કાયમી આનંદ (લાઇફ કા ફન્ડા)

Published: Mar 16, 2020, 12:51 IST | Heta Bhushan | Mumbai Desk

સાધુજીવન જીવતા આ મહાત્મા ફરતા જ રહેતા, જે મળે એ ખાઈ લેતા; ઝાડ નીચે સૂઈ જતા અને જે મળે તેની સાથે પોતાના અનુભવ અને જ્ઞાનની વાતો કરતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક અનુભવ સમૃદ્ધ વૃદ્ધ સાધુ ફરતાં-ફરતાં એક ગામમાં આવ્યા. સાધુજીવન જીવતા આ મહાત્મા ફરતા જ રહેતા, જે મળે એ ખાઈ લેતા; ઝાડ નીચે સૂઈ જતા અને જે મળે તેની સાથે પોતાના અનુભવ અને જ્ઞાનની વાતો કરતા. ન કોઈ ઇચ્છા, ન કોઈ આગ્રહ;
ન ઝૂંપડી, ન પાથરણું; ન કોઈ ઉપદેશ, ન કોઈ આશ્રમ કે શિષ્યો બનાવવાનો વિચાર અને ન કોઈ પોતાનો ઉપદેશ સાંભળે અને સુધરે એવો આગ્રહ. સાચા અર્થમાં સઘળું છોડી દેનાર સાધુ.
આવા મહાત્મા ગામને પાદર આવ્યા. ગામલોકોએ આવકાર આપ્યો. કોઈના પણ ઘરે જવાની ના પાડી અને ભિક્ષા પણ એક જ ઘરની સ્વીકારીશ એમ કહ્યું. રોજ ગામલોકો સાધુ પાસે આવે અને કહે ‘બાપજી, કઈક વાતો કરો કે અમારું જીવન સુધરે.’
સાધુ સરળ ભાષામાં સરસ વાતો કહી તેમને સમજાવતા. ઘણા દિવસ વીત્યા. સાધુએ હવે ત્યાંથી જવાનું નક્કી કર્યું અને ગામલોકોની વિદાય માંગી. ગામલોકોએ કહ્યું, ‘બાપજી, જતા પહેલાં અમને જીવનમાં હંમેશાં આનંદ જ આનંદ રહે એ માટે શું કરવું એ સમજાવતા જાઓ.’
સાધુએ સરસ વાત સમજાવી. સાધુએ જણાવ્યું, ‘ચાર વાત ધ્યાનમાં રાખજો. પહેલી વાત, પોતાની જાતને જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ બનાવો અને અન્યને એનો લાભ આપતા રહો. જ્યાં જાઓ ત્યાં ખૂબ કામ કરો, મદદરૂપ બનો. જાતને અનિવાર્ય બનાવો અને કોઈના પર બોજો ન બનો. બીજી વાત, તંદુરસ્ત રહો. નીરોગી અને સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મન રહે છે અને અન્યની સેવા કરવા, બીજાને મદદરૂપ થવા પણ તમારે પોતે તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. એ માટે રોજ ચાલો, કસરત કરો અને પ્રમાણસર ખોરાક લો. માંદા, બીમાર બની કોઈ પર ભારરૂપ બનવું, કોઈની સેવા લેવી એના કરતાં પોતે આત્મનિર્ભર રહેવું સારું. કોઈ પર પરાવલંબી જીવન દુઃખદાયક અને સ્વાવલંબી જીવન આનંદદાયક રહે છે.’
ગામલોકો સાધુની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. સાધુએ આગળ કહ્યું, ‘ત્રીજી વાત, આળસનો ત્યાગ કરો. આળસુ માણસના ભાગે વહેલું-મોડું દુઃખ જ આવે છે. આળસને તમારી આસપાસ પણ ફરકવા ન દો. પ્રમાદીએ બધાં કામ માટે બીજા પર આધાર રાખવો પડે છે અને પરોપજીવી જીવન આનંદ આપતું નથી. ચોથી વાત, પૈસા સાચી રીતે મહેનતથી કમાઓ અને એક-એક પૈસાનો સદુપયોગ કરો. મોજ-શોખ, દેખાડો, પાખંડ, લુચ્ચાઈથી દૂર રહેજો અને તમને પ્રાપ્ત લક્ષ્મી ઈશ્વરની ભેટ અને આશિષ છે એમ માની અભિમાન ન કરવું અને હંમેશાં સારા માર્ગે લક્ષ્મીનો ઉપયોગ કરવો. જો આ ચાર વાત યાદ રાખી જીવન જીવશો તો જીવનમાં તમને આનંદ જ આનંદ મળશે અને તમે અન્યને પણ આનંદ જ આનંદ આપી શકશો.’
આટલું કહી સાધુએ વિદાય લીધી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK