(સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ)
મુલુંડમા રહેતાં કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન રેખા અને કલ્પેશ દેઢિયાને આજે પણ તેમનાં સગાંવહાલાં તેમના ગજબના પ્લાનિંગ માટે ધન્યવાદ આપે છે, કારણ કે ત્રણ વર્ષનો ડિફરન્સ ધરાવતી તેમની બન્ને દીકરીઓના જન્મદિન એક જ દિવસે છે. છ વર્ષની મોટી દીકરી આયુષી અને ત્રણ વર્ષની વંશીનો આજે ૧૪ નવેમ્બર બાળદિને
બર્થ-ડે છે. રેખા અને કલ્પેશ માટે તો આ માત્ર ને માત્ર એક કો-ઇન્સિડન્સ જ છે, પણ લોકો માટે એ અજૂબો છે. આ વિશે વધુ માંડીને વાત કરીએ.
અચાનક જ થયું
અમારા ઘરમાં આયુષી આવી ત્યારે ૩૫ વર્ષ પછી ઘરમાં કોઈ બાળકનો જન્મ થયેલો. એ વિશે વાત કરતાં રેખા કહે છે, ‘મારા હસબન્ડ કરતાં બે મોટા ભાઈઓ ઘરમાં છે, પણ તેમને બાળકો નથી એટલે આયુષી આવી ત્યારે ઘરમાં સૌના આનંદનો પાર નહોતો. દાદા-દાદી, કાકા-કાકીઓ મારા કરતાં વધારે હોંશથી આયુષીને સંભાળતાં. એ વખતે સિઝેરિયન કરી બાળક લીધેલું અને
એમાં ૧૪ નવેમ્બર આવેલી. જોકે એ સામાન્ય હતું, પણ ત્રણ વર્ષ પછી વંશી વખતે મને ડિલિવરી માટે ૧૫ નવેમ્બરની ડેટ આપી ત્યારે અમે સૌ મનમાં વિચારતા હતા કે એક દિવસ વહેલી તારીખ આપી હોત તો બન્ને બહેનોની એક જ તારીખ આવત. એ સમયે પણ મારી તકલીફ વધી જતાં ઑપરેશન કરવું પડેલું અને ૧૪ નવેમ્બરના દિવસે જ બપોરના સમયે વંશીનો જન્મ થયો. આમ જોગાનુજોગ બન્ને બહેનોનો સેમ બર્થ-ડે આવ્યો.’
કોઈ માને જ નહીં
જે દિવસે વંશી જન્મી એ દિવસે કલ્પેશભાઈને બધા આયુષીના જન્મદિનની વધાઈ આપવા ફોન કરતાં અને કલ્પેશભાઈ સામે કહેતા કે મારી બીજી દીકરીનો જન્મ પણ આજે જ થયો છે તો એ માટે પણ વિશ કરી લો તો કોઈ માને જ નહીં.
આ વાતને આગળ વધારતાં રેખા કહે છે, ‘અમને ખરેખર એ સમયે અજુગતું લાગેલું. મારી દીકરી જન્મી છે એવું પિતા પોતે કહેતા હોય ને લોકો ન માને તો આર્ય તો થાય જને. કલ્પેશ થોડા મજાકિયા સ્વભાવના છે એટલે જે પણ આયુષીને વિશ કરવા ફોન કરે તેને આ ન્યુઝ આપતા અને સામે કોઈ માને જ નહીં. શું મજાક કરે છે કહીને વાતને ઉડાવી દેતા. કેટલાક નજીકના લોકોને તો મારાં સાસુએ ફોન કરીને જણાવ્યું ત્યારે તેમણે માનેલું.’
માત્ર બર્થ-ડે જ સેમ
આ બન્ને બહેનોના માત્ર બર્થ-ડે જ સેમ છે; બાકી તેમનો સ્વભાવ, પસંદ-નાપસંદ બધામાં જમીન-આસમાનનો ફેર છે. એ વિશે રેખા ઉમેરે છે, ‘આયુષી સ્વભાવે એકદમ શાંત, ભાવુક અને સમજુ છે અને વંશી જિદ્દી, બહુ જ ચપળ પોતાનું ધાયુર્ કરનારી છે. બીજી તરફ આયુષીના ખાવામાં બહુ નખરાં હોય અને વંશી જે આપો એ ખાઈ લે. આયુષી તો ક્યારેક મને ઘરકામમાં પણ મદદ કરે. કામવાળી ન આવી હોય એ દિવસે જીદ કરીને કચરા-પોતાં કરે. બન્ને રાત્રે વાર્તા સાંભળ્યા વિના સૂએ જ નહીં.’
તૈયાર થવું બહુ ગમે
મુલુંડના એલબીએસ રોડ પર આવેલી ફ્રેન્ડ્સ ઍકૅડેમી સ્કૂલમાં આયુષી પહેલા ધોરણમાં અને વંશી સિનિયર કેજીમાં ભણે છે. બન્ને બહેનોને ગરબાનો બહુ શોખ છે. જ્યારે પણ રજા હોય ત્યારે તેઓ મમ્મીના દુપટ્ટાની સાડી બનાવી પહેરે અને કારણ વગર તૈયાર થઈને આખા ઘરમાં દોડાદોડ કરી મૂકે. બન્નેના ગરબાપ્રેમ વિશે રેખા કહે છે, ‘આયુષી અને વંશીને નાચવાનો ગાંડો શોખ છે. જરાક મ્યુઝિક વાગ્યું નથી ને બન્ને જણી નાચવા મંડી પડે અને સહેજ પણ ન શરમાય. આયુષીને તો એ માટે ઘણાં ઇનામો પણ મળ્યાં છે.’
એક પાર્ટીથી કામ ન પતે
તમને એમ હોય કે બન્ને બહેનોના બર્થ-ડે એક દિવસે હોવાથી તેમના પેરન્ટ્સનો ડબલ પાર્ટીનો ખચોર્ બચી જતો હશે તો એવું જરાય નથી. એ વિશે રેખા કહે છે, ‘આયુષી અને વંશીને ખબર છે કે તેમનો સેમ ડે બર્થ-ડે છે એટલે તેઓ જીદ કરીને અલગ-અલગ પાર્ટીની ડિમાન્ડ કરે અને બન્નેની ડિમાન્ડ પણ પાછી હાઇ-ફાઇ હોય. બન્નેને ગિફ્ટ પણ એક્સ્ટ્રા-ઑર્ડિનરી જોઈતી હોય. સેમ-ટુ-સેમ ગિફ્ટ ચાલે જ નહીં. હજી ગયા વર્ષે જ અમે ૧૪ નવેમ્બરે મારા સાસરે આયુષીનો બર્થ-ડે ઊજવ્યો અને એ પછીના દિવસે મારા પિયરમાં વંશીનો જન્મદિન ઊજવ્યો.’
બાળદિન અને બર્થ-ડે
આયુષીને જ્યારે કોઈ પૂછે કે તારો બર્થ-ડે ક્યારે તો તે તારીખ કહીને એ દિવસનું મહત્વ સમજાવવા બેસી જાય છે. પોતાની નાજુક અને મીઠી ભાષમાં આયુષી કહે છે, ‘મારો બર્થ-ડે બહુ સ્પેશ્યલ છે, કારણ કે ચાચા નેહરુનો બર્થ-ડે પણ સેમ ડેટના છે. મને સ્કૂલમાં પણ બધા કૉન્ગ્રેચ્યુલેટ કરે ત્યારે હું બહુ પ્રાઉડ ફીલ કરું અને ખાસ વાત તો એ કે મારી બર્થ ડેટ બધાને ઈઝીલી યાદ પણ રહી જાય. કોઈ અજાણ્યા લોકોને હું અને વંશી સાથે હોઈએ અને અમારી બર્થ-ડેટ સેમ છે એમ કહીએ તો એ લોકો બિલીવ જ નથી કરતા. એ લોકોને લાગે છે કે વંશી નાની છે એટલે મારી કૉપી કરે છે.’