"આવા હૅન્ડસમ છોકરાને આખી દુનિયામાં હું ગમી" (પીપલ લાઈવ)

Published: 23rd November, 2011 08:22 IST

આવું સુખદ આશ્ચર્યશિલ્પા મહેતાને ત્યારે થયેલું જ્યારે તેને ખબર પડી કે તેના સાથીકલાકાર દર્શન પંડ્યાને છેલ્લાં ત્રણ વર્ષથી તેના માટે ફીલિંગ્સ છે(પ્યાર કી યે કહાની સુનો - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

સિરિયલો અને નાટકોના કલાકાર દર્શન અને શિલ્પા પંડ્યાની લવસ્ટોરી ભલે ખાધું, પીધું ને રાજ કર્યું જેવી સિમ્પલ હોય; પરંતુ લગ્ન પછીની તેમની ચાહવાની રીત કેવી રીતે નિરાળી છે એ જોઈએ.

ફાયદાની વાત

કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહેતા મૂળ અમદાવાદના દર્શનનાં મમ્મી-પપ્પા ગુજરાતમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રિબ્યુટર અને ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર છે. આ ક્ષેત્રે કરવા પડતા સંઘર્ષથી સારી પેઠે વાકેફ હોવાથી પોતાનો દીકરો અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવે એની સામે તેમનો સખત વિરોધ હતો. તેથી તેમની ઇચ્છાને માન આપી દર્શન ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર તો બન્યો, પરંતુ કહેવાય છેને કે જેને એક વાર અભિનયનો રંગ લાગી જાય તે પછી બીજે ક્યાંય જઈ શકતો નથી. પરિણામે આખરે તે આવ્યો તો ગુજરાતી રંગભૂમિમાં જ.

બીજી બાજુ મુંબઈની જયહિન્દ કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યા બાદ માટુંગાની વેલિંગ્કર્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા કરનાર શિલ્પા મહેતાને પણ કૉલેજકાળ દરમ્યાન જ અભિનયનો એવો ચસકો લાગ્યો કે બીજું બધું પડતું મૂકી તેણે પણ આ જ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. આજે તેનું માનવું છે કે પતિ-પત્ની એક જ ક્ષેત્રમાંથી હોય એ લગ્નજીવન માટે ઉપકારક વાત છે.

પહેલી મુલાકાત

દર્શન અને શિલ્પાની પહેલી મુલાકાત મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાં થઈ હતી. દર્શન અહીં ભારતીય નાટ્ય શિક્ષાપીઠનો ર્કોસ કરી રહ્યો હતો અને શિલ્પા તેની સિનિયર હતી. શરૂઆતમાં માત્ર હાય-હેલોનો સંબંધ ધરાવનારાં આ બન્નેએ આગળ જતાં મનોજ શાહનાં ‘ગુજરાતની અસ્મિતા’ અને ‘શેમરાજ અને સાધવી’ જેવાં કેટલાંક નાટકો સાથે પણ કયાર઼્, પરંતુ દીપક ઘીવાલા અને રાગિણીનું નાટક ‘હેલો પાર્ટનર’ કરતાં-કરતાં ક્યારે તેમની એકબીજા માટેની લાગણીઓ બદલાઈ ગઈ એનો તેમને પણ ખ્યાલ ન રહ્યો.

સાઇલન્ટ લવર

છતાં ત્રણ વર્ષ સુધી દર્શને પોતાની લાગણીઓ મનમાં છુપાવી રાખી અને સાયલન્ટ લવર બની શિલ્પાને ક્યારેય કંઈ કળાવા દીધું નહીં. આખરે એક દિવસ ન રહેવાતાં તેણે બન્નેના એક કૉમન ફ્રેન્ડ મારફત શિલ્પાને પોતાના હૃદયની વાત કહી. એ દિવસને યાદ કરતાં શિલ્પા કહે છે, ‘દર્શન થોડા શાંત સ્વભાવના છે. પોતાના મનની વાત જલદી કોઈને કહેતા નથી. કદાચ આનું કારણ શરૂઆતમાં તે મુંબઈમાં બહુ લાંબો સમય એકલા રહ્યા હતા એ પણ હોઈ શકે. તેથી અમારા મિત્રે મને દર્શનની લાગણીઓની વાત કહી ત્યારે પહેલાં તો મને બહુ નવાઈ લાગી. બીજું એ કે દેખાવમાં દર્શન ખૂબ હૅન્ડસમ છે. લુક્સની બાબતમાં કદાચ મારા કરતાં પણ વધુ સારા કહી શકાય. સાથે ખૂબ ડીસન્ટ પણ ખરા. આવા છોકરાને આખી દુનિયામાં હું ગમી એ વાત મારા માટે સુખદ આશ્ચર્યજેવી હતી. ધીરે-ધીરે મારી ફીલિંગ્સ પણ બદલાઈ ગઈ અને અમે બન્નેએ ઘરવાïળા માની જાય તો લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો.’

સદ્ભાગ્યે બન્નેના પરિવારને પણ આ સંબંધ સામે કોઈ વાંધો ન હોવાથી એક વર્ષ બાદ ૫ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.

લકી ફૉર મી

આજે દર્શન નાટકો ઉપરાંત સિરિયલોમાં પણ અભિનય કરી રહ્યો છે. થિયેટરમાં હાલ તેનું નાટક ‘મમ્મી, તું આવી કેવી?’ ખૂબ લોકપ્રિય નીવડી રહ્યું છે તો સિરિયલોમાં ઝી ટીવીની ‘આપકી અંતરા’માં મુખ્ય હીરોની ભૂમિકા ભજવ્યા બાદ તાજેતરમાં જ તેણે ‘યહાં મૈં ઘર ઘર ખેલી’માં દેબાશિષનું નકારાત્મક પાત્ર પણ ભજવ્યું. અને ‘બાબો આવ્યો કુરિયરમાં’ તથા ‘મિસ ફૂલગુલાબી’માં યાદગાર અભિનય આપનાર શિલ્પા અત્યારે સોનીના ‘કૉમેડી સર્કસ’માં અસોસિયેટ કન્ટેન્ટ ડિરેક્ટરની ભૂમિકા ભજવી રહી છે.

પોતાના જીવનમાં આવેલા ચેન્જ વિશે દર્શન કહે છે, ‘શિલ્પાના આવ્યા બાદ મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને હવે હું વ્યક્તિ તરીકે વધુ સારો બની ગયો હોઉં એવું મને લાગે છે. પહેલાં હું એકલો રહેતો હોવાથી જાતનું બિલકુલ ધ્યાન નહોતો રાખી શકતો. તેણે આવી મારો સંપૂર્ણ વૉર્ડરોબ તો બદલી જ નાખ્યો, પરંતુ સ્વાસ્થ્યની જાળવણી માટે મારા ખાવાપીવાની આદતો પર પણ બહુ ધ્યાન આપે છે અને રોજ મને ડબ્બો ભરી આપે છે. વધુમાં તે મારા માટે લકી પણ પુરવાર થઈ છે. તેની સાથે લગ્ન કર્યા બાદ જ મને ‘આપકી અંતરા’ અને ‘સજન રે જૂઠ મત બોલો’ જેવી સિરિયલોમાં કામ કરવાની તક મળી. મારા ઘરવાળાઓ સાથે પણ તેને ખૂબ બને છે. મારાં મમ્મી-પપ્પા સાથે હું નથી રહેતો એટલી તે ટચમાં રહે છે. વળી મારી નાની બહેન મિથિલાની તો તે ખાસ મિત્ર બની ગઈ છે.’

મેડ ફૉર ઈચઅધર

દર્શનના પારદર્શી અને સરળ સ્વભાવ વિશે શિલ્પા કહે છે, ‘કોઈ પણ બાબતમાં તેમની જરાય રોકટોક હોતી નથી. તેમણે મને મારી સંપૂર્ણ સ્વતંત્રતા અને સ્પેસ આપ્યાં છે. દરેક બાબતમાં પોતાનો મત જણાવી આખરી નિર્ણય તેઓ કાયમ મારા પર છોડી દે છે. અમે પતિપત્ની ઓછાં અને મિત્રો વધારે છીએ. આખા દિવસમાં શું બન્યું એની ઝીણામાં ઝીણી વાત એકબીજાને ન કહીએ ત્યાં સુધી અમને ચેન ન પડે. ક્યારેક કામ પરથી આવતાં મોડું થઈ જાય તો બન્નેને ખબર હોય કે બીજું તેની રાહ જોતું જાગતું જ હશે. એક જ ક્ષેત્ર સાથે સંકળાયેલાં હોવાથી અમે બન્ને એકબીજાને સારી રીતે સમજી પણ શકીએ છીએ અને જરૂર હોય ત્યાં યોગ્ય સલાહ પણ આપી શકીએ છીએ. ઉપરાંત દર્શન પણ હવે મારા ઘરવાળાઓ સાથે ખૂબ હળીમળી ગયા છે. પત્નીના ઘરે તે કંઈ રોકાવાતું હશે જેવો કોઈ છોછ તેમને નથી. મારા પપ્પાને રાંધવાનો ખૂબ શોખ હોવાથી અમે જવાનાં હોઈએ ત્યારે તેઓ ખાસ દર્શનકુમારને ભાવતાં ભોજન બનાવે છે.’

ચાહવાની રીત

માત્ર એક જ બાબત છે જેમાં આ પતિ-પત્ની વચ્ચે આજે પણ ક્યારેક ચકમક ઝરી જાય છે અને એ છે દર્શનનું ભુલકણાપણું. એ વિશે તે કહે છે, ‘હું યાર બહુ ઍબ્સન્ટ માઇન્ડેડ છું. શિલ્પાએ મને બધું બહુ યાદ કરાવ્યા કરવું પડે. જમી લેવાથી માંડીને મારે કરવાનાં કામો પણ તેણે મને યાદ અપાવવાં પડે. જે દિવસે શિલ્પાનો ફોન ન આવે એ દિવસે સાથે લઈ ગયેલો ડબ્બો પણ હું ખાવાનું ભૂલી જાઉં એવો ભુલકણો. એ દૃષ્ટિએ શિલ્પા મારું રિમાઇન્ડર છે.’

શિલ્પા કહે છે, ‘શરૂઆતમાં દર્શનની બધું ભૂલી જવાની આદતથી મને બહુ નવાઈ લાગતી અને ગુસ્સો પણ આવતો, પરંતુ હવે હું તેમને ઓળખી ગઈ છું. તેથી જરૂર પડે ત્યારે હું તેમના ફોનમાં બધાં રિમાઇન્ડર્સ સેટ કરી દઉં છું જેથી ક્યારે શું કરવાનું છે એ તેમને યાદ રહ્યા કરે. એ સિવાય દિવસ આખો ફોન કરી કંઈક ને કંઈક તો યાદ અપાવવાનું જ. બલકે હવે મને પોતાને આ બાબતની એવી આદત પડી ગઈ છે કે જો કાલે ઊઠીને દર્શન બધું યાદ રાખવા માંડે તો મને મારા જીવનમાંથી કશુંક ગુમાવી બેઠાની લાગણી થઈ આવશે. તેમને દરેક વસ્તુ યાદ અપાવ્યા કરવી એ જાણે હવે મારા માટે તેમને ચાહવાની એક રીત બની ગઈ છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK