ડર વળી શેનો? ઉંમર થઈ છે પણ હજી હૈયામાં હામ તો એટલી જ છે (પીપલ લાઈવ)

Published: 25th November, 2011 07:10 IST

૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે થયેલા યુદ્ધમાં બૉર્ડર પર જઈને મુકાબલો કરી આવેલા ૭૫ વર્ષના જેઠાલાલ ને ચંદ્રકલા કાણકિયાના બન્ને પુત્રો વિદેશમાં સ્થાયી થયા છે. એકલું રહેતું આ દંપતી નીડરતાથી પોતાની લાઇફ જીવી રહ્યું છે(પીપલ-લાઇવ - ૬૦ પછીની લાઇફ - નીલા સંઘવી)

જેઠાલાલ અને ચંદ્રકલા કાણકિયાના બન્ને પુત્રો વિદેશ હોવાથી તેઓ અત્યારે કાંદિવલીમાં રહે છે. મૂળ અમરેલીના કપોળ વાણિયા ૭૫ વર્ષના જેઠાલાલ અને ૭૨ વર્ષના ચંદ્રકલાબહેન અત્યારે નિવૃત્ત જીવન માણી રહ્યાં છે. પરિવાર છે પણ પાસે નથી એની વેદના તેમને છે છતાં તેમનો જીવનરથ તેઓ આનંદથી હંકારી રહ્યાં છે. જોઈએ કેવી રીતે.

પરિવાર ક્યાં છે?

જેઠાલાલ અને ચંદ્રકલાબહેનનો મોટો પુત્ર કિરીટ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને તેની વાઇફ મીના સાથે ઍટલાન્ટામાં સેટલ થયો છે. નાનો પુત્ર વિવેક કેમિકલ એન્જિનિયર છે. તે અમેરિકામાં ઓહાયા શહેરમાં સેટલ થયો છે અને તેની પત્ની નેહા આર્કિટેક્ટ છે.

કાંદિવલીમાં તેમની આજુબાજુમાં તેમના સંબંધીઓ રહે છે અને વારતહેવારે તેઓ અવરજવર પણ કરે છે. એ વિશે ચંદ્રકલાબહેન કહે છે, ‘મોટે ભાગે અમે વ્યવહાર માટે બહાર જવાનું ટાળીએ છીએ. આડોશ-પાડોશના લોકો સારા છે અને કામ પડે ત્યારે હાજરાહાજૂર હોય છે.’

ન લવ ન અરેન્જ્ડ

૧૯૫૯માં થયેલાં પોતાના લગ્ન વિશે રસપ્રદ વાત કરતાં ૭૨ વર્ષનાં ચંદ્રકલાબહેન કહે છે, ‘અમારાં લગ્નને તમે ન તો લવમૅરેજ કહી શકો ન અરેન્જ્ડ. વાત એમ છે કે મારા પતિ મારી બહેનના દિયર છે. બહેનનાં લગ્ન કાણકિયાપરિવારમાં થયાં. પરિવાર સારો, સુસંસ્કૃત એટલે મારાં બાની ઇચ્છા હતી કે મારે આ ઘરમાં બીજી દીકરી આપવી છે. એમાંય મારી બહેનના દિયર હોવાને નાતે મારાં બહેન-બનેવી સાથે તેમની અવરજવર અમારા ઘરે રહેતી. અમે એકબીજા સાથે વાત કરતાં અને કદાચ અમે એકમેકને પસંદ પણ કરતાં હતાં, પણ પ્રેમ કે એવું કંઈ નહીં. મારાં બાની ઇચ્છાને કારણે અમારાં લગ્ન ગોઠવાયાં અને અમે પતિ-પત્ની બની ગયાં.’

મિલિટરીમૅન

વેલબિલ્ડ બૉડી ધરાવતા જેઠાલાલે મિલિટરી જૉઇન કરી હતી. તેઓ ૧૫ વર્ષ ઇન્ડિયન ઍરર્ફોસ મિલિટરીમાં હતા. ચીન સામે લડાયેલી ૧૯૬૨ની લડાઈમાં જેઠાલાલ બૉર્ડર પર હતા અને તેમણે લડાઈમાં પણ ભાગ લીધો છે. એ સમયની વાત કરતાં ચંદ્રકલાબહેન કહે છે, ‘એ સમય બહુ જ મશ્કેલ હતો. લગ્ન થઈને તરત તેઓ મિલિટરીમાં ગયા એટલે પિયરમાં બધા રડે કે આ છોકરીનું શું થશે? બૉર્ડર પર તેઓ ત્રણ વર્ષ રહ્યા. સખત ટેન્શન થાય. એ વખતે તો આટલીબધી સુવિધા પણ ન હતી એટલે વાતચીત ન થઈ શકે, કૉન્ટૅક્ટ કરવો જ મુશ્કેલ. ટીવી પણ નહોતું. રેડિયો પર સમાચાર સંભળાય એના પરથી પણ કેટલી ખબર પડે?’

ચંદ્રકલાબહેનની વાત પૂરી થતાં જેઠાલાલ કહે છે, ‘પહેલાં તો અમે પત્ર લખતા કે ઘરેથી પત્ર આવતા, પણ પછી તો પત્ર સેન્સર થતાં એને કારણે પત્રો લખવાના પણ બંધ થયા, પરંતુ બધું સમુંસૂતરું પાર ઊતર્યું.’

પ્રામાણિક રહ્યાં

૧૫ વર્ષની સર્વિસ પછી પરિવારજનોના આગ્રહને કારણે જેઠાલાલ મિલિટરી છોડીને સુરત રહેવા આવી ગયા. એ વિશે તેઓ કહે છે, ‘હું સુરતમાં રેડીમેડ ગાર્મેન્ટ્સના એક્સર્પોટર્સ માટે કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત બન્યો. એ જમાનામાં કલાકના ૨૫૦ રૂપિયા ફી લેતો હતો. ત્યાર બાદ એક રેડીમેડ ગાર્મેન્ટ્સની ફૅક્ટરીનો મૅનેજર બન્યો.’  

જેઠાલાલની વાતને આગળ વધારતાં ચંદ્રકલાબહેન કહે છે, ‘એ ફૅક્ટરીમાં ૧૮૦૦ કારીગરો હતા. બધું જ તેમના (જેઠાલાલના) હાથમાં હતું. જો તેમણે કમિશન લીધું હોત તો અધધધ રૂપિયા ભેગા કરી લીધા હોત; પણ તેઓ ખૂબ પ્રામાણિક અને સિદ્ધાંતવાદી, ક્યારેય ખોટું કામ ન કરે.’

એકલતા તો ખરી

આટલો સરસ સમય જીવી લીધો હોવાથી હવે તેમને એકલતા વધુ કોરી ખાય છે. જેઠાલાલને તબિયતના થોડા પ્રૉબ્લેમ્સ છે, પણ બહોળું વાંચન અને સમજ ધરાવવાને કારણે તેમણે બધું ઈશ્વરઇચ્છા સમજીને સ્વીકારી લીધું છે. ચંદ્રકલાબહેનને પણ ઘૂંટણની તકલીફ છે. જેઠાલાલ અત્યારે નિવૃત્ત છે અને ચંદ્રકલાબહેન એક ભજનમંડળી સાથે જોડાયેલાં છે. અગિયારસ અને બીજા અમુક દિવસોએ તેઓ તેમના મંડળ સાથે ભજન ગાવા જાય છે. જેઠાલાલ વાંચન અને ટીવી જોઈને સમય પસાર કરે છે. ચંદ્રકલાબહેન હવે રસોઈ જાતે બનાવતાં નથી. ટિફિન મગાવીને જમી લે છે.

ડર શેનો લાગે?

૬૦ પછી જિંદગી થોડી અઘરી થઈ જતી હોય છે. બાળકો પરદેશ સ્થાયી થયાં હોય અને આપણને પરદેશમાં ગમે નહીં એટલે બે જણે એકલા રહેવું પડે, પણ બે જણ છીએ ત્યાં સુધી વાંધો નહીં એવું કહેતાં જેઠાલાલ ઉમેરે છે, ‘એકલા છીએ તો ડર શેનો લાગે? ચીન સામે સામી છાતીએ લડનાર વ્યક્તિને ડર વળી કેવો? ભલે ઉંમર થઈ, હૈયામાં હામ હજી એટલી જ છે’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK