ભરોસો દૂધ પીનારાનો કરવો, ‌સિગારેટ પીનારાનો નહીં

Published: 24th October, 2020 18:31 IST | Sanjay Raval | Mumbai

જે પોતાના સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજે છે એવા લોકો ગદ્દારી ઓછી કરતા હોય એવું બેઝિક તારણ જાણવા મળ્યું છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

‘પહેલું સુખ તે જાતે નર્યા.’

વર્ષોજૂની આ એક કહેવત છે. વર્ષો પણ નહીં, કદાચ દસકાઓ કે પછી સદીઓ જૂની હશે આ કહેવત. શરીરે સ્વસ્થ હો એનાથી મોટું સુખ જીવનમાં બીજું કશું નથી એવો ભાવ સમજાવતી આ કહેવત સાથે આજના સમયમાં આપણને કોઈને કશું લાગતું-વળગતું નથી અને એટલે જ આપણે એ પહેલું સુખને જતું કરી દીધું. આ જતા થઈ ગયેલા સુખ માટે બીજું કોઈ જવાબદાર નથી, એને માટે માત્ર ને માત્ર આપણે જ જવાબદાર છીએ. જવાબદાર પણ અને એ જતું રહે ત્યાં સુધી અવગણના કરનારા બેદરકાર પણ.

તમામ ગ્રંથોથી માંડીને આપણે ત્યાં ધાર્મિક શાસ્ત્રોમાં પણ શરીરસ્વાસ્થ્યનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આયુર્વેદ તો આપણો પોતાનો ચિકિત્સા ગ્રંથ છે અને એટલે જ આપણે ત્યાં આયુર્વેદનું મહત્ત્વ રહ્યું છે, ઍલોપથીનું નહીં. હું એમ નથી કહેવા માગતો કે ઍલોપથી  ઉપચાર ન કરવો જોઈએ, પણ એક હકીકત છે કે આપણે ત્યાં ઘર-ઘરમાં આયુર્વેદિક ઉપચાર થતા આવ્યા છે અને આજે પણ એ ચાલુ જ છે. જી હા, આજે પણ તમે ઘરમેળે જે ઉપચાર કરો છો એ બધા ઉપચાર ચરકસંહિતામાં દર્શાવવામાં આવ્યા છે. આજે હું આ વાત પણ શા માટે કરું છું, શું કામ આજે આપણે દવા, આયુર્વેદ અને સ્વસ્થ શરીરની વાત કરીએ છીએ એની નાનકડી ચોખવટ અત્યારે જરૂરી છે એટલે પહેલાં એ કરી લઈએ.

આપણે છેલ્લા લગભગ ૭ મહિનાથી કોરોનાના ભય વચ્ચે જીવીએ છીએ અને આ ભય દિવસે-દિવસે મોટો થતો જાય છે. દુનિયાઆખી કોરોનાની વૅક્સિન શોધવામાં લાગેલી છે, પણ હજી સુધી આ વાઇરસની વૅક્સિન માર્કેટમાં આવી નથી અને સાચું માનીએ તો એ ક્યારે આવશે એ પણ હજી સુધી નક્કી નથી થઈ શક્યું. જેકોઈ વૅક્સિન વિશે આપણે ન્યુઝપેપરમાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ એ બધાની અત્યારે ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે. જો એ સક્સેસ હશે તો જ એ માર્કેટમાં લાવવામાં આવશે અને આપણા સુધી પહોંચશે, અન્યથા નવેસરથી વૅક્સિનની શોધખોળ શરૂ થશે. કહેવાનો ભાવાર્થ એ જ કે કોરોનાની વૅક્સિન ક્યારે આવશે, ક્યારે એની દવા મળશે એ હજી સુધી નક્કી નથી. હવે તમે જ કહો કે જે વાઇરસની દવા નથી, વૅક્સિન નથી તો પછી એનો ઇલાજ શું?

માત્ર ને માત્ર આપણી ઇમ્યુનિટી, આપણી રોગપ્રતિકારક શક્તિ. આપણી ઇમ્યુનિટી જેટલી ઉત્તમ એટલો લાંબો સમય આપણે આ વાઇરસથી બચેલા રહીશું.

જ્યારે ઇમ્યુનિટીની વાત આવે ત્યારે બધા એક સૂરમાં એવું કહેવા માંડે છે કે મારી ઇમ્યુનિટી બહુ સરસ છે, મારી હેલ્થ બહુ સારી છે. ઘણા તો પાછા દાખલા પણ ગણાવે. હું દિવસમાં ૧૦ કિલોમીટર સાઇકલ ચલાવું છું, જિમમાં કરાવે એવી એક્સરસાઇઝ કરું છું, નનિયમિત વૉકિંગ હોય અને જૉગિંગ પણ કરું. દિવસમાં ત્રણ વખત ઉકાળા પીઉં, રોજ સાંજે હળદરવાળું દૂધ પીઉં, બહારનું ફૂડ બિલકુલ અવૉઇડ કરું અને ઘરમાં બનાવેલું હેલ્ધી ફૂડ જ લઉં. મારે એક વાત પૂછવી છે તમને બધાને કે આવું બધું બોલતા લોકોમાં આ ડહાપણ આવ્યું ક્યારથી?

ત્યારથી જ્યારથી આપણે કોરોનાને કારણે ઊભી થયેલી પેન્ડેમિક સિચુએશન જોઈ ત્યારથી. જ્યારથી ખબર પડી કે કોવિડ નામનો વાઇરસ છે જેની હજી સુધી કોઈ દવા બની નથી ત્યારથી. જ્યારે સમજાયું કે શારીરિક સ્વસ્થતા અકબંધ હશે તો જ તમે આ વાઇરસ સામે ટકી શકશો ત્યારથી. જેવું બધાને સમજાયું કે તરત ઘરે-ઘરે ઉકાળા બનવા લાગ્યા, ઘરે-ઘરે એક્સરસાઇઝ થવા માંડી અને હળદરવાળું દૂધ પીવાનું શરૂ થઈ ગયું. ચાલવાના આળસુઓ ઘરની અગાસી પર વૉક કરવા લાગ્યા. શું કામ? તો કહે, ઇમ્યુનિટી જાળવવા અને સાચવવા માટે. ખોટું નથી જરા પણ, મારું કહેવું છે કે મહામારી આવી ત્યારે શરૂ કર્યું એના કરતાં જો તમે પહેલેથી આ કામ પર લાગી ગયા હોત તો વધારે સારું હોત. કોઈએ કર્યું નહોતું એટલે તમે નહોતા કરતા અને એવા સમયે દરરોજ શરીરને ૪૫ મિનિટથી એક કલાક કોઈ આપતું તો બધા એના પર હસતા એટલે આપણે પણ હસી લેતા. અત્યારે આ વાતનો કોઈ જવાબ નહીં આપે અને મનોમન હકારાત્મક રિસ્પૉન્સ આપીને વાંચવાનું આગળ વધારી દેશે, પણ આ હકીકત છે અને આ હકીકતને સૌકોઈએ અવગણી હતી. પહેલું સુખ તે જાતે નર્યા. ભલે શાસ્ત્રોમાં આ વાત કહેવામાં આવી, પણ અમને એનાથી કશી નિસબત નહોતી અને એટલે જ અમે તો ભાગતા હતા અમારી ધૂનમાં.

આપણા ઘરમાં વર્ષોથી હળદરનો ઉપયોગ થાય. હળદર સાથે કાળાં મરી પણ વપરાય અને અજમો, તજ, લવિંગનો પણ ઉપયોગ થાય. હળદર સ્વાસ્થ્ય માટે કેટલી સારી છે એ હવે માનીએ છીએ, પણ નાનપણમાં જ્યારે કફ થતો ત્યારે મમ્મી હળદરવાળું દૂધ આપતી તો મોઢાં ચડાવીને બેસી જતા. સવારના પહોરમાં જ્યારે વડીલો ઉકાળો કે કડવું કરિયાતું પીવાનું કહેતા તો એ બધું જૂના જમાના જેવું લાગતું. શું કામ ઉકાળા ફાંકવાના? ગળામાં સહેજ દુખે તો આપણને ગરમ પાણીમાં નિમક નાખીને કોગળા કરવાનું કહેતા અને ત્રાસ છૂટી જતો. એવું નહીં કરવાનું. માર્કેટમાં જઈને કફશિરપ લઈ આવવાનું અને ગળું સુધારી લેવાનું. જેઠીમધનો શિરો મોઢામાં રાખવાનું કહેવામાં આવે તો હસવું આવતું. ના, એના કરતાં કફ ડ્રૉપ્સ સારાં. હવે અચાનક હસવાનું કામ કરનારાઓ ચૂપ રહેવા માંડ્યા છે અને ડાહ્યાડમરા થઈને ઇમ્યુનિટી એકત્રિત કરવાની હોડમાં લાગી ગયા છે. તમને આગળ કહ્યું એમ, હમણાં કહ્યા એ બધા ઉપાયો અને આવા જ બીજા ઉપાયો ચરકસંહિતામાં ઑલરેડી કહ્યા હતા અને આપણા વડવાઓ એના આધારે જ નીરોગી બનીને જીવતા હતા. તમે જુઓ આપણા મોટા ભાગના ખોરાકમાં હળદર છે, મરી-મસાલા છે, લીમડો નાખવામાં આવે છે. આ બધું ઍન્ટિઑક્સિડન્ટ છે અને આ બધું આયુર્વેદે સૂચવ્યું છે જે હવે આપણા ખોરાકનો ભાગ બની ગયો છે. તમને પાસ્તામાં કે પછી પીત્ઝામાં લીમડો અને હળદર જોવા નહીં મળે. શું કામ? એ લોકો પાસે આ શાસ્ત્ર નહોતું એટલે િિમને ખબર જ નહોતી કે રોજબરોજના જીવનમાં એ જરૂરી છે.

જાગ્યા ત્યારથી સવાર.

આ પણ એક કહેવત છે, પણ આ કહેવત મુજબ આપણી સવાર બહુ મોડી થઈ. હવે આજે જે આદત ડેવલપ કરી છે એ આદત મુજબ, હળદરવાળા દૂધથી માંડીને ગરમ પાણી પીવાની લાઇફ-સ્ટાઇલ અને નિયમિત વૉકિંગ-જૉગિંગથી લઈને એક્સરસાઇઝ કે સાઇક્લિંગની આદત છોડતા નહીં. એવું બને નહીં કે વૅક્સિન આવી જાય એટલે આ બધી આદત ફરી પાછળ રહી જાય અને તમે આગળ નીકળીને હતા એવા પાછા થઈ જાઓ. ના, જરા પણ નહીં. એક વાત યાદ રાખજો કે આ કોઈ છેલ્લો વાઇરસ નથી અને આ હવે છેલ્લી વાર નથી બન્યું જેમાં આ પ્રકારનો જીવલેણ વાઇરસ ફેલાવવામાં આવ્યો હોય કે પછી ફેલાયો હોય. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને હમણાં કરેલી અનાઉન્સમેન્ટ મુજબ, હજી તો કંઈક નવા પ્રકારના વાઇરસ આવવાના છે, ફેલાવાના છે. અમુક ઇન્ટરનૅશનલ મીડિયા-હાઉસનું તો માનવું છે કે ત્રીજી વર્લ્ડ-વૉરમાં એક પણ પ્રકારના ન્યુક્લિયર બૉમ્બનો ઉપયોગ નથી થવાનો. હવે પછીની વર્લ્ડ-વૉરમાં બાયોકેમિકલ વેપનનો ઉપયોગ થશે અને બીમારી ફેલાવીને ગણતરીના કલાકોમાં લોકોને મારવાનાં કાવતરાં થશે. જોકે આ એક અલગ વિષય છે અને એની ચર્ચા આપણે ભવિષ્યમાં ક્યારેક કરીશું, પણ અત્યારે આપણે વાત કરવાની છે પડેલી સુટેવની. આપણા વડીલો સાચું જ કહેતા હતા કે જો શરીરથી સ્વસ્થ હશો તો કોઈ પણ બીમારી સામે લડી લેવાની હામ આવી જશે.

એક કહેવત છે, ‘ઉધારી કરીને પણ ઘી પીવું.’ ભાવાર્થ એ જ કે આર્થિક નબળા હશો તો ચાલશે, પણ શારીરિક સ્વસ્થતા હશે તો મોટામાં મોટા પ્રૉબ્લેમની સામે પણ તમે લડી શકશો. મેં હજારો વખત કહ્યું છે કે માયકાંગલાઓનો કોઈ અર્થ નથી. પાનવાળાને ત્યાં ઊભા રહીને સિગારેટ ફૂંકનારાઓ કરતાં મુફલિસની જેમ એક ખૂણામાં ઊભા રહીને એક ગ્લાસ દૂધ પીનારો મને વધારે વિશ્વાસપાત્ર લાગ્યો છે. ભરોસો પણ એવાનો જ કરજો, જે પોતાના શરીરની જાળવણી યોગ્ય રીતે અને સક્ષમ પ્રકારે કરતો હોય.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK