મહેમાનો મળવા આવતા ત્યારે અડધો કલાક તો તેમને ઓળખવામાં જતો (પીપલ લાઈવ)

Published: 7th December, 2011 08:18 IST

જોકે હવે એવું નથી થતું, કારણ કે જીલ અને જિયા બોલતાં શીખી ગઈ છે ને જાતે જ પોતાની ઓળખ આપી દે છે. બોરીવલીમાં રહેતાં નેહા અને પારસ શાહની સાડાત્રણ વર્ષની દીકરીઓ એકદમ સેમ ટુ સેમ દેખાય છે. તેમની સાથે કેવા-કેવા ગોટાળા થયા એ જોઈએ(પીપલ-લાઇવ - પૈચાન કૌન? - નીલા સંઘવી)

નાના બાળકનું આગમન થવાનું હોય ત્યારથી જ ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જાય છે. બાળકના આગમન પહેલાં જ તેના સ્વાગતની તૈયારી થવા લાગે છે. તો વળી દીકરો આવશે તો કયું નામ પાડીશું અને દીકરી આવશે તો શું નામ પાડીશુંની ચર્ચા ચાલે છે. એવામાં ખબર પડે કે એક નહીં બે બાળક જન્મવાનાં છે ત્યારે શું થાય? અને બન્ને સરખાં હોય ત્યારે કેવા અનુભવ થાય એ વિશે વાત કરે છે બોરીવલી -ઈસ્ટમાં રહેતી દેરાવાસી જૈન જીલ અને જિયાનાં મમ્મી-પપ્પા નેહા અને પારસ શાહ.

ક્યારે ખબર પડી?

પારસ અને નેહા શાહને જીલ અને જિયા નામની સાડાત્રણ વર્ષની ટ્વિન દીકરીઓ છે. એ વિશે વાત કરતાં નેહા કહે છે, ‘આમ તો પ્રથમ સોનોગ્રાફી ત્રણ મહિનામાં થાય, પણ મારે થોડું લેટ થઈ ગયું. ચોથા મહિને સોનોગ્રાફીમાં ખબર પડી કે ટ્વિન છે. શિશુભારતી હૉસ્પિટલના ડૉ. અમૂલ મહાજને મને જણાવ્યું કે તારે બે બચ્ચાં છે. અમારે ત્યાં કોઈને ટ્વિન નથી. ફૅમિલી હિસ્ટરીમાં નથી. મને થોડું ટેન્શન થયું કે ટ્વિન કેવી રીતે સાચવીશ, પણ ડૉક્ટરની સલાહથી મેં તૈયારીઓ શરૂ કરી દીધી. પાંચમે મહિને બેડ રેસ્ટ આવ્યો ત્યારે બુક્સ વાંચતી. ઇન્ટરનેટ પર ટ્વિન વિશે વાંચતી અને તેના માટે પૂર્ણપણે સજ્જ હતી. ૯ જાન્યુઆરી ૨૦૦૮ના બપોરે ૩ વાગ્યાને ૮ મિનિટે જીલ અને ૩ વાગ્યાને ૯ મિનિટે જિયા જન્મી. સિઝેરિયન થયું, કારણ કે છેલ્લે વખતે એક બેબી સીધી થઈ ગઈ હતી.’

ઓળખવાનો તરીકો

પોતાની નાનકડી સરખી દેખાતી દીકરીઓ વિશે પારસ કહે છે, ‘મારી બન્ને ઢીંગલીઓ એકદમ સરખી લાગે છે. અમે તેને ઓળખી શકીએ છે, પણ અજાણ્યા તેને ઓળખી ન શકે. એકનું મોઢું મારા જેવું ગોળ છે અને બીજીનું તેની ફઈ જેવું લંબગોળ, પણ ખાસ ફરક ન લાગે. બન્ને જન્મી ત્યારે વજન ૨ કિલો ૨૦૦ ગ્રામ હતું. અત્યારે પણ હાઇટ-બૉડી સરખી છે. એકને જમણા કાન પર અને બીજીને ડાબા કાન પર એક નાનકડું માર્ક છે તેના પરથી અમે તેમને ઓળખી શકીએ છીએ. તેઓ નાની હતી ત્યારે એકના ડાબા હાથ પર અને એકના જમણા હાથ પર અમે કાળો દોરો બાંધી રાખતા. અમારે ત્યાં મહેમાન આવે ત્યારે અડધો કલાક એમાં જ જાય છે કે કોણ જીલ છે અને કોણ જિયા છે. જૂના ફોટા લેબલ ન કર્યા હોય તો અમનેય ખબર નથી પડતી.’

ખાસ તકલીફ ન પડી

સંયુક્ત પરિવારમાં રહેતા હોવાથી બે બચ્ચાંઓને ઉછેરતાં ખાસ તકલીફ નથી પડતી એમ જણાવતાં નેહા કહે છે, ‘નણંદ-સાસુનો સર્પોટ બહુ જ સારો રહ્યો. ડિલિવરી પછી મમ્મીને ત્યાં રહી અને પછી પણ મમ્મીને ત્યાં અવારનવાર જતી. ઘરમાં બધાના હાથમાં રમતા-કૂદતા બન્ને ક્યાં મોટી થઈ ગઈ એ ખબર જ ન પડી. પ્રેગ્નન્સી વખતે ‘ઇન્ફન્ટ સિદ્ધા પ્રોગ્રામ’ કરેલો એટલે મારામાં પણ પૉઝિટિવ ઍટિટ્યુડ આવી ગયેલો. ટ્વિન્સ સાથે કેવી રીતે ડીલ કરવું એની સમજ પણ આવી ગઈ હતી.’

બધું સાથે જ થાય

નેહા ત્યારે પરેશાન થઈ જાય જ્યારે બન્ને દીકરીઓને બધું સાથે જ થાય. એ વિશે તે કહે છે, ‘ઘરમાં કોઈ હોય તો વાંધો ન આવે, પણ હું એકલી હોઉં અને બન્ને બીમાર પડે ત્યારે જો આવું કઈ થાય તો મારી હાલત બગડી જાય છે. કારણ કે બન્નેને બધું સાથે જ થાય. બન્ને સાથે જ રહે, ટૉઇલેટ પણ સાથે જ કરે. સાથે સૂવે, સાથે ઊઠે, એકને તાવ આવે તો બીજે દિવસે બીજીને પણ તાવ આવે જ.’

સ્વભાવમાં અલગ

જીલ અને જિયા દેખાવમાં સરખી છે, પણ સ્વભાવમાં અલગ છે એ વિશે તેની મમ્મી નેહા કહે છે, ‘જીલ શાંત ને ચુઝી છે. કોઈ અટેન્શન આપે તો તેને ન ગમે, જ્યારે જિયા રમતિયાળ અને અટેન્શન-સીકર છે. જીલને મૅથ્સ બહુ ગમે, જિયાને લૅન્ગ્વેજ. જીલ વિચારીને જવાબ આપે, જિયા તરત જ જવાબ આપે.’

દવામાં ગોટાળો

બેઉના સરખા દેખાવને લીધે ક્યારેક કેવા ગોટાળા થાય એની વાત કરતા નેહા કહે છે, ‘એક વાર હું બહાર ગઈ ત્યારે સાસુજીને સમજાવીને ગઈ હતી કે બન્નેને એક જ દવા આપવાની છે, પણ જીલને થોડી વધારે આપવાની છે. ભૂલથી તેમણે જિયાને વધારે દવા આપી દીધી હતી. પહેલાં તો મારે લખવું પડતું કે કોને દવા આપી છે અને કોને બાકી છે. વૅક્સિન માટે પણ એવું જ થતું.’

સ્કુલમાં કન્ફ્યુઝન

બન્ને ચિલ્ડ્રન ઍકૅડેમીમાં એક જ ક્લાસમાં નર્સરીમાં ભણે છે. ટીચર્સ બન્નેને ઓળખી ન શકે, પણ આઇ-કાર્ડ પર નામ હોય એટલે ખ્યાલ આવે. આગળ તેમની માતા નેહા ઉમેરે છે, ‘અગર કોઈ ભૂલથી જીલને જિયા કે જિયાને જીલ કહે તો તેઓ જ સુધારે છે. એક વાત તો મને પાક્કી લાગે છે કે સ્કૂલનાં જે રિપોર્ટ-કાર્ડ આવ્યાં છે એ ઊલટાંસૂલટાં છે, કારણ કે જીલના રિપોર્ટ-કાર્ડમાં રમતિયાળ અને જિયાના રિપોર્ટ-કાર્ડમાં શાંત લખ્યું છે.’

ટેન્શનનો દિવસ

બન્ને નાની હતી ત્યારે બહાર ક્યાંય જવાનું હોય તો અમારા બન્ને ઉપરાંત કોઈ ત્રીજાને પણ સાથે રાખવું પડતું એમ કહેતા નેહા ઉમેરે છે, ‘એક વાર અમે બન્નેને લઈને બહાર ગયા હતા અને જીલ છૂટી પડી ગઈ. અમે એટલા રઘવાયા બની ગયા અને ‘જિયા, જિયા’ના નામની બૂમો મારવા માંડ્યાં. જોયું જ નહીં કે જીલ છે કે જિયા છે. ત્યારે જિયાએ મારો હાથ પકડીને કહ્યું, ‘મમ્મા, હું તો અહીં જ છું. પછી અમને ખ્યાલ આવ્યો કે અમે ખોટા નામની બૂમ મારતા હતાં. અને પછી જીલ પણ મળી.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK