કવિતાના ભગવાન સુ.દ.ને સાહિત્યજગતની શ્રદ્ધાંજલિ

Published: 12th August, 2012 08:22 IST

      બહુ ચાલ્યા, બસ થયું હવે; હે ચરણ! તમે અહીં રુકો. સુરેશ દલાલના અવસાનથી સમગ્ર સાહિત્યજગતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સાહિત્યજગતની સાથે સાથે અન્ય હસ્તીઓએ પણ સુરેશ દલાલના અવસાન નિમિત્તે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

 

 

જપાનથી મોરારીબાપુની અંજલિ

આદરણીય સુરેશભાઈ દલાલ હવે આપણી વચ્ચે નથી એ સમાચાર અહીં જપાન (હિરોશિમા)માં ચાલતી રામકથામાં મળ્યા. શું કહું? મારા એક પરમ સ્નેહી, સ્વજન અને સજ્જન હતા. ટીવી પર આવતા રામકથાના લગભગ નિયમિત શ્રોતા રહ્યા.

મેં તેમને ખૂબ જાણ્યા અને માણ્યા છે. હજી તો ગઈ કાલે જ વ્યાસપીઠ પરથી હું તેમને કૃષ્ણ સંદર્ભે યાદ કરતો હતો અને એ જ જન્માષ્ટમીની રાત્રે - આ મીરાં મહિમાનું ગાન કરતી આત્મા (મંદિર સાથે પરણી મીરાં...) કૃષ્ણને પરણવા આપણાથી વિદાય લેશે એની કોઈને ક્યાં ખબર હતી. સિવાય કે સુરેશભાઈ પોતાને કે તેના પોતાના કૃષ્ણને. અને હા, મીરાંભાવ માટે માતૃશરીર ફરજિયાત નથી.

શબ્દસેવનના અનેક ક્ષેત્રમાં તેમનું પ્રેમદાન સદાય ર્દીઘજીવી રહેશે એવી પૂરી શ્રદ્ધા છે. અહીં રામકથામાં રોકાયેલો છું. હજી ત્રણ દિવસ બાકી છે અને ભારતથી ખૂબ જ દૂર છું, નહીંતર મન ત્યાં પહોંચવા અને અંતિમ અંજલિ આપવા માટે અધીર છે.

આ સુરેશભાઈ - ખરેખર તો ‘શબ્દેશ’ હતા. તેમના નર્વિાણને મારા પ્રણામ! સૌ પરિવારજનોને મારી દિલસોજી પાઠવું છે. રામ સ્મરણ સાથે.

 

શબ્દ ચોધાર આંસુએ રડે છે

 

સુરેશભાઈના અવસાનને લીધે દરેક શબ્દ ચોધાર આંસુએ રડી રહ્યો છે. તેમણે સાહિત્યમાં અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં આપેલું યોગદાન અજોડ છે. સાહિત્યમાં વણપુરાયેલી ખોટ પડી છે.

- નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન

 

હવે પછી કોઈ સુરેશ દલાલ નહીં બની શકે

૬૦ વર્ષ સુધી સતત સાતત્યથી સાહિત્યની સેવા અને ગુજરાતીઓ સુધી વિશ્વની શ્રેષ્ઠ કવિતાઓ પહોંચાડવાનું કામ સુરેશભાઈએ કર્યું હતું અને તેમની આ સિદ્ધિ ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ જેવી છે. હવે પછી બીજો કોઈ સુરેશ દલાલ થવો મુશ્કેલ છે. તેમણે મુંબઈમાં કવિતાવિશ્વને જીવંત રાખ્યું હતું. શિક્ષણમાં પણ તેમણે અનેક નવા ચીલા પાડ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પર ગુજરાતી કવિતાની વાત કરવા માટે હવે કોઈ નથી રહ્યું.

- રમેશ પુરોહિત, કવિ અને લેખક

 

નખશિખ પ્રેમના માણસ

 

સુરેશભાઈ નખશિખ પ્રેમના માણસ હતા. તેમનો કવિતાપ્રેમ બેનમૂન હતો. તેમના નિધનથી મને અંગત નુકસાન થયું છે, કારણ કે મેં ૪૦ વર્ષ જૂનો મિત્ર ગુમાવ્યો છે. તેમનામાં બે ગજબનાક શક્તિઓ હતી; એક, સૌને મોઢા પર જ જે હોય એ કહી દેવાની શક્તિ અને બીજી, દુશ્મનો ઊભા કરવાની શક્તિ. કૃષ્ણકવિતાના આટલાબધા ચાહકની ચિરવિદાય જન્માષ્ટમીના દિવસે થાય એને તો આપણે ‘જન્મીલું મરણ’ કહીશું.

અનિલ જોશી, કવિ

 

અમારા માથેથી છાપરું ઊડી ગયું

 

સુરેશભાઈ દરેક વ્યક્તિમાં તેની વિશેષતા શોધી કાઢતા હતા અને એથી તેઓ આધુનિક કોલંબસ હતા. તેઓ હસનારા અને હસાવનારા માણસ હતા અને જન્માષ્ટમીના દિવસે તેમની વિદાયથી જાણે અમારે માટે તો આધારની મટકી તૂટી ગઈ. અમારા માથેથી છાપરું ઊડી ગયું છે. તેઓ કોઈને ના પાડતા હોય તોય એવી સારી રીતે કે તે વ્યક્તિને હા જેવો આનંદ મળતો.

- નલિની માડગાવકર, કવયિત્રી

 

ગુજરાતી કવિતા નિરાલંબ ન થાય એવું કામ કર્યું

સુરેશભાઈએ મને કવિતાપઠન કરતાં શીખવ્યું હતું તથા તેમણે એટલાંબધાં કવિઓ અને કવયિત્રીઓને પ્લૅટફૉર્મ આપ્યું છે કે તેમનું વાવેલું આજે ઊગી નીકળ્યું છે. સરસ્વતીના પૂજકો ઘણા છે, પણ સુરેશભાઈએ ગુજરાતીઓ સુધી કવિતા પહોંચાડવાનું કામ કર્યું છે અને એને નિરાલંબ થતી બચાવી છે. તેમણે અનેક ગુજરાતી કવિઓને થાક્યા વિના તૈયાર કર્યા છે અને તેઓ આ કામ જારી રાખશે.

- મીનળ પટેલ, અભિનેત્રી

 

તેમના થકી લોકો સુધી પહોંચ્યો

ઇમેજ પબ્લિકેશન થકી હું લોકો સુધી પહોંચ્યો હતો. તેઓ તેમના ઘર પાસે આવેલી પ્રેસિડન્ટ હોટેલમાં તેમનાં કાવ્યોનું રેકૉર્ડિંગ કરાવતા અને એ માટે રૂમ ભાડે રાખીને મને એ કાવ્યો બોલવા કહેતા. આમ તેમના થકી હું ગુજરાતીઓનાં ઘરો સુધી પહોંચ્યો હતો. તેમની ખૂબી એક જ કે તેઓ કદી વ્યક્તિગત સવાલ નહીં કરતા. સાહિત્યમાં શું નવું વાંચ્યું એના વિશે પૂછે. જો કાંઈ સમજાય નહીં તો સાદી ભાષામાં તેઓ અમને સમજાવતા.

- સનત વ્યાસ, અભિનેતા

 

તેમની ખોટ નહીં પુરાય

 

સુરેશભાઈએ અમને સદા પ્રોત્સાહન આપ્યું હતું. અમે તેમની સરખામણીમાં નાના હોવા છતાં તેઓ સદા આત્મીયતાપૂર્વક વર્તન કરતા. તેઓ હંમેશાં સારી વસ્તુ કરવા માટે પ્રોત્સાહિત કરતા. તેમની ખોટ પુરાય એવી નથી.

- ચિરાગ વોરા, અભિનેતા

 

ગુજરાતી સાહિત્યના સુપરસ્ટાર

 

તેઓ ગુજરાતી સાહિત્યના સુપરસ્ટાર હતા. તેમણે કવિતાઓને એટલી ઊંચાઈ આપી હતી કે લોકો તેમનાં કવિતા વિશેનાં પ્રવચન ટિકિટ ખર્ચીને પણ સાંભળવા જતા. આવી તેમની પ્રખર પ્રતિભા હતી. તેમણે દરેક કલાકારને સાચવ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય, કવિતા, વિવેચન અને લેખન એમ તમામ પાસાંના ભાવક રહ્યા હતા. આટલામોટા ગજાના સાહિત્યકારના અવસાનની મુંબઈનાં અંગ્રેજી ભાષાનાં અખબારોએ નોંધ પણ ન લીધી એનું દુ:ખ છે. તેઓ ગુજરાતી કલાકારો અને સાહિત્યકારોની અવગણના કરતાં રહે છે, પણ ગુજરાતી સમાજ આ વિશે હરફ સુધ્ધાં ઉચ્ચારતો નથી એનું પણ દુ:ખ થાય છે.

- ઉત્કર્ષ મઝુમદાર, અભિનેતા અને લેખક

 

કાવ્યજગતમાં તેમની ઝાલર વાગતી રહેશે

 

સુરેશભાઈએ ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા કાવ્ય, સંગીત અને નાટકને યોગ્ય પ્લૅટફૉર્મ આપ્યું હતું. આ માટે તેમણે કરેલું કાર્ય ઉચ્ચ સ્તરે થયું છે. કવિતા સાથે તેમણે નાટ્યકલાકારો અને નાટકોને વણી લીધાં. તેમણે હંમેશાં યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમને રૉક સૉલિડ સ્ટાર્ટ આપતા હતા. તેઓ યુવાનોને ફ્રીડમ આપતા હતા.

- કમલેશ મોતા, અભિનેતા

 

આ માણસ ભગીરથ કાર્ય કરી ગયો

 

સુરેશભાઈએ ગુજરાતી કવિતા માટે ભગીરથ કાર્ય કર્યું છે અને તેમણે ગુજરાતી કવિતાને વિશ્વકક્ષા પર મૂકી છે.

- હોમી દસ્તુર, એક્ઝિક્યુટિવ સેક્રેટરી, ભારતીય વિદ્યા ભવન

 

સાંસ્કૃતિક જગતનો સિતારો ખરી પડ્યો

 

સુરેશભાઈના નિધનથી સાંસ્કૃતિક જગતનો સિતારો ખરી પડ્યો છે. તેમણે કવિતા સાથે નાટ્ય અને સંગીતજગતને પણ અનોખી ઓળખ આપી હતી.

- ઉદય મઝુમદાર, સંગીતકાર

 

શ્વાસમાં કવિતા લઈને જીવતા હતા

 

સુરેશભાઈ શ્વાસમાં હવાની સાથે કવિતા લઈને જીવતા હતા. તેમણે ગુજરાતી કવિતા માટે જે કર્યું છે એવું કાર્ય બીજી કોઈ વ્યક્તિ કરી શકશે કે નહીં એની ખબર નથી.

- દીપક મહેતા, વિવેચક

 

સાહિત્યિક વાતાવરણનો પ્રાણવાયુ

કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે વાતાવરણમાં ૮૦ ટકા નાઇટ્રોજન છે, ખરેખર તો મુંબઈના સાહિત્યિક વાતાવરણમાં સુરેશ દલાલ નામનો પ્રાણવાયુ છે. તેઓ સાહિત્યસર્જક તો હતા જ, પણ તેમણે સર્જકોને સરજ્યા અને દાણાવાળા, દુકાનદારો અને દેરાસરમાં જતા અનેક લોકોને સાહિત્ય સર્જતા અને પુસ્તકાલયમાં જતા કરી દીધા. આજે જે ‘બ્રૅન્ડ પોએટ્રી’ છે એના સંશોધક સુરેશ દલાલ હતા.

- ઉદયન ઠક્કર, કવિ

 

વિવેચક તરીકે ઉત્તમ, મિત્ર તરીકે સર્વોત્તમ

મને સુરેશભાઈના મૃત્યુની જાણ કરતો ફોન શુક્રવારે રાતે આઠ વાગ્યે આવ્યો ત્યારે હું કેવી રીતે માની લઉં કે સુરેશભાઈ આપણને છોડીને ચાલ્યા ગયા છે?

આ શબ્દો બોલતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર પ્રકાશ કોઠારીએ ‘મિડ-ડે’ને ગઈ કાલે કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે પોણાઆઠ વાગ્યે જ મારે સુરેશભાઈ સાથે વાત થઈ ત્યારે તેઓ મજાકના મૂડમાં હતા. તેમને જ્યારથી ગળાની તકલીફ શરૂ થઈ ત્યારથી તેઓ મારી સાથે તેમની તકલીફની વાત કરતા હતા. તેમને બોલવામાં તકલીફ થતી હોવાથી તેમના ડૉક્ટરની દવા ઉપરાંત મારી પાસે પણ દવા બાબતની સલાહ લેતા હતા. હું તેમની આ તકલીફ દૂર કરવા માટે ખાસ રીતે તૈયાર કરેલો કાઢો આપતો હતો અને એનાથી તેમને સારું લાગતું હતું. તેમને કફ માટેની મારી દવા સારી લાગી હોવાથી તે જાહેરમાં પણ કહેતા કે પ્રકાશ ફક્ત કમરની નીચેના રોગનો ડૉક્ટર નથી, તેની પાસે કમરની ઉપરના રોગ માટે પણ દવા માગી શકાય. શુક્રવારે પણ આ જ રીતે મેં મોકલાવેલા કાઢાથી તેમને ગળામાં સારું લાગતાં દવા માટે પાર્ટી આપીશ એમ પણ તેમણે મને કહ્યું હતું. આ પાર્ટી તેઓ આવતા અઠવાડિયે આપશે એમ તેમણે મજાકમાં કહ્યું હતું ત્યારે ક્યાં તેમને ખબર હતી કે તેઓ પાર્ટી આપવા હાજર જ નહીં હોય.’

પ્રકાશ કોઠારીએ સુરેશ દલાલના વ્યક્તિત્વ વિશે બોલતાં કહ્યું હતું કે ‘વિવેચક તરીકે ઉત્તમ, પણ મિત્ર તરીકે સર્વોત્તમ હતા. મારા ખ્યાલથી ઉપર શૂન્યભાઈ, સૈફભાઈ, હરીન્દ્ર દવે, અમૃત ઘાયલ, બરકત વીરાણી-બેફામ વગેરેનો મુશાયરો જામ્યો હશે અને સંચાલકની જરૂર પડી હશે એટલે જન્માષ્ટમીના દિવસે તેમને બોલાવ્યા હશે.’

- પ્રકાશ કોઠારી

 

બીજાની પ્રગતિમાં ખુશ

 

સુરેશ મારા મિત્ર કરતાં પણ વધારે હતો. બહુ પ્રેમાળ, આનંદી અને બીજાની પ્રગતિમાં ખૂબ ખુશ થતો. કોઈ પણ દિવસ કોઈના પર ગુસ્સો ન કરવો અને નિંદા ન કરવી એ તેનો મોટો ગુણ હતો. તેના કવિતા પ્રત્યેના પ્રેમને જોઈને તે જ્યારે ઇન્ટર આર્ટ્સમાં ભણતો હતો ત્યારે મેં તેને કવિ પ્રહ્લાદ પારેખનો કાવ્યસંગ્રહ લાવી દીધો હતો અને એ જોઈને તે ખૂબ જ ખુશ થયો હતો. તે જ્યાં પણ જતો ત્યાં માત્ર કવિતાનાં પુસ્તકો જ શોધતો. નવા કવિઓને પ્રોત્સાહન આપવામાં તેને અનેરો આનંદ આવતો. આજે જ્યારે તે આપણા વચ્ચે નથી ત્યારે પ્રભુ તેના આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના છે.

- મોટા ભાઈ અરવિંદ દલાલ

 

છેલ્લા શ્વાસ સુધી કાર્યરત

 

સુરેશ સાથે મારો ૬૦ વર્ષનો સંબંધ હતો. તેઓ મને માતા ગણતા હતા. મને તો લાગે છે કે જાણે અમે સાથે જ મોટાં થયાં છીએ. મારા પ્રતિ તેમને વધુ લાગણી હતી એટલે આજે જ્યારે તે નથી ત્યારે વધુ દુ:ખ થાય છે. હું બીએ થઈ હતી પણ એમએ કરવા માટે તેમણે જ પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ કંઈ સારું વાંચે તો તરત જ મને એ વાંચવા માટે કહેતા. મેં શુક્રવારે સાંજે સવાસાત વાગ્યે જ તેમની સાથે ફોનમાં ૧૦ મિનિટ વાત કરી હતી એથી જ્યારે રાતે તેમના નિધનના સમાચાર મળ્યા તો માનવા તૈયાર નહોતી. તેઓ ખુમારીભર્યું જીવ્યા. આજે જ્યારે તેઓ નથી ત્યારે તેમની ખૂબ યાદ આવે છે. તેઓ છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહ્યા.

- મોટાં ભાભી અને સાળી આશા દલાલ

 

ફૂલ અને સુગંધ જેવો સંબંધ

 

સુરેશભાઈ માટે મારે જે કંઈ કહેવું છે એ તેમની ‘મારી પ્રાર્થનાનું આકાશ’ પુસ્તિકામાં છે. ‘હું અને તું જુદા શું કામ? આપણે એકમેકથી વિખૂટા શું કામ? એકાગ્ર થાઉં, તલ્લીન થાઉં, હું હું જ મટી જાઉં, માત્ર તું જ થાઉં. આ આપણા સંબંધની આત્મીયતાની પરાકાષ્ઠા. દ્વેત છે એને ભૂંસવું છે અને અદ્વેતની અનુભૂતિ કરવી છે. હું જે કંઈ જોઉં છું એ તારી આંખે- તું જ થઈને. હું હું રહું નહીં, જે બોલું એ મારી વાણી નહીં, પણ તારી વાણી. જળ અને માછલી જેવો સંબંધ નહીં પણ ફૂલ અને સુગંધ જેવો સંબંધ. વિરહે નહીં પણ સનાતન મિલન. સતત તારા-મય, હું નહીં પણ માત્ર તું.’

- હિતેન આનંદપરા, કવિ


સારું વાંચે એને શૅર કરતા


સુરેશભાઈ જેટલી કવિતાને પ્રેમ કરનારી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. તેઓ જે સારું વાંચતા એ તરત જ શૅર કરતા. તેમની સદા એવી ઇચ્છા રહેતી કે ગુજરાતી પ્રજા સારું વાંચે. તેમની સાથે વાત કરવાથી સદા પૉઝિટિવ એનર્જી આવે. તેઓ રોજ સવારે મને સાડાઆઠ વાગ્યે અચૂક ફોન કરતા અને આ નિયમ છેલ્લાં ૨૦ વર્ષથી હતો. રોજ સવારે તેઓ તેમની લાઇબ્રેરીમાંથી કવિતાનું પુસ્તક કાઢીને વાંચે. આમ તેમનો દિવસ કવિતાથી જ શરૂ થતો. વળી તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી લખતા નહીં. તેમની કૉલમો તેઓ ડિક્ટેટ કરતા અને એથી એમાં વાતચીતની ભાષા જોવા મળતી અને એમાં ફરી વાર લખાણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નહીં. તેમણે કવિતાના ક્ષેત્રે આપેલું યોગદાન અવિસ્મરણીય રહેશે.

- ઉત્પલ ભાયાણી, વાર્તાકાર અને નાટ્યસમીક્ષક

 

અઢળક અક્ષરોના સ્વામી

 

ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જક આમ અચાનક ઓઝલ થઈ જાય એ સાહિત્યજગત માટે આઘાતજનક છે. આમ છતાં અઢળક અક્ષરોના સ્વામી સુરેશ દલાલ ભાવિકોના દયમાં ધૂણી ધખાવીને બેઠા છે.

- સુરેન ઠાકર ‘મેહુલ’, કવિ

 

કવિઓની પેઢી ઊભી કરી

 

મને ‘સાળાવેલી’ કહેવાવાળા સુરેશ દલાલ એક જ હતા. અઠવાડિયામાં બે વખત અમે ઇમેજની ઑફિસમાં ચા પીવા મળતાં. મુંબઈને જો ગુજરાતી કવિતાઓનું કોઈએ ઘેલું લગાડ્યું હોય તો તે સુરેશ દલાલ હતા. કવિતાના પોગ્રામમાં બિરલા સભાગૃહમાં બહાર સીસીટીવી કૅમેરા લગાડ્યા હોય અને લોકોનાં ટોળાં ઊભાં હોય એવો માહોલ સુરેશે કવિતા માટે રચ્યો હતો. તેમણે કવિઓની પેઢી ઊભી કરી છે.

- વર્ષા અડાલજા, નવલકથાકાર

 

ગુજરાતી સાહિત્યના પિલરની ખોટ પડી

કવિતાના ગોવર્ધન ઊંચકનારને જ તેણે (કાનુડાએ) ઊંચકી લીધા. શનિવારે ઇમેજમાં મળવાનું થતું હતું. આ શનિવારે આ રીતે તેમને ઉપર બોલાવી લેશે એવું નહોતું વિચાર્યું. તેમના જવાથી એક સારા સર્જક, સારા મિત્ર અને ગુજરાતી સાહિત્યના પિલરની ગુજરાતી સમાજને ખોટ પડી છે.

- પુરુષોત્તમ ઉપાધ્યાય, ગાયક

 

તેમનો અવકાશ પૂરવો અશક્ય

 

સુરેશભાઈ મારા રવિવારના મિત્ર હતા. દર રવિવારે અમે સાથે બેસીને કવિતાની વાતો કરતા. પોતે જલસાના માણસ. તેઓ કવિતાને કવિ કરતાં વધુ મહkવ આપતા હતા. તેમને મન કવિતા એ પ્રાણવાયુ હતો. તેઓ ગુજરાતી કવિતાના બ્રૅન્ડ-ઍમ્બેસેડર હતા એ સત્યને નકારી શકાય નહીં. મારી દૃષ્ટિએ મુંબઈના સાંસ્કૃતિક જગતમાં તેમના જવાથી જે અવકાશ સર્જાયો છે એને પૂરવો અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ.

અવિનાશ પારેખ, બિલ્ડર

 

સારા સર્જકની ખોટ પડી

 

સુરેશભાઈએ ગુજરાતી કવિતા એટલે કે કવન; કવનને વનમાંથી કાઢીને ઉપવનમાં ફેરવીને સામાન્ય જન સુધી એને પહોંચાડ્યું એટલું જ નહીં, તેમના મન સુધી લઈ ગયા. તેઓ વ્યક્તિ નહીં, સાહિત્ય સંસદ હતા. સાહિત્યના દરેક પાસાનું તેમણે ખેડાણ કર્યું હતું. ઉત્તમ કવિ અને ઉત્તમ વક્તા એ તેમનાં સૌથી સ્ટ્રૉન્ગ પાસાં હતાં. દેશ અને દુનિયાની ભાષાનાં પુસ્તકો દ્વારા દેશ-વિદેશના સાહિત્યના પરિચયમાં રહેતા, જેના દ્વારા તેમણે દુનિયાના ઉત્તમ કવિઓનો સૌને રસાસ્વાદ કરાવ્યો એ સૌથી મોટું સાહિત્યપ્રદાન કહેવાય. ખરા અર્થમાં સાહિત્યજગતમાં અને ગુજરાતી પ્રજાને એક સારા સર્જકની ખોટ પડી છે.

- પ્રવીણ સોલંકી, નાટ્યકાર


બોલેલું પાળી બતાવતા

 

સુરેશભાઈ મારા ફિલોસૉફર, ફ્રેન્ડ અને ગાઇડ હતા. મારી સંસ્થા ‘સંકેત’ને સ્થાપવા માટેની પ્રેરણા અને ફાઉન્ડર તેઓ હતા. તે મુંબઈના માણસ હતા. તેમની કવિતામાં મુંબઈની ગલીઓની ઓળખાણ છતી થતી હતી. તેઓ કહેતા કે મિત્ર તેને કહેવાય જેને ગમે એ કહેવાની છૂટ હોય એ થિયરીને તેમણે જીવનભર પાળી હતી. મારી સંસ્થા માટે મને કહેલું કે જ્યારે કોઈ કલાકાર તારા કાર્યક્રમમાં ન આવે તો તરત જ મને ફોન કરજે, હું મારતી ટૅક્સીએ તારા કાર્યક્રમમાં પહોંચી જઈશ. જે તે ફક્ત બોલ્યા નહોતા, તેમણે એ કર્યું પણ હતું.

- રજની મહેતા, સાહિત્યપ્રેમી

 

સવારની રિંગ તેમની યાદ અપાવશે

 

તેઓ મારા પિતાથી સારા પિતા હતા. અમે વષોર્થી કોઈ પણ સંજોગોમાં સવારની ચા સાથે પીતાં. અમે એક જ ટેબલ પર સામસામે બેસતાં અને તેમના કવિઓને, મિત્રોને ફોન જોડી આપવાના હોય એ હું જોડી આપતી. હજી ગુરુવારે અમે સાથે જમ્યાં હતાં. તેઓ એક સારા કૅરટેકર હતા. અમને દીકરીઓને તેમનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. હું પરણીને ગયા પછી પણ રોજ સવારે તેમની સાથે ફોન પર વાત કરતી હતી. અમારું, અમારા કુટુંબનું, તેમના મિત્રોનું તેમણે ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. રોજ સવારની ફોનની રિંગ મને તેમની યાદ અપાવશે.

- મિતાલી પરીખ, મોટી દીકરી

 

સાહિત્યમાં આપ્યું યાદગાર પ્રદાન

 

કૃષ્ણકવિતા લખનારા કવિ સુરેશ દલાલ જન્માષ્ટમીના દિવસે જ કૃષ્ણધામમાં ગયા. તેમણે નવોદિત સર્જકોને હંમેશાં પ્રોત્સાહન અને યોગ્ય સ્થાન પણ આપ્યું. સાહિત્યમાં તેમનું પ્રદાન હંમેશાં યાદગાર બની રહેશે.

- મેઘબિંદુ, કવિ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK