સુવાવડ સિવાય ડૉક્ટર કે હૉસ્પિટલ જોયાં નથી (પીપલ લાઈવ)

Published: 14th December, 2011 08:47 IST

આવું કહેતાં અને બોરીવલીમાં રહેતાં ૮૩ વર્ષનાં વસુમતી મહેતાને એક પળ પણ નવરા બેસવું ગમતું નથી. તેઓ પાંચ જ ધોરણ ભણેલાં છે છતાં ઇંગ્લિશ પટપટ વાંચે છે(પીપલ લાઈવ - fit n fine @ 75+ - હેતા ભૂષણ)

કાઠિયાવાડનાં ગાડિયાધર ગામના મૂળવતની ૮૩ વર્ષનાં દેરાવાસી જૈન વસુમતીબહેન મણિલાલ મહેતાનું જીવન સંઘર્ષમય રહ્યું છે છતાં ક્યારેય તેઓ મનથી નથી હાર્યાં. ૧૭ જૂનને દિવસે જન્મેલાં વસુમતીબહેને જમાના પ્રમાણે ૫ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આગળ ભણવાની ઇચ્છા હતી, પણ આગળ ભણવા પાલિતાણા જવું પડે અને છોકરીઓને બહારગામ ભણવા મોકલાય નહીં એવો રૂઢિચુસ્ત જમાનો હતો. છતાં આજે વસુમતીબહેન અંગ્રેજી વાંચી શકે છે, ફોન-નંબર અંગ્રેજીમાં સાંભળી લખી શકે છે.

જીવનમાં સંઘર્ષ

વસુમતીબહેનનાં લગ્ન ૧૬ વર્ષની ઉંમરે તેમનાથી ૨૦ વર્ષ મોટા મણિલાલ મહેતા સાથે થયાં હતાં. મણિલાલભાઈનાં પહેલાં પત્નીનાં બે બાળકો હતાં અને વસુમતીબહેનનાં ત્રણ દીકરા અને બે દીકરી એમ પાંચ બાળકો થયાં. મણિલાલભાઈ રાજકારણમાં કાર્યરત હતા. તેઓ અલીબાગમાં રહેતા અને વસુમતીબહેન ૧૫થી ૧૭ માણસની રસોઈ એકલે હાથે કરતાં. મણિલાલભાઈ ૫૮ વર્ષે મૃત્યુ પામ્યા અને માત્ર ૩૬ વર્ષની ઉંમરે વસુમતીબહેન વિધવા થયાં અને વૈધવ્યના દુ:ખ સાથે સાત બાળકોની જવાબદારી માથે આવી, પણ હિંમત ન હાર્યાં. આજે ૪૬ વર્ષથી સફેદ સિવાય કોઈ રંગ તેમણે નથી પહેર્યો.

ધોળા દૂધ જેવો સફેદ સાડલો પહેરીને બેઠેલાં અડગ મનોબળવાળાં વસુમતીબહેન એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘સાડીઓ વેચી, ચાદરો વેચી. ઘરનું કામ કરવાનું, કામવાળી પોસાય નહીં. જૈનોની પાઠશાળામાં ભણાવ્યું. સખત મહેનત કરીને અલીબાગમાં સાત બાળકોને મોટાં કર્યાં, ભણાવ્યાં. બાળકો મોટાં થયાં એટલે મુંબઈ આવવાનો નિર્ણય લીધો. હિંમતથી મેં બધાં દુ:ખનો સામનો કર્યો. બાળકો મુંબઈની કૉલેજમાં ભણ્યાં, આગળ વધ્યાં. મારાં દીકરી-જમાઈ, કાકાજીના દીકરા બધાએ મને ખૂબ સાથ આપ્યો અને મારા અડગ મનોબળે મને જિતાડી. મેં હાર કદી નથી માની.’

સાત બાળકોને ભણાવી-પરણાવી થાળે પાડનાર વસુમતીબહેન કહે છે, ‘બહુ જ યુવાન વયે વિધવા થવાથી નર્ણિયો જાતે લેવા પડતા અને એને લીધે હું મનથી ખૂબ સ્ટ્રૉન્ગ થઈ ગઈ.’

સમય-સંજોગોને લીધે તેમણે ઘણાં દુ:ખ જોયાં છે. ૧૯૯૨માં નાના દીકરા ઉમેશ અને વહુ કલ્પનાએ તેમને કામ કરવાની ના પાડી પછી તેમણે સાડી વેચવાનું બંધ કર્યું. પછી તેઓ બીજા દીકરાના ઘરે ગયા. કારણોવશાત્ ૧૫ વર્ષ દીકરીઓના ઘરે, અલીબાગમાં, પોતાના ગામમાં વિતાવ્યાં અને છેલ્લાં બે વર્ષથી પૌત્ર-પૌત્રવધૂ પરીન અને સલોની સાથે બોરીવલીમાં રહે છે.

સતત પ્રવૃત્તિ-કામ

ક્યારેય નવરાં બેસવું જેમને ગમતું નથી એવાં વસુમતીબહેન વટથી કહે છે, ‘આજે ૮૩ વર્ષે પણ બધી રસોઈ હું કરી શકું છું.’

પોતાનાં બધાં કામ પોતાની જાતે કરનાર વસુમતીબહેનને કપડાં સફેદ દૂધ જેવાં જ ગમે તેથી પોતાનાં કપડાં પોતાની જાતે જ ધુએ છે. રોજ પોતાની થાળી-કપ-રકાબી જાતે ઉપાડે છે.

વસુમતીબહેન સ્વચ્છતાનાં ખૂબ જ આગ્રહી છે. ક્યાંય આડોઅવળો સામાન દેખાય તો તરત જ પોતે ગોઠવવા માંડે અને કચરો દેખાય તો જાતે જ સાફ કરવા લાગે.

વસુમતીબહેન કહે છે, ‘આખો દિવસ બેસીને કોઈની પંચાત કે નિંદા કરવી પસંદ નથી અને ટીવી પણ થોડી વાર માટે જ જોઉં છું. છોકરાઓ બહાર જાય તો ડર્યા વિના એકલી ઘરમાં રહી શકું છું.’

ખૂબ જ સુઘડ અને સુવ્યવસ્થિત વસુમતીબહેન વસ્તુઓ-કપડાં-સામાનની ગોઠવણીમાં માહેર છે. અત્યારે પણ પૌત્ર-પૌત્રવધૂનાં કબાટ તેઓ ગોઠવી આપે છે. બહારગામની સૂટકેસ પણ તેઓ વ્યવસ્થિત પૅક કરી આપે છે.

મોતીકામમાં માહેર

કાઠિયાવાડની પ્રખ્યાત હસ્તકલા મોતીકામમાં વસુમતીબહેન માહેર છે. ૮૩ વર્ષની ઉંમરે કોઈની પણ મદદ લીધા વિના કીડિયાં મોતીની ઝીણી સોયના ઝીણા કાણામાં જાતે દોરો પરોવી તેઓ સુંદર કામગીરી કરી જાણે છે. સતત મોતીકામનાં તોરણ, શુભ-લાભ, રૂમાલ, ગૂંથણ, લાલજી અને શ્રીનાથજીના શણગાર તેઓ પોતાના હાથે બનાવે છે. ખૂબ જ ઝીણું અને સમય માગતું મહેનતભર્યું મોતીકામ તેઓ કરે છે. તેમની પૌત્રવધૂ તેમને જરૂરી સામાન લાવી આપી પ્રોત્સાહન આપે છે અને આ બધી પોતાની મહેનતથી બનાવેલી સુંદર મોતીકામની વસ્તુઓ તેઓ પ્રેમથી પોતાના સ્વજનોને ભેટ આપે છે.

દિનચર્યા કેવી છે?

સતત કામ કરતાં રહેતાં વસુમતીબહેન નિયમિત જીવન જીવે છે. સવારે પાંચ વાગ્યે ઊઠી જઈ તેઓ સૌથી પહેલાં ૫થી ૬.૩૦ સુધી મોતીકામ કરે છે. પછી ચા-પાણી કરી સ્નાન કરી સેવાપૂજા કરે છે. નાસ્તામાં એક પૂરી કે એક ખાખરો જ લે છે. રોજ ખૂબ જ રસથી છાપું વાંચે. પછી પૌત્રવધૂ સલોનીને રસોઈમાં મદદ કરે. ઠાકોરજીની પ્રસાદી બનાવવામાં મદદ કરે. બપોરે એક જ રોટલી અને શાક જમે. ખાવાનાં શોખીન છે, પણ શરીર સાચવવા ખૂબ જ ઓછું ખાય છે. સાંજે ચા-પાણી પછી ભગવાનનાં ભજન-પાઠ કરે. પછી વળી પાછાં મોતીકામ કરે. એ પછી સાંજની રસોઈમાં મદદ કરે. શાક સમારવું, બટાટાની છાલ ઉતારવી, કપડાંની ગડી કરવી જેવાં કામ કરાવે. ક્યારેય એક ઘડી નવરાં ન બેસે. ટીવી સાવ ઓછું જુએ. રાત્રે ૧૨ વાગ્યા સુધી મોતીકામ કરે છે.

સ્વસ્થ અને અલમસ્ત

પોતાના કામમાં મસ્ત છું તેથી સ્વસ્થ છું એમ કહી વસુમતીબહેન ઉમેરે છે, ‘મારી પૌત્રવધૂ મને અહીં મારા દીકરાના ઘરે લઈ આવી ખૂબ જ પ્રેમથી રાખે છે. એટલાં માન અને પ્રેમ આપે છે કે જીવનના જૂના સઘળા કડવા અનુભવો હું ભૂલી ગઈ છું અને અહીં ખૂબ જ ખુશ છું. મનની ખુશી અને સંતોષ મળ્યાં છે તેથી મારી તબિયત પણ સારી રહે છે. મને બ્લડપ્રેશર, ડાયાબિટીઝ જેવા કોઈ રોગ નથી. સુવાવડ સિવાય ક્યારેય ડૉક્ટર કે હૉસ્પિટલ મેં જોયા નથી. પંખાની પણ મને જરૂર નથી. ભારતભરનાં યાત્રાસ્થળોએ હું ગઈ છું. દ્વારકા-પોરબંદર-હરિદ્વાર-ઋષિકેશ બધે જ યાત્રા કરી છે. હમણાં બે વર્ષ પહેલાં મારી પુત્રવધૂના અસ્થિવિસર્જન માટે કુટુંબીજનો હરિદ્વાર ગયા હતા અને ૮૧ વર્ષે ગંગાસ્નાન કરી હું પાવન થઈ છું. મારાં બાળકોએ મને આપેલો પ્રેમ અને આદર મારી શક્તિ છે. ખૂબ જ બિઝી રહેતો પૌત્ર પણ સવારના ને રાત્રે આવીના મારા ખબર-અંતર લે છે. મારાં દીકરી-જમાઈઓએ મારા કપરા કાળમાં મને સાચવી છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK