તે જ્યાં જાય ત્યાં હું તેમની સાથે જ હોઉં (એક દૂજે કે લિએ)

Published: 24th November, 2011 09:35 IST

રવીન્દ્ર અને ભાવના સંઘવીનાં લગ્નને ૫૭ વર્ષ થયાં છે. તેમની વચ્ચેનો મનમેળ સમય સાથે વધુ મજબૂત બન્યો છે. એવી કઈ ખૂબીઓ તેમના વ્યવહારમાં છે જે આ ઓલ્ડીગોલ્ડી કપલને વધુ નજીક લઈ આવી છે એ વિશે જોઈએ વિસ્તારથી(પીપલ-લાઇવ - એક દૂજે કે લિએ - કિરણ કાણકિયા)

તળમુંબઈમાં રહેતા કપોળ વૈષ્ણવ જ્ઞાતિના રવીન્દ્ર ઠાકોરદાસ સંઘવી તેમનાં પત્ની ભાવના સાથે આજે પણ મીઠી મજાકો અને છેડખાની કરતા શરમાતા નથી. ૫૭ વર્ષના સહજીવન બાદ પણ એકમેક માટે કોઈ કંટાળો નથી આવ્યો એ પાછળનું રહસ્ય ખોલતાં ૭૯ વર્ષના રવીન્દ્રભાઈ કહે છે, ‘મારા જીવનમાં લેડીઝ ફર્સ્ટ છે. મારી પત્ની ભાવનાનું વર્ચસ્વ છે એનો મને જરાય વાંધો નથી. હું તો હંમેશાં તેને એમ જ કહું છું કે તું આગળ વધ, હું તારી પાછળ છું.’

એના જવાબમાં ૭૮ વર્ષના ભાવનાબહેન કહે છે, ‘હા, તેમની વાત બરાબર છે. મને હંમેશાં પ્રોત્સાહિત કરતા રહ્યા છે. ભલે અમારા બન્નેના વિચારો ક્યારેક અલગ પડતા હોય છતાં અમે બન્ને અરસપરસથી પ્રભાવિત છીએ.’

ગોલ્ડન પિરિયડ

રવીન્દ્રભાઈ તથા ભાવનાબહેનનાં લગ્ન ૧૯૫૪ની ૧૩ મેએ થયાં. બન્નેએ એસએસસી સુધીનું શિક્ષણ લીધુ છે. બન્નેના જન્મ, શિક્ષણ અને લગ્ન બધું જ મુંબઈમા જ થયુ છે.

ન્યુ ઈરા સ્કૂલમાં ભણેલા રવીન્દ્રભાઈ કહે છે, ‘અમારી સગાઈ તથા લગ્ન વચ્ચે અઢીથી ત્રણ વર્ષનો ગાળો રહ્યો. બન્નેના ઘરમાં હરવા-ફરવાની છૂટ હોવાથી અમે આ ગોલ્ડન પિરિયડમાં ખૂબ હર્યાફર્યા. બન્નેએ એકબીજાના વિચારો જાણ્યા.’

ત્યારે ભાવનાબહેન કહે છે, ‘હું માનું છું કે અણસમજુ હોઈએ ત્યાં સુધી લગ્ન ન કરવાં જોઈએ. મારાં લગ્ન થયાં ત્યારે હું ૧૯ વર્ષની અને તેઓ ૨૦ વર્ષના હતા.’

પ્રેમાળ પરિવાર

ચાર ભાઈઓ અને બે બહેનોનો પરિવાર ધરાવતા રવીન્દ્રભાઈ કહે છે,  ‘અમારો કૉટનનો બિઝનેસ છે. ટેક્સટાઇલ મિલનું કામ મોટા પાયા પર મળતું. પહેલેથી જ હું મારા ફાધર સાથે બિઝનેસમાં જોડાયો. ૪૦ વર્ષ સુધી કામ કર્યું. પછી દસેક વર્ષ એક્સર્પોટનો બિઝનેસ કર્યો. હવે તદ્દન રિટાયર્ડ છું. અમારો ભાઈ-બહેનોનો પ્રેમાળ પરિવાર છે. મારે બે દીકરા છે. મોટો દીકરો મયૂર, તેની પત્ની દેવ્યાની તથા તેને એક દીકરો હર્ષરાજ અને દીકરી દિશા છે. દિશાનાં લગ્ન થઈ ગયાં છે અને તેને પણ એક નાનકડો દીકરો છે. મારો નાનો દીકરો અમર, તેની પત્ની રૂપા તથા તેને બે દીકરા કરણ તથા આકાશ છે. ઈશ્વરની કૃપાએ બધા સુખી છીએ, સંપ છે. બધાને એકબીજાનો સાથ છે.’

ગોલ્ડન જ્યુબિલી

સંગીતપ્રેમી રવીન્દ્રભાઈ કહે છે, ‘મને મ્યુઝિકનો, ગાવાનો શોખ છે. અમે લગ્નની સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી સગાંસ્નેહીઓ અને મિત્રો સાથે ઊજવી. કિશોર મનરાજા તથા ફાલ્ગુની પાઠકને સથવારે ખૂબ જલસો માણ્યો. યોગાનુયોગે મોટા દીકરાનાં લગ્ન વખતે અમે સિલ્વર જ્યુબિલી ઊજવી અને તેની દીકરી દિશા એટલે કે અમારી પૌત્રીનાં લગ્ન વખતે અમારી ગોલ્ડન જ્યુબિલી ઊજવાઈ.’

શોખ અને ધાર્મિકતા

માતાજીમાં ખૂબ આસ્થા ધરાવતા ભાવનાબહેન કહે છે, ‘અમારા ઘરે બે મંદિર છે, માતાજીનું અને શિવજીનું. બન્નેમાં અતૂટ શ્રદ્ધા ને આસ્થા છે. દરરોજ બે કલાક પૂજા કરું છું. અમે મોટે ભાગે બધી જ જાત્રા કરી છે. ઑલ ઓવર ઇન્ડિયા ફર્યા છીએ. સારું વાંચન, ભજન-ર્કીતન ખૂબ ગમે છે.’ 

ભાવનાબહેનને તોરણો અને રંગોળી બનાવવાનો શોખ છે તો નાનપણમાં પતંગ ચગાવવા, ગોટી, ગિલ્લીદંડા પણ રમતાં હતાં. પારકાનું કામ કરી છૂટતાં તેઓ કહે છે, ‘ગમશે, ભાવશે, ફાવશે એવો સ્વભાવ રાખીએ તો ક્યારેય કોઈ સાથે વાંધો ન પડે.’

પોતાના શોખની કમાલની બાજુ પ્રગટ કરતાં ભાવનાબહેન કહે છે, ‘ખાવા સિવાય મને બધા જ શોખ છે.’

હૅપી લાઇફનું સીક્રેટ

લગ્નજીવનનું રહસ્ય ઉઘાડતાં રવીન્દ્રભાઈ કહે છે, ‘લગ્નજીવનનાં બેય ચક્ર સરખાં ફરવાં જોઈએ. ક્યારેક તૂતૂ-મૈંમૈં થાય તો તેને પકડીને ન રાખવી. બધું ભૂલી જવું જોઈએ. અને હા, જીવનમાં ઈગો ન હોવો જોઈએ. ઇગો માણસને જીવતા મારી નાખે. અમારો સુમેળ સારો છે. અમે બન્ને સરસ જિંદગી માણીએ છીએ. બુખારો (પાનાં) રમીએ છીએ. મંદિરોમાં જઈએ છીએ. ઘરનાં કામ કરીએ છીએ. તો દીકરાની ફૅક્ટરી પર પણ જાઉં છું.’

સામા પક્ષે ભાવનાબહેન ઉમેરે છે, ‘મારા માઇન્ડમાં ક્રીએટિવ વિચારો આવે તો હું શૅર કરું છું. કંઈક સારું વાંચ્યું કે સાંભળ્યું હોય તો હું ઘરમાં વહુ, પૌત્ર, પતિને જણાવું છું. તેઓ સ્વભાવે જિદ્દી છે, પરંતુ હું હંમેશાં નમતું આપું જેથી ઝાઝી વડછડ ન થાય. અમારા જીવનમાં આનંદમંગલ છે. એકમેકની હૂંફ અને સાથ-સહકાર હોવાથી તેઓ જ્યાં હોય ત્યાં હું હોઉં.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK