કાખઘોડીના સહારે ચાલી આ માણસે કેવી રીતે સર કર્યાં સફળતાનાં શિખરો?

Published: 2nd December, 2011 07:36 IST

મલાડમાં રહેતા રમણીક વડગામા એક વર્ષના હતા ત્યારે જ એક પગ અને એક હાથમાં બાળલકવો થયેલો. ફૂટપાથ પર ઊંઘીને અને ઝાડુ-પોતાં કરીને પણ તેમણે દિવસો કાઢ્યા છે. ઓછા અભ્યાસ પછી પણ બહોળા ક્ષેત્રનું નૉલેજ ધરાવતા રમણીકભાઈની સંઘર્ષગાથા પર એક નજર નાખીએ(પીપલ-લાઇવ – I Can - હેતા ભૂષણ)

મલાડમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના ગુર્જર સુથાર જ્ઞાતિના અને મોરબી ગામના રમણીક વડગામા હજી વરસના જ હતા ને તેમને બાળલકવા થયેલો. ત્યારે એની કોઈ જ દવા કે ઇલાજ નહોતાં. માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા છતાં એક હાથમાં એની થોડી અસર રહી ગઈ અને એક પગમાં પોલિયો થઈ ગયો એટલે તેઓ ચાલતાં શીખે એ પહેલાં જ ચાલવા માટે અસક્ષમ બની ગયા.

ચાલવાની કોશિશ

બધાને જોઈને ચાલવા માટે તેમણે કરેલા પ્રયત્નો વિશે રમણીકભાઈ કહે છે, ‘મને યાદ છે કે હું ચાલી શકતો નથી છતાં જે લોકો ચાલી શકતા તેમને જોઈને મનમાં વિચારતો કે બધા ચાલી શકે છે તો હું કેમ ન ચાલી શકું? હું બધાનું નિરીક્ષણ કરતો, પ્રેરણા લેતો અને બે કાખઘોડીની મદદથી ચાલવાનો પ્રયત્ન્ા કરતો. ખૂબબધા પ્રયત્નો કર્યા અને ઘણીબધી વાર પડ્યો. માથામાં વાગતું, કપાળમાંથી લોહી નીકળતું છતાં પ્રયત્નો ન છોડ્યા. અંતે કાખઘોડી સાથે બૅલેન્સ જાળવતાં આવડ્યું અને ચાલવા લાગ્યો.’

ડાન્સમાં અવૉર્ડ યાદગાર

રમણીકભાઈ નાનપણની યાદ તાજી કરતાં ગર્વથી કહે છે, ‘મને ભણવામાં ઓછો અને ઇતર પ્રવૃત્તિમાં રસ વધારે. બાળપણમાં હું ખૂબ જ તોફાની હતો. સ્કૂલ છૂટ્યા પછી અમે મેદાનમાં રમતા, ક્યારેય સીધા ઘરે ન જતા. ચોથા ધોરણમાં રાષ્ટ્રીય શાળામાં ગયો. ત્યાં ‘ફેરિયા’ વિષય પર કવિતા લખી હતી. એમાં મેં ફેરિયો બની કાખઘોડી સાથે માથે ટોપલી લઈ ડાન્સ કરીને કવિતા ગાઈ હતી ત્યારે મને આખા શહેરની અગ્રગણ્ય હસ્તીઓ દ્વારા અવૉર્ડ મળ્યો હતો. ‘અમે ફેરિયા રે...’ કવિતાની પંક્તિઓ મને આજે પણ મોઢે છે.’

બાળપણની નાદાની

નાનપણથી જ ખુદ્દારીનું જીવન જીવવાના અભરખા હતા એ વિશે રમણીકભાઈ કહે છે, ‘ઈશ્વરે પગમાં ખામી આપી ચાલવાની શક્તિ લઈ લીધી હતી, પણ મારા મનમાં આત્મવિશ્વાસ અને હિંમત અકબંધ હતાં. નાનપણમાં નાદાનિયતમાં કંઈક કરી બતાવવા એક વખત ઘર છોડી કાખઘોડી દ્વારા ૮ કિલોમીટર ચાલીને ભાગી ગયો હતો. પૈસા ખલાસ થતાં પાછો આવ્યો. પછી આગળ ભણ્યો તથા વિજ્ઞાન અને ટેક્નિકલ જ્ઞાન લીધું. ૧૧મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને પિતાજીનો મશીન-રિપેરિંગનો ધંધો હતો એટલે ટેક્નિકલ નૉલેજ નાનપણથી જ મળ્યું હતું.’

જાતમહેનત ઝિંદાબાદ

પિતાજીના ધંધામાં જોડાયા એની વાત કરતાં રમણીકભાઈ કહે છે, ‘પિતા ખૂબ જ સ્ટ્રિક્ટ અને મિલિટરી-માઇન્ડેડ. મને સૌથી પહેલાં કામ સોંપવામાં આવ્યું ફૅક્ટરી-વર્કશૉપની સાફસફાઈનું. જમીન પર બેસીને આખી ફૅક્ટરીમાં હું ઝાડં કાઢતો. પછી ધીમે-ધીમે પિતાજીએ વ્યવસ્થા-ટૂલ્સની સાચવણી અને રિપેરિંગ શીખવ્યું. પછી હેલ્પર બનાવ્યો અને ધીરે-ધીરે હું દરેક મશીનને જાણતો-સમજતો તથા રિપેર કરતો થઈ ગયો.’

જાતમહેનતે આગળ આવવાનું મનમાં ભૂત હતું એટલે માતા-પિતા પાસેથી એક પણ પૈસો લેવો નહીં એમ નક્કીને નોકરી કરી એમ જણાવીને આગળ વાત કરતાં રમણીકભાઈ કહે છે, ‘માંડ નોકરી મળી, પણ લાંબી ટકી નહીં. પછી રિસ્ટ-વૉચના સ્પેરપાર્ટ્સ બનાવવાની વર્કશૉપ કરી. એમાં ખોટ ગઈ. પછી રાજકોટ ગયો અને ત્યાંથી જામનગર ગયો. મારી શારીરિક ખામી જોઈને મને કોઈ કામ કે નોકરી ન આપે, પણ પેટને ખાવા તો જોઈએ એટલે દુકાનોમાં વહેલી સવારે ઝાડુ-પોતાં કરવાનું કામ કર્યું. સાથે પુસ્તકો વાંચીને અભ્યાસ ચાલુ રાખ્યો. બહુ હેરાન થયો. કપડાંની ફેરી કરી. થોડો વખત સ્ટેજ પર કામ કર્યું. ટેક્નિકલ જ્ઞાનને લીધે અમુક સ્ટેજ-ઇફેક્ટ સુંદર કર્યું એમાં મારું કામ વખણાયું. જોકે એમાં પણ ઝાઝો ગજ વાગ્યો નહીં. પછી અમદાવાદ ગયો અને ત્યાંથી જીવનને આગળ વધવાનો વેગ મળ્યો.’

ટર્નિંગ પૉઇન્ટ

જામનગરમાં ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ રમણીકભાઈ અમદાવાદ ગયા એ સમયે સરકારે સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી હતી. રમણીકભાઈના મિત્રના પિતા જ એના અધિકારી હતા એ વિશે રમણીકભાઈ કહે છે, ‘હું તેમને જઈ મળ્યો. તેમને મારા પર ખૂબ જ વહાલ. તેમણે મને માર્ગદર્શન આપ્યું અને ફૉર્મ કેમ ભરવાં, કઈ રીતે અરજી કરવી, કઈ રીતે લાઇસન્સ મેળવવું વગેરે સમજાવ્યું. આમ મારા કન્સલ્ટન્સીના કામની શરૂઆત થઈ. હું જેને વર્કશૉપ-ફૅક્ટરી કરવી હોય તેમને બધી માહિતી અને માર્ગદર્શન આપતો. સરકાર તરફથી પણ નવી ફૅક્ટરીની શરૂઆત માટે ઇન્સેટિવ મળતું તેમ જ કન્સલ્ટન્સી ફી પણ. આગળ જતાં એક્સર્પોટ-ઇમ્ર્પોટના સરકારી કામકાજનું તથા વડીલો પાસેથી લીગલ નૉલેજ મળ્યું. કન્સલ્ટન્સીનું કામ પણ વધતું ગયું. ત્યાર બાદ બૉલબેરિંગ બનાવવાની શરૂઆત કરી. મુંબઈના નાગદેવી સ્ટ્રીટના વેપારીઓએ ખૂબ જ ઉત્તેજન આપ્યું. હું પગભર થયો. બે પાંદડે થયો. ગાડી લીધી અને જાતે ડ્રાઇવ પણ કરતો. મુંબઈથી અમદાવાદ સુધી ડ્રાઇવ કરતો. ૧૯૭૩માં હંમેશ માટે મુંબઈ આવી ગયો. હબીબ-દાઉદ નામના વેપારીઓએ ખૂબ કામ અપાવ્યું અને કન્સલ્ટન્સીનું કામ પણ વધતું જ ગયું.’

મુંબઈમાં કન્સ્ટ્રક્શનક્ષેત્રે

રમણીકભાઈ ખૂબ ભણ્યા નથી, પણ અનેક વિષયોમાં ઊંડું જ્ઞાન ધરાવે છે. એમાંનો એક વિષય છે કન્સ્ટ્રકશન. બાંધકામમાં સારુંએવું ટેક્નિકલ નૉલેજ ધરાવતા રમણીકભાઈ કહે છે, ‘જીવનમાં ખૂબ સ્ટ્રગલ કરી છે. ફૂટપાથ અને સ્ટેશન પર પણ સૂતો છું, ત્યાંથી ઉપર આવ્યો છું, પણ અભિમાન નથી. મુંબઈમાં મારા દ્વારા ઑર્ગેનાઇઝ થયેલા ઘણા પ્રોજેક્ટ્સ છે. મેં દરેક પ્રોજેક્ટમાં ૨૪ કલાક ડ્યુટી કરી છે અને આવા પગે ૧૦ માળ ચડીને પણ સુપરવિઝન કર્યું છે. મેં બધે જ મિત્રતા કરી છે અને દુશ્મનીમાં પણ મિત્રતાના સંબંધ જાળવ્યા છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK