ઉંમર વધે તેમ જો મિતાહારી બનીએ તો સ્વસ્થ રહેવાય (પીપલ લાઈવ)

Published: 1st November, 2011 18:01 IST

આવું માનતા ૭૫ વર્ષનાં કળા મહેતા અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે અને એનાં કાયોર્ માટે આ ઉંમરે પણ તેઓ થાક્યાં વિના ગમેએવી દોડાદોડ કરી શકે છે(પીપલ લાઈવ - Fit @ 75 - કિરણ કાણકિયા)

જીવન પ્રત્યે પૉઝિટિવ અપ્રોચ ધરાવતાં, ઉત્સાહથી સતત છલકાતાં, ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતાં, સમયબદ્ધતા અને ચોક્કસાઈના આગ્રહી અને સ્પષ્ટવક્તા કળા મહેતા બોરીવલીમાં રહે છે. મૂળ સૌરાષ્ટના સથરા ગામમાં જન્મેલા અને કપોળ વૈષ્ણવ જ્ઞાતિના કળાબહેનનું જીવન પ્રેરણાદાયી અને યંગને શરમાવે તેટલું ઍક્ટિવ છે.

જીવન-સંઘર્ષ

કળાબહેન ૧૦ વર્ષ ગામમાં રહ્યાં હતાં. પછી મુંબઈ આવ્યાં એ વિશે તેઓ કહે છે, ‘૧૯૩૬માં મારો જન્મ થયો. અમે પાંચ બહેનો તથા ત્રણ ભાઈઓ. આર્થિક સ્થિતિ મધ્યમ. સાત ધોરણ સુધી ભણી અને પછી ૧૯૫૩માં મારાં લગ્ન સાવરકુંડલાના રજનીકાન્ત મહેતા સાથે થયાં. સાસરાની સ્થિતિ પણ નબળી. મારા પતિ બીએ, બીકૉમ અને એમકૉમ ભણ્યા હોવાથી મને પણ ભણવાની ધગશ જાગી અને ઘરે અંગ્રેજી શીખવા માટે ટ્યુશન રાખ્યું હતું અને હું એ શીખી. મારા પતિએ મને જીવનની દરેક ક્ષણે પ્રોત્સાહન આપ્યું એટલે જ હું આજે સક્રિય છું. મારે ચાર બાળકો છે. બે દીકરા-વહુ ધીરેન-નીતા તથા જિતેન-જયના અને બે દીકરીઓ જયશ્રી ગીતેશ પારેખ અને પ્રીતિ જિતેન્દ્ર નાણાવટી. જિતેનના બે દીકરા રોનિલ અને નિકેત છે. હજી ત્રણ મહિના પહેલાં જ મારી પુત્રવધૂ નીતાનું અવસાન થયું, જેનું મને ભારે દુ:ખ છે. મારા પતિનો ૨૦૦૪માં દેહવિલય થયો. તેમની સ્મૃતિમાં દર વર્ષે ‘શ્રીજી દર્શન’ પંચાગ છપાવી વહેંચું છું.’

તંદુરસ્તીનું રહસ્ય

પોતાના સ્વાસ્થય વિશે કળાબહેન કહે છે, ‘હું કદી માંદી પડી નથી. મારી ચારેય ડિલિવરી વખતે મને કોઈ પણ તકલીફ થઈ નથી. કોઈ રોગ ન હોવાને કારણે મારી હેલ્થ સારી રહે છે. ફૅમિલી-ડૉક્ટર છે, પરંતુ તેની જરૂર પડતી નથી. મારું જીવન નિયમિત છે. સવારે સાડાછ વાગે ઊઠી નાહીધોઈ હવેલીમાં મંગળાદર્શન કરવા જાઉં છું. ત્યાંથી ઘરે આવીને ઠાકોરજીની સેવા કરું છું. પછી પેપર વાંચવાં. બાર વાગ્યે જમવાનું. થોડો આરામ કરી ટીવી જોવાનું અને બપોરે ચાર વાગ્યે બહાર જવાનું થાય. ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલી હોવાથી ક્યાંક ને ક્યાંક જવાનું થાય. વ્યાવહારિક સંબંધો નિભાવવા જવું પડે. દિવસ આખો પ્રવૃત્ત રહેવાથી શરીર ક્યારેક માંદું-સાજું પડ્યું હોય તો પણ એને મહત્વ ન આપું. બે વખત જમવાનું અને ક્યારેક નાસ્તો કરવાનો. ઉંમર વધતાં મિતાહારી બનીએ તો સ્વસ્થ રહેવાય. તંદુરસ્તીની મને કુદરતી બક્ષિસ મળી છે, જેને કારણે હું સતત ઉત્સાહી રહું છું.’

ભવ્ય ઉજવણી

તેમના લગ્નજીવનની સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી ભારે દબદબાપૂર્વક ઊજવવામાં આવી હતી. તેમનાં સંતાનોએ સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી અને ૭૫ વર્ષ પૂરાં થતાં તેમણે તેમના પરિવાર અને મિત્રો સાથે રિસૉર્ટમાં ભવ્ય ઉજવણી કરી હતી. જાત-જાતની અનેક ગેમ રમાડવામાં ચૅમ્પિયન કળાબહેન ઘરમાં માથું મારતાં નથી. પોતાના કામ પોતે જાતે જ કરે છે અને જરૂર પડે તો બધું જ કામ કરી શકે છે.

સારા સંબંધો

કપડાં-ઘરેણાંના શોખીન કળાબહેન કહે છે, ‘બધા સાથે સારા સંબંધો છે. મારું સોશ્યલ સર્કલ ખૂબ મોટું છે. બીજાને ઉપયોગી થઈને તેનું કામ પાર પાડવું એ મને ગમે છે. વળી વેવિશાળ, લગ્ન, સીમંત, મરણ, વગેરેમાં થતી વિધિની હૈયાસૂઝ હોવાથી માર્ગદર્શન પણ આપું છું. ઘરના કામની જવાબદારી નથી, પરંતુ અત્યારે પણ હું કંટાળા વગર બધું કરી શકું એટલી મારામાં હામ છે.’

સ્વબળે આગળ વધેલાં ખુદ્દાર અને ખુમારી ધરાવતાં કળાબહેને ક્યારેય પતિ કે દીકરા પાસે પૈસા માગ્યા નથી. ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસથી જીવનને ધબકતું રાખતાં કળાબહેન ઉંમર સાથે વધારે ઍકિટવ થયા છે.

નિવૃત્તિમાં પ્રવૃત્તિ

પોતાના શોખ અને પ્રવૃતિઓ વિશે કળાબહેન કહે છે, ‘મને અને મારા પતિને હરવાફરવા તથા નાટકો જોવાનો ભારે શોખ. અનેક ગ્રુપો સાથે જોડાયેલાં હોવાથી અમે ખૂબ ફર્યા છીએ. વળી પ્રવાસનો પણ ભારે શોખ હોવાથી આખું હિન્દુસ્તાન તથા વર્લ્ડમાં ફર્યા છીએ. આજે પણ હું ફરવા જાઉં છું. વર્લ્ડમાં માત્ર યુરોપ અને રશિયા જોવાના બાકી છે.’

સદાય પ્રવૃત્ત રહેતાં કળાબહેન એકલેહાથે ટ્રાવેલિંગ, કેટરિંગ અને વિડિયો-શૂટિંગ સાથે આખી ટૂરનો બિઝનેસ હૅન્ડલ કરતાં હતાં. તેમણે પાંચ વર્ષ ‘મનોરંજન મસ્તી’ નામની સંસ્થા ચલાવી જુદા-જુદા પ્રોગ્રામ કર્યા હતાં. ભરપૂર સોશ્યલ ઍક્ટિવિટી કરતાં કળાબહેનને ઘરમાં સૌનો સાથ-સહકાર સારો છે. છેલ્લાં ૧૦ વર્ષથી નાટ્યગ્રુપ ચલાવે છે. વળી ધાર્મિક શ્રદ્ધા ધરાવતાં કળાબહેને નર્જિળા એકાદશી, જન્માષ્ટમી, ધર્મરાજાનું વ્રત, સૂરજ-પાંદડાં, ગાય-તુલસી, ગાયગૌણી અને અધિક માસમાં ઉપવાસ કર્યા છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK