ડર નથી લાગતો, કારણ કે અમે સજાગ છીએ (પીપલ લાઈવ)

Published: 2nd November, 2011 20:37 IST

દીકરો-દીકરી વિદેશમાં સ્થાયી થયાં હોવાથી સાંતાક્રુઝમાં રહેતાં લલિત અને હંસા સેલારકાને એકલતા સાલે છે, પોતાના પૌત્રોને રમાડવાની ઇચ્છા પણ થાય છે. જોકે તેઓ પોતાની સુરક્ષાને લઈને ખૂબ અલર્ટ છે.(પીપલ-લાઇવ - ૬૦ પછીની લાઇફ - નીલા સંઘવી)

પૉશ લોકૅલિટી તેમ જ સુખી અને શિક્ષિત પરિવાર પર તમે નજર નાખશો તો તમને ખ્યાલ આવશે કે પરિવારનાં સંતાનો શિક્ષણ કે ધંધા માટે વિદેશમાં કે બહારગામ વસે છે. ઘરમાં છે વયસ્ક હુતો અને હુતી બે. સંતાનો પાસે ન હોવાથી એકલતાનો અહેસાસ થવો એ સહજ બાબત છે.

સાંતાક્રુઝમાં રહેતાં લલિત સેલારકા અને તેમનાં પત્ની હંસા સેલારકાને પણ ક્યારેક એકલતાનો અહેસાસ થાય છે, પણ પોતાની પ્રવૃત્તિઓ અને સગાંસંબંધી, મિત્રો સાથે હળતામળતા રહેવાને કારણે એકલતાનો અહેસાસ સહ્ય બન્યો છે.

હમ દો, હમારે દો

મૂળ જામખંભાળિયાના દશા સોરઠિયા વણિક જ્ઞાતિના ૬૬ વર્ષના લલિતભાઈ વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને તેમનાં ૬૨ વર્ષનાં પત્ની હંસાબહેન ગૃહિણી છે. અનેક સંઘર્ષ બાદ સફળતા મળ્યા પછીની આજે શાંતિભરી જિંદગી છે. આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી. પુત્ર ઊર્મિલ, પુત્રવધૂ હેતલ અને બે મીઠડી પૌત્રીઓ સાંજ અને લહેર અમેરિકામાં સ્થાયી થયાં છે. ઊર્મિલ અને તેની પત્ની બન્ને સીએ તેમ જ એમબીએ છે અને બન્ને બહુ ઊંચી પોસ્ટ પર કામ કરે છે. પુત્રી આરતી, જમાઈ અમિતકુમાર અને તેનાં બે બાળકો ઉન્નતિ અને દેવ કૅનેડામાં નિવાસ કરે છે.

સંતાનોના સુખે સુખી

બાળકોના વિદેશવસવાટ વિશે વાત કરતાં હંસાબહેન કહે છે, ‘બાળકોનો વિકાસ જ્યાં હોય ત્યાં તેમણે જવું જ પડે. તેમને અટકાવીને તેમનો વિકાસ અટકાવાય નહીં. સંતાનોના સુખે આપણે સુખી.’

સંતાનો યાદ તો આવે

૧૯૯૫માં દીકરી લગ્ન કરીને પરદેશ ગઈ અને ૧૯૯૮માં દીકરો વિદેશ ગયો એ સમયે અમારી જિંદગીમાં એકલતાનો વળાંક આવ્યો. લલિતભાઈ કહે છે અને પછી વાત આગળ વધારે છે, ‘જોકે દર વર્ષે એકબીજાને રૂબરૂ મળીને એકલતા ટાળવાનો પ્રયાસ કરીએ છે છતાંય થોડું ખૂંચે તો ખરું જ. મુદ્દલ કરતાં વ્યાજ વહાલું એ હિસાબે પૌત્ર-પૌત્રીઓને ન જોઈ શકાય, તેમને ન મળી શકાય એની અકળામણ તો લાગે જ, તેમની યાદ પણ આવે, પરંતુ અમારું બન્નેનું જીવન પ્રવૃત્તિમય હોવાથી આ અકળામણ સહ્ય બને. બે-ચાર દિવસે ટેલિફોન પર વાતચીત થાય એથી સારું લાગે. વળી કુટુંબના લોકો ભાઈ-ભાભી-સાળા વગેરેને અવારનવાર મળતાં હોવાથી જીવન વ્યવસ્થિતપણે જિવાઈ રહ્યું છે.’

સતર્ક છીએ

‘એકલા હોવાને કારણે ડર લાગે?’ એવો પ્રશ્ન પૂછતાં લલિતભાઈ કહે છે, ‘ના, અમારી સોસાયટી સજાગ છે. સોસાયટીમાં ક્યારેય કોઈ ચિંતાપ્રેરક બનાવ નથી બન્યો. જ્યાં તકલીફ થવાની શક્યતા હોય ત્યાં સતર્ક રહીએ છે. ઘરમાં જોખમ રાખતા નથી. વળી નાનો ભાઈ બે બિલ્ડિંગ છોડીને જ રહે છે. તેમની અને તેમના પરિવારની સતત અવરજવર ચાલુ રહે છે. ક્યારેય વિચાર નથી આવ્યો કે શું થશે? ઘરે કામ કરનારમાં મહારાજ ૧૫ વર્ષ જૂનો છે, ડ્રાઇવર દસ વર્ષથી કામ કરે છે, ઑફિસનો સ્ટાફ પણ જૂનો અને વિશ્વાસુ છે. તેમની સાથે ક્યારેય ગુસ્સાથી વાત નહીં કરવાની. તેમની રીઝનેબલ ડિમાન્ડ અમે સ્વીકારી પણ લઈએ છીએ.’

શાંતિપૂર્ણ જીવન

૬૦ પછીની પોતાની લાઇફ વિશે વાતનું સમાપન કરતાં લલિતભાઈ કહે છે, ‘અમારી પરમતત્વ પ્રત્યેની આસ્થા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાતાવરણને બદલતું રાખવાના શાંતિપૂર્ણ પ્રયત્નોને કારણે સારું જીવન જીવીએ છીએ. મુખ્ય યોગદાન હિંમત અને વિશ્વાસ તેમ જ સાહિત્ય, કલા, બાળકલ્યાણ અને હજી પણ પ્રોફેશનલ લાઇફમાં સક્રિયતાને કારણે જીવન સરસ રીતે શાંતિપૂર્ણ જિવાય છે.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK