ફર્સ્ટ શૉપિંગ : લૉકડાઉન બાદ સૌથી પહેલાં શું ખરીદ્યું

Published: Sep 03, 2020, 16:59 IST | Bhakti Desai | Mumbai

કોરોનાને કારણે અચાનક લૉકડાઉન જાહેર થતાં લગભગ ચારેક મહિના સુધી માત્ર અસેન્શ્યિલ ચીજો સિવાય કશું જ મળતું નહોતું. જ્યારે ખૂલ્યું ત્યારે ચેપના ડરે બહાર નીકળવાનું જોખમ હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે અચાનક લૉકડાઉન જાહેર થતાં લગભગ ચારેક મહિના સુધી માત્ર અસેન્શ્યિલ ચીજો સિવાય કશું જ મળતું નહોતું. જ્યારે ખૂલ્યું ત્યારે ચેપના ડરે બહાર નીકળવાનું જોખમ હતું. એમ છતાં, ત્રણ-ચાર મહિના સુધી એવી ઘણી ચીજો હતી જેના વિના ચલાવવાનું મુશ્કેલ બની ગયેલું. આટલા લાંબા સમય પછી સ્ત્રીઓએ પહેલી ખરીદી કરી ત્યારે લાઇફની પહેલી શૉપિંગ જેટલો જ આનંદ થયો હશે. ચાલો કેટલીક મહિલાઓને પૂછીએ તેમણે લૉકડાઉન પછીની પહેલી કઈ ખરીદી કરી, જેના વિના તેમને આ ચાર મહિના બહુ વસમું લાગેલું?

કોરોનાના લૉકડાઉનના આ ગાળાએ દરેકને ચાલશે-ભાવશે-ફાવશે આ ત્રણ શબ્દનો મતલબ શીખવી દીધો. સ્ત્રીઓના જીવનમાં ઘણી એવી ખરીદી હોય છે, જેના સિવાય ચલાવવું તેમના માટે મુશ્કેલ થઈ જાય છે. રસોડાની, ઘરની, પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી કે પછી ઘરના સભ્યોની જિંદગી સાથે સંકળાયેલી દરેક વસ્તુનું મહત્ત્વ એક સ્ત્રી જાણે છે અને એથી જ તેમણે સમય-સમય પર નવી ખરીદી કરવી પડતી હોય છે. લૉકડાઉનમાં સ્ત્રીઓને માટે એવી કઈ વસ્તુ હતી જે ખરીદવાની રાહ તેઓ આતુરતાથી જોઈ રહી હતી અને એ ખરીદ્યા પછીની તેમની ફીલિંગ શું રહી એ જાણીએ...

તાત્કાલિક ત્રણ સ્માર્ટ ફોનની ખરીદી કરવી પડી : મીનલ ગડા

gada
ઘણી વાર અમુક નાની વસ્તુની જરૂરિયાત જીવનમાં ઘણી મોટી વાત સમજાવી જતી હોય છે. એવું જ બન્યું પરેલમાં રહેતાં દિવ્યાંગ બાળકોનાં શિક્ષિકા મીનલ ગડાની સાથે. અહીં તેઓએ લૉકડાઉન પછી સૌથી પહેલાં શું ખરીદ્યું એની વાત કરતાં તેઓ કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન મારું બધું કામ ફોન અને વાઇ-ફાઇની મદદથી સરળતાથી ચાલી રહ્યું હતું અને અચાનક મારા ફોનની બૅટરી થોડી ખરાબ થઈ ગઈ. સમય એવો આવ્યો કે મારો ફોન માત્ર ૧૦ ટકા ચાર્જ થયા પછી બંધ થઈ જવા લાગ્યો. મારા બધા કૉન્ટૅક્ટ-નંબર, મારી શાળાનાં બાળકોનાં માતા-પિતાનું વૉટ્સઍપ ગ્રુપ એમાં હતું. એ જ સમય દરમ્યાન બધી ચાઇનીઝ ઍપને નાબૂદ કરવામાં આવી હતી એથી હું ડેટા ટ્રાન્સફર માટે એ ઍપનો ઉપયોગ કરી શકતી નહતી. આ ઘટના દરમ્યાન મારા એક દિવ્યાંગ વિદ્યાર્થીની માતાનું અવસાન થયું અને તેઓને મને સંપર્ક કરવામાં ખૂબ મુશ્કેલી થઈ. આવાં બાળકો માટે શિક્ષિકા બીજી માતા જ હોય છે એથી તે બાળકની મારી સાથે વાત કરવી પણ જરૂરી હતી. હું ક્યારેય ફોનની ખરીદી ઑનલાઇન કરતી નથી એથી મારી પાસે સ્ટોર ખૂલવા સિવાય બીજો કોઈ પર્યાય ન હતો. એ ૧૫ દિવસમાં મારા ભાઈ અને મારી દીકરીનો મોબાઇલ પણ બંધ પડી ગયો અને લૉકડાઉન પછી નજીકના સ્ટોરમાંથી સૌથી પહેલાં મેં ત્રણ સ્માર્ટ ફોન ખરીદ્યા. હવે સમજાય છે કે ફોન એ એક લાઇફલાઇન બની ગઈ છે.’

ઑટોમૅટિક વૉશિંગ મશીનની ખરીદી પછી જે રાહતનો દમ લીધો છે એ: અનિતા કાનાબાર

anita
અમુક ચીજો વિના આપણે પહેલાં બહુ આસાનીથી ચલાવી શકતા નથી. જ્યારે એ ચીજો બગડે છે ત્યારે જ એની ખરી કદર થાય છે. દહિસરમાં રહેતાં અનિતા કાનાબાર કહે છે, ‘લૉકડાઉનમાં એક તરફ ડોમેસ્ટિક હેલ્પે આવવાનું બંધ કરી દીધું અને બીજી બાજુ અમારું બગડેલું વૉશિંગ મશીન વધારે બગડી ગયું. અમને એમ હતું કે આજે નવું લેશું અને કાલે લેશું. જોતજોતામાં તો ક્યારેય ન વિચારેલી લૉકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ ગઈ. સૌથી મજાની વાત તો એ હતી કે કપડાં ધોવાઈ તો જાય પણ સ્પીન ન થાય. બસ! પછી તો રોજ હાથે કપડાં નીચોવીને અમે પરેશાન થઈ ગયા અને રોજ રાહ જોતા હતા કે ક્યારે દુકાનો ખૂલે અને ક્યારે અમે વૉશિંગ મશીન લેવા જઈએ. સૌથી પહેલાં અમે જઈને ઑટોમૅટિક વૉશિંગ મશીનની ખરીદી કરી. જાણે એક અરસા પછી ઑટોમૅટિક વૉશિંગ મશીન વાપરવાની સુવિધા મળી હોવાથી રાહતનો દમ લીધો.’

લૉકડાઉન પછી સિલાઈ મશીનનો એક ભાગ ખરીદ્યો : અમિતા જોશી

amita
દહિસરમાં રહેતાં શિક્ષિકા અમિતા જોશી એક નાનામાં નાની, પણ ખૂબ મહત્ત્વની વસ્તુ ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. તેઓ કહે છે, ‘મને સિલાઈ કરતા આવડે છે અને લૉકડાઉનમાં મારી આ કળાનો મને ખૂબ લાભ થયો. સિલાઈ મશીન માત્ર કપડાં માટે જ નહીં, પણ તકિયાના કવર, થેલી આમ જાતજાતની વસ્તુઓ બનાવવા માટે વપરાય છે અને એમાં પણ મારી દીકરીને નાનો દીકરો છે તો તેની પણ ઘણી વસ્તુઓ માટે સિલાઈ મશીન કામમાં આવે છે. મારું આ નાનું મશીન અને મારી સંકટ સમયની સાંકળ લૉકડાઉન દરમ્યાન બંધ પડી ગયું. એનો એક બગડેલો ભાગ જે બદલવાની જરૂર હતી, જેને કહે છે નાઇન્ટીથ ગીઅર. જ્યારે લૉકડાઉન ખૂલ્યું ત્યારે તરત જ મેં સિલાઈ મશીનનો આ ભાગ લાવીને એને ચલાવવાનું શરૂ કર્યું. આવી જ જરૂરિયાત મને મારા ઑનલાઇન સ્કૂલ માટે ટૅબ્લેટના સ્ટૅન્ડની હતી એ પણ હું લઈને આવી.’
દુકાનો, મૉલ્સ અને ઘણી બધી એવી નાની-નાની વસ્તુઓ છે, જેનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે એનો આપણને અંદાજ નથી હોતો. આવી વસ્તુ જ્યારે આપણે ખરીદીને લાવીએ છીએ ત્યારે એના પૈસા તો થોડા જ ચૂકવીએ છીએ, પણ જિંદગીમાં એની કિંમત વધી જાય છે.

સૌથી પહેલાં બૉડી-સ્ક્રબ અને જીમિંગ શૂઝ મૉલમાંથી ખરીદ્યાં : દિશા શાહ

disha
બોરીવલીમાં રહેતાં દિશા શાહ કહે છે, ‘મને કોઈ અંદાજ નહોતો કે આવું લૉકડાઉન થઈ જશે અને જે વસ્તુઓની મને અત્યંત જરૂર હતી, મારે એના વગર જ રહેવું પડશે. આમ તો લોકો કહે છે કે ઑનલાઇન બધું જ મળે છે, પણ જરૂરી નથી કે જે આપણને જોઈતું હોય એ જ ગુણવત્તા, કંપની અને પસંદનું મળી જાય છે. સાચું કહું તો હું એક બૉડી-સ્ક્રબ વાપરું છું એ મને ઑનલાઇન પણ મળી શકે એમ ન હતું, એથી હું રાહ જોઈ રહી હતી કે ક્યારે મૉલ્સ ખૂલે અને ક્યારે હું એ લેવા જાઉં. જો કોઈ મને પૂછે કે મારે કઈ વસ્તુની ખૂબ જ જરૂર હતી તો લૉકડાઉન પહેલાંથી મને જીમિંગ શૂઝની પણ એટલી જ જરૂર હતી. આ શૂઝ પહેરીને જોવા જરૂરી હોય છે અને ત્યારે જ એ કેટલા ફાવે છે એ સમજાય છે. ગયા અઠવાડિયે હું ગોરેગામના ઇન્ફિનિટી મૉલમાં ગઈ અને સૌથી પહેલાં મારે માટે બૉડી-સ્ક્રબ અને જીમિંગ શૂઝ લઈને આવી ત્યારે મને શાંતિ થઈ અને ફરી પાછું જીવન થોડું પહેલાં જેવું થઈ ગયું હોય એવો અહેસાસ થયો.’

પહેલાં તો આધુનિક વાસણોથી રસોડાને અપગ્રેડ કર્યું : પૂજા વિશ્વકર્મા

pooja
કાંદિવલીમાં રહેતાં પૂજા વિશ્વકર્મા પોતાની ખરીદી કરવાની જરૂરત અને દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ ગયાં એ વર્ણવતાં કહે છે, ‘હું ઘરેથી મારી ઑફિસનું અને ઘરનું કામ કરું છું. સાચું કહું તો પહેલાં મૉલ્સ અને ખરીદી શબ્દો સામે આવતાં તો કૂરતી, કૉસ્મેટિક્સ અને કેટલીયે સાજ-શૃંગારની વસ્તુઓ યાદ આવતી, પણ લૉકડાઉનમાં ઘરસાથે એવી રીતે સંકળાઈ ગઈ છું કે હવે ઘરની અને રસોડાની વસ્તુઓની જ યાદી બનાવી રહી છું. મને રસોઈ બનાવવાનો શોખ છે અને લૉકડાઉનમાં વિવિધ વાનગીઓ બનાવી ત્યારે એમ થયું કે અમુક આધુનિક પ્રકારનાં વાસણોથી પોતાના રસોડાને અપગ્રેડ કરવું જ જોઈએ. એથી લૉકડાઉન પછી ઘરની નજીક આવેલો સ્ટોર ખૂલતાંની સાથે જ એનોડાઇઝ્ડ ચપટી તવી, કૂકર, પેન આમ ઘણાં વાસણો લઈને આવી. હજી યાદી લાંબી છે અને બહાર ખાવાની આદત છૂટી ગઈ છે એથી સિઝલર બનાવવા તથા અન્ય વાસણો લેવા જવાનું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK