પત્ની પિયર જાય ત્યારે મળવા મારે માત્ર એક જ દાદરો ઊતરવાનો હોય (પીપલ લાઈવ)

Published: 8th November, 2011 19:50 IST

આવું કહેતા પ્રેમલ પારેખે તેની નીચેના ફ્લૅટમાં રહેતી સ્નેહા દેઢિયા સાથે લગ્ન કર્યા એવી રીતે તેનાં મમ્મી-પપ્પા નીના અને યોગેશ પારેખે પણ ઉપર-નીચે રહેતાં હતાં ને પ્રેમલગ્ન કરેલાં- પીપલ લાઈવ (પાડોશી બન્યાં પતિ-પત્ની - હેતા ભૂષણ)

મલાડ (વેસ્ટ)માં એન. એલ. હાઈ સ્કૂલની સામે પ્રેમકુંજ અપાર્ટમેન્ટમાં કચ્છી સ્થાનકવાસી જૈન સ્નેહા દેઢિયા રહેતી અને સામેના જ સૌરભ બિલ્ડિંગમાં દેરાવાસી જૈન પ્રેમલ પરીખ રહેતો. બન્ને જણ ઇન્ફન્ટ જીઝસ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં. એક જ સ્કૂલમાં હોવાથી ઓળખાણ હતી, પણ ત્યારે બહુ બોલવાનું થતું નહીં.

આગળ જતાં સ્નેહા મીઠીબાઈ કૉલેજમાં ભણવા લાગી અને પ્રેમલ ચેમ્બુરની વિવેકાનંદ કૉલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ત્યારે તેમની વચ્ચેનો કૉન્ટૅક્ટ ઝીરો થઈ ગયો. પછી અચાનક તેઓ મળ્યાં, સંબંધ બંધાયો અને પ્રેમ સુધી લઈ ગયો.

પ્રેમનો એકરાર

પ્રેમના દિવસોની વાત કરતાં પ્રેમલ કહે છે, ‘બસ, સ્નેહા મને મળવાની હશે એટલે ફરી અચાનક જ બિલ્ડિંગમાં નીચે મળ્યાં ત્યાં વાતચીતનો સંબંધ બંધાયો. બાકી આમ તો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ અને કૉમર્સ સ્ટુડન્ટનો મેળ ન પડે. સ્નેહાના કૉમર્સ ક્લાસિસના મિત્રો સાથે મારી પણ મિત્રતા હતી અને પછી તો તેના બધા ફ્રેન્ડ્સ મારા ફ્રેન્ડ્સ બની ગયા.’

પ્રેમના એકરારની ક્ષણોની વાત કરતાં પ્રેમલ કહે છે, ‘અમે પાસે રહેતા હોવાથી એકબીજાને ખુબ મળતા. એકબીજાને પસંદ પણ કરતા હતા. અમારા મનની લાગણી અમારા મિત્રો ઓળખી ગયા હતા. એક દિવસ તેમણે કાવતરું કર્યું. બધાએ નક્કી કર્યું કે જુહુ બીચ ફરવા જઈશું. હું પહોંચી ગયો. સ્નેહા પણ કૉલેજમાંથી આવી, પરંતુ બીજા કોઈ મિત્રો આવ્યા જ નહીં. ઑગસ્ટ મહિનો હતો. ઝરમર વરસાદ વરસતો હતો. જુહુ બીચ ખાલી હતો અને મારા મનની પ્રેમની લાગણીઓ ઊછળીને બહાર આવવા માગતી હતી. ઘરે પાછા ફરતી વખતે બિલ્ડિંગની બહાર સ્નેહાને I Love You કહી જ દીધું. છોકરીઓના સ્વભાવની જેમ તરત નહીં પણ બે-ત્રણ મહિના પછી સ્નેહાએ હા કહ્યું હતું’

પાડોશપ્રેમની મજા

પાડોશમાં જ પ્રેમી-પ્રેમિકા હોય તો પ્રેમની લિજ્જત કંઈક ઑર જ હોય એમ જણાવતાં પ્રેમલ કહે છે, ‘જ્યારે ઇચ્છું ત્યારે સ્નેહાને જોઈ શકું. ફોનમાં વાત કરતાં-કરતાં પણ સ્નેહા બારીમાં આવે. હું મારા ગ્રાઉન્ડ ફ્લોરના ઘરની બહાર આવીને તેને જોતાં-જોતાં તેની સાથે વાત કરી શકું.’

સ્નેહા પણ એ વિશે કહે છે, ‘બીજા પ્રેમીઓ કરતાં અમે નસીબદાર હતાં કે આવતાં-જતાં એકબીજાને મળી શકીએ. નાનાં-નાનાં બહાનાં કરીને પણ મળી શકાય.’

સ્નેહાની વાત સાંભળીને પ્રેમલ હસતાં-હસતાં કહે છે, ‘અમારા પ્રેમના દિવસોમાં સ્નેહા મમ્મીને ખૂબ જ વહાલી થઈ ગઈ હતી, કારણ કે મમ્મીને ઘરમાં કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે અને બધાં જ નાનાં કામ માટે સ્નેહા નીચે ઊતરતી એથી તેનાં મમ્મી પણ ખુશ હતાં કે મારી દીકરી કેટલી ડાહી છે. જોકે સ્નેહા મને મળી શકાય એટલે નીચે ઊતરીને કામ કરવાની ક્યારેય ના ન પાડતી.’

સ્નેહા પ્રેમલ સામે મીઠું મલકે છે અને કહે છે, ‘બસ, આમ જ રોજ થોડી-થોડી વાર માટે મળીને અમારો પ્રેમ આગળ વધતો હતો. પ્રેમલના ઘરે ખબર હતી અને તેમને વાંધો પણ નહોતો.’

ઘર બદલાયું, પાડોશી એ જ રોજ મળતાં સ્નેહા-પ્રેમલને પાડોશી તરીકે છૂટાં પડવાનો સમય આવ્યો. પ્રેમલના વડીલોએ રામચંદ્ર લેનમાં બંધાતા અપાર્ટમેન્ટમાં પાંચમા માળે જગ્યા બુક કરાવી. આ વાતની ખબર સ્નેહાના ઘરમાં પડી. જૂની ઓળખાણ હતી જ. સ્નેહાનાં મમ્મી-પપ્પા તેમના ઘરે નવા ઘર બાબતે પૂછપરછ કરવા આવ્યાં અને પછી તેમણે પણ એ જ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે જગ્યા લખાવી. વિધિના લેખ પ્રમાણે પાડોશમાં પ્રેમ કરતા પ્રેમીઓ નવા સ્થાને પણ પાડોશી જ રહ્યા.

નવું ઘર લીધું એ વખતે સ્નેહાના ઘરે બન્નેના પ્રેમની ખબર નહોતી, પણ તેમના પ્રેમની હવા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. સ્નેહાના પપ્પાએ તેને મળવા બોલાવ્યો. પ્રેમલ અને સ્નેહા કહે છે, ‘પહેલેથી ઓળખાણ હતી. જ્ઞાતિનો કે કુટુંબનો કોઈ પ્રશ્ન નહોતો. બન્ને એકબીજાને પ્રેમ કરતાં હતાં અને ભણેલાં હતાં એટલે કોઈ જ પ્રૉબ્લેમ ન આવ્યો. અમારા પ્રેમને વડીલોના આર્શીવાદ મળ્યા.’

પેરન્ટ્સની રાહ પર

માતા-પિતા નીના પારેખ અને યોગેશ પારેખ મલાડમાં નરસિંહ લેનમાં રમેશ અપાર્ટમેન્ટમાં ઉપર-નીચે રહેતાં હતાં અને તેમણે પાંચ વર્ષ છૂપો-પ્રેમ કર્યા બાદ ૧૯૮૦માં પાડોશમાં પ્રેમલગ્ન કર્યા હતાં. આ વિશે પ્રેમલ કહે છે, ‘મે તો અમારા ઘરની પાડોશીને પ્રેમ કરવાની પરંપરા આગળ વધારી છે.’

સગાઈ અને લગ્ન

૨૦૦૯માં બન્નેની સગાઈ થઈ એ વિશે પ્રેમલ કહે છે, ‘અમે સમગ્ર પ્રસંગની તૈયારી સાથે મળીને કરી. ૩૦૦ જણની હાજરીમાં ફૉર્મલ Knee down પ્રપોઝ સાથે ડાન્સ અને કેક-કટિંગનું સુંદર આયોજન કર્યું, જે આજ સુધી યાદગાર છે.’

લગ્નના આયોજનની વાત કરતાં સ્નેહા કહે છે, ‘લગ્નની દરેક તૈયારી અમે સાથે મળીને કરી. દરેક શૉપિંગમાં મમ્મી-પપ્પાએ પ્રેમલનો અને સાસુમાએ મારી પસંદગીનો ખ્યાલ રાખ્યો. બધું જ સુંદર રીતે પાર પડ્યું. ૨૦૧૦ના જૂન મહિનામાં અમારાં લગ્ન થયાં. લગ્ન બાદ મને હું ઘર છોડીને સાસરે આવી છું એવું લાગતું નથી.’

સરપ્રાઇઝની બોછાર

સ્નેહા અને પ્રેમલ ખૂબ રોમૅન્ટિક કપલ છે. તેમના ૨૦૦૪થી શરૂ થયેલા પ્રેમમાં સાત જન્મદિવસોમાં તેઓ એકબીજાને જુદી-જુદી સરપ્રાઇઝ આપતાં જ રહ્યાં છે. પહેલા જન્મદિવસે પ્રેમલને સ્નેહાએ મોટું બર્થ-ડે કાર્ડ આપ્યું હતું. એકબીજાને સરપ્રાઇઝ આપવાનો આ સિલસિલો આજ સુધી ચાલુ જ છે. સુંદર સ્ક્રૅપબુક, કૅન્ડલથી સજાવેલો રૂમ, બલૂનથી ભરેલો રૂમ જેવી સરપ્રાઇઝ તેઓ પ્લાન કરતાં જ રહે છે.

ફાયદા જ ફાયદા

પાડોશમાં જ સાસરું-પિયર હોવાના ફાયદા-નુકસાન વિશે પૂછતાં પ્રેમલ અને સ્નેહા બન્ને બોલી ઊઠે છે કે એના ફાયદા જ ફાયદા છે. પ્રેમલ કહે છે, ‘માતા-પિતાને દીકરી સાસરે સુખી હશે એની ચિંતા હોય. અહીં તો તેમની દીકરી સ્નેહા તેમની નજર સામે જ છે અને ખુશ છે. ઉપર-નીચે રહેવાથી દરેક પ્રસંગ-જન્મદિન સાથે મળીને ઊજવી શકાય અને ઇમર્જન્સીમાં પણ સાથ અને મૉરલ સર્પોટ રહે.’

ઉપર-નીચે રહેતાં હોવાથી સાસરે ગયા પછી મને કંઈ નવું જ ન લાગ્યું એ વિશે સ્નેહા કહે છે, ‘કંઈ જરૂર પડે તો તરત મમ્મીને જઈને પૂછી શકું, ઉપરથી લાવી શકું. મારી બે બહેનોની હું બહુ નજીક છું. તેમને સદા વહાલ કરી શકું, મમ્મીને બહાર જવું હોય તો બહેનો અને પપ્પાને તથા પ્રેમલ અને મમ્મીને સંભાળી શકું.’

સ્નેહાને ગમે ત્યારે તેના ઘરે રોકાવા જવાની છૂટ છે એવું રુઆબપૂર્વક ઉમેરતા પ્રેમલ કહે છે, ‘તે બે-ત્રણ દિવસ જાય તો મને વાંધો નથી આવતો, કારણ કે તેને મળવા હું દિવસમાં ચારથી પાંચ વાર ઉપર જાઉં છું અને કામ હોય તો તે નીચે આવી જાય છે.’
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK