પીઠ પાછળ મારી ફ્રેન્ડ્સ મારા વિશે શું-શું વાત કરે છે એની મને ખબર હોવી જ જોઈએને! (પીપલ-લાઇવ)

Published: 18th September, 2012 07:51 IST

એટલે જ નેરુળમાં રહેતી ૧૫ વર્ષની ટ્વિન્સ બહેનો ઈશા અને અમી માંડેકર પોતાનું ખોટું નામ કહીને મિત્રોના પેટમાંથી પોતાના વિરુદ્ધ ચાલી રહેલી ખોટી વાતો કઢાવે છે
(પૈચાન કૌન? - પલ્લવી આચાર્ય)

તું ઈશા છે કે અમી? એવું ટેન્થમાં ભણતી ઈશાને તેની ફ્રેન્ડ્સ પૂછે ત્યારે તે એમ જ કહે કે હું અમી છું. કેમ, ખબર છે? ઈશા કહે છે, ‘ફ્રેન્ડ્સ કેટલીક વાર અમારી વિરુદ્ધ કાન ભરવા ટ્રાય કરતી હોય ત્યારે હું કહી દઉં કે હા, હું અમી છું! આ રીતે મને જાણવા મળે છે કે મારા વિશે તેઓ શું બોલે છે!’ વેરી સ્માર્ટ એવી આ આઇડેન્ટિકલ ટ્વિન્સ સિસ્ટર્સ નેરુળમાં રહે છે.

નામ હમારા હૈ...

મૂળ સંજાણના માહ્યાવંશી અને મહારાષ્ટ્રની દેવરુખ બ્રાન્ચમાં મૅનેજર પ્રવીણ માંડેકર અને તેમનાં પત્ની હેમા માંડેકરને બે દીકરીઓ છે - ઈશા અને અમી, જે આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. નેરુળની દયાનંદ ઍન્ગ્લો વૈદિક સ્કૂલમાં ટેન્થમાં ભણતી પંદર વર્ષની ઈશા અને અમીનાં નામ આ કેમ રાખ્યાં એ વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હેમા માંડેકર કહે છે, ‘લેખિકા ઈશિતા મારા હસબન્ડની ફેવરિટ લેખિકા છે એથી મારી પ્રેગ્નન્સી સમયથી નક્કી હતું કે દીકરી આવશે તો એનું નામ ઈશિતા રાખીશું. આમ ઈશાનું નામ રાખ્યું અને નવસારીની જે હૉસ્પિટલમાં આ બે બહેનોનો જન્મ થયો હતો એ હૉસ્પિટલનું નામ અમી હતું એથી ડૉક્ટરે કહ્યું કે આનું નામ અમી રાખો. એ રીતે અમી પાડ્યું.’

ટીચર્સ કન્ફ્યુઝ્ડ

ઈશા અને અમીની સ્કૂલમાં કોઈક કામસર તેનાં મમ્મી ગયાં હતાં. અમી સ્કૂલમાં જ હતી અને તેઓ ઈશાને લઈને સ્કૂલની બહાર નીકળી રહ્યાં હતાં ત્યાં અમીનાં ટીચર તેમને મળ્યાં. તેઓ ઈશાને કહે, અરે અમી, તું ક્યાં જાય છે? તારે બેસવાનું છે. હેમાબહેન કહે છે કે મેં તેમની આગળ સ્પષ્ટતા કરી કે આ ઈશા છે, અમી સ્કૂલમાં જ છે.

આવો એક કિસ્સો ફરી હજી હમણાં જ બન્યો એની વાત કરતાં ઈશા કહે છે, ‘મારા ક્લાસટીચર અમીના ક્લાસમાં ગયા હતા. તેઓ અમીને વઢવા લાગ્યા કે તું અત્યારે આ ક્લાસમાં કેમ છે? અમીએ ટીચરને કહ્યું કે હું અમી છું, ઈશા નથી. તો પણ તેઓ માનવા તૈયાર જ નહીં. છેવટે તે અમીને લઈને મારા ક્લાસમાં આવ્યા. પછી તેમને અમારી વાત સાચી લાગી કે અમે આઇડેન્ટિકલ ટ્વિન્સ છીએ.’

નો બૅન્ડ-બાજાં નાઓ

અમી અને ઈશાને સરખાં કપડાં પહેરવાં ગમતાં હતાં, પણ પછી ફ્રેન્ડ્સ તેમને સેમ કપડાં હોય તો ચીડવવા લાગ્યા કે બૅન્ડ-વાજાવાળાં આવી ગયાં! એથી હવે તેઓ સેમ કપડાં નથી પહેરતી એની વાત કરતાં ઈશા કહે છે, ‘અમે ભલે સેમ કપડાં ન લઈએ અને જુદાં કપડાં ખરીદીએ તો પણ એવું બને છે કે અમને બેયને સરખાં કપડાં ગમી જાય છે. ઘરે આવીને જોઈએ તો બેયનાં સરખાં જ કપડાં આવી ગયાં હોય. ટ્યુનિક ટાઇપના ડ્રેસિસ અને પિન્ક કલર અમારો ફેવરિટ છે.’

બેઉ નાની હતી ત્યારે હેમાબહેન ઘણી વાર એકને જ બે વાર દૂધ પીવડાવી દેતાં, પણ બીજી બહુ રડવા લાગે ત્યારે પોતાની ભૂલ સમજાઈ જતી.

આઇ-કાર્ડ કૌભાંડ

અમી અને ઇશા નાનાં હતાં ત્યારે તેમની સાથે ઘણી વાર એવું થયું છે કે ક્લાસમાં જઈને બૅગ ખોલે તો નોટબુક પર પોતાનું નામ ન હોય, ટ્વિન્સ બહેનનું નામ હોય, કારણ કે તેમની બેયની બૅગ સેમ હોવાથી ઘણી વાર તેમની મમ્મી અમીની બૅગ ઈશાને અને ઈશાની બૅગ અમીને પહેરાવી દેતી હતી. અમી કહે છે, ‘કોઈ વાર એકાદ જો આઇ-કાર્ડ ભૂલી ગઈ હોય તો એક જ આઇ-કાર્ડ પર અમે બન્ને સ્કૂલમાં એન્ટ્રી લઈ લેતા. આમ કરવામાં અમે ઘણી વાર પકડાઈ પણ ગયાં છીએ. ત્યારે ટીચર નામ લખી લે અને પેરન્ટ્સને ફરિયાદ કરે.’

સેમ અને ડિફરન્ટ

અમીનો નેચર બહુ ડૉમિનેટિંગ છે એની વાત કરતાં તે કહે છે, ‘કાંઈ પણ ગલત થાય ત્યારે મેં જ કર્યું હશે એવો દરેકને શક થાય. નાની હતી ત્યારે એક વાર મને ઈશા પર એટલો ગુસ્સો આવી ગયો હતો કે હું તેની પીઠ પર કરડી હતી. તેને લોહી નીકળ્યું હતું અને ઇન્જેક્શન પણ લેવું પડ્યું હતું. એવી જ રીતે મારી બુક પર ઈશાથી ભૂલથી પાણી પડી ગયું હતું તો મેં તેની નોટબુકને બાથરૂમમાં લઈ જઈ ટબમાં બોળી દીધી હતી.’

ઈશા શાંત છે. ઈશાને ડેન્ટિસ્ટ થવું છે અને અમીને કોઈ કંપનીના સીઈઓ થવું છે એથી તેણે એમબીએ કરવું છે. હાઇટમાં અમી બે ઇંચ ઊંચી છે. નાનાં હતાં ત્યારથી બેયને બધું સેમ જોઈએ. ઈશાએ આ વખતે મોબાઇલ લીધો, પણ અમીએ ૯૦ ટકા આવે પછી જ લેવો છે, પણ ઈશાની જીદ છે કે તેને અપાવ્યો છે એટલી જ કિંમતનો મોબાઇલ અમીને અપાવવાનો, મોંઘો નહીં. બેયને ગાડીનો શોખ છે. પેરન્ટ્સને કહી દીધું છે કે તેઓ સ્કૂટી નહીં ચલાવે, બાઇક જોઈએ છે. ગયા વરસે તેઓ મલેશિયા ગયાં ત્યારે ત્યાં આવેલા સોલ્જર્સ આ બેય બહેનોએ સેમ કપડાં પહેયાર઼્ હતાં એ જોઈ એટલા સરપ્રાઇઝ થયા હતા કે તેમના બહુ ફોટો લીધા હતા. પીત્ઝા અને પેસ્ટ્રી બેયને ભાવે ને ફરવાનો પણ બહુ શોખ!

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK