સંભળાવ્યો.
જગત બદલાયું છે, જગતના નિયમો બદલાયા છે તો બ્રહ્માંડના પણ નિયમો બદલાયા છે. પહેલાં નિયમ હતો સારા માણસો સ્વર્ગ પામે. હવે નિયમ થયો છે જ્યાં સારા માણસો જાય ત્યાં સ્વર્ગ રચાય. પહેલાં એવું હતું કે ખરાબ માણસને નરક મળે. હવે એવું છે કે જ્યાં ખરાબ માણસો હોય ત્યાં નરક રચાય.
સંતે હવે લોકોને જ પૂછ્યું, ‘બોલો ભક્તો, ભોળા ભગતને હવે ક્યાંય મોકલવાની જરૂર છે? તેઓ જ્યાં છે ત્યાં સ્વર્ગ છે. જ્યાં જશે ત્યાં સ્વર્ગ રચાશે.’


સમાપન
મને ડર અંધારાનો નથી,
અંધારામાં રાખનારાઓનો છે.
મને ભય દુર્જનોનો નથી,
સજ્જનોનો છે, જેવા હોય છે તેવા દેખાતા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK