નો ઝંઝટ, સીધું પ્રપોઝ (પીપલ લાઈવ)

Published: 9th December, 2011 07:41 IST

આવા ઍટિટ્યુડ સાથે સિરિયલોના દિગ્દર્શક મોહિત હુસેને લાંબી લપમાં પડ્યા વગર ઍક્ટ્રેસ છવી મિત્તલ સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. છવીના મારવાડી પરિવારને મુસલમાન સાથે દીકરી પરણે એમાં ખચકાટ હતો, પણ મોહિતને મળીને તેઓે પણ ઇમ્પ્રેસ થઈ ગયેલા(પ્યાર કી યે કહાની સુનો - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

નાના પડદે છવી મિત્તલનું નામ ખાસ્સું જાણીતું છે. ઝી ટીવીની સિરિયલ ‘તુમ્હારી દિશા’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર છવીએ ત્યાર પછી ‘ટ્વિન્કલ બ્યુટીપાર્લર’, ‘વિરાસત’, ‘ગૃહસ્થી’, ‘નાગિન’ અને ‘બંદિની’ જેવી અનેક સિરિયલોમાં પોતાની અદાકારીના રંગ પૂર્યા છે. આ સિવાય તેણે સહારા વનનો શો ‘બૉલીવુડ ઔર ક્યા’માં એક હોસ્ટ તરીકે પણ પોતાની પ્રતિભા પુરવાર કરી છે તો સાથે જ ‘કૈસે કહેં’ જેવી ફિલ્મ દ્વારા બૉલીવુડનો સ્વાદ પણ ચાખ્યો છે. અભિનય ઉપરાંત છવી એક સારી ગાયિકા પણ છે અને બાળપણમાં દૂરદર્શન પર ગીતો પણ ગાયાં છે.

છવીએ દિગ્દર્શક મોહિત હુસેન સાથે લગ્ન કયાર઼્ છે. મોહિત છવીની પહેલી સિરિયલ ‘તુમ્હારી દિશા’ ઉપરાંત તેની પહેલી ફિલ્મ ‘કૈસે કહેં’ના પણ દિગ્દર્શક છે. બન્નેનું માનવું છે કે એક જ ક્ષેત્રની બે વ્યક્તિ જ્યારે લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે એ સંબંધમાં પ્રેમ ઉપરાંત સમજદારીની સુગંધ પણ ભળે છે.

એક જ ક્ષેત્રનાં હોવાનો ફાયદો

અમે બન્ને એક જ ક્ષેત્ર સાથે જોડાયેલાં હોવાનો મને આનંદ છે એમ કહીને છવી ઉમેરે છે, ‘અભિનયની બેઝિક ટ્રેઇનિંગ મને મોહિતે જ આપી છે એવું હું ચોક્કસપણે માનું છું. મોહિતને કારણે હવે હું વસ્તુસ્થિતિને એક દિગ્દર્શકના દૃષ્ટિકોણથી સમજતાં શીખી છું અને બીજી બાજુ મોહિત પણ કલાકારની પરિસ્થિતિ હવે વધુ સારી રીતે સમજી શકે છે. સાથે જ અમારી ઇન્ડસ્ટ્રીમાં અમારે જે તકલીફો ભોગવવી પડે છે અને સમયનો જે ભોગ આપવો પડે છે એનો પણ અમારે એકબીજાને ખુલાસો આપવો પડતો નથી.’

પ્રેમની સીધી રજૂઆત

છવી અને મોહિતની પહેલી મુલાકાત તેમની સિરિયલ ‘તુમ્હારી દિશા’ના સેટ પર થઈ હતી. શૂટિંગના થોડા જ દિવસોમાં બન્નેના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટ્યા અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. એ દિવસોને યાદ કરતાં છવી કહે છે, ‘અમારી લવસ્ટોરીમાં રોમૅન્ટિક કહી શકાય એવું ખાસ કશું નથી, કારણ પહેલેથી જ અમારો સંબંધ ખૂબ મૅચ્ર્યોડ રહ્યો છે. હા, એટલું ખરું કે પ્રેમનો પહેલો એકરાર મોહિતે કર્યો હતો. તેમને મારામાં રસ પડતાં મને એકલીને બહાર લઈ જવું શક્ય ન હોવાથી તેઓ અમારી સિરિયલના દરેક કલાકારોને ગોવાના જાણીતા પબ ટીટોઝમાં પાર્ટી આપવા લઈ ગયા હતા, જ્યાં ડાન્સિંગ ફ્લોર પર ડાન્સ કરતાં-કરતાં તેમણે પોતાના મનની વાત મને કહી દીધી હતી.’

અહીં મોહિત કહે છે, ‘શૂટિંગના પહેલા જ દિવસથી મને છવીમાં સ્પાર્ક દેખાઈ ગયો હતો. દરેક પુરુષની એવી ઇચ્છા હોય કે તેની પત્ની સુંદર અને ટૅલન્ટેડ હોય. એ બધા જ ગુણો છવીમાં દેખાતાં હતાં. તેથી હું તારી જાતને રોકી ન શક્યો અને મને મારા મનની વાત સીધી જ તેને જણાવી દેવાનું વધુ ઠીક લાગ્યું. ગોળ-ગોળ વાત કરીને ઝંઝટમારીમાં કોણ પડે.’

એક વર્ષ બાદ બન્નેએ પોતપોતાના પરિવારજનોને પોતાની પસંદગી વિશે જણાવ્યું. અને ૨૦૦૫ની ૨૪ એપ્રિલે લગ્નસંબંધથી જોડાઈ ગયાં.

પરિવારનો ડર

છવી પોતે મારવાડી હિન્દુ હોવાથી શરૂઆતમાં તેના પરિવારજનોને મુસલમાન મોહિતના હાથમાં પોતાની દીકરીનો હાથ આપતા થોડી અવઢવ હતી. તેમને ડર હતો કે ધર્મના આ ભેદ બન્નેના જીવનમાં આગળ જતાં વિચ્છેદ ઊભો ન કરે, પરંતુ મોહિત સાથેની પહેલી મુલાકાતમાં જ તેમની બધી શંકાઓ ઓગળી ગઈ અને તેમણે આ સંબંધ પર સંમતિની મહોર મારી દીધી.

યાદગાર દિવસ

લગ્નના દિવસને છવી પોતાના જીવનનો સૌથી યાદગાર દિવસ ગણે છે અને આગળ ઉમેરે છે, ‘લગ્ન પહેલાં હું દસ દિવસ સુધી લગાતાર શૂટિંગ કરતી હોવાથી મારી પાસે તૈયારી કરવાનો વધુ સમય નહોતો. વળી, અમારા બન્નેના મનમાં એક વાત પહેલેથી દીવા જેવી સ્પષ્ટ હતી કે અમારે ભભકાદાર વેડિંગના ચક્કરમાં નહોતું પડવું. એથી માત્ર નજીકનાં સગાંસંબંધી અને મિત્રોની હાજરી માટે અમે એક નાનકડો હૉલ બુક કરી લગ્ન કરી લીધાં. ત્યાર પછી હું મૂળ દિલ્હીની હોવાથી ત્યાં એક મોટું રિસેપ્શન રાખ્યું અને મિત્રો તથા સહયોગી કલાકારો માટે મુંબઈમાં બે નાનાં રિસેપ્શનનું આયોજન કર્યું.’

લગ્નની તૈયારીઓ

સમયના અભાવ છતાં છવી પોતાનાં લગ્ન માટે એટલી ઉત્સાહી હતી કે તૈયારીઓની બધી જવાબદારી તેણે પોતાના હાથમાં રાખી હતી. કાર્ડથી માંડી લગ્ન અને રિસેપ્શનના સ્થળ, ત્યાંના ડેકોરેશન, કૅટરિંગ અને શૉપિંગ બધું તેણે જાતે ઑર્ગેનાઇઝ કર્યું હતું.

‘લગ્ન જીવનમાં એક જ વાર થતાં હોવાથી હું તેની સાથે જોડાયેલી નાની-નાની ખુશીઓને મિસ નહોતી કરવા માગતી. એથી શૂટિંગમાંથી જેટલો સમય મળતો એ બધો હું મારું શૉપિંગ-લિસ્ટ પૂરું કરવામાં ગાળતી. મજાની વાત તો એ છે કે છોકરી હોવા છતાં મને મારું શૉપિંગ પૂરું કરવામાં જેટલો સમય નહોતો લાગ્યો એનાથી ઘણો વધારે સમય મોહિત માટેનું શૉપિંગ કરવામાં લાગ્યો હતો. કારણ કે મોહિત સ્વભાવે ખૂબ જ સરળ છતાં ચૂઝી છે. એથી સૌથી પહેલાં તો તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ શોધતાં જ મારે નાકે દમ આવી ગયો, કારણ તેમની ચોખ્ખી સૂચના હતી કે તેમને નાની, સિમ્પલ અને વાઇટ ગોલ્ડમાં રિંગ જોઈએ છે. એવી જ મુશ્કેલી મને લગ્નના દિવસે તેમણે પસંદ કરેલા સાદા કુર્તા-પાયજામાની સાથે માત્ર એક દૂપટ્ટો પહેરી લેવાનું સમજાવવામાં પડી હતી.’ છવી હસતાં-હસતાં કહે છે.

ખૂબ લાડ લડાવે છે

આજે બન્નેનાં લગ્નને છ વર્ષ પૂરાં થઈ ગયાં છે. મોહિત પોતાની બીજી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે તો છવી પણ અનેક નવી સિરિયલોની ઑફરો તથા એસબીઆઇ, ડેટૉલ, રિન વગેરે જેવી ઍડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

બન્નેનું માનવું છે કે લગ્ને તેમના જીવનમાં વધુ સ્થિરતા અને સુરક્ષિતતા આણી છે. છવી કહે છે કે ‘પતિ તરીકે મોહિતને મેળવીને હું ખૂબ ખુશ છું. તેઓ અન્ય પતિદેવો જેવા ડિમાન્ડિંગ નથી અને સાથે જ તેમને વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવા જેવી કંટાળાજનક આદતો પણ નથી. બલ્કે તેઓ એટલી સારી રસોઈ બનાવે છે કે મારા માટે ડાયટ કન્ટ્રોલ કરવો મુશ્કેલ બની જાય છે. વધુમાં તેઓ મારું એટલું બધું ધ્યાન રાખે છે, હું માગું એ લાવી આપે છે અને એટલાં બધાં લાડ લડાવે છે કે હવે તો મને એવું લાગવા માંડ્યુ  છે કે લગ્ન પછી હું ખૂબ બગડી ગઈ છું.’
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK