આમિર ખાન, યે ક્યા હો રહા હૈ?

Published: 18th December, 2014 03:11 IST

માત્ર મલ્ટિપ્લેક્સમાં નહીં, સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પણ pkની ટિકિટના ભાવમાં બેફામ વધારો : મરાઠા મંદિર અને બાંદરાના G-7એ ફિલ્મનો બૉયકૉટ કર્યો




રશ્મિન શાહ

આમિર ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ `pk’ માટે ઑફિશ્યલ એવું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે `pk’ની ટિકિટના રેટ વધારવામાં નહીં આવે, પણ ફિલ્મના વર્લ્ડ-રાઇટ્સ જેની પાસે છે એ UTVએ અંદરખાને થિયેટરના માલિક અને મલ્ટિપ્લેક્સ કંપની પાસે ટિકિટના રેટ વધારાવી દીધા છે. આમિર ખાન અને `pk’ના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાએ નક્કી કર્યું હતું કે ફિલ્મ `pk’ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે એનો ભાવવધારો કરવામાં નહીં આવે અને એ પછી પણ દેશભરમાં પચાસ રૂપિયાથી લઈને બસ્સો રૂપિયા સુધીનો ભાવવધારો છાનાખૂણે દાખલ કરી દેવામાં આવ્યો છે. ટિકિટનો ભાવવધારો કરવા માટે તૈયાર નહીં થનારા મુંબઈ સેન્ટ્રલના મરાઠા મંદિર અને બાંદરાના G-7 મલ્ટિપ્લેક્સે `pk’ રિલીઝ નહીં કરીને એનો બૉયકૉટ કર્યો છે. નવી, મોટી અને મહત્વની ફિલ્મ મરાઠા મંદિરમાં રિલીઝ ન થાય એવું લગભગ અઢી દશકા પછી કદાચ પહેલી વાર બની રહ્યું છે. G-7 ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈએ કહ્યું હતું કે ‘મરાઠા મંદિરમાં અપરના ૮૦ અને બાલ્કનીના ૧૦૦ રૂપિયા રેટ છે, પણ ડિસ્ટ્રિબ્યુટર અને પ્રોડક્શન હાઉસ ઇચ્છે છે કે અમે ભાવ ૨૦૦ અને ૨૫૦ રૂપિયા કરીએ. અમારે એવી લૂંટ નથી કરવી એટલે અમે ફિલ્મ એક્ઝિબિટ નથી કરવાના.’

મરાઠા મંદિર અને G-7 સિવાયના મુંબઈના તમામ સિંગલ-સ્ક્રીને આવતી કાલથી રિલીઝ થઈ રહેલી `pk’ના ભાવવધારી દીધા છે. ટિકિટનો ભાવ વધારવો એ શરત હોવાથી ફિલ્મ રિલીઝ કરવા માટે મોટા ભાગના થિયેટરમાલિકો માની ગયા છે. ચર્ચગેટના ઇરોઝ સિનેમાએ અપર-સ્ટૉલના ૧૦૦માંથી ૧૭૦ અને બાલ્કનીના ૧૫૦માંથી ૨૨૦ કર્યા છે.

મલ્ટિપ્લેક્સે આપ્યો તોતિંગ ડામ

આમિર ખાને ભલે કહ્યું કે `pk’માં કોઈ ભાવવધારો નહીં થાય, પણ મલ્ટિપ્લેક્સે તો ભાવવધારોનો તોતિંગ ડામ જ દર્શકોને આપી દીધો છે. બિગ સિનેમા (અંધેરી) ૧૫૦ના ૩૦૦ રૂપિયા અને ૨૦૦ના ૩૫૦ રૂપિયા તો PVR (જુહુ)એ ૩૦૦ના ૪૫૦ રૂપિયા અને સિનેમૅક્સે (કાંદિવલી) ૧૫૦ના ૨૯૦ અને ૨૨૦ રૂપિયાના ૩૫૦ રૂપિયા કરી નાખ્યા છે. PVRના મૅનેજર (રિલેશન) કે. કે. નાયરે કહ્યું હતું કે અમને UTVએ પ્રાઇસ રેઇઝ કરવાનું કહ્યું હતું એટલે કૅલક્યુલેશન મુજબ જે પ્રાઇસ બેસી રહી હતી એ નવી પ્રાઇસ તમામ મલ્ટિપ્લેક્સે કરી છે.

સિંગલ-સ્ક્રીનને શું વાંધો પડ્યો

મોટા સ્ટારની ફિલ્મ રિલીઝ થાય ત્યારે મલ્ટિપ્લેક્સ ટિકિટના ભાવવધારે છે, પણ સિંગલ-સ્ક્રીનના માલિકો એવો ભાવવધારો કરવામાં અચકાતા હોય છે. વીઆઇપી એન્ટરપ્રાઇઝના વિનય ચોકસીએ કહ્યું હતું કે સિંગલ-સ્ક્રીનમાં મોટા ભાગે મિડલ-ક્લાસ ઑડિયન્સ આવતી હોવાથી વર્ષમાં એકાદ વખત ભાવવધારો ચાલી શકે અને એ પણ રીઝનેબલ લેવલનો.

આ અગાઉ UTVએ જૂન મહિનામાં સલમાન ખાનની ‘કિક’ રિલીઝ કરતી વખતે સિંગલ-સ્ક્રીન થિયેટરો પાસે ટિકિટના ભાવમાં દસથી પચાસ રૂપિયાનો વધારો કરાવ્યો હતો. ‘કિક’ને હજી તો છ જ મહિના થયા છે ત્યાં હવે UTV એ સિંગલ-સ્ક્રીન પાસે ફરીથી ભાવવધારાની ડિમાન્ડ કરી. મરાઠા મંદિર અને G-7 સિવાય તમામ થિયેટરના માલિકોએ પ્રાઇસ વધારવાની તૈયારી દેખાડી અને ટિકિટનો ભાવ વધારી દેવામાં આવ્યો. મનોજ દેસાઈએ કહ્યું હતું કે ‘બે જણ મલ્ટિપ્લેક્સમાં જાય ત્યાં હજાર રૂપિયા ખર્ચાઈ જાય છે. આજે પણ સિંગલ-સ્ક્રીન થિયેટર એવાં છે જ્યાં ફૅમિલી સાથે મિડલ-ક્લાસના લોકો ફિલ્મ જોવા આવે છે. એક તરફથી પ્રોડક્શન હાઉસ અને વિધુ વિનોદ ચોપડા ભાવ નહીં વધારવાની વાતો કરે છે અને બીજી બાજુ ભાવ વધે છે તો પણ કંઈ બોલતાં નથી. આવી ડબલ ગેમ ન હોવી જોઈએ.’

શું કહે છે પ્રોડ્યુસર?

`pk’ના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાએ આ બાબતમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ફિલ્મના રાઇટ્સ જેની પાસે હોય એ જ ફિલ્મની ટિકિટના ભાવ નક્કી કરી શકે. આ જવાબની બાબતમાં ‘મિડ-ડે’એ જ્યારે તેમને પૂછ્યું કે જો એવું જ હોય તો કંપની કેવી રીતે એવું સ્ટેટમેન્ટ કરી શકે કે ફિલ્મની ટિકિટના રેટ નહીં વધે તો એનો જવાબ વિધુ વિનોદ ચોપડાએ ટાળી દીધો હતો.

બોલ બચન આમિર શું કરે છે?

સિદ્ધાંતની વાતો કરનારા આમિર ખાનની જ `pk’ના ટિકિટ-રેટમાં ભાવવધારો નહીં કરવામાં આવે એવું કહેનારા આમિર ખાને આ પ્રાઇસવધારો ન કરવામાં આવે એ માટે કોઈ ચહલપહલ કરવાને બદલે મરાઠા મંદિરમાં આ ફિલ્મ રિલીઝ થાય એ માટે પોતાની તરફથી પ્રયાસો કર્યા છે. જોકે આમિરના આ પ્રયાસો પછી પણ મરાઠા મંદિર અને G-7ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈ અને કંપનીના અન્ય ડિરેક્ટર્સે નક્કી કરી લીધું છે કે તેઓ `pk’ તો જ રિલીઝ કરશે જો તેમને ટિકિટની પ્રાઇસ વધારવાનું પ્રેશર કરવામાં નહીં આવે અને અત્યારના ૮૦ અને ૧૦૦ રૂપિયાના ભાવે જ ફિલ્મ એક્ઝિબિટ કરવાની પરમિશન મળશે. મનોજ દેસાઈએ કહ્યું હતું કે બાકી અત્યારે તો હું બીજી કઈ ફિલ્મ કાલે લઈ આવવી એની વેતરણમાં પડ્યો છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK