(સમાજ-દર્પણ- મંગળવારની મિજલસ- તરુ કજારિયા)
એક પરિચિત થોડા સમય બાદ મળ્યા. કેમ છો? શું ખબર છે? જેવા સવાલોની આપ-લે થઈ. પછી તેમણે સમાચાર આપ્યા : મારા દીકરાનાં લગ્ન કર્યા.
ખુશ થઈ મેં અભિનંદન આપ્યાં અને કહ્યું, ‘વાહ, સારી નોકરી તો મળી જ ગઈ હતી અને હવે છોકરી પણ મળી ગઈ!
તેમણે અચકાતાં-અચકાતાં કહ્યું, ‘ના મોટાનાં નહીં, નાના છોકરાનાં લગ્ન થયાં.’
મારા મનમાં કુતૂહલ તો જાગ્યું પણ વ્યક્ત ન કર્યું. દીકરાનાં લગ્નના સમાચાર આપતી વખતે તેમના ચહેરા પર કોઈ હરખ દેખાતો નહોતો એનું કારણ કદાચ મોટો દીકરો હજી બાકી છે એમ લાગ્યું. પરંતુ થોડી વાતો કરતાં જાણવા મળી એ હકીકત આવી હતી :
તેમના ટેન્થ સ્ટાન્ડર્ડમાં ભણતા દીકરાનાં બીજી જ્ઞાતિની અઢાર વર્ષની છોકરી સાથે લગ્ન થયાં હતા. બે જ દિવસમાં બધું નક્કી કરવું પડેલું.
છોકરા-છોકરી વચ્ચે કેટલાક સમયથી સંબંધો હતા, પણ આ લોકોને કંઈ ખબર નહોતી. અચાનક એક દિવસ છોકરીના પિતા તેમના ઘરે આવી ચડ્યા અને કહ્યું કે મારી દીકરી થોડા દિવસથી ગુમ છે અને તમારા દીકરાને ખબર છે કે એ ક્યાં હશે. દીકરાને બોલાવ્યો, પૂછ્યું તો કંઈ બોલ્યો નહીં. થોડી કડકાઈથી પૂછ્યું ત્યારે કહ્યું કે હા, મને ખબર છે એ ક્યાં છે.
પછી ખબર પડી કે એકાદ વર્ષ પહેલાં બન્નેની ઓળખાણ થયેલી અને બન્ને વચ્ચે સંબંધ થયો હતો. છોકરીએ તેના બાળકને જ્ન્મ આપ્યો હતો અને તેને કોઈને ત્યાં સાચવવા રાખ્યું હતું. એ માટે પોતે કમાઈને મહિને ૬ હજાર રૂપિયા પણ ચૂકવતી હતી. દીકરાનાં મા-બાપ શરમ અને ક્ષોભથી ધ્રૂજી ઊઠ્યાં. ઘરમાં મોટી દીકરી અને દીકરો પરણવાનાં બાકી છે ત્યાં આ ઇમૅચ્યોર નાનો છોકરો આવું પરાક્રમ કરી બેઠો હતો. પણ મધ્યમ વર્ગનાં એ મા-બાપે ઉદારતા દેખાડી દીકરાની નાદાનિયતને સ્વીકારીને બન્નેના સમાજની સાક્ષીએ લગ્ન કરી આપ્યાં. લગ્નમાં છોકરીના પક્ષનું કોઈ હાજર ન રહ્યું. હવે એ સ્નેહીના નાનકડા ઘરમાં દીકરો-વહુ અને તેમનું નાનકડું બાળક બધાં જ રહે છે. છોકરો હજી તો બારમા ધોરણમાં ભણે છે અને કમાતો પણ નથી. છોકરી માંડ અઢાર વર્ષની છે.આ વાત જાણ્યા પછી એ સ્નેહીની સહનશીલતા માટે માન થયું, પણ વિચાર આવ્યો કે એ કેટલા સ્ટ્રેસમાં જીવતા હશે!
કોઈ પણ મિડલ ક્લાસ, સમાજભીરુ, સંસ્કારી પરિવાર આવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે તેના સભ્યો પર કેવી વીતતી હશે એની કલ્પના કરી શકાય છે. એક વિચાર તો એવો આવી ગયો કે આવા બેજવાબદાર અને મૂરખ જેવા છોકરાને ઘરમાંથી જ કાઢી મૂકવા જોઈએ. પરંતુ મા-બાપ એવાં કઠોર નથી થઈ શકતાં. બાળકોની પહાડ જેવી ભૂલોને પણ માફ કરી દેવાની ઉદારતા તેઓ દાખવી શકે છે, પણ તેમની એ ઉદારદિલીનો આ બેફામ ગેરલાભ જ નથી?
પાછો એ સ્નેહીનો છોકરો તેમને કહે છે કે ‘તમારે મને કંઈ પણ કહેવું હોય તો મારી વાઇફની સામે ન કહેતા, મારી ઇજ્જત નહીં રહે!’
સાંભળીને ઝાળ-ઝાળ થઈ જવાયું. પોતાની ઇજ્જતનો આટલો ખ્યાલ છે તો મા-બાપની આબરૂ અને માન-સન્માનનો વિચાર ન આવ્યો એ પગલું ભરતાં?
નવી પેઢીની માનસિકતા આજે કેટલાંક યંગ કપલ્સ બાળકો ન કરવાનો નર્ણિય લેતાં થયાં છે એમાં કદાચ આવી શક્યતાઓથી ચેતીને રહેવાની વૃત્તિ પણ હશે. વળી પોતાની કારકર્દિ, પોતાની મોજમજા, પોતાનું સૌંદર્ય એ બધાંને આછી આંચ પણ ન આવવા દેવી હોય. પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય, આધુનિક જમાના મુજબનું ન્યુક્લિઅર ફૅમિલી હોય તો પછી બાળક પ્લાન કેવી રીતે કરી શકે? ઘરમાં તો તેની સંભાળ લેનારું કોઈ હોય નહીં. આવાં કેટલાંય ફૅક્ટર્સ ગણતરીમાં લઈને તેઓ મિયાં-બીબી સુધી જ ફૅમિલીને સીમિત રાખવામાં માને છે. ડબલ ઇન્કમ નો કિડ્સ એ તેમનો મંત્ર છે.
સ્વાર્થ તો સ્વાર્થ જ સહી ઘણા લોકોને આ યુવાનિયાઓની વિચારસરણી સ્વાર્થી લાગે છે, પણ મને એવું નથી લાગતું. એનું કારણ એ છે કે માની લઈએ કે પોતાની સ્વાર્થી વૃત્તિથી તેઓ બાળક ન કરવાનું નક્કી કરે છે; તોય એ હકીકત છે કે તેઓ એટલાં નિખાલસ છે કે જે બાળકને જન્મ આપીને તેની જવાબદારી તેઓ સો ટકા દિલથી નથી ઉપાડી શકવાનાં તેને જન્મ આપવાનું જ તેઓ ટાળે છે. એક બાળકને જન્મ આપવો અને તેને સજાગપણે ઉછેરવું એ કેટલી મોટી જવાબદારી છે એ તેઓ સમજે છે. તેમના કરતાં તો હું એવા પેરન્ટ્સને સ્વાર્થી કહું જે મમ્મી-પપ્પા બનવાનો આનંદ માણવા બાળકને જન્મ આપે છે, પણ પછી તેને નોકરો અને અન્ય સગાંઓને માથે થોપી દે છે.
આ સમજણ છે
મેં એવી યુવતીઓને પણ જોઈ છે જે એટલા જ ખાતર બાળકને જન્મ આપવાનું ટાળી રહી છે કે તેમનું લગ્નજીવન તંદરુસ્ત નથી. ‘અમારા ઝઘડા અને કલેશના છાંટા મારા બાળક પર પડે એ હું કોઈ કાળે જીરવી ન શકું. એના કરતાં તો બહેતર છે લોકોનાં મહેણાં સાંભળી લેવાં.’ એક પ્રેમાળ સ્ત્રીના મોઢે આવી વાત સાંભળીને આંચકો લાગેલો, પરંતુ તેના પતિની પાશવી પ્રકૃતિ વિશે જાણ્યું ત્યારે તે સ્ત્રીની સમજણ માટે માન થયું હતું.
મચ બૅટરએક બાજુ આજના યંગસ્ટર્સમાં આવી ગણતરીપૂર્વકની સમજણ (ભલે પછી એને સ્વાર્થી વૃત્તિ કહો) છે તો બીજી બાજુ પેલા ટીનેજર જેવાઓની સરાસર મૂર્ખાઈ અને ઇમૅચ્યોરિટી! પહેલા કિસ્સામાં વડીલો
દાદા-દાદી કે નાના-નાની બનવાની તક ગુમાવે છે, પરંતુ બીજી પરિસ્થિતિમાં મુકાવા કરતાં તો એ બહેતર છે. અને અંતરમાં ઊછળતો પ્રેમ ઢોળવા માટે આસપાસનાં કે સગાંસંબંધીનાં પોતરા-પોતરી ક્યાં નથી?
શા માટે?
છોકરાઓનું બેફામ વર્તન મા-બાપ શા માટે સહન કરતાં હશે એવો પ્રશ્ન થાય છે. અનેક પરિવારોમાં જોયું છે કે વગર વાંકે મા-બાપ સંતાનોની જીદ, જબરદસ્તી કે નાસમજીની સજા ભોગવતાં હોય છે. નાનપણમાં તેમના ઉછેર પાછળ તેમણે કેટલીય સુખ-સુવિધાનાં બલિદાન સ્વેચ્છાએ આપ્યાં હોય છે અને મોટાં થાય પછી તેમની સ્વચ્છંદતાના શિકાર બનવાનો વારો! આ તો પોતાનાં સંતાનોની વાત થઈ, પણ તેમનાં લગ્ન થાય એટલે તેમના પાર્ટનર્સને પણ મા-બાપે ભાઈ-બાપા કરવાના. ક્યાંય ભૂલેચૂકે કંઈ કહેવાઈ જાય તો ઉંમર કે સ્થાનનો મલાજો રાખ્યા વિના મા-બાપને કોડીનાં કરી નાખે. મને થાય છે કે મા-બાપ કઈ લાચારીને કારણે આ બધું સહન કરે છે?